નામઃ જુલિયા રોબર્ટ્સ
સ્થળઃ કેલિફોર્નિયા
સમયઃ 2023
ઉંમરઃ 56 વર્ષ
ન્યૂયોર્કની દુનિયા સાવ અલગ હતી. જ્યોર્જિયાનું એ નાનકડું ગામ ભલે અમેરિકાનું શહેર હતું,
પરંતુ એ નાનકડા ગામની દુનિયા સાવ અલગ હતી. ન્યૂયોર્ક પહોંચીને મને સમજાયું કે, સાચા અર્થમાં
‘અમેરિકા’ શું હતું? મેં કામ કરવાનું શરૂ કર્યું એ સૌથી પહેલી જાહેરાત પછી મને ફિલ્મોની ઓફર
આવી. 13 ફેબ્રુઆરી, 1987માં મારો પહેલો એપિસોડ પ્રસારિત થયો. જેમાં ડેનિસ ફેરિનાની સાથે
ક્રાઈમ સ્ટોરીની એક ટીવી સીરિયલની સિઝનમાં મેં કિશોર બળાત્કાર પીડિતાનો અભિનય કર્યો. એ
વખતે મને 350 ડોલર મળ્યા હતા, પરંતુ પોતાની જાતને પહેલીવાર ટીવી પર જોઈને મને જે રોમાંચ
થયો હતો એને હું ક્યારેય ભૂલી નહીં શકું. એ પછી અનેક ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણી સહિત
બ્રોડવેના મ્યુઝિકલમાં પણ મેં અભિનય કર્યો, પરંતુ એ પ્રથમ વખત સ્વયંને જોવાનો રોમાંચ મારા
જીવનની એવી અનુભૂતિ છે જેને કારણે હું આજે પણ અભિનયને ચાહું છું. 1988માં એક બીજી
ડ્રામા અને કોમેડી સીરિઝમાં મેં કામ કર્યું, જેનું નામ હતું ‘સેટિસ્ફેક્શન’. એ ગાળામાં હું લિયામ
નિસનને મળી. હું 19 વર્ષની હતી અને લિયામ 35 વર્ષનો. ન્યૂયોર્કમાં એ વખતે લિયામ નિસન અને
જસ્ટીન બેટમેનનું એક બેન્ડ હતું. એ બેન્ડમાં મેં ઘણા સમય સુધી એમની સાથે વોકલિસ્ટ અને રિધમ
ગિટારિસ્ટ તરીકે કામ કર્યું. એ દરમિયાન હું લિયામના પ્રેમમાં પડી. અમારી વચ્ચે 16 વર્ષનો ઉંમરનો
તફાવત હોવા છતાં અમે એકમેકને ખૂબ પ્રેમ કરતાં હતા. અમે વેનિસ (કેલિફોર્નિયા)માં સાથે રહેવા
લાગ્યા. એ સમય મારા જીવનનો ઉત્તમ સમય હતો એમ કહું તો ખોટું નથી કારણ કે, લિયામે મને
ઘણું શીખવ્યું. જ્યોર્જિયાના નાનકડા ટાઉનમાંથી આવેલી એક છોકરીને એણે એક સોફેસ્ટિકેટેડ
અભિનેત્રી અને ગ્લેમગર્લ બનાવવામાં પોતાની પૂરી એનર્જી અને આવડત લગાવી દીધી. લગભગ દોઢ
વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી જ્યારે મને ફિલ્મોની ઓફર આવવા લાગી ત્યારે મેં બેન્ડ છોડવાની વાત
કરી. લિયામને એ મંજૂર નહોતું. અમે એકબીજા સાથે બ્રેકઅપ કરવાનું નક્કી કર્યું અને હું એક નાનકડો
અપાર્ટમેન્ટ ભાડે લઈને પાછી ન્યૂયોર્ક આવી ગઈ. મારી પાછળ મારો ભાઈ પણ ન્યૂયોર્ક આવ્યો. એ
પણ અભિનેતા બનવા માગતો હતો. એણે ‘બ્લડ રેડ’ નામની એક ફિલ્મ કરી. જેમાં મેં નાનકડું કામ
કર્યું. 1987માં બનેલી એ ફિલ્મ 1989 સુધી રિલીઝ ના થઈ. એ પછી 1988માં એક જબરજસ્ત
ટેલિવિઝન શ્રેણી મને મળી. ‘મિયામી વાઈઝ’, એ ટેલિવિઝન શ્રેણી જબરજસ્ત સફળ થઈ અને પછી
સાચા અર્થમાં મારી કારકિર્દીની શરૂઆત થઈ. મને પહેલી કોમેડી ફિલ્મ મળી જેનું નામ હતું, ‘મિસ્ટીક
પિઝા’ જેમાં હું પિઝા પાર્લરમાં વેઈટર્સ તરીકે કામ કરનારી એક પોર્ટુગલ છોકરીની ભૂમિકા કરતી
હતી. એ ફિલ્મના રિલીઝ પછી ન્યૂયોર્ક અને લોસ એન્જેલિસના અનેક અખબારોએ મારી ભરપૂર
પ્રશંસા કરી. રોજર એબર્ટ નામના અમેરિકન ફિલ્મ ક્રિટિક જેની કોલમ સૌથી લોકપ્રિય છે એમણે
પોતાની કોલમમાં લખ્યું, ‘જુલિયા રોબર્ટ્સ એક અત્યંત દેખાવડી અને જબરજસ્ત અભિનેત્રી છે.
કોઈક દિવસ એ એવા ફિલ્મસ્ટાર્સની હરોળમાં બેસશે જ્યાં એ ઓસ્કાર માટે પોતાનું નોમિનેશન
નોંધાવી શકશે.’ એમની ભવિષ્યવાણી સાચી પડી. 1990માં ‘સ્ટીલ મેગ્નોલિયા’ નામની ફિલ્મ માટે
એકેડેમી (ઓસ્કાર) એવોર્ડમાં મારું નોમિનેશન થયું. એ ફિલ્મમાં કામ કરતી વખતે મારો પરિચય
ડિલન મેકડર્મોન્ટ સાથે થયો. ફિલ્મમાં એ મારા પતિનો રોલ કરતા હતા, જ્યારે અમારી રિલેશનશિપ
શરૂ થઈ ત્યારે મેં બહુ ગંભીરતાપૂર્વક એવો પ્રયાસ કર્યો કે, અમારો સંબંધ નેવ્યા સુધી ન પહોંચે. હું ડરું
છું કે છુપાવવા માગું છું એવો કોઈ વિચાર નહોતો, પરંતુ મને અંગત સંબંધોને અંગત રાખવા ગમે છે.
બીજી અમેરિકન અભિનેત્રીઓની જેમ મને મારા સંબંધો વિશે જાહેરમાં વાત કરવી કે લાગણીનું
પ્રદર્શન જાહેરમાં કરવું ક્યારેય ગમ્યું નથી. ડિલન પણ મારી સાથે સહમત હતા, એટલે અમારા
સંબંધોને અમે મીડિયાની નજરથી દૂર રાખવાનો શક્ય એટલો પ્રયાસ કર્યો. એ વખતે મેં મેલીબુમાં
6200 સ્કવેર ફૂટનું સુંદર ઘર લીધું. પાંચ માળનું આ ઘર દરેક માળ પર ફક્ત બે જ બેડરૂમ ધરાવતું
વિશાળ ઘર હતું. મને આ ઘર ખૂબ ગમી ગયું અને થોડોક વખત માટે અમે (હું અને ડિલન) એ ઘરમાં
શિફ્ટ થયા. લગભગ બે વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી અમે એન્ગેજમેન્ટ કર્યાં, પરંતુ સદભાગ્યે કે દુર્ભાગ્યે
એ સંબંધ લગ્ન સુધી ન પહોંચ્યો. અમે લગ્ન કરવાનું વિચારીએ એ પહેલાં જ અમને લાગ્યું કે સાથે
રહ્યા પછી અમે એકમેકને એડજેસ્ટ કરી શકતા નથી. અમે બ્રેકઅપ કર્યું. મેં હમણાં જ કહ્યું એમ મારી
જિંદગીમાં દરેક ખુશી સાથે એક નાનકડો ખાંચો આવે જ છે. જે વખતે મેં ડિલેન સાથે બ્રેકઅપ કર્યું,
એ જ વખતે મને ‘સ્ટિલ મેગ્નોલિયા’ માટે ઓસ્કારનું નોમિનેશન પણ મળ્યું. જોકે એ ફિલ્મ માટે મને
એવોર્ડ ન મળ્યો, પરંતુ એ પછી લગભગ આઠ વખત મારું નોમિનેશન થયું જેમાં બે ફિલ્મો ‘પ્રીટિ
વુમન’ અને ‘એરિન બ્રોકોવિચ’ માટે મને એકેડેમી (ઓસ્કાર્સ) મળ્યા.
સાચું પૂછો તો મારી જિંદગી બહુ વિચિત્ર છે. અત્યારે વિચારું છું તો સમજાય છે કે, એવોર્ડ્સ,
સિનેમા, અભિનય કે સફળતા-નિષ્ફળતાના માપદંડ પર મેં ક્યારેય મારી જિંદગીને જોઈ જ નથી.
જિંદગીમાં જ્યારે જ્યારે સફળતા કે સમૃધ્ધિ મારા દરવાજે આવીને ઊભી રહી ત્યારે દરેક વખતે હું
કોઈને કોઈ સમસ્યામાં અટવાતી રહી, એટલે આમ જોઈએ તો સુખ અને દુઃખના બંને પલ્લાં મારી
જિંદગીમાં લગભગ સરખાં અને સમાંતર ચાલતા રહ્યા છે. જે વર્ષે મારી ફિલ્મને ઓસ્કાર નોમિનેશન
અને પહેલો એવોર્ડ મળ્યો એ જ વર્ષે મારી માનું મૃત્યુ થયું. એ પછીના વર્ષે જ્યારે ‘પ્રીટિ વુમન’ માટે
મને એવોર્ડ મળ્યો એ વર્ષે મારી બહેન નેન્સીનું ડ્રગ ઓવરડોઝથી મૃત્યુ થયું. મેં ઘણીવાર મારા
ઈન્ટરવ્યૂઝમાં કહ્યું છે કે, ‘હું ગમે તેટલી સફળ હોઉ અને ગમે તેટલી સમૃધ્ધિ મેળવું પણ સંબંધોની
બાબતમાં હું સાવ અધૂરી છું.’
1991માં સ્ટિવન સ્પિલબર્ગ મારી પાસે એક ફિલ્મનો પ્રસ્તાવ લઈને આવ્યા. જેનું નામ હતું,
‘ધ હૂક’. એ પછી જોએલ શુમાકર સાથે ‘ડાઈંગ યંગ’ જેવી ફિલ્મો કરી. માત્ર અમેરિકામાં જ નહીં,
વિશ્વભરમાં એ ફિલ્મોએ ખૂબ સારો બિઝનેસ કર્યો. એ જ વખતે રજૂ થઈ ‘સ્લિપિંગ વિથ ધ
એનિમી’. (એના પરથી હિન્દીમાં ફિલ્મ બની હતી ‘યારાના’-1995 અને ‘અગ્નિસાક્ષી’-1996),
પરંતુ મને લાગ્યું કે હું જાણે એક મશીન બની ગઈ હતી. રોજ સવારે ઊઠીને શૂટ કરવું મારો સ્વભાવ
નથી. મને મારો સમય (મી ટાઈમ) જોઈએ જ, મારો બગીચો, મારું વાંચન અને મારું સંગીત મારે
માટે બહુ જરૂરી છે. એ એવો સમય હતો જ્યારે મારી પાસે લગભગ દર અઠવાડિયે એક સ્ક્રીપ્ટ
આવતી. મેં બે વર્ષનો બ્રેક લેવાનું નક્કી કર્યું. એ દરમિયાન મેં હવાઈ (મયામી)માં એક ઘર ખરીદ્યું.
લગભગ 13 મિલિયન ડોલરના આ ઘરમાં મેં દિવાલો એટલી ઊંચી કરાવી કે, હું બહાર ન જોઈ શકું
અને કોઈ મને ન જોઈ શકે. એક જ કંપાઉન્ડમાં (બે એકર જમીન) આવેલા બે નાના નાના ઘરોનું આ
બીચ હાઉસ ખૂબ સુંદર હતું. હું ત્યાં રહેવા જતી રહી. મુખ્ય ઘરને મેં લાલ રંગે રંગાવ્યું અને બીજું
નાનકડું ઘર-મેં ગેસ્ટ હાઉસમાં તબ્દીલ કરી નાખ્યું. કિચનની દિવાલો તોડાવી નાખી અને ડાઈનિંગ
રૂમ ઓપન ટુ સ્કાય કરી નાખ્યો. ખૂબ મોટો બગીચો બનાવ્યો. લગભગ બે વર્ષ સુધી હોલિવુડના
સિનેમા વિશ્વમાં હું ક્યાંય દેખાઈ નહીં. એ વખતે ‘પિપલ’ નામના મેગેઝિનમાં કવર સ્ટોરી પ્રકાશિત
થઈ અને એનું ટાઈટલ હતું ‘વ્હોટ હેપન્ડ ટુ જુલિયા રોબર્ટ્સ?’ એ ન્યૂઝ સ્ટોરી વાંચીને જ્હોન
ગ્રિષમની નવલકથા પર આધારિત એક થ્રીલરનો વિષય મને ગમ્યો, ‘ધ પેલિકન બ્રિફ’. એ ફિલ્મે
દુનિયાભરમાં જબરજસ્ત સફળતા મેળવી. ખાસા સમય સુધી મને ફિલ્મ કરવાનું મન જ નહોતું થતું.
મારા મિત્રો કહેતા કે, હું આળસુ અને મૂર્ખ છું. આટલી બધી સફળતા મળતી હોય ત્યારે ઘરે બેસવા
જેવી બેવકૂફી ન કરવી જોઈએ એવું મને સૌ કહેતા હતા, પરંતુ મને લાગતું હતું કે મને જેટલા પૈસા
જોઈએ છે અને જે લાઈફસ્ટાઈલ જીવવી છે એટલા પૈસા હું કમાઈ ચૂકી છું. કારણ વગર નહીં ગમતી
સ્ક્રીપ્ટ પર કામ કરવું મને મંજૂર નહોતું. મેં ફિલ્મો રિજેક્ટ કરવા માંડી અને અમેરિકન સિનેમાના
બજારમાં એક એવી વાત ફેલાઈ ગઈ કે, હું હવે ફિલ્મોમાં કામ જ કરવા માગતી નથી. મને ઓફર્સ
આવતી બંધ થઈ ગઈ. પેલિકન બ્રિફ પછી બીજા બે વર્ષ મારી એક પણ ફિલ્મ રિલિઝ ના થઈ. જોકે,
મને કોઈ અફસોસ નથી, પરંતુ અમેરિકન અખબારોએ વારંવાર મારી ગેરહાજરીની નોંધ લીધી.
(ક્રમશઃ)