ભાગઃ 2 | અગિયાર વર્ષની છોકરી, ત્રીસ વર્ષનો પતિઃ વિદ્રોહની સજા

નામઃ ફૂલનદેવી
સ્થળઃ 44 અશોક રોડ, નવી દિલ્હી
સમયઃ બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001
ઉંમરઃ 37 વર્ષ

મલ્લાહ જાતિના લોકો ખૂબ ગરીબ અને માનસિક રીતે પણ પછાત કારણ કે, સદીઓથી એમણે
જમીનદારોની ગુલામી કરીને પોતાનો જીવનનિર્વાહ કર્યો છે. 1985માં ‘ભારત કે લોગ’ નામનો એક બૃહદ
રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો, જેમાં મળતી માહિતી મુજબ 3539 હિન્દુ સમુદાય, 584 મુસલમાન
સમુદાય, 339 ખ્રિસ્તી સમુદાય, 130 શીખ સમુદાય, 93 બૌધ્ધ સમુદાય, 100 જૈન સમુદાય, 9 પારસી
સમુદાય, 7 યહુદી સમુદાય સિવાય 411 એવા કબીલા છે જે વિભિન્ન આદિવાસી રિવાજોને માને છે.
ભારતમાં કુલ 4635 જાતિ છે જેમાં 3000 જેટલી હિન્દુ જાતિ છે, જેમાં 751 અનુસૂચિત જાતિ છે અને
જેમાં એક મલ્લાહ જાતિ છે…

હું આવી મલ્લાહ જાતિની દીકરી છું. અમારી જ્ઞાતિ, અમારી જાતિ અને જ્ઞાતિમાં દીકરીઓને
ભણાવવાનો રિવાજ નથી બલ્કે, બીજી દીકરીનાં જન્મ પર માને રડવું આવે એવી સ્થિતિ આજે પણ છે.
મારો ભાઈ ખૂબ નાનો અને ચાર બહેનો પછી સૌથી છેલ્લો. મારા પિતા એક સીધાસાદા સરળ માણસ.
યમુનાના ઘાટ પર હોડી ચલાવવાનું કામ કરે. મારા દાદાજીએ બે એકર જમીનમાંથી એક એક એકર બંને
દીકરાઓને આપી, પણ મારા કાકા બિહારીલાલે અમારી જમીન પડાવી લીધી. અમે જમીન ઉપર જ ઘર
બાંધીને રહેતાં હતાં, પરંતુ અમારે ઘર છોડી દેવું પડ્યું અને ગામની બહાર એક નાનકડી ઝુંપડી બાંધવી પડી.
હું દસ વર્ષની હતી, પણ મારા કાકા બિહારીલાલ અને એના દીકરા મયાદીન સામે મેં જોરશોરથી અવાજ
ઉઠાવ્યો. ખેતરની બરોબર વચ્ચોવચ બેસી ગઈ, મેં કહ્યું, ‘ચલાવો હવે હળ!’ ગામના લોકો ભેગાં થઈ ગયાં.
એમના માટે તો આ તમાશો જ હતો. નવાઈની વાત એ છે કે, બધા જ જાણતાં હતા કે હું સાચી છું તેમ છતાં
કોઈએ મને સાથ ન આપ્યો. ઉપરથી, મારી માને કહ્યું, ‘છોકરી જાત કા ઈતના બડબોલા હોના અચ્છી બાત
નહીં હૈ.’ મારા કાકાએ મજુર બોલાવીને અમારું લીમડાનું 20-25 વર્ષ જૂનું ઝાડ કપાવી નાખ્યું. મયાદીન
ત્યાં ઊભો રહીને ઝાડ કપાવતો હતો ત્યારે મેં ગુસ્સામાં મયાદીનના માથામાં ઈંટ મારી. એને છ ટાંકા આવ્યા.
જમીન તો અમને પાછી ન મળી, પણ ગામ લોકોની શરમે બિહારીલાલે અમને અમારા ઘરમાં રહેવા દેવા
પડ્યા.

મયાદીને અમને રાત-દિવસ હેરાન કરવા માંડ્યા. અમારે વારંવાર ઝઘડા થતા. અંતે, કંટાળીને મારી
માએ મને એની ફોઈની દીકરીને ત્યાં મોકલી આપી. ત્યાં કંઈ જુદું નહોતું, મારી માસીનો દીકરો અડધી રાત્રે
મારા બિસ્તરમાં આવી જતો. હું મારી માસીને કશું કહી શકતી નહીં… એક દિવસ મેં મારી માસીના દીકરાને
એનું માથું પકડીને ભીંતમાં એટલી વાર ભટકાવ્યું કે, એ બીજી વાર મને છેડવાનું ભૂલી ગયો. હું આવું સહન
કરી શકું એવો મારો સ્વભાવ જ નહોતો. મેં મનોમન નક્કી કરી લીધું કે, હું હવે અહીંયા નહીં રહું. મારા
પિતાના એક મિત્રની નાવમાં બેસીને હું મારે ગામ પાછી આવી ગઈ.

હું પાછી આવી એ જોઈને મયાદીનને ખૂબ ગુસ્સો ચડ્યો. એ અમારે ઘેર આવીને ખૂબ લડ્યો, મેં એ
દિવસે બધાની સામે મયાદીનને માર્યો. પડોશીઓની સામે પોતાની બેઈજ્જતી થઈ એ મયાદીનથી સહન ન
થયું. 11 વર્ષની છોકરી આવા મોટા 20 વર્ષના છોકરાને ટોળાંની સામે કૂટે, એ બિહારીલાલ અને મયાદીન
માટે નાક કપાવવા જેવું હતું. મયાદીને પોતાનું વેર લીધું. એણે મારી માને ડરાવી કે, ચાર-ચાર દીકરીનાં લગ્ન
કરવા સરળ નથી. ગામના લોકો એક પછી એક આવીને મારી બહેનો સાથે ખરાબ વર્તન કરશે. એણે મારી
માને સમજાવી કે, ‘એણે દીકરીઓને નાની ઉંમરે જ પરણાવી દેવી જોઈએ.’ ભોળી ગણો કે મૂરખ, પણ મારી
મા એની વાતમાં આવી ગઈ. મયાદીને એને લાલચ આપી કે, જો એ મારા લગ્ન મયાદીનના મિત્ર પુત્તીલાલ
સાથે કરી દેશે તો મયાદીન એમની જમીન એમને પાછી આપી દેશે. મેં મારી માને ઘણી સમજાવી કે, ‘આ એક
ઝાંસો છે. મયાદીન ક્યારેય જમીન પાછી આપવાનો નથી…’ પણ, હું ખૂબ નાની હતી અને મારી વાત
કોઈએ સાંભળી નહીં. મારા પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું એટલે બિહારીલાલ હવે અમારા પરિવારના વડા
તરીકે પોતાની હકુમત ચલાવતા હતા. અંતે 11 વર્ષની છોકરીનાં લગ્ન 30 વર્ષના પુત્તીલાલ સાથે કરી દેવામાં
આવ્યા.

પુત્તીલાલ સાથેના લગ્ન પછી મારી સ્થિતિ ખૂબ ખરાબ હતી. 30 વર્ષનો માણસ શરાબી હતો. એ
રોજ મારી સાથે બળાત્કાર કરતો. મારે રસોઈ બનાવવી પડતી. બકરીઓ ચરાવવી પડતી, ઘર સાફ રાખવું
પડતું અને એ બધું કર્યા પછી રાત્રે નશાની હાલતમાં હું ગમે તેટલી ચીસાચીસ કરું એ સાંભળતો નહીં ને એણે
બહુ વાર હાથ જોડીને, કરગરીને વિનંતી કરી હતી કે, ‘હું તારું બધું કામ કરીશ પણ, મને થોડી મોટી થવા દે…
પછી શરીરનો વિચાર કરજે’ પરંતુ એ ભૂખ્યા રાક્ષસની જેમ મારા શરીરને ચૂંથતો. એક દિવસ બકરીઓ
ચરાવવાને બહાને હું એના ગામથી નીકળી અને મારે ગામ પહોંચી ગઈ.

મેં મારી માને કહી દીધું, ‘હું હવે પાછી ત્યાં નથી જવાની.’ માએ મને ખૂબ મારી, પણ હું કોઈ રીતે
માની નહીં. બિહારીલાલ અને માયાદીને ભેગા થઈને મને ધમકાવી, ડરાવી, પણ મેં પુત્તીલાલને ઘેર જવાની
ચોખ્ખી ના પાડી દીધી. એમના હાથ હેઠા પડ્યા એટલે એમણે નવો રસ્તો અપનાવ્યો. મયાદીને પેંતરો રચીને
ગામના એક ગુજ્જરને ત્યાંથી મેં ચોરી કરી છે એવો આરોપ મૂક્યો. એણે પોલીસ કમ્પ્લેઈન કરી. ખરેખર મેં
કોઈ ચોરી કરી જ નહોતી… તેમ છતાં અમારે ઘરેથી એણે જે કહ્યું હતું એવું ઘરેણું અને પૈસા મળ્યા. હું તો
જાણતી જ હતી કે, આ બધું નાટક છે, પણ મારી વાત કોણ સાંભળે?

પોલીસ મને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં મારી સાથે બે રાત લગાતાર બળાત્કાર
કરવામાં આવ્યો. આ બે દિવસ મારી મા વારંવાર પોલીસ થાણાની બહાર બેસી ગઈ. એણે ખૂબ વિનંતી કરી,
પરંતુ એમણે મને છોડી નહીં. અંતે, બે દિવસ પછી ચેતવણી આપીને મને છોડવામાં આવી ત્યારે મારું શરીર
ફરી એકવાર ચૂંથાઈને લીરેલીરા થઈ ગયું હતું, પણ મારું મન કોઈ પત્થર જેવું જડ અને મગજ વળ ખાધેલી
દોરી જેવું કઠ્ઠણ થઈ ગયું હતું. પુત્તીલાલ મને લેવા આવ્યો, પણ મેં પથરા મારીને એને દૂરથી જ ભગાડ્યો.

હવે હું મારી માની સાથે જ રહેતી હતી. ઠાકુર જમીનદારો અને ગુજ્જરોના ખેતરોમાં મજૂરી કરતી.
મારી બીજી બે બહેનોને સાચવવાની જવાબદારી મેં ઉઠાવી લીધી હતી. બાળપણથી જ હું થોડી મ્હોંફાટ
હતી, પરંતુ સાથે જ હિંમતવાળી અને મજબૂત પણ હતી. હું લગભગ 15 વર્ષની હતી ત્યારે ગામના મુખીના
દીકરા સુરેશચંદ્રએ મને રસ્તા પરથી ઉઠાવીને એની મોટર સાઈકલ પર નાખી. એ મારી છાતી પર અને
પાછળના ભાગ પર હાથ ફેરવવા માંડ્યો. મેં એને મોટર સાઈકલ રોકવાનું કહ્યું, પણ એણે મારી વાત સાંભળી
નહીં. છેલ્લે, મેં એને એક થપ્પડ મારી અને એના હાથમાં બચકું ભર્યું. મોટર સાઈકલ અટકી ગઈ. હું ઉતરી
અને મેં એના મોઢા પર બીજી થપ્પડ મારીને એને કહ્યું, ‘મેં મલ્લાહ કી બેટી હું, ઈસકા મતલબ યે નહીં હૈ કિ,
તુમ ગાજર-મૂલી કી તરહ મુજે ખેત સે ઉખાડ લો.’

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *