ભાગઃ 2 | મેં લખેલા ત્રણ હજાર પત્રોમાંથી મારી બેને ફક્ત 160 જ સાચવ્યા,જો એ પત્રો હોત તો મારી સાચી ઓળખ થઈ શકી હોત!

નામઃ જેઈન ઑસ્ટિન
સ્થળઃ વિન્ચેસ્ટર કેથેડ્રલ
સમયઃ 19 જુલાઈ, 1817
ઉંમરઃ 41 વર્ષ

11 વર્ષની ઉંમરે બ્રિટીશ પરિવારમાં ઉછરેલી કોઈ છોકરી સાહિત્યની રચના કરે… આ વિચાર
જ કદાચ મારા પરિવાર માટે આઘાતજનક હતો. એ સમયે લખાતી નવલકથાઓ સ્ત્રીને ઉપદેશ
આપવા માટે, એની પ્રેમની લાગણીઓ અને ભાવનાત્મક, સંવેદનાઓને વધુ પ્રબળ બનાવવા માટે
લખાતી હતી. એવા સમયમાં મેં જે કંઈ લખ્યું એ સ્ત્રી સશક્તિકરણ, સામાજિક રીતે ગેરકાયદે થતા
વર્તન અને સ્ત્રીઓને ઉપદેશ આપતી નવલકથાઓની પેરોડી કરી નાના નાના નાટકો લખ્યા. જેમાં
મારા વિવિધ શાળાના પાઠ્યપુસ્તકોની મજાક ઉડાવતી પેરોડી પણ મેં લખી. 11 વર્ષની હતી ત્યારે હું
જે નવલકથાઓ લખતી તે મારા પરિવારોને બતાવતી નહીં બલ્કે, એમને આનંદ થાય તેવી કવિતાઓ
અને વાર્તાઓ લખીને મોટા અવાજે મારા પારિવારિક ડીનરના સમયે વાંચતી ત્યારે મને ખૂબ શાબાશી
મળતી. મારી મા બહુ અભિભૂત થતી કારણ કે હું શાળામાં ગયા વગર આટલું સારું અંગ્રેજી લખી
શકતી! મારી બેન કેસેન્ડ્રાને આ બધું બહુ ગમતું નહીં, એની ખબર મને બહુ મોડી પડી!

9થી 11 વર્ષની ઉંમર દરમિયાન મેં લગભગ 29 કૃતિઓ લખી. મારા હસ્તાક્ષરમાં, બાઉન્ડ
નોટબુક્સમાં. એ વખતે 1783 અને 1793ની વચ્ચે લખેલી આ બધી કૃતિઓ મેં સંતાડી રાખી હતી,
પરંતુ જ્યારે મારી નવલકથાઓ અને મારું લખાણ લોકોને ગમવા લાગ્યું ત્યારે મેં એ ત્રણ નોટબુકને
‘વોલ્યુમ ધ ફર્સ્ટ’, ‘વોલ્યુમ ધ સેકન્ડ’ અને ‘વોલ્યુમ ધ થ્રી’ તરીકે પ્રકાશિત કર્યાં જેને સમીક્ષકોએ
જુવેનિલિયા કહ્યા. આ કૃતિઓમાં ‘લવ એન્ડ ફ્રેન્ડશિપ’ નામની એક નવલકથા પણ છે જેમાં મેં એ
સમયે લખાતી પરિકથાઓ જેવી લવ સ્ટોરીઝની મજાક ઉડાવી હતી. 34 પાનાંની એક ‘હિસ્ટ્રી ઓફ
ઈંગ્લેન્ડ’ નામની વાર્તા પણ લખી હતી જેમાં મેં અને મારી બેને 13 વોટર કલરના ચિત્રો પણ
બનાવ્યાં હતા. 18 વર્ષની ઉંમરે મને લાગ્યું કે, મારે વધુ ગંભીર અને ખાસ કરીને સમજદારીપૂર્વકનું
લખાણ લખવું જોઈએ. જોકે, હજી મારા નામે પ્રકાશિત કરવાની હિંમત મારામાં નહોતી આવી.

લગભગ 1792માં મેં પહેલી નવલકથા લખવાની શરૂ કરી. હું 18થી 20 વર્ષની હોઈશ અને
‘લેડી સુઝન’ લખાઈ. હવે લોકો માને છે કે, ‘લેડી સુઝન’ એક જાતિય શિકારી હતી. પોતાની બુધ્ધિ
અને વશીકરણનો ઉપયોગ કરીને એણે એના પ્રેમીઓ, મિત્રો અને પરિવાર સાથે ચાલાકી અને દગો
કર્યો…

‘લેડી સુઝન’ની વાર્તા મને મારી ભાભી એલિઝા ડી ફ્યુલિડના જીવન પરથી મળી છે એવું
ઘણા માને છે. એલિઝાના ફ્રેન્ચ પતિને 1794ની ક્રાંતિ દરમિયાન ગિલોટીંગ કરવામાં આવ્યો હતો.
એલિઝા જ્યારે અમારા પરિવારમાં આવી ત્યારે એકલી, અમીર અને વિધવા હતી. એણે સમય જતાં
મારા ભાઈ હેન્રી ઑસ્ટિન સાથે લગ્ન કર્યાં.

તાજી વિધવા થયેલી એક સુંદર અને મોહક સ્ત્રીની કથા છે, ‘લેડી સુઝન.’ કેથરિન એના
સાળાની પત્ની છે. જેના લગ્ન અટકાવવાના પ્રયાસ લેડી સુઝને કોઈ એક સમયે કર્યો હતો. કેથરિનનો
ભાઈ રેજિનાલ્ડ અનેક ચેતવણીઓ છતાં લેડી સુઝનના પરિચયમાં આવે છે અને એની સાથે જોડાય
છે. ધીરે ધીરે સમજાય છે કે, લેડી સુઝન પોતાના મનોરંજન માટે આવા પુરુષો સાથે, એમના સ્નેહ
અને સંવેદના સાથે રમે છે. એની 16 વર્ષની પુત્રી શાળામાંથી ભાગી જવાનો પ્રયત્ન કરે છે અને
કેથરિનને મળે છે… આ કથામાં સર જેમ્સ માર્ટિન, અને બીજા એવા લોકોની કથા છે જે લોકો લેડી
સુઝનના પ્રેમમાં પડે છે, પસ્તાય છે!

જ્યારે સ્ત્રીઓને ઉપદેશાત્મક અને પ્રેમીને વફાદાર રહેવાની પરિકથાઓ સંભળાવવામાં
આવતી હતી ત્યારે આવા પ્રકારની નવલકથા કોઈને ન જ ગમે એ સ્વાભાવિક નથી? અને આ તો મેં
માત્ર 18 વર્ષની ઉંમરે લખેલી. ત્યારથી જ સૌને લાગેલું કે હું બળવાખોર સાહિત્ય તરફ આગળ વધી
રહી છું. મારા પરિવારમાં તો કોઈને બહુ ખ્યાલ નહોતો, પણ કેસેન્ડ્રાએ મને મારી નવલકથાઓ
પ્રકાશિત કરતી વખતે મારું નામ ન વાપરવાની સલાહ આપી. જેને કારણે મારી શરૂઆતની કૃતિઓ
નામ વગર પ્રકાશિત થઈ! જોકે, નામ વગર પ્રકાશિત થયેલી એ કૃતિઓને પણ વખાણવામાં આવી.

લેડી સુઝન પછી મેં એલિનોર અને મારિયાની શરૂ કરી. 21 વર્ષની વયે એનો પહેલો ડ્રાફ્ટ
પૂરો કર્યો અને એ હસ્તપ્રતો સાચવી રાખી જે 1811માં ‘સેન્સ એન્ડ સેન્સિબિલિટી’ તરીકે પ્રકાશિત
થઈ. મારી તમામ નવલકથાઓના એક કરતાં વધુ ડ્રાફ્ટ બન્યા છે અને એ એવો સમય હતો જ્યારે
હસ્તપ્રત સિવાય બીજી કોઈ સાચવણીની રીત નહોતી. દરેક વખતે હું મારી હસ્તપ્રતો સાચવતી કારણ
કે, મેં મૂળ લખાણમાં કેટલા ફેરફાર કર્યાં એ જાણવાનો બીજો કોઈ રસ્તો નહોતો. જાણીને નવાઈ
લાગશે કે મેં મારી નવલકથા પ્રકાશિત કરવા માટે 1797માં લંડનમાં જાણીતા પ્રકાશક થોમસ કેડલને
પત્ર લખ્યો હતો. એમણે રિટર્ન ઓફ પોસ્ટ દ્વારા એને નકાર્યો, પરંતુ મેં મારા પિતાને એ નવલકથા
એટલી બધી ગમી કે એમણે પોતાના ખર્ચે એ નવલકથાને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કર્યો.

મારી મોટાભાગની નવલકથાઓના નામ પછીથી બદલવામાં આવ્યા. શરૂઆતમાં નોર્થ રેન્જર
એબી, બેન્જામિન ક્રોસબીને ઓફર કરી હતી અને લગભગ 16 વર્ષ સુધી એ પ્રકાશિત ન થઈ માટે
મારા ભાઈએ મારા મૃત્યુ પછી એના કોપીરાઈટ પાછા ખરીદી લીધા! જિંદગી બહુ વિચિત્ર ચીજ છે.
ખાસ કરીને, જે વ્યક્તિ પોતાના સમયથી આગળ ચાલતી હોય, વિચારતી હોય અને જીવતી હોય એને
માટે આ સમાજ ક્રૂર હોય છે. મારા માતા-પિતાએ કેસેન્ડ્રાના લગ્ન કર્યાં. હેન્રી, એડવર્ડ અને ચાર્લ્સે
પણ પોતપોતાની મરજીથી લગ્ન કર્યા. જોકે, મને ખબર છે કે મારા એક ભાઈ, જેણે એલિઝા
ફ્યુલિડની સાથે લગ્ન કર્યાં-હેન્રી. એ સિવાયના બે ભાઈઓની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. હું
એમની પાસેથી કોઈ મદદની આશા રાખી શકું એમ નહોતી.

એ જ દિવસોમાં ડિસેમ્બર, 1795થી જાન્યુઆરી 1796 દરમિયાન મારી ઓળખાણ ટોમ
લેફ્રોય નામની એક આઈરિશ વ્યક્તિ સાથે થઈ. એ યુવાન હતો. દેખાવડો અને અત્યંત સદગૃહસ્થ
હતો. એ એના કાકા-કાકી પાસે આવ્યો હતો, ક્રિસમસની ઉજવણી કરવા માટે. અમારો પરિચય એક
સામાજિક મેળાવડામાં થયો. એ પછી અમે અનેકવાર મળ્યા, પરંતુ એ પોતાના શિક્ષણ માટે
આયર્લેન્ડમાં વસતા એના કાકા-કાકી પર નિર્ભર હતો. ગ્રેજ્યુએશન પછી એ પોતાનું કાનૂની શિક્ષણ
પૂરું કરવા માટે ઈંગ્લેન્ડ જવાનો હતો. જેના પૈસા એના મોટા કાકા ચૂકવવાના હતા. જેમને હું જરાક
પણ ગમી નહીં. સ્વાભાવિક છે! આવા લખાણો લખતી, સમાજના નિયમો પર વ્યંગાત્મક ટીકાઓ
કરતી અને પુરુષોના વર્તન વિશે દ્રઢ અને મજબૂત અભિપ્રાય ધરાવતી એક ઈંગ્લિશ છોકરી સાથે એક
આઈરિશ છોકરાના લગ્ન કઈ રીતે શક્ય હતા? મેં મારી બેન કેસેન્ડ્રાને લખેલું, ‘લેફ્રોય ખૂબ જ
સજ્જન, દેખાવડા અને ખુશમિજાજ વ્યક્તિ છે.’ જ્યારે ટોમ લેફ્રોયના પછીથી પ્રકાશિત થયેલા
પત્રોમાં એમણે પણ એમના મિત્રને લખ્યું છે, ‘જેઈન 20 વર્ષની એક તેજસ્વી જીવંત અને સુંદર છોકરી છે.
એને સંગીત, નૃત્ય ગમે છે. એની સાથે હાસ્ય અને જીવંત વાતચીતનો આનંદ હું માણી રહ્યો છું.’

જોકે, ટોમ થોડા અઠવાડિયા માટે હેમ્પશાયરમાં રહ્યો. એ લંડન પાછો ગયો ત્યાં સુધી અમે
ડાન્સ, ચેટ અને ફ્લર્ટ કરતાં રહ્યા. ટોમના ચાલી ગયા પછી મને થોડો ખાલીપો અને એકલતા ચોક્કસ
લાગ્યા, પરંતુ હું નિરાશ કે એકલવાયી નહોતી થઈ કારણ કે, હું એક પ્રેક્ટીકલ છોકરી હતી. ટોમની
મજબૂરી અને આઈરિશ પરિવારના દુરાગ્રહો મને સમજાતા જ હતા. હું લગ્ન કરવા માગતી હતી કે
નહીં એ વિશે પણ સાચું પૂછો તો હું સ્પષ્ટ નહોતી. મારી છએ નવલકથામાં જે પુરુષો વિશે મેં લખ્યું
છે એ દરેક વખતે મારા જીવનમાં આવેલા કોઈને કોઈ પુરુષનું એક ચિત્ર મારી સામે રહ્યું છે એટલું તો
મારે સ્વીકારવું જ જોઈએ. મેં મારી બેનને લખેલું, ‘મને એ મિત્ર તરફથી ઓફરની અપેક્ષા છે જ. પરંતુ હું
ના પાડીશ.’ એના પત્રમાં એણે સ્પષ્ટ લખ્યું છે, ‘આવતીકાલે ટોમ જઈ રહ્યો છે. હું એની સાથે છેલ્લી વખત
ફ્લર્ટ કરીશ. તને આ પત્ર મળશે ત્યારે બધું સમાપ્ત થઈ ગયું હશે. હું આ લખું છું ત્યારે મારી આંખમાં આંસુ
ચોક્કસ આવે છે, પણ એ છેલ્લીવારના આંસુ છે… આવતીકાલથી હું ટોમ માટે નહીં રડું.’

એ પછી ટોમ લેફ્રોય હેમ્પશાયર આવ્યો હતો, પરંતુ એને મારાથી દૂર રાખવામાં આવ્યો. જોકે,
થોડા વર્ષો પછી પણ ટોમ લેફ્રોય મારા મગજમાં હતો કારણ કે, મેં મારી બેનને લખેલા એક પત્રમાં
ઉલ્લેખ કર્યો છે, ‘હું આપણા સંબંધી સાથે ચા પીતી હતી ત્યારે ટોમ વિશે પૂછવા માગતી હતી કારણ
કે, એ ટોમના સંપર્કમાં છે, પરંતુ હું એ વાત કાઢી જ શકી નહીં.’

મેં મારી બેનને લખેલા ત્રણ હજાર જેટલા પત્રોમાંથી એણે ફક્ત 160 જેટલા પત્રો સાચવ્યા.
બાકીના પત્રો એણે બાળી નાખ્યા કારણ કે, એના રૂઢિચુસ્ત વિચારોમાં એ એવું માનતી હતી કે, મેં
લખેલા પત્રોના વિચારો અમારી નાની ભત્રીજીઓ, પડોશીઓ, પરિવારના સભ્યો અને સમાજમાં
કોઈપણ વાંચે તો એ મારે વિશે સારું નહીં વિચારે!

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *