નામઃ જુલિયા રોબર્ટ્સ
સ્થળઃ કેલિફોર્નિયા
સમયઃ 2023
ઉંમરઃ 56 વર્ષ
સંબંધોનું તૂટવું અને બંધાવું આપણા હાથમાં નથી હોતું. ફિલ્મોની સફળતા કે નિષ્ફળતા પણ
આપણે ક્યાં નક્કી કરીએ છીએ? પ્રેક્ષકોને ગમે તે ફિલ્મ અને બંને જણાં જેમાં ખુશ રહી શકે એ
સંબંધ. 1990માં જ્યારે હું ડિલનથી છુટી પડી ત્યારે મને કલ્પના નહોતી કે, જીવનનો એક અદભૂત
પ્રણય ત્રિકોણ મારી પ્રતીક્ષા કરી રહ્યો છે. ડૉ. રાશેલ મેનસનો રોલ મેં ફિલ્મ ‘ફ્લેટ લાઈનર્સ’માં
સ્વીકાર્યો. કિફર સધરલેન્ડની સામે કામ કરતાં કરતાં અમે બંને જણાં એકમેકની નજીક આવી ગયાં.
અમે બંને યુવાન હતા. જીવનમાં કશુંક સારું કરવા માગતા હતા. કિફરનો જસ્ટ ડિવોર્સ થયો હતો.
એની પત્ની કેમિલિયા કેથ અભિનેત્રી હતી, એણે સધરલેન્ડ પાસેથી સારા એવા પૈસા લઈને છૂટાછેડા
આપ્યા હતા અને બીજી તરફ, ડિલન દ્વારા મારા વિશે બેફામ સ્ટેટમેન્ટ્સ કરવામાં આવી રહ્યા હતા.
અમે બંને જણાં એકમેકના મિત્રો હતા, એકબીજાને સાંભળતા અને એકબીજાની વાતને સમજવાનો
પ્રયાસ કરી રહ્યા હતા. આ સમજણમાંથી પ્રેમ ક્યારે પ્રગટ્યો એની અમને ખબર જ ન પડી અને અમે
એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.
20th સેન્ચ્યુઅરી ફોક્સના સાઉન્ડ સ્ટેજ 14 ઉપર અમે સ્વર્ગ જેવા બગીચાનો સેટ ઊભો
કર્યો. ‘પિપલ મેગેઝિન’માં આ લગ્નની ખૂબ ચર્ચા થઈ. લગ્નને ‘ઈવેન્ટ ઓફ ધ મિલેનિયમ’ કહેવામાં
આવ્યા. લગ્નના થોડા દિવસ પહેલાં જ્યારે અમારા પ્રિનપ માટે વકીલો સાથે મિટિંગ થઈ ત્યારે અમને
સમજાયું કે, અમારા વચ્ચે ઘણા વિવાદ ઊભા થઈ શકે એમ હતા! કેવી નવાઈની વાત છે. પ્રેમમાં
પડતી વખતે માણસને કંઈ દેખાતું કે સમજાતું નથી, પરંતુ લગ્ન કરતી વખતે આપણને કેવી કેવી સ્થુળ
બાબતો વિશે વિચારવાની ફરજ પડે છે! અમે જ્યારે લગ્નનું પ્રિનપ કરવા બેઠાં ત્યારે અમને બંનેને
સમજાયું કે, જો આ લગ્ન ન ટકે ને છૂટા પડવાનું થાય તો અમારી પ્રોપર્ટી સંબંધિત બાબતો ઘણી
ગૂંચવાઈ જાય એમ છે. એ વખતે કડવાશ સાથે છૂટા પડવાને બદલે અમે લગ્ન પોસપોન્ડ કરવાનું
નક્કી કર્યું. અમારા પબ્લિક રિલેશન મેનેજરે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું, જેમાં અમે કહ્યું કે,
‘અમે બંને મ્યુચ્યુઅલી (સહસંમતિથી) આ લગ્ન અત્યારે અટકાવવાનું નક્કી કર્યું છે.’ લગ્ન અટકાવી
દેવામાં આવ્યાં.
વાત આટલેથી અટકી નહીં. જે દિવસે અમારાં લગ્ન હતા, કેન્સલ થયા… એ દિવસે
સધરલેન્ડ મારી જ ખાસ મિત્ર જેસન પેટ્રીક સાથે એક જાણીતે રેસ્ટોરાંમાં લંચ કરતો હતો. એમના
ફોટોગ્રાફ અખબારોમાં પ્રસિધ્ધ થયા. જોકે, મને એ બાતથી બહુ ફરક નહોતો પડતો, પરંતુ મીડિયાએ
એ વાતને ખૂબ ચગાવી અને અંતે એ લગ્ન જે પોસપોન્ડ કરવામાં આવ્યા હતા એ કેન્સલ કરવાની મેં
જાહેરાત કરી. મારા અનેક ઈન્ટરવ્યૂમાં મને એ વિશે સવાલો પૂછવામાં આવ્યા અને મેં દરેક વખતે એક
જ જવાબ આપ્યો, ‘અમે એકબીજા માટે યોગ્ય નહોતા.’ અમારો સંબંધ પૂરો થાય એ પહેલાં તો કિફર
સધરલેન્ડનો અફેર એક અમાન્ડા રાઈસ નામની ડાન્સર સાથે ચગ્યો. આ બધું ચાલતું હતું ત્યારે મેં
કોઈપણ જગ્યાએ કિફર સધરલેન્ડ વિશે ઘસાતું સ્ટેટમેન્ટ નથી કર્યું, પરંતુ એણે મીડિયાની સામે
આપેલા ઈન્ટરવ્યૂમાં જાણે કે, એ મારા બાયપોલર મૂડસ્વિંગ્સનો શિકાર હોય એવી રીતે પોતાના
મંતવ્યો રજૂ કર્યા. મેં વાંધો ન ઉઠાવ્યો…
લગભગ બે દાયકા પછી જ્યારે ફરી એકવાર અમને એક ફિલ્મ સાથે ઓફર કરવામાં આવી
ત્યારે મેં ના પાડી. ત્યાં સુધીમાં હું દુનિયાની એક અત્યંત પ્રસિધ્ધ અને સફળ મહિલા બની ચૂકી હતી.
દુનિયાની સૌથી વધુ કમાતી દસ સ્ત્રીઓમાં પણ મારું નામ સમાવિષ્ટ થઈ ચૂક્યું હતું. ‘લેડીઝ હોમ
જર્નલ’ નામના વિશ્વ પ્રસિધ્ધ મેગેઝિને દુનિયાની 11મી શક્તિશાળી સ્ત્રી તરીકે મને એવોર્ડ આપ્યો
હતો. કિફર ત્યાં સુધીમાં પોતાનો ચાર્મ અને સફળતા ખોઈ બેઠો હતો. એને આ ફિલ્મની જરૂર હતી
એટલે એણે એક ઈન્ટરવ્યૂમાં પોતાની ભૂલ સ્વીકારી. એણે કહ્યું કે, ‘અમે બંને યુવાન હતા. થોડા
બેવકૂફ પણ હતા. એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હોવા છતાં અસુરક્ષાનો ભાવ અમને બંનેને હતો.
જોકે, મારે જુલિયાને પૂરેપૂરા માર્ક આપવા પડે કારણ કે, એટલી નાની ઉંમરે પણ એને એવું સમજાઈ
ગયું કે, પરિસ્થિતિ ગૂંચવાય તે પહેલાં જ એ બહાર નીકળી શકી. આપણે પ્રેમમાં હોઈએ ત્યારે
કેટલીકવાર પરિસ્થિતિને ત્રીજી વ્યક્તિ તરીકે જોઈ શકતા નથી, પરંતુ જુલિયા એની ઉંમરના પ્રમાણમાં
બહુ જ સમજદાર અને મેચ્યોર પૂરવાર થઈ. લગ્ન કરીને છૂટા ન પડવું પડે, એ માટે એણે લગ્ન
પહેલાં જ નિર્ણય લઈ લીધો.’ કિફરે ‘રોલિંગ સ્ટોન’ નામના મેગેઝિનને આપેલા આ ઈન્ટરવ્યૂમાં એણે
કહ્યું કે, ‘લગ્નના દિવસે હું લંચ કરતો હતો એ વાત સાચી છે, પરંતુ એ કોઈ રોમેન્ટિક લંચ નહોતું.
લગ્ન તૂટ્યાની જે પીડા, અફસોસ અને ગુસ્સો મને જે હતા એની વાત કોઈ ત્રીજી વ્યક્તિ સાથે
કરવાને બદલે મેં એની જ દોસ્ત સાથે કરવાનું પસંદ કર્યું. એ મારી ભૂલ નહોતી જ…’ એ પછી અમે
એક ફિલ્મ સાથે કરી, પરંતુ ફરીથી એ મિત્રતા કે નિખાલસતા અમારી વચ્ચે ક્યારેય ઊભી ન થઈ શકી.
સિનેમાથી થાકીને મેં ‘થ્રી ડેઈઝ ઓફ રેઈન’ નામના નાટકમાં બ્રોડવે પર કામ કર્યું. રિચર્ડ
ગ્રિનબર્ગના નાટકનું આ નવું સંસ્કરણ હતું. મને ખૂબ મજા પડી. એ નાટકમાં કામ કરતી વખતે હું
કન્ટ્રી મ્યુઝિક સ્ટાર લેયલ લોવેટને મળી. હું લેયલની ફેન હતી. એનું સંગીત મને ખૂબ ગમતું અને મેં
એના કોન્સર્ટમાં હાજરી આપી હતી. મારી પાસે એની ઘણી બધી ટેપ્સ હતી. હું પોતે પણ એક
સંગીતકાર છું, સંગીત મારો પ્રિય વિષય છે. હું બેન્ડમાં પણ રહી ચૂકી છું એટલે લેયલ સાથે દોસ્તી
થતાં બહુ વાર લાગી નહીં. અમારા રસના વિષય એક હતા અને અમે બંને જણાં સ્થૂળ વસ્તુઓને
બદલે જીવનની કેટલીક સંવેદનશીલ બાબતો અને ફિલોસોફીને વધુ મહત્વ આપતા હતા. અમે બંને
જણાં ખૂબ ઝડપથી નજીક આવ્યા. હું 25 વર્ષની હતી. સામાન્ય રીતે મને મારા સંબંધો ‘અન્ડર ધ
કવર’ રાખવા ગમે છે, પરંતુ લેયલ વિશે મેં ખૂલીને જાહેરાત કરી. અમે બંને જણાં ચર્ચ વેડિંગ કરવા
માગતા હતા. 72 કલાકમાં અમારાં લગ્નનું પ્લાનિંગ થયું. મેં ફિલ્મ શૂટિંગમાંથી સાત દિવસની રજા
લીધી અને લેયલની નવી ટુર શરૂ થતી હતી એ પહેલાંના સાત દિવસ અમે સાથે વીતાવવાનું નક્કી
કર્યું. અમે બંને જણાં ખુલ્લા પગે ચર્ચની આઈલમાં ચાલીને આવ્યાં. વેઈલ પહેરવાને બદલે મેં સ્કાર્ફ
પહેર્યો અને અમે બંને જણાંએ ઈશ્વરની સાક્ષીએ લગ્ન કર્યાં, પરંતુ નવાઈની વાત એ છે કે આ લગ્ન
બે વર્ષથી વધારે ટક્યા નહીં. અમેરિકન મીડિયાએ અનેક લોકોના લગ્ન તોડાવ્યા છે, એમાંનું એક
અમારું લગ્ન પણ હતું. એક બિઝનેસ ડિનર પર મેં ઈથન હેવોક સાથે ડાન્સ કર્યો, અમેરિકન
અખબારોએ એના ફોટા છાપીને મારી અને લેયલ વચ્ચે કંઈ પ્રશ્નો છે એવા સમાચાર છાપવાની
શરૂઆત કરી. મેં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, ‘હા મેં ડાન્સ કર્યો છે તો એ બેવફાઈ છે?’
એ પછી પણ મારા કોસ્ટાર સાથે મારા સંબંધોની વિગતો છપાતી રહી. લેયલ મ્યુઝિશિયન
હતો. સંવેદનશીલ ઈમ્પલસિવ અને ક્યારેક એનો ઉશ્કેરાટ હદ વટાવી જતો. જ્યારે જ્યારે આવા
સમાચાર છપાતા ત્યારે હસી કાઢવાને બદલે હું જ્યાં હોઉ, શૂટિંગ પર કે મારા હવાઈના કે માલિબુના
ઘરમાં… એ કોન્સર્ટ છોડીને ત્યાં આવી પહોંચતો. ઝઘડા થતાં. મારું બાળપણ આવા જ ઝઘડાઓમાં
પસાર થયું છે એટલે દલીલબાજી કે આક્ષેપબાજી મને ક્યારેય ગમ્યા નથી. અંતે, અમે બંને જણાંએ
એકબીજાની સાથે સમજણપૂર્વક છૂટાછેડા લેવાનું નક્કી કર્યું અને સાથે ઈન્ટરવ્યૂ આપ્યો જેમાં અમે
કહ્યું, ‘એ ભૂલ નહોતી, બસ કેટલીક ગણતરી અને સમજણમાં ફેર પડી ગયો. અમારાં સંબંધમાંથી અમે
બંનેએ ઘણું મેળવ્યું છે. અમે નજીક ન આવ્યાં હોત તો કદાચ વ્યક્તિ તરીકે અમે બંને ઘણું પામવાનું
ચૂકી ગયા હોત.’ અંતે, 1995માં અમે મ્યુચ્યુઅલ ડિવોર્સ માટે અપ્લાય કર્યું અને 1996ની
શરૂઆતમાં અમારા છૂટાછેડા મંજૂર થઈ ગયા.
નવાઈની વાત એ છે કે, જે મહિને અમારાં છૂટાછેડા થયા એ મહિનામાં ‘વોગ’ના કવર પેજ
પર અને ‘જી ક્યૂ’ના કવર પેજ ઉપર મારો ફોટો પ્રકાશિત થયો. એ જ વર્ષે મને ‘યુનિસેફ’માં મહત્વની
ચેર ઓફર કરવામાં આવી અને મેં સમાજસેવાના જગતમાં પહેલીવાર ડગલું માંડ્યું.
(ક્રમશઃ)