ભાગઃ 2 | વિદેશ યાત્રા, “શારદા સદન” અને મહિલા ઉત્થાન

નામઃ પંડિતા રમાબાઈ
સ્થળઃ શારદા સદન, ચોપાટી, મુંબઈ
સમયઃ માર્ચ, 1920
ઉંમરઃ 92 વર્ષ

હું 92 વર્ષે મુંબઈ શહેરને બદલાઈ ગયેલું જોઈ રહી છું. વિજળીના દીવા,
મોટરગાડીઓ, લોકલ ટ્રેન અને ગામ-પરગામથી આવીને વસેલા અનેક લોકોએ મુંબઈને સમૃધ્ધ
બનાવ્યું છે, પરંતુ હું જ્યારે મુંબઈ આવી ત્યારે આ સાત ટાપુનું એક નાનકડું શહેર હતું. જે અંગ્રેજોનું
મુખ્ય થાણું હતું. 1877માં માતા-પિતા અને બહેનનું મૃત્યુ, 1880માં મારા એક માત્ર ભાઈના મૃત્યુ
પછી મારો પરિવાર રહ્યો નહીં. બિપીન બિહારીદાસ સાથેના મારા લગ્ન પણ બે જ વર્ષમાં પૂર્ણ થયા
કારણ કે, એ પણ મને છોડીને ચાલી ગયા. મારા પતિના ગયા પછી મને સાચી રીતે સમજાયું કે,
ભારતમાં વિધવા સ્ત્રીઓનું જીવન કેટલું દુષ્કર અને મુશ્કેલ છે, મેં નક્કી કર્યું કે હું વિધવા સ્ત્રીઓનું
જીવન સરળ બનાવવા અને એમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે મારું જીવન ખર્ચી નાખીશ.
વિધવા સ્ત્રીઓને પુનર્વિવાહનો અધિકાર મળે, બાળ લગ્નો અટકે એ માટે મેં 1882માં આર્ય મહિલા
સમાજના સંગઠનની સ્થાપના કરી હતી.

મારે આગળ ભણવું હતું, ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્ય માટે મારે ડૉક્ટર બનવું
હતું, પરંતુ ભારતમાં મને ચિકિત્સા ક્ષેત્રમાં કે તબીબી ક્ષેત્રે ભણવાની છૂટ મળી નહીં. નવાઈની વાત
એ છે કે, ભારત સરકાર (અંગ્રેજ) દ્વારા શિક્ષણની સ્થિતિ જાણવા માટે લોર્ડ રિપનની આગેવાનીમાં
એક સમિતિની રચના કરવામાં આવી, એ સમિતિમાં હું એક સભ્ય હતી એટલું જ નહીં, એમણે મારા
શિક્ષણના વિચારોને સ્વીકાર્યા અને ભારતીય મહિલાઓને તબીબી શિક્ષણમાં પ્રવેશ આપવાની
દરખાસ્ત રજૂ કરી. મારે જ કારણે ભારતીય મહિલાને તબીબી ક્ષેત્રે આગળ વધવાની તક મળે એવા
પ્રયાસો થયા, પરંતુ હું પોતે જ એડમિશન મળવા છતાં તબીબી શિક્ષણ મેળવી શકી નહીં કારણ કે,
મારી પરવાનગી સ્થાપિત હિતો દ્વારા રદ કરવામાં આવી. હું સહેલાઈથી હારું એવું વ્યક્તિત્વ જ
નથી.

1883માં મેં બ્રિટન જવાનો નિર્ણય કર્યો અને મારા તબીબી શિક્ષણની શરૂઆત કરી.
ધર્મ મારે માટે માનવતાથી ઉપર નથી. બ્રિટનમાં તબીબી શિક્ષણ મેળવવું હોય તો મિશનરીનો સહારો
લેવો પડે, એ સમયની ખ્રિસ્તી મિશનરીઓએ મને ખ્રિસ્તી ધર્મ સમજાવ્યો અને એમાં રહેલી
મહિલાઓની સમાનતાનો વિચાર મને ગમ્યો. મેં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરીને મિશનરીની સ્કોલરશિપ
ઉપર મારા તબીબી શિક્ષણની શરૂઆત કરી. જોકે, જતા પહેલા મારું એડમિશન કેન્સલ થયું એ અંગે
મેં સરકારને એક પત્ર લખ્યો હતો. જેની ઊંડી અસર થઈ અને લોર્ડ ડફરિને મહિલા ચિકિત્સા
આંદોલનની શરૂઆત કરી.

1886માં બ્રિટનથી અમેરિકા ગઈ. જ્યાં મેં ભારતની શિક્ષણ સ્થિતિ વિશે લોકોને
જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. આ એ સમય હતો જ્યારે આનંદીબાઈ જોશીના 20 વર્ષ મોટા પતિ
ગોપાળ રાવ એમને દેશના પહેલાં મહિલા તબીબ બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા હતા.
1980માં ગોપાળ રાવે અમેરિકન મિશનરી રોયલ વાઈલ્ડરને એક પત્ર લખ્યો હતો. જેને કારણે અંતે
1886માં આનંદીબાઈ પૂનાથી પેન્સિલ્વેનિયા પહોંચ્યા. એમને વાંચવા માટે, અભ્યાસ માટે, અંગ્રેજી
પાઠ્યપુસ્તકોના અનુવાદનું કામ મેં જ કર્યું હતું. દુઃખની વાત એ છે કે, 1886માં અમે બંને
અમેરિકામાં સાથે હતા, પરંતુ ભારત પાછા ફરતાં જ 22 વર્ષની ઉંમરે આનંદીબાઈનું સ્વાસ્થ્ય બગડવા
લાગ્યું અને પોતે તબીબી શિક્ષણ મેળવ્યું હોવા છતાં અંતે એમનું મૃત્યુ થયું. ભારતની પહેલી મહિલા
તબીબ પોતાનું કામ શરૂ કરી શકે એ પહેલાં જ આપણે એને ખોઈ દીધી.

એ પછીનો ગાળો મારા માટે વિકાસ અને સંશોધનનો ગાળો બની ગયો. ભારતીય
સ્ત્રીઓની પરિસ્થિતિને સુધારવા માટે મેં એક અભિયાન શરૂ કરી દીધું. મારા ધર્મ પરિવર્તનને કારણે
બ્રાહ્મણો અને હિન્દુઓએ મારો ભયાનક વિરોધ કર્યો, પરંતુ મેં મનોમન નક્કી કર્યું હતું કે હું મારું
જીવન ભારતીય સ્ત્રીનાં જીવનને સુધારવા માટે જ સમર્પિત કરી દઈશ. 1889માં મેં ‘શારદા સદન’ની
સ્થાપના કરી.

‘શારદા સદન’નો મુખ્ય ઉદ્દેશ, બાળ-વિધવા કે પરિવારથી ત્યજાયેલી સ્ત્રીઓને આર્થિક
રીતે પગભર કરી સમાજમાં પુનઃપ્રસ્થાપિત કરવાનો હતો. સાથે સાથે સ્ત્રી શિક્ષણ માટેની જાગૃતિ
આપણા દેશમાં અનિવાર્ય હતી. મેં અનેક વિધવા સ્ત્રીઓને, બાળકીઓને વ્યવસાયલક્ષી શિક્ષણ
આપીને જીવન માટે તૈયાર કરવાનું શરૂ કર્યું. મુદ્રણાલયમાં કામ કરવું, ભરતકામની સાથે સાથે થોડી
તકનિકી બાબતોની જાણકારી, કાંતવુ, શાંકભાજી ઊગાડવા, ડેરી ચલાવવી, પોલ્ટ્રી ચલાવવી અને
મસાલા બનાવવાથી શરૂ કરીને બીજી કેટલીયે બાબતોમાં પ્રશિક્ષણ આપ્યું જેને કારણે મહિલાઓ
પગભર થવા લાગી. સ્વાભાવિક રીતે જ સમાજમાં આ વાતનો વિરોધ થયો.

હજી તો ‘શારદા સદન’ માંડ પગભર થયું ત્યાં તો 1897નો દુષ્કાળ પડ્યો. ભારતના
મધ્ય ભાગોમાં દુષ્કાળ પીડિત ક્ષેત્રોમાં સેંકડો બાળકોને એમના માતા-પિતાએ રસ્તા પર છોડી દીધા.
કેટલીયે બાળ વિધવાઓ અને નિરાધાર મહિલાઓનું કોઈ નહોતું ત્યારે હું એ બધાને લઈ આવી, મારા
આ પગલાંનો ભયાનક વિરોધ કરવામાં આવ્યો. કેટલાય લોકોએ સાથે મળીને એવો આગ્રહ રાખ્યો કે,
મારે આ બધાને એમના હાલ પર છોડી દેવા જોઈએ. હું એમ કરી શકું જ નહીં… મેં નક્કી કર્યું કે હું
સૌને આશ્રય આપીશ એટલું જ નહીં, એ સૌ સ્વતંત્ર થઈને પોતાની રીતે જીવી શકે એની વ્યવસ્થા
પણ કરીશ.

પૂનાથી 50 માઈલ દૂર મારા પતિ સાથે સો એકર જમીનનો એક ટુકડો અમે ખરીદેલો.
એ વખતે એવું વિચારેલું કે, ત્યાં ખેતી કરીને જીવન જીવીશું, પરંતુ એમના મૃત્યુ પછી એ જમીન ઉપર
મારા ત્યજાયેલા બાળકો અને બાળ વિધવાઓને આશ્રય આપવાનો મેં નિર્ણય કર્યો. અમે સૌએ સાથે
મળીને કાચું મકાન બાંધ્યું અને સૌને ત્યાં વસાવી દીધા. મેં સ્ત્રીઓને વ્યવસાયિક કૌશલ્ય મળી રહે
એવું પ્રશિક્ષણ આપવાની શરૂઆત કરી. હું પોતે પણ ‘શારદા સદન’ છોડીને અહીં કેડગાંવમાં જ વસી
ગઈ.

અમે ત્યાં જ મુક્તિ મિશનની પણ સ્થાપના કરી. મુક્તિ મિશનમાં ત્યજાયેલી વિધવાઓ,
બાળકો સહિત અનાથ, નેત્રહીન અને જરૂરિયાતમંદ લોકોને પણ આશ્રય આપવાનું શરૂ કર્યું. 1900ની
સાલમાં મુક્તિ મિશનમાં 1500 જેટલા લોકો વસતા હતા. એમની સાથે હજારથી વધુ પશુઓને પણ
અમે આશ્રય આપ્યો. દુષ્કાળ પછીના અઘરા સમયમાં મુક્તિ મિશન સૌ માટે જીવનનો આધાર બની
ગયું. મુક્તિ મિશન અને શારદા સદનમાં કામ કરતાં કરતાં મેં હિબ્રુ અને ગ્રીક ભાષામાંથી બાઈબલનો
અનુવાદ મરાઠી ભાષામાં કર્યો. એ સિવાય પણ અનેક પુસ્તકો લખ્યાં જેમાં ‘મોરલ્સ ફોર વિમેન’ જે મેં
1882માં લખ્યું હતું. એ પછી મેં અનેક લેખો લખ્યાં. સ્ત્રીઓ મારે ત્યાં આવી ત્યારે કેવી દેખાતી હતી
અને એમનું જીવન કંઈ રીતે બદલાયું એ વિશેની અનેક તસવીરો મેં અખબારોમાં અને મારા લેખોમાં
પ્રકાશિત કરી.

ઉત્તર પ્રદેશની મહિલાઓને, ખાસ કરીને વિધવાઓને વૃંદાવનમાં છોડી દેવામાં
આવતી. ભૂખ મિટાવવા અને જીવન ગુજારવા માટે આવી મહિલાઓનું શારીરિક શોષણ થતું, એમને
વેચી નાખવામાં આવતી. આવી મહિલાઓને બચાવવા માટે હું મહાર સ્ત્રીનો વેશ બદલીને ગુપ્ત
યાત્રા કરીને એમને વૃંદાવનથી છેક કેડગાંવ લઈ આવી. મારે ત્યાંથી મહિલાઓના પુનર્વિવાહ માટે
આંતરજાતિય, આંતરજ્ઞાતિય અને આંતરભાષીય લગ્નો કરવામાં આવ્યાં. એ સૌ સ્ત્રીઓ સુખી થઈ જે
જોઈને સમાજમાં સારા પ્રમાણમાં જાગૃતિ આવી.

આજે, મુંબઈ શહેરમાં બેઠી છું ત્યારે મને એક વાતનો સંતોષ છે કે, મેં મારા દેશની
સ્ત્રીઓનું ભવિષ્ય બદલવા માટે મારાથી બનતું યોગદાન આપ્યું છે.

આજે તો લોકો મારા કાર્યને અને મારી સ્વતંત્રતા અને શિક્ષણ માટેની લડતને બિરદાવે
છે, પરંતુ મારા સમયમાં મેં ભયાનક સંઘર્ષનો સામનો કર્યો છે. મારા મૃત્યુ પછી લગભગ સાડા છ
દાયકા વિત્યા, એ પછી 26 ઓક્ટોબર, 1989ના દિવસે ભારતીય ટપાલ ટિકિટ વિભાગે મારા
નામની ટિકિટ બહાર પાડી. મુંબઈના ગામદેવી વિસ્તારમાં હ્યુજીસ રોડથી નાના ચોક સુધીનો માર્ગ
‘પંડિતા રમાબાઈ માર્ગ’ તરીકે જાણીતો છે.

(સમાપ્ત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *