ભાગઃ 2 | શાસ્ત્રીય સંગીતને ગ્લેમર અને ગૌરવ મળે એવો પ્રયાસ કરનારી હું પ્રથમ સ્ત્રી કલાકાર

નામઃ કિશોરી અમોનકર
સ્થળઃ મુંબઈ, મહારાષ્ટ્ર
સમયઃ નવેમ્બર, 2016
ઉંમરઃ 83 વર્ષ

મારી મા મોગુબાઈ ગોવાની કલાવંત જ્ઞાતિમાં જન્મી હતી. આજે પણ એ જ્ઞાતિ
ઓબીસીમાં ગણાય છે. મંદિરમાં ‘સેવા’ આપવાનું કામ કરતી આ જ્ઞાતિની સ્ત્રીઓ સાથે
સમયસમયાંતરે દુર્વ્યવહાર થતો, એમનો દુરુપયોગ પણ કરવામાં આવતો. મારી મા મને કહેતી, કે એને
જુદા બેસીને ખાવું પડતું. માત્ર સ્ત્રી હોવાને કારણે નહીં, પરંતુ કલાવંત જ્ઞાતિની હોવાને કારણે કેટલાક
અન્ય જ્ઞાતિના સંગીતકારોએ પણ એનું અપમાન કર્યું, એ વાત મારી માના હૃદયમાં બેસી ગઈ હતી. હું
સૌથી મોટી, મારાં બે ભાઈ-બહેન, એક મારી બહેન લલિતા અને બીજા મારા ભાઈ ઉલ્લાસ કુર્ડીકર.
એ બંનેમાંથી મારી માનું સંગીત માત્ર મેં સ્વીકાર્યું. નાની હતી ત્યારે જ પરિવારને આર્થિક રીતે મદદરૂપ
થવાથી શરૂ કરીને મારી કારકિર્દીના સંઘર્ષ સુધી બધું મેં એકલા હાથે કર્યું છે. હા, મારી માઈનો મજબૂત
સહારો અને મારી બહેન લલિતાનો સ્નેહ હંમેશાં મારી કારકિર્દીમાં ખૂબ મદદરૂપ રહ્યાં. મારી માનું
એક માત્ર સપનું હતું, એના ત્રણ સંતાનોમાંથી એક સંગીતની દુનિયામાં પોતાનું નામ કરે-એક ઓળખ
ઊભી કરે. મારી માઈ પોતે અદભૂત અવાજ અને સંગીતનું અગાધ જ્ઞાન ધરાવતી હોવા છતાં એને એ
ઓળખ અને સન્માન ન મળ્યાં, જે એને મળવાં જોઈતાં હતાં… કદાચ એટલે એણે એક કડક શિક્ષક,
આદર્શ ગુરૂની જેમ મને તૈયાર કરી. હું આજે જે કંઈ છું એ માટે મારી માઈની આભારી છું.

નવાઈની વાત એ છે કે, આજે મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં હું પસાર થઉ તો લોકો
ઊભા રહીને મને નમસ્કાર કરે છે. કિશોરી અમોનકર તરીકે મને ઓળખે, ત્યારે આદરથી મારું
અભિનંદન કરે છે. બીજા કલાકારો સાથે ‘સેલ્ફી’ લેવાની પડાપડી થાય, પણ મને? માત્ર ‘નમસ્કાર’
કારણ કે, સૌ જાણે છે, મારા મિજાજ અને ગમા-અણગમાને-સેલ્ફી કે વધુ પડતો ઘરોબો મને પસંદ
નથી. હું થોડી રિઝર્વ્ડ છું, પરંતુ જેની સાથે મારું મન મળી જાય એને માટે કંઈ પણ કરું, એ પણ
એટલું જ સાચું!

ઘણા લોકો એવો આક્ષેપ કરે છે કે હું તોછડી છું, તુંડમિજાજી છું. મારા જ પ્રશંસકોનું
અપમાન કરી નાખું છું. ઓર્ગેનાઈઝર્સ સાથે અશક્ય એવી શરતો મૂકું છું, મારો તાનપૂરો ટ્યૂન ના થયો
હોય તો કલાકો પ્રતીક્ષા કરાવું છું, મને સાંભળવા આવેલા લોકો અંદર અંદર વાતો કરે તો હું કોન્સર્ટ
છોડીને જતી રહું છું. મને દરેક વખતે સાઉન્ડ, લાઈટ અને બીજી બાબતોમાં વાંધા હોય છે, પરંતુ એ
બધાને ખબર નથી કે ભીતરની કિશોરી કેવી છે. મારી અંદર મારી મા જેટલું જ વહાલ અને નમ્રતા છે.
હું સૌને ચાહું છું, પરંતુ જ્યારે મારા સંગીત સાથે ચેડાં કરવામાં આવે ત્યારે હું ધીરજ નથી રાખી
શકતી. ફિલ્મના પાર્શ્વગાયકોને જે સ્ટારર્ડમ મળે છે એ ત્યારે શાસ્ત્રીય સંગીતકારોને નહોતું મળતું. મેં
વ્યવસ્થિત સ્યુટ રૂમ, ગાડી અને વ્યવસ્થિત રકમની માગણી કરવાનું શરૂ કર્યું એ પછી શાસ્ત્રીય
સંગીતકારોને પણ આ બધી સવલત મળવા લાગી… એ વિશે કોઈ વાત નથી કરતું! કશું મેળવવા માટે
ક્યાંકથી તો શરૂ કરવું પડે, ને મેં કર્યું. આજે શાસ્ત્રીય સંગીતના કલાકારોને જે સન્માન અને ગ્લેમર
મળે છે એમાં ક્યાંક મારું પણ પ્રદાન છે, એ વાતનું મને ગૌરવ છે. સત્ય એ છે કે મને પ્રશંસાની કે
નિંદાની કોઈ પરવાહ જ નથી. હું તો મારા નિજાનંદ માટે અને મારા ઈશ્વરની પ્રાર્થનાના સ્વરૂપમાં
સંગીતની આરાધના કરું છું. સાચું પૂછો તો મને પ્રસિધ્ધિ વિશે ઝાઝો મોહ રહ્યો નથી, પરંતુ
સંગીતપ્રેમી કે ભાવકો માટે તો હું પૂરા હૃદયથી ગાઉ છું.

એ ગાળામાં હું મારી મા પાસે સંગીત શીખતી, ત્યારે મને લાગતું કે હજી મારે ઘણું
શીખવાનું બાકી છે. મારી મા મોગુબાઈ, જેને સૌ ‘માઈ’ કહેતા, એ મને હંમેશાં સલાહ આપતી,
‘સંગીતના પથ પર શીખવાનું ક્યારેય પૂરું નથી થતું. એક વાત યાદ રાખજે, તું જે દિવસે તારી જાતને
પરફેક્ટ કે શ્રેષ્ઠ માનવા લાગીશ એ દિવસથી તારી પડતી શરૂ થઈ જશે.’ સંગીતમાં કારકિર્દી
બનાવવાનો એનો આગ્રહ હોવા છતાં એણે એક આદર્શ ગૃહિણી તરીકે પણ મને પૂરી તાલીમ આપી.
રસોઈ, ઘરનું કામ, સીવવા-સાંધવા જેવી બાબતોમાં પણ એ એક એવી ‘મા’ હતી જેણે મને એક
સંપૂર્ણ વ્યક્તિત્વ આપવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કર્યો.

હું 20 વર્ષની થઈ ત્યારથી એને મારા લગ્નની ચિંતા હતી, પરંતુ મારા સંગીતને સમજે
અને મને મારી કારકિર્દીમાં અટકાવે નહીં એવો વર શોધવો સહેલો નહોતો. એ 1950-52નો સમય
હતો. ‘રામ મોહન’ મરાઠી માધ્યમની શાળામાં મારા શિક્ષક રવિન્દ્ર અમોનકર માટે મને અતિશય
સન્માન હતું. એ મારા મિજાજને અને મારા સંગીતને સમજતા. મારા સંઘર્ષને એમણે જોયો હતો. એ
પણ ગોવાના હતા, અમે પણ મૂળ ગોવાના-એટલે અમારા પરિવારો વચ્ચે પણ ઓળખાણ અને
એકમેકના ઘરે આવવા-જવાનો સંબંધ હતો.

રવિન્દ્ર અમોનકર વ્યવસાયે એક શિક્ષક હતા, પરંતુ રિફોર્મ અને સમાજોત્થાનનું કામ એમનો
પ્રથમ રસ હતો. એ ગોવાના બાલભવનના ચેરમેન પણ રહી ચૂક્યા હતા. એમનું સૌથી મોટું કામ ‘વક્રતુંડ’
નામની સંસ્થાની સ્થાપના, જેમાં એમણે ગોવાના અનેક બાળકોને નાટક દ્વારા સંસ્કાર અને સંસ્કૃતિ
તરફ વાળવાનું કામ કર્યું. એમણે નાટ્ય શાસ્ત્રની તાલીમ આપીને ગોવાના લગભગ ત્રણ હજારથી વધુ
કલાકારો તૈયાર કર્યા. ગોવામાં ‘મહાનાટ્ય’ નામની સંસ્થામાં 75થી વધારે કલાકારો લઈને ગોવાની
આઝાદીના ઈતિહાસ ઉપર એમનું તૈયાર કરેલું નાટક દેશભરમાં પ્રસિધ્ધ થયું. એમણે મરાઠી, કોંકણી,
હિન્દી અને ઈંગ્લિશ ભાષામાં અનેક નાટકો કર્યાં. એમનું મૂળ કામ ગોવા સાથે જોડાયેલું હતું, પરંતુ
સમય સાથે એ મુંબઈ આવીને મુંબઈની રામમોહન શાળામાં શિક્ષક તરીકે જોડાયા, એમને માટે
શિક્ષણ અને નવી પેઢી સાથે કામ કરવું એ જ એમના જીવનનું ધ્યેય હતું. એમની સાદગી અને
સમજણ તરફ હું આકર્ષાઈ. અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. સાવ અંગત મિત્રો અને થોડાક જ નિકટના
સ્વજનોની હાજરીમાં અમે લગ્ન કરીને પતિ-પત્ની બન્યાં. રવિન્દ્રની સૌથી ઉત્તમ બાબત એ હતી કે,
એણે ક્યારેય મને મારા નિર્ણયો કરતાં રોકી નથી કે, મારી સ્વતંત્રતા વિશે નાનકડો પણ સવાલ ઊભો
કર્યો નથી. મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એવી કોઈ સલાહ મને રવિન્દ્ર ક્યારેય
આપતા નહીં. ક્યારેક એ મજાકમાં કહેતા, ‘ભલભલા ઓર્ગેનાઈઝર અને પ્રશંસકો જેનાથી ડરે છે એની
સાથે હું ચોવીસ કલાક રહું છું… મારી હિંમતને દાદ છે ને!’ જોકે, મેં હંમેશાં સ્વીકાર્યું છે કે, ‘મારા
નિર્ભિક વિવેચક અને સૌથી સારા મિત્ર રવિન્દ્ર જ છે.’ એ ખૂબ નમ્ર અને સાલસ વ્યક્તિ હતા.
જાહેરજીવન, ફોટા કે પ્રસિધ્ધિથી દૂર ભાગતા. અમે બંને અમારું કામ પૂરી નિષ્ઠાથી કરતાં.

સાચું કહું તો અમારો સંબંધ સમયથી ઘણો આગળ હતો. એ મારાથી દસ વર્ષ મોટા
અને મૂળ મારા શિક્ષક, એટલે ઘણી બધી બાબતોમાં એ મારા ગુરૂ હતા. કેટલીક બાબતોમાં એ મિત્ર
રહ્યા. મારી કોન્સર્ટ્સમાં એમની ગેરહાજરી, કે ફોટા અને પ્રસિધ્ધિથી દૂર રહેવાની એમની આદત
એમના સ્વભાવને કારણે ઘણા લોકોએ ઘણીવાર અમારા સંબંધ વિશે સાચી-ખોટી ધારણાઓ કરીને
ગમે તેમ લખ્યું છે. મજાની વાત એ છે કે, એમણે કોઈ દિવસ આવા લેખો કે લોકોની વાતો પ્રત્યે ધ્યાન
નથી આપ્યું, ન કદી ઈન્ટરવ્યૂ આપ્યા. 1960માં એક સ્ત્રી (પત્ની) એના પતિ કરતાં વધુ કમાતી હોય,
વધુ પ્રસિધ્ધ હોય ત્યારે એ સંબંધને એટલા જ સ્નેહ અને ગૌરવથી જાળવવો સહેલો નથી, પરંતુ
રવિન્દ્ર અમોનકરે જીવનભર એ સંબંધને જાળવ્યો એટલું જ નહીં, એ મારા જીવનનો સૌથી મોટો
આધાર બની રહ્યા.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *