ભાગઃ 2 | સારાભાઈ પરિવાર : એક અવિસ્મરણીય ઇતિહાસ

નામઃ મૃદુલા સારાભાઈ
સ્થળઃ ‘રિટ્રીટ’, શાહીબાગ, અમદાવાદ
સમયઃ 1974
ઉંમરઃ 62 વર્ષ

સારાભાઈ પરિવાર એ સમયે પણ અમદાવાદમાં એમના સ્વતંત્ર વિચારો અને ભિન્ન
જીવનશૈલી માટે જાણીતો હતો. આજે પણ અમે સાતેય ભાઈ-બહેનોએ પોતપોતાના કાર્યક્ષેત્રમાં
પોતપોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. આનું મુખ્ય કારણ એ છે કે, અમને સૌને અમારા
વિચાર અને વ્યક્તિત્વને અભિવ્યક્ત કરવાની પૂરેપૂરી તક અને સ્વતંત્રતા આપવામાં આવી. મારા
પિતાએ કોઈ દિવસ પોતાના વિચારો અમારા પર થોપવાનો પ્રયાસ કર્યો નથી, કે ન મારી મા
સરલાદેવીએ દીકરા અને દીકરીના ઉછેરમાં કોઈ ભેદભાવનો અમને અનુભવ થવા દીધો. હું સૌથી
મોટી, અને લીનાબેન સૌથી નાના. મેં અમારી ઘરની શાળામાં ‘વિનીત’ સુધીનું શિક્ષણ લીધું. એ પછી
મારા પિતાએ મને તમામ વિકલ્પો ખોલી આપ્યા. મુંબઈમાં ભણવા માટે નાથીબાઈ ઠાકરશી
યુનિવર્સિટીથી શરૂ કરીને ઈંગ્લેન્ડ સુધી હું જ્યાં અને જે ભણવા માગું એ માટે મારા પિતા તૈયાર હતા.
મેં એમને કહ્યું કે, હું વિચાર કરીને જવાબ આપીશ. લાંબુ વિચાર્યા પછી મને સમજાયું કે, મારે જો
મહાત્મા ગાંધી સાથે જોડાવું હોય તો ગુજરાતમાં અને અમદાવાદમાં જ રહેવું જોઈએ. મેં જે દિવસે
મારા પિતાને આ વાત જણાવી એ દિવસે એમણે પૂરા ઉત્સાહ અને સ્નેહ સાથે મને મારા જીવનનો
પથ પસંદ કરવાની પરવાનગી આપી. મેં ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ લીધો. મારા કાકાના દીકરી
ઈન્દુમતી ચીમનલાલ પણ એ વખતે મારી સાથે ગૂજરાત વિદ્યાપીઠમાં ભણતા. એમના પિતા શેઠ
ચીમનલાલ નગીનદાસનું અવસાન બહુ નાની ઉંમરે થયું. એમના માતા માણેકબેને ઈન્દુમતીબેન અને
વસુબેનને ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણાવ્યા, પરંતુ અસહકારના આંદોલનમાં ઈન્દુમતીબેન પણ
મારી જેમ જ ગાંધી રંગે રંગાયા. એ વખતે એ મેટ્રિકની પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા હતા.
મારા પિતાએ એમને સમજાવ્યાં અને કહ્યું કે, મેટ્રિકની પરીક્ષા આપ્યા પછી ચળવળમાં જોડાવું
જોઈએ. ઈન્દુમતીબેને વાત માની અને મેટ્રિકની પરીક્ષામાં એમને ‘ચેટફિલ્ડ’ પારિતોષિક પ્રાપ્ત થયું.
એ પછી ઈન્દુમતીબેન ગૂજરાત વિદ્યાપીઠમાં ભણતા હતા ત્યારે હું પણ એ વિદ્યાપીઠમાં દાખલ થઈ.
ગૂજરાત વિદ્યાપીઠમાં આચાર્ય કૃપલાની, રામનારાયણ વિ. પાઠક, ગિદવાણીજી, સ્વામિ આનંદ,
મહાત્મા ગાંધી અને ટાગોર જેવા મહાન વ્યક્તિઓ પાસે અમે શિક્ષણ પામ્યા. ઈન્દુમતીબેન ઘણાખરા
અંશે મારાં આદર્શ રહ્યાં કારણ કે, એમણે પણ મહાત્મા ગાંધીના વિચારો સાથે સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી
સ્વતંત્રતા માટે કામ કરવાનું શરૂ કર્યું.

અમારા ઘરમાં સૌને સ્વતંત્ર વિચારો રાખવાની છૂટ મળતી. સહુ પોતાના વિચારો અભિવ્યક્ત
કરી શકે એ માટે વારંવાર ચર્ચાઓ થતી અને એ ચર્ચા દરમિયાન સહુ પોતપોતાની વાત ખુલ્લા દિલે
મૂકી શકતા એટલું જ નહીં, પરસ્પર વિરોધ કરવાની પણ અમને છૂટ મળતી. એવા જ એક સમયમાં
મારા ફોઈ અને મારા પિતા પણ સામસામે મજૂર મહાજન અને મિલ માલિક તરીકે દલીલો કરતાં.
દલીલો પૂરી થાય એટલે સૌ સાથે મળીને જમતા અને આનંદથી વાતો કરતાં. વિચાર જુદા હોય એટલે
વ્યક્તિ તરીકે એનો વિરોધ ન થઈ શકે, એ વાત હું સાવ નાની હતી ત્યારે મારા પરિવારમાંથી જ
શીખી. 1930માં વિદેશી કાપડની હોળી કરતી વખતે મારી મા સરલાદેવી, ખુરશીદબેન અને હું
ગિરફ્તાર થયાં. એ અરસામાં બહુ નાની ઉંમરે સાબરમતી, દેલગામ, યરવડા અને રાજકોટ જેવી
જેલની મેં મુલાકાત લઈ લીધી હતી. હું એટલી બધી નાની હતી કે મને છોડી મૂકવામાં આવતી. એ
ગાળામાં જે નેતાઓ અને સ્વયંસેવકો પકડાતા એ છૂટતા તો ખરા, પરંતુ એમની મિલકતમાંથી અંગ્રેજ
સરકાર ભારે દંડ વસૂલ કરતી.

ગાંધીજી માનતા કે, અસહકારના આંદોલનમાં જોડાવા માટે ઉંમરનો કોઈ બાધ ન હોવો
જોઈએ. બાળકોથી શરૂ કરીને વૃધ્ધો સુધી સહુ પોતપોતાની રીતે અસહકારના આંદોલનમાં,
સ્વરાજ્યની લડતમાં પોતાનો ફાળો આપી જ શકે છે. આ વિચાર સાથે ગાંધીજીએ બાળકોને
સ્વરાજની લડત માટે તૈયાર કરવા એક નવી જ શાખા ઊભી કરી જેનું નામ ‘વાનરસેના’ હતું. એમણે
મને એ વાનરસેનાની અધ્યક્ષ બનાવી. સત્યાગ્રહ સમાચારની પત્રિકાઓ ઘેર ઘેર પહોંચાડવી,
સમાચાર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા, સભાઓ ચાલતી હોય ત્યારે બહાર ચોકીદારી કરવી,
પિકેટિંગનું કામ અને સાથે સાથે વિદેશી કાપડના બહિષ્કારની વાત ઘેર ઘેર જઈને કરવાનું અમારું,
‘વાનરસેના’નું કામ હતું. દારૂના પીઠા, વિદેશી કાપડની દુકાનો અને વિદેશી માલની દુકાનોની બહાર
અમે બાળકો ઊભા રહેતા. ત્યાં આવનાર શ્રીમંત અને વિદેશી અસર નીચે પોતાની જાતને ગોરા
સાહેબો સાથે સરખાવતા અનેક લોકોને અમે વિદેશી માલ નહીં ખરીદવા સમજાવતા, એની સામે
દેશમાં ઉત્પાદિત માલ ખરીદીને દેશવાસીઓને મદદ કરવાની વિનંતી કરતાં. વિદેશી માલની ગુણવત્તા
વિશે જ્યારે એ લોકો દલીલ કરે ત્યારે અમે એમને સમજાવતા કે, જો દેશનું ઉત્પાદન ખરીદશો તો
આપણી ગુણવત્તા પણ એક દિવસ આવી જ થશે… આ બધું કામ કરવું મને બહુ ગમતું, પરંતુ એ
સમયમાં હું જે જીવન જીવી રહી હતી એ દેશ કે ગુજરાતની બીજી સ્ત્રીઓનું નસીબ નહોતું, એની
પણ મને ખબર હતી. મને મારા પરિવારે જે સ્વતંત્રતા તરફ સગવડો આપી હતી એને કારણે હું આ
બધું કરી શકતી, પરંતુ ગુજરાતમાં મોટાભાગની છોકરીઓનાં લગ્ન 10થી 16 વર્ષની વચ્ચે થઈ જતા.
સંયુક્ત કુટુંબનું રૂઢિચુસ્ત વાતાવરણ, વડીલ શાહી, એકથી વધુ પત્નીઓ કરવાની પરંપરા હતી, સંતાન
ન થાય તો પત્નીને કાઢી મૂકવાની પણ સમાજ છૂટ આપતો. ત્યક્તાએ માતા-પિતાના આશરે કે
ભાઈના આશરે જીવવું પડતું, જ્યાં એની સ્થિતિ લગભગ ગુલામ જેવી રહેતી. એના બાળકોને ક્યારેક
શિક્ષણ ન મળે અને નાની ઉંમરે કમાવા માટે પરિવારના જ કોઈ સભ્યની દુકાને ગુમાસ્તાગીરી કે
બીજા કામમાં લાગી જવું પડતું. વિધવા સ્ત્રીની સ્થિતિ તો વળી ઓર દુખી હતી. એને ફરજિયાત
વૈધવ્ય પાળવું પડતું એટલું જ નહીં, પારિવારિક સંપત્તિમાંથી એના સંતાનને ભાગ્યે જ હિસ્સો
મળતો. અમુક જ જ્ઞાતિમાં અને ગોરમાં લગ્નો થાય એટલે વરનો પરિવાર ગેરવાજબી માગણીઓ
કરતો જેને કન્યા પક્ષવાળાએ ન છૂટકે સ્વીકારવી પડતી. આ બધું હું નજરે જોઈ રહી હતી. જ્યાં
સુધી મારા પરિવાર સાથે રહેતી હતી અને ઘરની બહાર નહોતી નીકળી ત્યાં સુધી આ બધી વાતો વિશે
મને કોઈ જાણ નહોતી. મારા ઘરમાં આનંદથી જીવતી અને હું એમ જ માનતી કે બધી સ્ત્રીઓ-
છોકરીઓ આવું જ જીવન જીવે છે!

એકવાર અમે ગુજરાત કોલેજ પર પિકેટીંગ કરતા હતા. 1929માં, અમદાવાદની ગુજરાત
કોલેજના વિદ્યાર્થીઓએ ભારતમાં સાયમન કમિશનના આગમનના વિરોધમાં હડતાળનું આયોજન
કર્યું હતું. વિદ્યાર્થીઓએ કમિશનને ભારતીય બાબતોમાં બ્રિટિશ સંસ્થાનવાદી સરકાર દ્વારા અન્યાયી
હસ્તક્ષેપ તરીકે જોયું. હડતાળમાં તેમની ભાગીદારીના પરિણામે, કેટલાક વિદ્યાર્થીઓ તેમની
પરીક્ષાઓમાં ગેરહાજર રહ્યા હતા, જેના કારણે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા દંડ લાદવામાં આવ્યો
હતો.

મહાત્મા ગાંધીએ વિદ્યાર્થીઓને તેમની સફળ હડતાળ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે
બ્રિટિશ વહીવટની આકરી ટીકા કરી, તેને શેતાનના શાસન સાથે સરખાવી, અને સંસ્થાનવાદી
વહીવટને નાબૂદ કરવાની હિમાયત કરી. ગાંધીએ વિદ્યાર્થીઓની ક્રિયાઓને ટેકો આપ્યો અને વસાહતી
સરકારને તેમની હડતાળમાં દખલ કરવાથી દૂર રહેવા હાકલ કરી. જો કે, જેમ જેમ હડતાળ આગળ
વધતી ગઈ તેમ તેમ તેણે નકારાત્મક વળાંક લીધો જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ ધરણાંમાં રોકાયા અને
અન્ય વિદ્યાર્થીઓને કોલેજ પરિસરમાં પ્રવેશતા અટકાવ્યા. વહીવટીતંત્રએ નોટિસ આપી કે જે લોકો
હડતાલમાં જોડાશે એમને ચાલુ વર્ષે પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. અમુક વિદ્યાર્થીઓ ડરીને
કોલેજમાં જવા માગતા હતા જ્યારે અમે સૌ એમને આંદોલનમાં જોડાવા માટે વિનંતી કરતા હતા.
વિદ્યાર્થીઓમાં ભંગાણ ન પડે અને સૌ સહકારથી આ આંદોલનમાં સાથે રહે એ માટે અમે પ્રયત્નશીલ
હતા. પ્રવેશ દ્વાર પર મોટું ટોળું જમા થયું હતું. પ્રાણજીવન પાઠક અમારા નેતા હતા. એ વખતે
ત્યાં પોલીસ ટુકડી આવી પહોંચી. વિદ્યાર્થીઓને અંદર પ્રવેશતા અટકાવનાર દરેક વ્યક્તિ માટે દંડા
તૈયાર હતા. થોડાક વિદ્યાર્થી ભાઈઓ અને થોડીક બહેનો હતી. એ વખતે સ્ત્રીઓ સંકોચ અને શરમનો
શિકાર હતી, પરંતુ અમારા પરિવારમાં તો આવું કંઈ થતું જ નહીં એટલે બિલકુલ નિઃસંકોચ મેં
બાજુમાં ઊભેલા વિદ્યાર્થી ભાઈનો હાથ પકડ્યો અને મારા પછી ત્રણ બહેનો છોડીને ઊભેલી
છોકરીને કહ્યું, ‘એનો હાથ પકડ…’ સૌને નવાઈ લાગી, પરંતુ મને નહીં કારણ કે અમારા ઘરમાં સ્ત્રી
અને પુરુષના ભેદ અમને કદી શીખવવામાં આવ્યા જ નહીં. સૌને સમાન તક, સમાન હક અને
સમાન સ્વતંત્રતા મળતી રહી, કદાચ એટલે જ હું આજે પૂર્ણ સંતોષ અને આત્મનિર્ભરતાનું જીવન
જીવી રહી છું.

દિલ્હીના આ ઘરમાં નજરકેદ છું તેમ છતાં, મને કોઈ ભય કે અફસોસ નથી. જે કોંગ્રેસ માટે
મેં મારું જીવન સમર્પી દીધું એ જ કોંગ્રેસના રાજકારણીઓ મારી આજે આ સ્થિતિ કરી છે. મને
એમને માટે કોઈ અણગમો કે તિરસ્કાર નથી, એટલું નક્કી છે કે, મહાત્મા ગાંધીએ આ દેશને સ્વતંત્રતા
તો અપાવી, પરંતુ એ સ્વતંત્રતાને પચાવી શકે એવા નેતા ‘બાપુ’ આ દેશને ન આપી શક્યા.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *