નામઃ લી શૂમેંગ ઉર્ફે લી જીન્હાઈ ઉર્ફે લી યૂન્હે ઉર્ફે લી હે ઉર્ફે લાન પીંગ ઉર્ફે જાંગ
ચિંગ ઉર્ફે લી જિન ઉર્ફે લી રુનકુન્ગ
સ્થળઃ બેઈજિંગ
સમયઃ 1992
ઉંમરઃ 77 વર્ષ
જિંદગી આપણને દરેક વખતે નવા વળાંકે લાવીને મૂકતી હોય છે. દરેક નવો વળાંક ક્યાંક
પહોંચે જ એવાં વચન તો જિંદગી પાસેથી માગી શકાતા નથી, પરંતુ એ વળાંક નહીં વળવાનો
અધિકાર પણ આપણને મળતો નથી. રસ્તો જે તરફ જાય એ તરફ ચાલતા રહેવા સિવાય આપણી
પાસે કોઈ વિકલ્પ હોતો નથી… મારી પાસે પણ નહોતો.
હ્યૂ ક્યૂવેઈથી છૂટા પડ્યા પછી મારી ઓળખ, મારી પોતાની જિંદગીને આકાર આપવો હતો.
હું જેલમાં જઈ આવી હતી. મારા ઉપર ક્રાંતિકારીનું લેબલ લાગી ચૂક્યું હતું. હવે ક્યાંય નોકરી મળે
એવી સંભાવના તો ઓછી જ હતી. મારી પાસે અભિનયની કળા હતી એટલે શાંઘાઈ જ મારી દુનિયા
છે એમ માનીને મેં અભિનયની દિશામાં આગળ વધવાનું નક્કી કરી લીધું, પરંતુ મારા જેલવાસ અને
ક્રાંતિકારી બેકગ્રાઉન્ડને કારણે મારે નામ બદલવું પડ્યું. મારું નામ હતું, લી હ્યુન્હેમાંથી એમાંથી
બદલીને મેં મારું નામ પાડ્યું, ‘લાન પીંગ’. જેનો અર્થ થાય છે, બ્લ્યૂ એપલ. અહીં મને અનેક ફિલ્મો
મળી. અનેક મ્યુઝિકલ નાટકોમાં મેં કામ કર્યું જેમાં, ‘સીન્સ ઓફ સિટી લાઈફ’, ‘બ્લડ ઓન વુલ્ફ
માઉન્ટેઈન’, ‘વોન્ગ લોવ્યૂ’, જેવાં સફળ પ્રોજેક્ટ્સ કર્યાં. એ જ વખતે યુરોપના પ્રખ્યાત લેખક
ઈબ્સનનું નાટક ‘ડોલ્સ હાઉસ’ (ઈબ્સન) પણ મેં ભજવ્યું. એ સમયમાં અભિનેતા-દિગ્દર્શક ટાંગ ના
સાથે મારા સંબંધો બંધાયા. અમે ‘સીન્સ ઓફ સિટી લાઈફ’માં, ‘ગોડેસ ઓફ ફ્રીડમ’માં સાથે કામ
કરતાં હતાં. માર્ચ, 1936માં મેં એમની સાથે લગ્ન કર્યાં. 22 વર્ષની ઉંમરે આ મારો ચોથો સંબંધ અને
બીજાં લગ્ન હતાં.
જોકે, અમારાં લગ્નનાં ત્રણ જ મહિનામાં હ્યૂ ક્યૂવેઈ શાંઘાઈ આવ્યો, એ મને મળ્યો અને
અમારા સંબંધો ફરી શરૂ થયા. હું એક અભિનેત્રી હતી-જાણીતો ચહેરો. હ્યૂ ક્યૂવેઈને શાંઘાઈની
હોટેલોમાં હું મળતી, શૂટિંગના બહાને કે બીજાં કારણોસર રાતભર ઘરેથી ગાયબ રહેતી. આ સ્કેન્ડલને
જાહેર થતા બહુ સમય ન લાગ્યો. અખબારોમાં તો અમારો સંબંધ ઉછળ્યો જ, પરંતુ ટાંગ ના પણ હવે
મારી સાથે રહેવા તૈયાર નહોતો. મેં બે વખત આત્મહત્યાના પ્રયત્નો કર્યાં, પણ એ પીગળ્યો નહીં,
ફક્ત એક જ વર્ષમાં-1937માં અમારા છૂટાછેડા થઈ ગયા. જોકે, આ બધાની અસર મારી કારકિર્દી
પર અવળી થવાને બદલે વિદ્રોહી અભિનેત્રી તરીકે હું વધુ લોકપ્રિય થઈ ગઈ. લીન હૂઆ ફિલ્મે મારી
સાથે કરાર કર્યો અને એક બહુ જ મોટું મ્યુઝિકલ ડ્રામા બનાવ્યું જેનું નામ હતું, ‘બિગ થન્ડર સ્ટ્રોમ’.
એ જ ગાળામાં ઝિયાંગ મિન (નાટકના ડિરેક્ટર) સાથે મારો અફેર શરૂ થયો જોકે, જાહેરમાં મેં એ
સંબંધને રદિયો આપવાનો બહુ પ્રયાસ કર્યો, પરંતુ એક ફોટોગ્રાફરે અમે બીચ ઉપર હતા ત્યારે અમારા
અંગત ફોટા પાડીને છાપી દીધા. એનાથી સ્કેન્ડલ ઉછળ્યું, પરંતુ અમારા ડ્રામાને ખૂબ પબ્લિસિટી
મળી.
એ પછીનો ખાસ્સો સમય મારી કારકિર્દી એક અભિનેત્રી તરીકે જ રહી. મેં બીજી કોઈ વાતમાં
રસ લેવાને બદલે એક અભિનેત્રી તરીકેના મારા કામ ઉપર ફોકસ કર્યું. જુલાઈ, 37માં માર્કો પોલો
બ્રિજની ઘટના બની, જેમાં જાપાનીઝ ઈમ્પિરિયલ આર્મી અને ચીનની રિવોલ્યુશન આર્મી વચ્ચે ફાયર
થયું. એ પછી આખા દેશમાં ઉઠેલા પડઘાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ખૂબ નુકસાન કર્યું. હું ઝિયાન ગઈ અને
એ પછી ચાઈનીઝ કમ્યુનિસ્ટ હેડ ક્વાર્ટ્સ યાનાન જઈને મેં રિવોલ્યુશન (ક્રાંતિ)માં ઝંપલાવવાનું નક્કી
કર્યું. એ વખતે આખું ચાઈના સળગી રહ્યું હતું. વિદ્યાર્થીઓ પણ જાપાનીઝ ઈમ્પિરિયલ આર્મીનો
વિરોધ કરી રહ્યા હતા. ચીનના યુવાન વિદ્યાર્થીઓને સાચા રસ્તે લઈ જવા માટે મેં ડ્રામા ડિપાર્ટમેન્ટ
જોઈન્ટ કર્યો. 1938માં એ નોકરી સ્વીકાર્યા પછી હું વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય થઈ ગઈ. યાનાન
આવ્યા પછી મારી મુલાકાત પહેલીવાર માઓ ઝેડોંગ સાથે થઈ.
એ વખતે એમનું ગ્લેમર આખા ચીન પર છવાયેલું હતું. લગભગ દરેક વિદ્યાર્થી માઓના
પ્રભાવમાં હતું. 13 વર્ષની ઉંમરે એમણે ભણવાનું છોડી દીધું હતું, પરંતુ શિક્ષણનું મહત્વ સમજાયું
ત્યારે હુનાનમાં ચાંગ શાં શહેરમાં ફરી ભણવા ગયા. ત્યાં એમની મુલાકાત ક્રાંતિકારીઓ સાથે થઈ અને
સ્થાનીય રેજિમેન્ટમાં ભરતી થઈને એમણે ક્રાંતિકારીઓને દિશા બતાવવાનું કામ કર્યું. એ વખતે
ચીનમાં રાજવંશ (રાજાઓ)નું રાજ્ય હતું. ક્રાંતિકારીઓ એનો વિરોધ કરી રહ્યા હતા. અંતે, રાજવંશની
સત્તા ગઈ ત્યારે રેજિમેન્ટ છોડીને એ ફરી વિશ્વ વિદ્યાલયમાં ભણવા ગયા. એ સતત વિદ્યાર્થીઓની
વચ્ચે રહ્યા અને ચીનના યુવાનોને કમ્યુનિસ્ટ અથવા સામ્યવાદી વિચારસરણી તરફ લઈ જવાનું કામ
કરતા રહ્યા. એમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે, ક્રાંતિની આખી પ્રવૃત્તિ ભયમાં હતી અને ‘રેડ ગાર્ડ’
ક્રાંતિવીરો ઉપર ખતરો તોળાઈ રહ્યો હતો. જો સમયસર અમીર અને વિશેષાધિકાર ધરાવતા લોકોને
ખતમ કરવામાં નહીં આવે તો આપણે ત્યાં પણ એ જ થશે જે કૃશ્ચેવને કારણે સોવિયેત યુનિયનમાં
થયું. વિદ્યાર્થીઓ એમનાથી પ્રભાવિત હતા અને ક્રાંતિવીરોની સંખ્યા વધતી જતી હતી. ચાઈના
રિપબ્લિકનો પાયો નંખાઈ ચૂક્યો હતો, ત્યારે હું પહેલીવાર માઓ-ત્સે-તુંગ અથવા માઓ ઝેડોંગને
મળી.
હું એમને મળી ત્યારે સિવિલ વૉર એની ચરમસીમા પર હતી. એ મારી ઉંમરથી લગભગ ડબલ
ઉંમરના હતા. હું એક પ્રસિધ્ધ અને વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતી એવી સ્ત્રી હતી, જેનું એમના
જીવનમાં કોઈ સ્થાન જ નહોતું. માઓના લગ્ન હે ઝીશેન સાથે થયેલા હતા, જેણે એમને એમની
ક્રાંતિકારી કારકિર્દીમાં ખૂબ સહકાર આપ્યો હતો એટલું જ નહીં, બંનેને પાંચ બાળકો હતા. મને પણ
સમજાયું નહીં કે, મારાથી ડબલ ઉંમર ધરાવતા આવા-તદ્દન સાદું જીવન જીવતા, લોકોની વચ્ચે રહેતા,
સતત રખડતા ક્રાંતિકારી સાથે મને પ્રેમ કેવી રીતે થઈ ગયો! હે ઝીશેન-એમની પત્નીનો રાજકારણ
અને સામ્યવાદી પાર્ટીમાં ખૂબ ચંચૂપાત હતો, જેને કારણે હે ઘણા લોકોને ગમતી નહીં. માઓની
પાર્ટીમાં પણ બે ભાગ પડી ગયા હતા. કેટલાક લોકો હે ઝીશેનની સાથે હતા તો કેટલાક લોકો દ્રઢતાથી
ઈચ્છતા હતા કે માઓ એને છોડી દે અને ચીનના રાજકારણમાં વધુ રસ લે. આવા લોકોએ મને સાથ
આપવાનું શરૂ કર્યું. અંતે, 28 નવેમ્બર, 1938ના દિવસે કમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટી દ્વારા
યોજાયેલા એક નાનકડા અંગત સમારંભમાં મેં માઓ સાથે લગ્ન કર્યાં. હજી એમના લગ્નના ડિવોર્સ
નહોતા થયા એટલે અમે એક કોન્ટ્રાક્ટ કર્યો, જેમાં મારે માઓની સાથે ક્યાંય પબ્લિકલી-જાહેરમાં
દેખાવું નહીં, રાજકારણથી આવનારા 20 વર્ષ દૂર રહેવું અને ક્યાંય પણ માઓનું નામ કે કમ્યુનિસ્ટ
પાર્ટીની ઓળખનો ઉપયોગ કરીને અંગત ફાયદો ન ઉઠાવવો એવા બધા ક્લોઝ નાખવામાં આવ્યા
હતા. મને કોઈ વાંધો નહોતો. મેં આનંદથી એ કોન્ટ્રાક્ટ સાઈન કરી દીધો. હું માઓ સાથે લગ્ન કરીને
ખુશ હતી. અમે એક દીકરીને જન્મ આપ્યો. જેનું નામ લી-ના પાડ્યું.
એ જ સમયમાં ચાઈના રિપબ્લિકની રચના થઈ. હે ઝીશેન અને માઓના છૂટાછેડા પણ થઈ
ગયા હતા. મારી બુધ્ધિ, પ્રતિભા અને લોકપ્રિયતાથી માઓ પ્રભાવિત જ હતા. એમને ખબર હતી કે,
જો જાહેરસભાઓમાં મારી હાજરીની જાહેરાત કરવામાં આવે તો એમને જોઈતી ભીડ એકઠી કરી
શકાશે. માઓ ઝેડોંગ અથવા માઓ-ત્સે-તુંગ ખૂબ ચાલાક રાજકારણી હતા. એમણે અમારા લગ્ન
વખતે કરેલો કોન્ટ્રાક્ટ કેન્સલ કરી શકે એમ નહોતા એટલે એમણે મને કમ્યુનિસ્ટ પાર્ટીની પ્રચાર
ફિલ્મોની દિગ્દર્શક નીમી દીધી. સાથે જ, સાંસ્કૃતિક વિભાગની સમિતિમાં પણ મને દાખલ કરી. હવે
હું સત્તાવાર રીતે કમ્યુનિસ્ટ પાર્ટીની મહત્વની સભ્ય બની, એટલે એમની જાહેરસભાઓમાં મારી
હાજરી વિશે પ્રશ્નો પૂછી શકાય એમ નહોતા. ધીમે ધીમે મેં મારી પકડ વધારવા માંડી. સાંસ્કૃતિક
વિભાગની સમિતિની ચેરપર્સન બની ગઈ અને 1930માં જે લોકોએ મને મારા અભિનયની કારકિર્દી
દરમિયાન હેરાન કરી હતી એ સૌની ઉપર એક પછી એક મેં વેર લેવાનું શરૂ કર્યું.
માઓ મારાથી ખૂબ પ્રભાવિત હતા કારણ કે, હું એમનો પ્રચાર જબરજસ્ત રીતે કરતી હતી.
મેં ધીરે ધીરે એમને એટલા બધા નાર્સિસિસ્ટ બનાવી દીધા હતા કે એ પોતાના સિવાય કોઈ વિશે
વિચારી શકતા જ નહીં. એ ગાળામાં મેં માઓના જીવન અને કાર્યો પર અનેક ફિલ્મો બનાવી.
પોતાનો અંગત પ્રચાર કરવા બદલ માઓનો સીપીસી (કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના)માં ખૂબ વિરોધ
થયો અને એ વિરોધ મને પણ નડ્યો. એને સપોર્ટ કરવા બદલ, એના વિરોધીઓને દબાવી દેવા બદલ
મને જવાબદાર ઠેરવવામાં આવી. સીપીસીમાં અંદરોઅંદર ઘણા પ્રશ્નો હતા. માઓએ જે જે વાતોનો
વિરોધ કર્યો હતો એ જ બધી વાતો હવે એમણે પોતાના જીવનમાં પણ કરવા માંડી હતી. એ
સરમુખત્યાર બની ગયા હતા. એમના સુધી પહોંચવું અઘરું બનવા લાગ્યું હતું. પોલિટ બ્યૂરોમાં એવી
વાતો થવા લાગી હતી કે, ‘ગેંગ ઓફ ફોર’ ઝેંગ ચૂનક્વિઆઓ, યાઓ વેનયુઆન, અને વાંગ
હોંગવેનની સાથે મળીને મેં ચાર જણાંની એવી ચંડાળ ચોકડી બનાવી હતી જેને કારણે હું સૌથી
શક્તિશાળી અને પોલિટિકલી સૌથી વધુ પહોંચ ધરાવતી સ્ત્રી બની ગઈ હતી.
(ક્રમશઃ)