ભાગઃ 2 | સમય બદલાયો, સિનેમા બદલાયું અને મને લાગ્યું કે હું એ ‘નવા સિનેમા’માં ફિટ નહીં થાઉ

નામઃ સઈ પરાંજપે
સ્થળઃ 601, અંબર એપાર્ટમેન્ટ, ગાંધીગ્રામ રોડ, જુહુ, મુંબઈ
સમયઃ 2024
ઉંમરઃ 85 વર્ષ

આજે હું 85 વર્ષની છું, છતાં કાર્યરત છું. વાંચન અને મારું કામ નિયમિતપણે ચાલે છે, પરંતુ
આજની ફિલ્મો જોઈને ક્યારેક દુઃખ થાય છે. હું ફિલ્મોની એ સ્કૂલ અને વિચારો સાથે જોડાયેલી છું,
જ્યાં ફિલ્મો સમાજને કંઈક આપતી અને સમાજ પાસેથી કંઈક મેળવતી પણ ખરી. કોમર્શિયલ
સિનેમા એટલે કે હીરો-હીરોઈનની પ્રેમકથા, ખલનાયકના અડ્ડા, બગીચામાં ગવાતા ગીતો અને
અડ્ડામાં થતી મારામારીની કથાઓ કહેતી ફિલ્મોનો યુગ 1975ની આસપાસ બદલાયો. શ્યામ
બેનેગલે ‘અંકુર’ ફિલ્મ બનાવી, પછી ‘મંથન’ અને ‘નિશાંત’ જેવી ફિલ્મો આવી. બંગાળથી આવેલા
ફિલ્મસર્જક ઉપર સત્યજીત રાયની ઊંડી અસર હતી. હિન્દી ફિલ્મોમાં આર્ટ ફિલ્મોનો યુગ શરૂ થયો.
ત્યાં સુધી હિન્દી સિનેમામાં અર્થસભર વાર્તાઓનું પ્રમાણ ઓછું હતું. બી.આર. ઈશારા, ચેતન આનંદ
અને ગુરૂ દત્ત જેવા દિગ્દર્શકો હતા, પણ એમના જવાની સાથે એવી ફિલ્મોનો યુગ પણ થોડો
અંધકારમાં ધકેલાયો હતો. શ્યામ બેનેગલની સાથે પેરેલલ સિનેમા અથવા આર્ટ ફિલ્મોનો યુગ શરૂ
થયો. પ્રેક્ષકો પણ સારી અને જુદી કથાઓ માગતા થયા અને કદાચ એટલે 1980માં રજૂ થયેલી મારી
ફિલ્મ ‘સ્પર્શ’ને સુંદર પ્રતિસાદ મળ્યો. એ પછી મેં ફિલ્મ બનાવી ‘ચશ્મે બદ્દુર’ જેમાં દીપ્તિ નવલ
અને ફારૂક શેખને પહેલી વખત સાથે રજૂ કર્યાં. રાકેશ બેદી અને રવિ બાસવાની જેવા કલાકારોને
થિયેટરમાંથી સિનેમામાં લાવવાનું કામ પણ ‘ચશ્મે બદ્દુર’ જેવી ફિલ્મોએ કર્યું. એ ફિલ્મ પણ ખૂબ
સારી ચાલી અને ત્રીજી ફિલ્મ મેં બનાવી ‘કથા’. સસલા અને કાચબાની વાર્તા, જે આપણે વારંવાર
સાંભળી છે. એના ઉપર આધારિત આ કથામાં એક સ્માર્ટ અને એક ભોળા યુવાનમાંથી અંતે જે સાચો
અને ભલો છે એ જ જીતે છે એની કથા મેં કહી. પછી ફિલ્મોનો યુગ બદલાવવા લાગ્યો એટલે મેં
ટેલિવિઝન સાથે ખાસું કામ કર્યું. ‘આસપડોશ’, ‘છોટેબડે’ જેવી ટેલિવિઝન સીરિયલો અને સાથે સાથે
મરાઠી-અંગ્રેજી નાટકો પણ દિગ્દર્શિત કર્યા. પ્રૌઢ શિક્ષણ અભિયાન ઉપર એક ફિલ્મ બનાવી જેનું નામ
હતું ‘દિશા’, ‘પપિહા’ અને ‘ચકાચક’ જેવી ફિલ્મો મેં બનાવી તો ખરી, પરંતુ એને એવો પ્રતિસાદ ન
મળ્યો.

જીવનના દરેક તબક્કામાંથી હું પસાર થઈ છું. સુખ અને દુઃખ બંને જોયા છે. સફળતા અને
નિષ્ફળતા બંનેનો સ્વાદ ચાખ્યો છે. દૂરદર્શન પર કામ કરતી હતી ત્યારે હું રંગભૂમિના અભિનેતા
અરૂણ જોગળેકરને મળી. અમે લગ્ન કર્યાં. અરૂણ અને હું ખૂબ સારા મિત્રો હતા, પરંતુ લગ્ન પછી
અમારા વિચારોમાં ઘણો તફાવત આવ્યો. ક્રિએટિવ ડિફરન્ટ્સ તો હતા જ, પરંતુ સાથે રહેવાથી
એકમેકના વ્યક્તિત્વો પણ જુદા છે એવું અમને સમજાવવા લાગ્યું. ત્યાં સુધીમાં વિનિ અને ગૌતમનો
જન્મ થઈ ચૂક્યો હતો. અમે બે મેચ્યોર અને સમજદાર વ્યક્તિઓની જેમ એકમેક પર આક્ષેપ કર્યા
વગર કે કડવાશ ઉભી કર્યા વગર છૂટા પડવાનું નક્કી કર્યું. બાળકોને મેં મારી પાસે રાખવાનું પસંદ કર્યું
કારણ કે, બંને બહુ નાના હતા અને એમને માની વધુ જરૂર હતી. છૂટા પડ્યા પછી અરૂણે મારી સાથે
બે ફિલ્મોમાં કામ કર્યું! ઘણા લોકોને નવાઈ લાગતી કે, છૂટાછેડા લીધેલા પતિ-પત્ની પણ આટલા
આનંદ અને સહકારથી એકમેક સાથે કામ કરી શકે છે, પરંતુ અમને કોઈ દિવસ એની નવાઈ નથી
લાગી, કારણ કે પતિ-પત્ની તરીકે બે જણાં કદાચ એકમેકની સાથે જીવવા માટે અનુકૂળ ન હોય તેથી
કલાકાર તરીકે, મિત્ર તરીકે કે વ્યક્તિ તરીકે પણ એમને એકબીજા સાથે ન જ ફાવે, એવું જરૂરી નથી.
અરૂણ અને હું એના મૃત્યુપર્યંત સારા મિત્રો રહ્યા. બાળકો પણ એની સાથે રહેવા જતા. વિનિ અને
ગૌતમ બંને જણાં એમના પિતાને ચાહે છે અને એમનો આદર કરે છે. ગૌતમ એના પિતાની અટક,
જોગળેકર લખે છે જ્યારે વિનિએ પરાંજપે જોગળેકર લખવાનું પસંદ કર્યું. આ એવો સમય હતો
જ્યારે બે અટક-ખાસ કરીને માતા અને પિતાની બંનેની અટક સંતાન અપનાવે એવું કોઈએ સાંભળ્યું
નહોતું. અમે છાપામાં જાહેરખબર આપીને વિનિના પાસપોર્ટમાં એની ઈચ્છા મુજબ બંને અટકનો
સમાવેશ કરાવ્યો. હું જે પરિવારમાં ઉછળી છું એ પરિવારમાં વિચારોની સ્વતંત્રતા મને વારસામાં
મળી છે અને જે માનું છું તે કહેવામાં ક્યારેય સંકોચ કર્યો નથી. કદાચ એટલે જ, અરૂણ પણ
જીવનપર્યંત મારો આદર કરતા રહ્યા. 1992માં અરૂણનું મૃત્યુ થયું ત્યારે ખૂબ સારો મિત્ર ખોઈ દીધાની
લાગણી તો ચોક્કસ થઈ. એ મારો ક્રિએટિવ સપોર્ટ હતો. હું મારો પહેલો સ્ક્રીનપ્લે એને સંભળાવતી.
મારી તમામ વાર્તાઓ, પુસ્તકો અને નાટકોનો એ સાચો અને પ્રામાણિક વિવેચક હતો.

1983માં ‘કથા’ બનાવ્યા પછી મેં ટીવી સીરિયલનું દિગ્દર્શન કર્યું. 90માં જ્યારે મેં ‘દિશા’
બનાવી ત્યારે મને લાગ્યું કે, હું ‘નવા હિન્દી સિનેમા’ની દુનિયામાં ફિટ થઈ શકું એમ નથી કારણ કે,
ત્યાં સુધીમાં હિન્દી સિનેમાનો યુગ બદલાઈ ગયો હતો. 80ના દશકમાં મધ્યમાં મિથુન ચક્રવર્તી અને
90માં ગોવિંદાની ફિલ્મો ધૂમ મચાવતી હતી. અર્થસભર ફિલ્મોને બદલે હવે લોકોને કોમેડી, ડાન્સમાં
રસ પડવા લાગ્યો હતો. આશા ભોંસલે અને લતા મંગેશકર બંને બહેનો હોવા છતાં એમની પરસ્પરની
હરિફાઈ, એક જ પુરુષ સાથેનો એમનો પ્રેમ અને વ્યવસાયિક ઈર્ષા ઉપર આધારિત એક ફિલ્મ મેં
બનાવી, ‘સાઝ’ (1997) જેમાં વિખ્યાત તબલાવાદક ઝાકીર હુસૈને મુખ્ય ભૂમિકા નિભાવી. શબાના
આઝમી અને અરૂણા ઈરાની અભિનિત એ ફિલ્મને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, પરંતુ ત્યાં સુધીમાં
મને સમજાઈ ગયું હતું કે, હું જેવી ફિલ્મો બનાવવા માગું છું એવી ફિલ્મો હિન્દી સિનેમાના પ્રેક્ષકોને
નથી જોવી. મેં ડોક્યુમેન્ટ્રી ફિલ્મો બનાવવાનું હાથમાં લીધું. જેમાં મને ખૂબ મજા પડવા લાગી. ફરી
પાછી બાળકોની ફિલ્મોમાં મારો રસ જાગ્યો. મારી કેટલીયે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ્સને એવોર્ડ્ઝ મળ્યા, જેમાં
હેલ્પિંગ હેન્ડ (લંડન), ટોકિંગ બુક્સ, કેપ્ટન લક્ષ્મી, વર્ના ઓરકેસ્ટ્રા, પંકજ મલિક, ચૂડિયાં
(મહારાષ્ટ્રમાં શરાબના વ્યસનને નાબૂદ કરવા માટે ગામડાની સ્ત્રીઓએ કરેલા આંદોલનની કથા) એને
નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ્ઝ મળ્યા. ફરી એકવાર 2001માં ‘ભાગો ભૂત’ નામની ફિલ્મ
બનાવી અને પહેલા ઈન્ટરનેશનલ વિમેન્સ ફિલ્મ ફેસ્ટિવલને ઉદઘાટિત કરવાનું સન્માન એ ફિલ્મને
મળ્યું. અનેક વર્ષો સુધી આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્ઝની જ્યુરિ તરીકે પણ મેં કામ કર્યું.

એ વખતે વર્લ્ડ બેંકે મારો સંપર્ક કર્યો અને એમણે મને ડ્રગ એડિક્ટ્સ પર એક ફિલ્મ બનાવવાનું
કામ સોંપ્યું. મુંબઈના એક ખૂબ જાણીતા સંકલ્પ રિહેબિલિટેશન ટ્રસ્ટ સાથે મળીને મેં એક ફિલ્મ
બનાવી જેનું નામ હતું ‘સૂઈ’. આ ફિલ્મ બનાવતી વખતે હું પોતે પણ ભયાનક ઈમોશનલ
ટર્મોઈલમાંથી પસાર થઈ. ઈન્જેક્શન દ્વારા ડ્રગ્સ લેતા અનેક યુવા અને એમના પરિવારોને હું મળી
ત્યારે મને સમજાયું કે, ભારતમાં ડ્રગ્સ કેટલી ઝડપથી અને કેટલા ઊંડે સુધી પગપેસારો કરી ચૂક્યા છે.

સમગ્ર ભારતમાં એ ફિલ્મ વર્લ્ડ એઈડ્સ ડેના દિવસે રિલિઝ કરવામાં આવી. એને પણ નેશનલ
એવોર્ડ મળ્યો. એવોર્ડ્ઝ અને સન્માનથી હું ખરેખર સંતુષ્ટ છું. મેં જેટલું કામ કર્યું છે એના પ્રમાણમાં
મને ઘણી લોકપ્રિયતા અને ઘણો પ્રેમ મળ્યો છે.

આજે 85 વર્ષે પણ સ્વસ્થ છું અને આટલા બધા અનુભવો પછી જીવન પરત્વે પોઝિટિવ છું.
ગૌતમ જોગળેકર, મારો દીકરો ફિલ્મો બનાવે છે. ડોક્યુમેન્ટ્રી અને ફિચર ફિલ્મ બંનેમાં સારું નામ અને
લોકપ્રિયતા મેળવ્યા છે. વિનિએ મારી સાથે એક-બે ફિલ્મોમાં કામ કર્યું પછી એને એ દુનિયામાં બહુ
મજા ન પડી એટલે એણે લગ્ન કર્યાં અને હવે ઘર સંભાળે છે. એ બે બાળકોની મા છે…

જીવન ખૂબ સુંદર છે અને હું જે પરિવારમાં જન્મી, જ્યાં મારો ઉછેર થયો એ નાના અને મા
બંને પરત્વે હું ખૂબ આભારની લાગણી ધરાવું છું. મારા ચહેરામાં મારા રશિયન પિતાની છાપ છે,
વિનિએ પણ એ જ રશિયન આંખો વારસામાં મેળવી છે. મારા સ્વતંત્ર વિચારો અને વ્યક્તિત્વનો
આદર કરવાની પરંપરા મારા સંતાનોએ નિભાવી છે. આજે જે કંઈ છું એમાં મારો ઉછેર સૌથી
મહત્વનો છે. મેં એ જ ઉછેર મારા સંતાનોને આપવાનો પ્રયાસ કર્યો છે.

(સમાપ્ત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *