ભાગઃ 2 | ‘સંગમ’ની સફળતા માટે અમારા અફેરની અફવા ઉડાડવામાં આવી હતી

નામઃ વૈજયન્તી માલા
સ્થળઃ ચેન્નાઈ
સમયઃ 2007
ઉંમરઃ 74 વર્ષ

1955માં જ્યારે ‘દેવદાસ’ની જાહેરાત થઈ ત્યારે ચંદ્રમુખીના રોલ માટે સૌથી પહેલા
નરગીસનો વિચાર કરવામાં આવ્યો, પરંતુ નરગીસજીએ એ રોલ માટે ના પાડી, કારણ કે એમને ‘પારો’
કરવું હતું. પારો માટે સુચિત્રા સેનનું કાસ્ટિંગ થઈ ગયું હતું અને બિમલ રોય એ બદલવા માગતા
નહોતા. એ પછી મીનાકુમારીનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ કમાલ અમરોહીએ એટલી બધી આકરી
શર્તો મૂકી કે, બિમલ રોય એ પૂરી કરી શકે એમ નહોતા. અંતે, મારો નંબર લાગ્યો! હવે વિચારું છું તો
નવાઈ લાગે છે, પણ સત્ય એ છે કે સિનેમાનું પાત્ર હોય કે જીવનની કોઈ સફળતા, આપણા
નસીબમાં લખી હોય તો એ આપણી પાસેથી કોઈ લઈ જઈ શકતું નથી અને જો આપણા નસીબમાં
ન હોય તો આપણને મળી હોય ત્યાંથી પણ ઝૂંટવાઈ જતી હોય છે.

નરગીસ સિવાય રાજ કપૂરની ફિલ્મોની કલ્પના કરવી પણ અશક્ય હતી, પરંતુ એમણે ‘મધર
ઈન્ડિયા’ સાઈન કર્યું એ પછી બંને જણાં વચ્ચે તિરાડ પડી. અખબારોએ એમની વચ્ચેના મનદુઃખને
ગરમાગરમ ભજિયાંની જેમ વેચ્યું. ‘મધર ઈન્ડિયા’ સુપરહિટ થઈ અને 1958માં લગ્ન કરીને
નરગીસજીએ ફિલ્મી દુનિયાને ‘ગુડ બાય’ કહી દીધું.

ત્યારે, ‘દેવદાસ’ રિલીઝ થઈ ચૂકી હતી. ‘દેવદાસ’ પછી ‘નયા દૌર’ અને ‘મધુમતિ’ એ ધૂમ
મચાવી હતી. જ્યારે હું દિલીપ કુમાર સાથે કામ કરતી હતી ત્યારે એમની સાથે મારા અફેરની ચર્ચા
ચગી. બોલિવુડના અખબારો ગોસિપની કમાણી પર નભે છે. પ્રેક્ષકોને એમના પ્રિય કલાકારોના અંગત
જીવન વિશે જાણવામાં ઊંડો રસ છે. કલાકારોને ભાવતું ભોજન, ગમતા કપડાં, એમના ઘરની
તસવીરોની સાથે સાથે એમના અફેર્સ પણ પ્રેક્ષકોના મનોરંજનનું એક મહત્વનું સાધન છે.

મને તો એ નથી સમજાતું કે, સાથે કામ કરનારા દરેક કલાકારો-સ્ત્રી અને પુરુષ વચ્ચે ફક્ત
વ્યવસાયિક સંબંધ ન હોઈ શકે? બે જણાં વચ્ચે અંગત-ઈમોશનલ સંબંધ કે અફેર હોય તો જ એ
ફિલ્મ પડદા ઉપર સાચી લાગે એવું હું નથી માનતી તેમ છતાં, યુસુફ સા’બ સાથેના મારા અફેરની
ચર્ચાને ન એમણે બહુ મહત્વ આપ્યું, ન મેં. અમે સારી રીતે મિત્રોની જેમ સાથે કામ કરતાં રહ્યાં.
અમારી ફિલ્મો સારી ચાલી એટલે અમારી જોડીને વારંવાર ફરી ફરી રિપીટ કરવામાં આવી.

એ ગાળામાં રાજ-નરગીસની સૌથી લોકપ્રિય જોડી તૂટી. હવે આર.કે. પાસે હિરોઈન નહોતી.
એમણે એક-બે હિરોઈનને અજમાવી જોઈ, પણ રાજ કપૂરની ટક્કરમાં એની સાથે જોડી જમાવે
એવી હિરોઈન એમને મળી નહીં. ‘બૂટ પોલિશ’ અને ‘જાગતે રહો’ જેવી ફિલ્મો બની.

દક્ષિણ ભારતના જાણીતા નિર્માતા સી.વી. શ્રીધર એમની એક તમિલ ફિલ્મની રિમેક માટે મારી પાસે
ઓફર લઈને આવ્યા. એ તમિલ ફિલ્મ ‘કલ્યાણા પરિસુ’ જેમિની ગણેશન અને બી. સરોજાદેવી સાથે
બની હતી. દિલીપ કુમારને ફિલ્મનો રોલ ગમ્યો નહીં, એટલે શ્રીધરે રાજ કપૂરને એ ફિલ્મ માટે પૂછ્યું.
મારું કાસ્ટિંગ થઈ ચૂક્યું હતું. રાજ કપૂરને એ ફિલ્મ કરવામાં પોતાનો ફાયદો સમજાયો કારણ કે,
નરગીસના ગયા પછી એમને એક હિરોઈનની જરૂર હતી. અમે એ ફિલ્મ સાથે કરી જે સુપરહિટ
નીવડી. એ ગાળામાં મારે ફિલ્મો ઓછી કરવી હતી એટલે મેં મારી ફીઝ વધારી દીધી. નવાઈની વાત
એ છે કે, વધારે ફી સાથે પણ ફિલ્મોની ઓફર ઘટી નહીં! 62થી 65 દરમિયાન હું હિન્દી સિનેમામાં
સૌથી વધુ ફી લેતી અભિનેત્રી હતી!

‘નઝરાના’ પછી રાજ કપૂરની સાથે મારી બીજી કોઈ ફિલ્મ આવી નહીં કારણ કે, બીજા કોઈ
નિર્માતા કદાચ રાજ કપૂર પાસે ગયા પણ હોય તો રાજ કપૂરે મારી સાથે ફિલ્મ કરવાની ના પાડી હોય
એવું બને! હું એ વિશે કંઈ જાણતી નથી, પરંતુ 61થી 64 દરમિયાન મેં દિલીપ કુમાર સાથે ‘ગંગા
જમુના’ જેવી સુપરહિટ ફિલ્મો આપી. ‘જુલા’, ‘ડૉ. વિદ્યા’ જેવી ફિલ્મો પણ એ જ ગાળામાં રજૂ
થઈ. 1963ના અંતમાં રાજ કપૂર મારી પાસે ‘સંગમ’ની ઓફર લઈને આવ્યા. એમણે મને કથા
સંભળાવી, મેં એમની પાસે થોડો સમય માગ્યો. રાજ કપૂર સાથે કામ કરવું સરળ નથી એ વાત મને
‘નઝરાના’ દરમિયાન સમજાઈ ગઈ હતી. એ ખૂબ સારા કલાકાર હતા, પરંતુ અત્યંત ઈગોઈસ્ટિક અને
ઘણી બધી બાબતોમાં દુરાગ્રહી હતા. એમના સમયનું ટાઈમ ટેબલ વિચિત્ર હતું… લગભગ આખી
ફિલ્મ યુરોપમાં શૂટ થવાની હતી એટલે એટલા બધા દિવસ વિદેશ જવું કે નહીં એ વિશે પણ મારે
વિચાર કરવાનો સમય જોઈતો હતો.

અમે મિટીંગ કરી એના એક અઠવાડિયા પછા રાજ કપૂરે મને ટેલિગ્રામ મોકલ્યો અને એ
ટેલિગ્રામમાં એમણે લખ્યું હતું, ‘બોલ રાધા બોલ સંગમ હોગા કી નહીં’ (એ ફિલ્મમાં મારા પાત્રનું નામ
રાધા હતું). મને હસવું આવી ગયું અને મેં એમને ટેલિગ્રામ મોકલ્યો, ‘હોગા હોગા હોગા’. પછી તો એ
સંવાદને ‘સંગમ’ ફિલ્મમાં ગીત તરીકે પણ સમાવી લેવામાં આવ્યો.

બોલિવુડના ઈતિહાસનું સૌથી મહત્વનું પાનું-મહત્વનો સમય એટલે ‘સંગમ’ અને ‘ગાઈડ’
કારણ કે, આર.કે. ફિલ્મ જ્યારે ‘સંગમ’ બનાવી રહ્યું હતું ત્યારે નવકેતન ‘ગાઈડ’ નામની ફિલ્મ બનાવી
રહ્યું હતું. આ બંને ફિલ્મો પહેલીવાર સંપૂર્ણપણે રંગીન ફિલ્મ પર શૂટ થઈ રહી હતી. બંનેનું સંગીત
લોકપ્રિય થઈ ચૂક્યું હતું અને આ બંને ફિલ્મો સુપરહિટ પૂરવાર થઈ.

રિશી કપૂરે જે સમય વિશે લખ્યું છે એ, આ 1964નો સમય છે, જ્યારે ‘સંગમ’નું શૂટિંગ
યુરોપમાં ચાલતું હતું. રાજ કપૂરને સફેદ રંગ માટે કોઈ વિચિત્ર પ્રકારનું આકર્ષણ હતું. એમણે આખી
ફિલ્મમાં મને જુદી જુદી ડિઝાઈનની સફેદ સાડીઓ પહેરાવી. યુરોપના શૂટિંગ દરમિયાન અમારી
વચ્ચે સારી મૈત્રી થઈ, પરંતુ અફેર જેવું કશું જ નહોતું. ‘ગાઈડ’ અને ‘સંગમ’ લગભગ આગળ પાછળ
રિલીઝ થવાની હતી. ગાઈડ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ. લોકોએ વધાવી લીધી. એના ગીતો દરેક પાનના
ગલ્લા પર, એસ.ટી. બસ સ્ટોપ પર, રેલવે સ્ટેશન પર અને બિનાકા ગીતમાલામાં ગૂંજવા લાગ્યા.

હવે રાજ કપૂરની પબ્લિસિટી ટીમને ભય પેઠો કે જૂનમાં રિલીઝ થનારી ફિલ્મ ‘સંગમ’ની
સરખામણી ‘ગાઈડ’ સાથે કરવામાં આવશે… કોણ જાણે કયા ભયથી પણ ફિલ્મના પ્રચાર માટે રાજ
કપૂર સાથે મારા અફેરની અફવા ઉડાડવામાં આવી. તમામ અખબારો, મેગેઝિન્સના કવર ઉપર
‘સંગમ’ની વિગતો તો હતી જ, પણ સાથે સાથે અમારા અફેરનું સ્કેન્ડલ પણ હતું. હું ભયભીત થઈ
ગઈ. મેં રાજ કપૂરને ફોન કર્યો. પહેલાં તો એ ફોન પર જ ના આવ્યા. મામાજી, જે એમનું બધું કામ
જોતાં-એ જ ફોન ઉપાડતા. ‘ફોન કરવાતા હૂં’ કહીને બબ્બે દિવસ સુધી એમના તરફથી કોઈ
પ્રતિભાવ ન મળતો. અંતે, હું રાજ કપૂરને મળવા માટે પહોંચી ગઈ. ચેમ્બુર સ્ટુડિયોના કમ્પાઉન્ડમાં
ખુરશી નાખીને એ અમુક અંગત મિત્રો સાથે શરાબ પી રહ્યા હતા. મેં ત્યાં પહોંચીને એમને મારી
ચિંતા-ભયનું કારણ અને એ મારી કારકિર્દીને કઈ રીતે નુકસાન કરી શકે એવું બધું ઘણું જણાવ્યું.
એમણે પહેલાં સાંભળી લીધું પછી સ્મિત કરીને કહ્યું, ‘ફિલ્મ કો ફાયદા હોગા. ઈસમેં ઈતના ડરને કી કોઈ
બાત નહીં હૈ… ઔર રાજ કપૂર કે સાથ ઈમોશનલ અટેચમેન્ટ તો તુમ્હારે લિયે પ્રાઈડ કી બાત હોની
ચાહિએ.’

હું ત્યાંથી પાછી ફરી ગઈ. ફિલ્મ રિલીઝ થઈ. હિન્દી સિનેમાની સૌથી લાંબી ફિલ્મ જેમાં બે
ઈન્ટરવલ હતા. ફિલ્મના પ્રીમિયરની સાંજે શરાબ પીતી વખતે રાજ કપૂર અને લેખક ઈન્દર રાજ
આનંદ વચ્ચે ઝઘડો થઈ ગયો. એ ઝઘડો એટલો બધો મોટો થયો કે ઈન્દર રાજ આનંદે રાજ કપૂરને
થપ્પડ મારી દીધી. એ પછી ‘સંગમ’માં કામ કરતી દરેક વ્યક્તિએ ઈન્દર રાજ આનંદની લખેલી
કોઈપણ ફિલ્મનો બહિષ્કાર કર્યો. ઈન્દર રાજે લગભગ 18 ફિલ્મો ખોઈ. એમને હાર્ટ એટેક આવ્યો.
રાજ કપૂરને લાગ્યું કે, પરિસ્થિતિ હજી વધારે વણસી શકે એમ છે એટલે હોસ્પિટલમાં પડેલા ઈન્દર
રાજ પાસે જઈને એમણે સામેથી દોસ્તીનો હાથ લંબાવ્યો.

આ ફિલ્મી દુનિયા છે. અહીં આવું બધું ચાલ્યા કરે છે. કોણ ક્યારે કોનો મિત્ર અને કોણ ક્યારે
કોનો શત્રુ એ વિશે કોઈ નિશ્ચિત વ્યાખ્યા કે વચન નથી અહીં.

મારે એવું સ્વીકારવું જોઈએ કે, રાજ કપૂર પોતાના સમયના સૌથી પાવરફૂલ વ્યક્તિ અને બહુ
મોટા શો મેન હતા…

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *