નામઃ ડૉ. આનંદી ગોપાળ જોશી
સ્થળઃ કોલ્હાપુર
સમયઃ 1886
ઉંમરઃ 21 વર્ષ
ગોપાળરાવે જે કર્યું એનાથી ઘરની પરિસ્થિતિ તો જાણે બદલાઈ. એમની પહેલી પત્નીનાં
માતુશ્રીએ ઘરની ઘણી ખરી જવાબદારી ઉપાડી લીધી અને હું નિશ્ચિંત થઈને ભણવા લાગી, પણ
મારા ભણતરમાં ક્યાંકને ક્યાંક અડચણ આવવાની જ હતી, કદાચ મારા નસીબમાં જ એવું લખ્યું હશે!
અલીબાગથી ગોપાળરાવે પોતાની બદલી કોલ્હાપુર કરાવી. મને નવાઈ લાગેલી, એ જે રીતે
કોલ્હાપુર બદલી કરાવવા પત્ર પર પત્ર લખતા હતા એ જોઈને મને થયેલું કે, એવું તે કોલ્હાપુરમાં શું
છે! કોલ્હાપુર પહોંચ્યા ત્યારે ખબર પડી કે, ત્યાં છોકરીઓ માટેની અંગ્રેજી શાળા હતી. ગોપાળરાવે એ
શાળામાં મને દાખલ કરાવવા માટે અંગ્રેજીનું શિક્ષણ શરૂ કર્યું. હવે રમત નહીં, બલ્કે એકદમ ગંભીર
અને કડક રીતે એ મને અંગ્રેજી ભણાવવા લાગ્યા.
એક દિવસ રાત્રે ગોપાળરાવ મને ભણાવતા હતા ને ફરી એકવાર મારી આંખો મીંચાઈ ગઈ.
એ એટલા બધા ગુસ્સે થયા કે, એમણે લાકડી ઉપાડીને મને મારવા માટે ઊંચી કરી. કૃષ્ણાના નાનીમા
વચ્ચે ધસી આવ્યા અને એમણે કહ્યું, ‘શું જોઈને એને મારે છે? એ મા બનવાની છે…’ ગોપાળરાવની
આંખો ભીની થઈ ગઈ. મેં આવો પુરુષ મારી જિંદગીમાં નથી જોયો! એ લાકડી લઈને મારી પાસે
આવ્યા. લાકડી મને આપીને કહે, ‘તું મને માર.’ મને એ ઘડીએ સમજાયું, ‘પ્રેમ’ એટલે શું?
એ પછીના દિવસો તો અત્યંત આનંદ અને ઉલ્લાસમાં વીત્યા. હું મા બનવાની હતી.
ગોપાળરાવ અને એમના સાસુ મારી ખૂબ કાળજી રાખતા. મને કોઈ કામ કરવા દેતા નહીં, પણ હા!
ભણવામાંથી છુટ્ટી મળતી નહીં. એ દરમિયાનમાં મારી તબિયત ખરાબ થઈ. કૃષ્ણાના નાનીમાએ
‘દાઈ’ને બોલાવવાનું કહ્યું, પરંતુ ગોપાળરાવ જેનું નામ… એ વિદેશી દાક્તરને લઈ આવ્યા. દાક્તરે
કાનમાં ભૂંગળું પહેરીને મારા પેટ ઉપર એક નાના ચકતા જેવું સાધન મૂક્યું (પછી મેડિકલમાં ભણવા
ગઈ ત્યારે મને ખબર પડી કે એને સ્ટેથોસ્કોપ કહેવાય) એણે અંગ્રેજીમાં ગોપાળરાવને પ્રશ્નો પૂછ્યા,
જેના મેં અંગ્રેજીમાં જવાબ આપ્યા. એ દાક્તર તો આશ્ચર્યચકિત થઈ ગયો, ને સાથે એને જોવા
આવેલા ગામના લોકો પણ અત્યંત નવાઈ પામ્યા.
પૂરા દિવસે મેં દીકરીને જન્મ આપ્યો, પરંતુ અમારા દુર્ભાગ્યે મારી દીકરી બિમાર પડી. ત્રણ
મહિનાની એ દીકરીની બિમારી અમે પારખી શક્યા નહીં અને વિદેશી દાક્તર એ દિવસોમાં ઈંગ્લેન્ડ
હતા, એટલે મારી દીકરીને સારવાર મળી શકી નહીં. ત્રણ મહિનાનો એ નાનકડો જીવ ઝાઝો સંઘર્ષ ન
કરી શકે અને એણે શ્વાસ છોડી દીધા. મારી દીકરીનાં મૃત્યુ પછી મને જબરજસ્ત આઘાત લાગ્યો.
આ અંગ્રેજી, મરાઠી બધાનો શો અર્થ છે? – હું ગોપાળરાવને પૂછતી! મને લાગ્યું કે, હવે મારે કંઈ
ભણવું નથી, કશું કરવું નથી, પણ ગોપાળરાવ એમ કંઈ છોડે એવા હતા નહીં. એમણે મિશનરી
સ્કૂલમાં મને દાખલ કરી. એક તરફથી હું મારા સંતાનના મૃત્યુથી દુઃખી હતી તો બીજી તરફ, મિશનરી
શાળામાં બધી છોકરીઓ વિદેશી હતી. ફ્રોક પહેરતી, બૂટમોજાં પહેરતી અને ઘોડાગાડીમાં શાળાએ
આવતી. એ છોકરીઓ મને બેન્ચ પર બેસવા ન દેતી, મારી મજાક ઉડાવતી. બે જ દિવસમાં મારા વર્ગ
શિક્ષિકાને ખબર પડી ગઈ કે, હું કેટલું જાણું છું અને કેટલું ભણીને અહીંયા આવી છું. એ શાળામાં
કોલંબસ વિશે ભણાવતા હતા ત્યારે મેં ગોપાળરાવે મને ભણાવેલા કોલંબસના જીવન વિશેની વિગતો
કડકડાટ બોલીને એમને ચકિત કરી દીધા. મારા ક્લાસની છોકરીઓ પણ નવાઈ પામી ગઈ. હું તો
ચાલીને શાળાએ જતી, પરંતુ એક દિવસ મારા વર્ગ શિક્ષિકાએ મને જોઈ અને એમણે એમની
ઘોડાગાડીમાં મને પગ પાસે બેસવાની જગ્યા આપી, એટલું જ નહીં, મારા વર્ગની છોકરીઓને કડક
સૂચના આપી કે, કોઈ મને હેરાન ન કરે! સૌના આશ્ચર્ય વચ્ચે હું મારા વર્ગમાં પ્રથમ આવી.
ગોપાળરાવ અત્યંત ખુશ હતા અને ત્યારે, એ રાત્રે મેં એમને કહ્યું, ‘તમે મને ભણાવીને શું
મેળવશો? ‘ એ મારો સવાલ સમજ્યા નહીં એટલે મેં એમને કહ્યું, ‘જો ખરેખર મારા શિક્ષણનો કોઈ
ફાયદો થવાનો હોય તો મારે દાક્તર બનવું છે.’ ગોપાળરાવ મારી સામે જોઈ રહ્યા, મેં એમને કહ્યું,
‘મારા સંતાનનું મૃત્યુ સારવારના અભાવે થયું. કેટલીયે ગર્ભવતી મહિલાઓ સારવારના અભાવે મૃત્યુ
પામે છે. સારી અને સરખી સુવાવડ ન થવાને કારણે બાળમરણ અને સુવાવડી સ્ત્રીનાં મૃત્યુનો દર
આપણા દેશમાં ખૂબ વધુ છે. મારે આની સામે યુધ્ધ કરવું છે. જેને માટે તબીબી શિક્ષણ સિવાય કોઈ રસ્તો
દેખાતો નથી.’ ગોપાળરાવ ખુશ થઈ ગયા, પછી કહે, ‘મેડિકલનું શિક્ષણ સહેલું નથી. તું મહેનત કરી
શકીશ?’
મેં કહ્યું, ‘હવે તો મારા બાળકના મૃત્યુનું એ જ તર્પણ છે’ …ને સાચે જ, હું સખત મહેનત કરવામાં
લાગી ગઈ. એવામાં ગોપાળરાવની બદલી કલકત્તા થઈ. અમે ચારેય, હું, ગોપાળરાવ, કૃષ્ણા અને
ગોપાળરાવના સાસુમા કલકત્તા પહોંચ્યા. ત્યાં મને જરાય ગોઠ્યું નહીં. બજારોમાં આવતી માછલીની
વાસ, જુદા જ પ્રકારની ભાષા અને પહેરવેશ, લોકોની જીવનશૈલી પણ જુદી… તેમ છતાં,
ગોપાળરાવની નોકરીને કારણે અમે ત્યાં ગોઠવાઈ ગયા. એવામાં ગોપાળરાવ તપાસ કરી આવ્યા કે,
કલકત્તા મેડિકલ કોલેજમાં મહિલાઓને એડમિશન મળે છે. એમણે અનેક પત્રો લખ્યા ત્યારે માંડ
મુલાકાત મળી, પરંતુ એ મુલાકાતમાંથી કોઈ ફાયદો ન થયો. એમને કહેવામાં આવ્યું કે, મેટ્રિકની
પરીક્ષા પાસ કરવી પડે, તો જ મેડિકલ કોલેજમાં એડમિશન મળે. વળી, કલકત્તાની મેડિકલ કોલેજમાં
ફીસ ઘણી ઊંચી અને વધારે હતી. અમને એ પોષાય એમ નહોતું.
મારા એક માસી અમેરિકા રહેતા હતા. ગોપાળરાવે એમને પત્ર લખવાનું મને સૂચવ્યું. મેં
એમને પત્ર લખીને મારે તબીબી શિક્ષણ લેવું છે એ વિશે જાણ કરી. એ જમાનામાં પત્ર પહોંચતા જ
એક મહિનો થઈ જતો. સ્ટીમર માર્ગે પત્રો પહોંચે અને જવાબ આવે એની વચ્ચે મહિનાઓ નીકળી
જતા. દરમિયાનમાં ગોપાળરાવની એક મહત્વની ઓફિસની ફાઈલ એમનાથી ગૂમ થઈ ગઈ. એ
પોસ્ટ ઓફિસના આખા મહિનાનો હિસાબ અને મહત્વના પત્રોની ફાઈલ હતી. અમે ઘણી શોધી,
પણ એ ફાઈલ મળી નહીં. ગોપાળરાવનું માનવું હતું કે, એમના જ એક સહકાર્યકરે એમને હેરાન કરવા
આવું કર્યું હતું, પરંતુ એ વિશે કોઈ ફરિયાદ કર્યા વગર એમણે નોકરીમાંથી બરખાસ્ત કરવાનો પત્ર
સ્વીકારી લીધો. એ હતા જ એવા, કોઈને માથે ક્યારેય આરોપ મૂકવાનું એમને ફાવે જ નહીં. એમની
નોકરી છૂટી ગઈ. નોકરી શોધવાનો એમણે ઘણો પ્રયત્ન કર્યો, પણ કલકત્તામાં નોકરી મળી નહીં. હું
કલકત્તાની મિશનરી સ્કૂલમાં મેટ્રિક ભણતી હતી, એટલે હવે કલકત્તા છોડીને જવાય એવી સ્થિતિ
નહોતી. ગમે તેમ કરીને એક વર્ષ તો પૂરું કરવું જ પડે એમ હતું. મેં મારા માસીને ત્રણ-ચાર પત્રો
લખ્યા, પણ એમનો કોઈ જવાબ આવ્યો નહીં. હું નિરાશ થઈ ગઈ, પણ ગોપાળરાવ નિરાશ નહોતા
થયા. એમણે બ્રિટિશ સરકારને મારા શાળાના રિઝલ્ટ મોકલીને મને તબીબી શિક્ષણ મળવું જોઈએ એ
વિશે આગ્રહ જાહેર કર્યો. બ્રિટિશ સરકાર તરફથી અમને જવાબ મળ્યો, જે વાંચીને ગોપાળરાવ
અત્યંત આનંદિત થઈ ગયા. બ્રિટિશ સરકારે મેટ્રિકની પરીક્ષામાં બેસવાની ફીમાંથી મને માફી આપી.
મેં મેટ્રિકની પરીક્ષા ઉચ્ચક જીવે અને ભયાનક મહેનત કરીને આપી તો ખરી, પણ પરિણામ વિશે અમે
બંને ખૂબ ચિંતિત હતા.
એવામાં એક દિવસ ગોપાળરાવ ઘેર આવ્યા. આવીને કહે, ‘કદાચ મારા વિઝા ન થાય અને તને
અમેરિકાની કોલેજમાં એડમિશન મળે તો તું જઈશ? ‘ મેં કહ્યું, ‘હા!’ મને ખબર હતી કે, આવું કંઈ થવાનું
નથી, એટલે મેં તો હા પાડી દીધી. ગોપાળરાવ મારી સામે જોઈ રહ્યા પછી મને પૂછ્યું, ‘તારામાં હિંમત
છે ને? ‘ મેં કહ્યું, ‘તમે એટલી હિંમત આપી છે કે હવે અમેરિકા તો શું, હું ક્યાંય પણ એકલી જઈ શકું.’
કહીને હું હસી પડી, પણ ગોપાળરાવ હસ્યા નહીં. એમની આંખોમાં ઝળઝળિયા હતા એવું મને
લાગ્યું. એમણે ખીસ્સામાંથી એક પત્ર કાઢીને મને આપ્યો અને કહ્યું, ‘લે! પેન્સિલવેનિયા
યુનિવર્સિટીમાં તારું એડમિશન થઈ ગયું છે. તારું શિક્ષણ તદ્દન મફત છે. રહેવાની વ્યવસ્થા કોલેજના
કેમ્પસ ઉપર જ મળશે, તદ્દન મફત.’ હવે ઝળઝળિયાં મારી આંખોમાં આવ્યાં. હું કોઈ રીતે માની
નહોતી શકતી કે ખરેખર મારું એડમિશન થઈ ગયું છે અને હું દાક્તર થવા માટે અમેરિકા જઈ શકીશ,
પરંતુ ગોપાળરાવ સાથે નહીં જઈ શકે એ વાત એમણે ધીમે રહીને કરી. જેનો મેં જોરશોરથી વિરોધ
કર્યો, પરંતુ એમણે ફરી એકવાર કડક શિક્ષકની જેમ કહ્યું, ‘કોઈ સવાલ નથી. જીવનમાં આવી તક સૌને
મળતી નથી… તારે જવાનું જ છે, એમાં કોઈ બેમત નથી.’
એ આખી રાત હું રડતી રહી.
(ક્રમશઃ)