ભાગઃ 2 | ‘લિવ ઈન’ રિલેશનશિપની શરૂઆત મેં કરી

નામઃ પ્રોતિમા બેદી
સ્થળઃ માલ્પા (કૈલાસ માનસરોવર)
સમયઃ 17 ઓગસ્ટ, 1998
ઉંમરઃ 49 વર્ષ

હિમાચલના આ અદભૂત પ્રદેશમાં બેઠી છું ત્યારે આખી જિંદગી યાદ આવી રહી છે. કોઈ
ફિલ્મની જેમ બધું 70 એમએમમાં મારી નજર સામે ભજવાઈ રહી છે જાણે! હું કોલેજમાં હતી ત્યારે
અમારી પાડોશમાં બે ગેંગ હતી. એકના નેતા વિનોદ ખન્ના હતા, જ્યારે બીજી ગેંગના નેતા
આઈ.એફ. જોહરના પુત્ર અનિલ જોહર હતા. 60ના દાયકાના વચલા ગાળામાં સાઉથ મુંબઈના
યુવાનોની જીવન આ બે ગ્રૂપની આસપાસ ચાલતું. જેણે ઈંગ્લેન્ડ જઈને મ્યુઝિક બનાવ્યું એ બિડ્ડુ
પણ આ ગેંગમાંનો એક હતો.

મારા ઘરનો માહોલ સાવ જુદો હતો. મારા પિતા અત્યંત રૂઢિચુસ્ત હતા. પાક્કા વાણિયા.
અમને ત્રણેય બહેનોને સ્લિવલેસ કપડાં પહેરવાની છૂટ નહોતી, પણ હું અંદર સ્લિવલેસ બ્લાઉઝ
અને ઉપર આખા કપડાં પહેરીને બહાર જતી. રાત્રે મમ્મી-પપ્પા સૂઈ જાય પછી ઘરનો દરવાજો
ખોલીને બહાર નીકળી જતી. આખી રાત રખડતી અને સવારે વહેલી ઘેર આવીને સૂઈ જતી. મને
ખબર હતી કે, એક દિવસ એવો આવશે જ્યારે મને ઘરમાંથી કાઢી મૂકશે. મેં મોડલિંગ કરવાનું શરૂ કર્યું
હતું. જોકે, મારા કુટુંબમાં કોઈને ખબર નહોતી. એક દિવસ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પહેલા પાનાં પર
મારો નાઈટી પહેરેલો ફોટો છપાયો અને ઘરમાં એ મારો આખરી દિવસ હતો. મને ઘર છોડવાની
ઉતાવળ નહોતી, પરંતુ મારા પિતાએ મને તમાચો માર્યો અને કહ્યું કે, ‘આ બધું મારા ઘરમાં નહીં
ચાલે…’ બસ! હું ઘર છોડીને નીકળી ગઈ.

1968નો સપ્ટેમ્બર મહિનો હતો. ડેન્સન કંપનીમાં મારું ફોટોશૂટ પત્યું અને હું સુરેશ
મલિકની ઓફિસમાં બેસીને કોફી પીતી હતી ત્યારે એક ઘેરા-ઘૂંટાયેલા અવાજે મને ચોંકાવી દીધી. એક
સોહામણો ઊંચો, અત્યંત સુંદર પુરુષ ઊભો હતો. સુરેશ મલિકે મારી ઓળખાણ કરાવી, ‘પ્રોતિમા
ગુપ્તા.’ આ કબીર છે. એ આપણા રેડિયો અને ફિલ્મ વિભાગમાં કામ કરે છે. એ પછી લગભગ બે
અઠવાડિયા સુધી હું ડેન્સનની ઓફિસ જવાનું કારણ શોધતી રહી. મને લિબર્ટી શર્ટની ફિલ્મમાં કામ
કરવાનું આમંત્રણ મળ્યું. પૈસા ઓછા હતા પણ મેં સ્વીકારી લીધું. એ ફિલ્મના શૂટ દરમિયાન મેં જોયું
કે કબીરને ત્યાં આવેલી 6 છોકરીઓમાંથી એક પણ છોકરીમાં રસ નહોતો. એ એના કામમાં વ્યસ્ત
હતો. શોભા રાજાધ્યક્ષ (હવે ડે) પણ મારી સાથે મોડલિંગ કરતી. એણે મારી સાથે શર્ત મારી, ‘થોડા
વખત કબીર મારી સાથે જમતો હશે.’ અમે બધા હસતાં હસતાં એની ગાડીમાં બેઠા. કબીર બધી
છોકરીઓને એની લાલ રંગની સ્ટાન્ડર્ડ હેરાલ્ડ ગાડીમાં મૂકવા આવતો હતો. એણે જાણી જોઈને કે
પછી અનાયાસે એક પછી એક બધી છોકરીઓને ઉતારી. છેલ્લે મારો વારો આવ્યો. અમે બંને ગાડીમાં
સાવ એકલા હતા. કોઈ કશું બોલ્યું નહીં. હું ગાડીમાંથી નીકળી ત્યારે પણ અમારી વચ્ચે એક
મૂંઝવણભરી ચૂપકીદી હતી. મેં ગાડીની બારીના દરવાજામાંથી મારો ચહેરો અંદર નાખ્યો. ગુડનાઈટ
કિસ કરવા, પણ કબીરે મારા પર ચૂમી ભરી, ‘ગુડનાઈટ’ એણે કહ્યું, ‘ફરી ક્યારેક મળીશું.’ એ નીકળી
ગયો. એ પછીના દિવસો દરમિયાન હું કોઈપણ રીતે કબીરને મળવા માગતી હતી, પરંતુ એ મુલાકાત
અકસ્માત લાગવી જોઈએ એવું નક્કી હતું. મેં મારા તમામ મિત્રોને કોઈપણ રીતે કબીર સુધી
પહોંચાડવાનો આગ્રહ કર્યો, પણ કશું થયું નહીં. એક દિવસ સન્મુખાનંદ હોલમાં હું સોનેરી બિકીની
પહેરીને ડાન્સ કરવા તૈયાર હતી ત્યારે મેં કબીરને જોયો. એ નજીક આવ્યો. એની આંખોમાં આવેલી
આકર્ષણની ઝલક મેં પકડી પાડી. એણે મને પૂછ્યું, ‘તું પેલા ડાન્સમાં છે નહીં?’

‘તેં મને ક્યારની જોઈ…’ મેં કહ્યું, ‘તને ખબર છે હું અહીં છું’ મેં કહી નાખ્યું. એ મને જોઈને
ઉધરસ ખાવા લાગ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. મારા ડાન્સ વખતે એ લાઈટના બોક્સમાં બેસીને મને
જોઈ રહ્યો હતો. પછી અમે એમની બહેનપણીની પાર્ટીમાં ડેન્સનની ઓફિસમાં અને બીજી બે-ચાર
જગ્યાઓએ મળ્યા, પણ કંઈ ખાસ ઘટના બની નહીં. એક દિવસ એણે મને ચા પીવા માટે બોલાવી,
એની કેબિનમાં. ચા પીતી વખતે એણે મને સાંજે ગર્સો દા કુન્હાની પાર્ટીમાં આમંત્રણ આપ્યું. પાર્ટીમાં
જતાં પહેલાં એ નાહવા અને કપડાં બદલવા માટે પોતાના ઘેર જવા માગતો હતો. હું એની સાથે
ગઈ. મને થયું કે એ કંઈક કરશે, પગલું ભરશે, પણ એણે કશું ન કર્યું. એ નાહ્યો, કપડાં બદલ્યા અને મને
લઈને પાર્ટીમાં નીકળી ગયો. નવાઈ લાગી. મને સમજ નહોતી પડતી કે, એ મને પ્રેમ કરે છે કે નહીં.
પાર્ટીમાં એ બાકી બધા સાથે વાત કરતો રહ્યો. મને અવગણતો રહ્યો હોય એમ વર્ત્યો. અમે પાછા
ફરતાં હતા ત્યારે ગાડીમાં વાતાવરણ ભારેખમ થઈ ગયું હતું. અમે એના ઘર પાસેથી પસાર થઈ ગયા,
પણ એણે મને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું નહીં. હું જ્યાં પીજીમાં રહેતી હતી ત્યાં
આવીને છેક ઉપર સુધી મૂકવા આવ્યો. માત્ર મારો હાથ પકડીને ગુડ નાઈટ કહ્યું અને નીકળી ગયો.

મને સખત ગુસ્સો આવ્યો. સમજે છે શું એની જાતને! મારી આસપાસ અનેક પુરુષો હતા,
જે બધા મને ચાહતા હતા, જેમાં એક મારી બહેનપણીના પપ્પા પણ હતા જે આધેડ વયના હતા,
પણ હું કબીરને ઝંખતી હતી ને એ મારી સામે જોવાય તૈયાર નહોતો. મેં મનોમન નક્કી કરી લીધું,
હવે જો એને મારામાં રસ ન હોય તો કંઈ વાંધો નહીં, પરંતુ મેં નક્કી કર્યું એના ત્રીજા જ દિવસે
અમારી મુલાકાત થઈ ગઈ. મારા મિત્ર કુલદીર ઘુમનને ત્યાં ડીનર હતું. કબીર આવવાનો છે એની પણ
મને ખબર નહોતી. જિંદગીની તમામ સુખદ ઘટનાઓ આશ્ચર્ય બનીને જ આવતી હોય છે. આપણે
ધાર્યું ન હોય ત્યારે જ કંઈ બને, એને જ નિયતિ કહેતા હશે!

અમે અગાશીમાં બેઠાં હતાં. પૂનમની રાત હતી. બધા જ ડ્રીન્ક કરી રહ્યા હતા. અમે બધાએ
ચરસ લીધું. એ પછી કુલદીર જમવાનું લેવા નીચે ગયો. એ અને નાની, (એની પત્ની) ખાવાનું લઈને
પાછા આવ્યા ત્યારે હું કબીરના બાહુપાશમાં હતી. ખબર નહોતી પહેલું પગલું કોણે ભર્યું, પણ અમે
બંને પ્રગાઢ ચૂંબનમાં બંધાયેલાં હતાં. આ બધું થોડી મિનિટો ચાલ્યું, પછી અચાનક કબીર સભાન થઈ
ગયો. એ ઊભો થઈને નાનીની મદદ કરવા નીચે ચાલી ગયો. આમ પણ અમે ઘરેથી નીકળ્યો ત્યારે
પણ અમે બંને જણાં ચૂપચાપ હતા. કબીરે પૂછ્યું, ‘મારી ઘરે રાત રોકાઈશ?’ હું તો ક્યારની આ
સવાલની રાહ જોઈ રહી હતી. કોઈ મૂરખ છોકરીની જેમ મેં તરત જ હા પાડી. અમે એના રૂમ પર
ગયા. મેં એનો કુર્તો પહેર્યો અને એના પલંગમાં આડી પડી. હું કુંવારી નહોતી, પણ અચાનક મારો
ઉછેર મારા પર હાવિ થઈ ગયો. અત્યાર સુધીમાં મારા બધા સંબંધોમાં ક્યાંય હું ગંભીર નહોતી.
કબીરને જો સાચે જ મારા પ્રેમમાં પાડવો હોય તો મારે એને માટે આ બધું આટલું સહેલું ન બનાવવું
જોઈએ એવો પણ મને વિચાર આવ્યો. એના મનમાં મારે માટે ખૂબ આદર હોવો જોઈએ. જેને માટે
હવે મોડું થઈ ગયું હતું. કબીર કપડાં બદલીને મારી પાસે આવ્યો. મને ભેટ્યો અને એણે ધીમેથી કહ્યું,
‘તારી ઈચ્છા નહીં હોય તો હું કંઈ નહીં કરું. બસ, હું તને વ્હાલથી ભેટીને સૂઈ જઈશ.’

એક તરફથી મને એના પર ખૂબ ગુસ્સો આવતો હતો તો બીજી તરફ એની આ સજ્જનતા
માટે ખૂબ માન થયું. કબીર મારા પ્રેમમાં પડે કે નહીં, હું તો એના પ્રેમમાં પડી જ ગઈ હતી. એની
છાતી પર માથું મૂકીને હું આખી રાત જાગતી રહી. થોડી મિનિટમાં એના નસકોરા બોલવા લાગ્યા!

બીજે દિવસે કબીરે મને પૂછ્યું, ‘આપણે સાથે રહી શકીએ?’ કોણ જાણે કેમ, પણ મેં હા પાડી.
ઘરનું ભાડું કબીર ભરતો અને હું ઘર ચલાવતી. એને માટે રસોઈ કરવી, એના કપડાં ધોવા, ઘરનું ધ્યાન
રાખવું એવા બધા કામ હું કરતી હતી, પરંતુ અમે પરણેલા નહોતા, એટલે સમાજની દ્રષ્ટિએ અમે
‘પાપ’ કરતાં હતાં અને આ ‘પાપ’ મને ખૂબ આકર્ષતું હતું. મારા મિત્ર એનિસ જુંગે અમારા વિશે ઈર્જ
વિકલી યુથ ટાઈમ્સમાં લેખો લખ્યા, ‘લિવ ઈન સંબંધ’નો આ નવતર પ્રયોગ હતો. જે એ સમયના
સમાજ માટેની સંસ્કૃતિના પાયા હચમચાવી મૂકે એવી ઘટના હતી.

એ દિવસોમાં કબીરને વિલ્સ સિગરેટની જાહેરખબરમાં કામ કરવાની ઓફર મળી અને એ
‘વિલ્સમેન’ તરીકે જાણીતો થયો. અમે એક સેલિબ્રિટી યુગલ બની ગયા. અમારા ફોટા છપાતાં.
અમારી વાતો થતી અને લોકો અમને જોવા, મળવા, પાર્ટીમાં બોલાવવા તલપાપડ હતા.

મારે કબીર સાથે લગ્ન નહોતા કરવા. આમ જ રહેવું હતું, પણ એક દિવસ હું ગર્ભવતી છું એ
સમાચાર જાણ્યા પછી કબીરે લગ્નનો આગ્રહ રાખ્યો. એણે કહ્યું કે, કાં તો મારે બાળકને જન્મ ન
આપવો અને નહીં તો અમારે લગ્ન કરી લેવા જોઈએ.

14મી ઓક્ટોબર, 1969ના દિવસે અમે લગ્ન કરી લીધા. કબીરના મમ્મી લગ્નમાં આવ્યા
હતા. મારા માતા-પિતા તો મને ભૂલી જ ગયા હતા. મારા મિત્રો હતા. બૌધ્ધ પધ્ધતિ પ્રમાણે અમે
પરણી ગયા.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *