નામઃ ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)
સ્થળઃ પાલી હિલ, બાન્દ્રા-મુંબઈ
સમયઃ બીજી મે, 1981
ઉંમરઃ 51 વર્ષ
દરેક વ્યક્તિ પોતાના જન્મ સાથે પોતાનું ભાગ્ય લઈને આવતી હોય છે. ગ્રહો, કુંડળીઓ,
નસીબ એવા બધા શબ્દોમાં આપણે માનીએ કે ન માનીએ, પરંતુ ઋણાનુબંધ અને એની સાથે
જોડાયેલા કેટલાક સંબંધો વિશે માનવું જ પડે છે. મારી મા સાવ નાનપણથી જ ઈચ્છતી હતી કે, હું
અભિનેત્રી બનું, પરંતુ મને અભિનય કરવામાં જરાય રસ નહોતો. હું મારી મા સાથે ક્યારેક એના સેટ
પર જતી ત્યારે મને ખૂબ કંટાળો આવતો. એકનું એક દ્રશ્ય વારંવાર ભજવવાનું, ગીતની એક જ કડી
ગાયા કરવાની એટલું જ નહીં, આંખો લાઈટથી ચમચમી જાય ત્યાં સુધી એકધારું લાઈટ સામે જોયા
કરવાનું, ખૂંચે એવા કપડાં, મેક-અપ… આમાંનું કશુંય મને ગમતું નહીં.
મને ભણવામાં રસ હતો. મારે ડૉક્ટર બનવું હતું… પરંતુ, મેં કહ્યું તેમ, ભાગ્યને કઈ જુદું જ
મંજૂર હતું. મારી માને બહુ સપનાં હતા… એ મને હિન્દી ફિલ્મોમાં બહુ ઊંચે જોવા માંગતી હતી.
સાચું કહું, મને આવો કોઈ શોખ નહોતો. હું તો બસ મારી દુનિયામાં મસ્ત રહેતી. મેં ક્યારેય નહોતું
વિચાર્યું કે મારે શું બનવું છે? બહુ નાની હતી ને કોઈ પૂછે કે બડી હોકર ક્યા બનોગી? તો મારી
અમ્મીની સામે જોઈને હું કહી દેતી, ‘હું મોટી થઈને અમ્મી બનીશ… એક ઘર, એક કુટુંબ અને એક
સન્માનની જિંદગી.’ ખરેખર આનાથી વધારે મારું કોઈ સપનું જ નહોતું.
પરંતુ, મારી માના મનમાં નિશ્ચિત હતું, ‘બેબી હીરોઈન બનશે.’
કલકત્તા, અલ્હાબાદ, લાહોર અને કરાંચીના ધક્કા ખાધા પછી મારી માને સમજાયું કે જો
ક્યાંક મારી કારકિર્દી બની શકતી હોય તો મુંબઈ જ જવું પડશે. અમે અલ્હાબાદથી મુંબઈ આવ્યા
ત્યારે હું પાંચ વર્ષની હતી. રમતિયાળ, તોફાની, ઘૂંઘરાળા વાળવાળી વહાલસોયી બાળકી. મારા પિતા
અમને મુંબઈ જવા દેવા માટે તૈયાર નહોતા એટલે અંતે, મારા પિતા અબ્દુલ રાશીદ ઉર્ફે મોહનચંદ
ઉત્તમચંદ ત્યાગી સાથે મારી માએ ત્રીજા તલાક લીધા. મારા પહેલા પિતાથી જન્મેલા ભાઈ અખ્તર,
બીજાથી જન્મેલા ભાઈ અનવર અને મને લઈને મારી મા મુંબઈ આવી ગઈ. એની પોતાની કારકિર્દી
પણ અહીં વધુ સારી રીતે ગોઠવાઈ શકશે એવું એને અહીં આવ્યા પછી સમજાયું… જદ્દનબાઈ એક
મોટી સ્ટાર બની ગઈ. અમે મરીનડ્રાઈવ પર આવેલા એક સુંદર મકાનમાં શિફ્ટ થયા. દરિયા કિનારે
આવેલું એ મકાન ખૂબ જ સુંદર હતું. આગળ મોટું કમ્પાઉન્ડ અને બિલકુલ સામે જ દેખાતો દરિયો…
મને કોન્વેન્ટ શાળામાં ભણવા મૂકી, પરંતુ એ બહુ દિવસ ચાલ્યું નહીં કારણ કે, મારી અમ્મીએ મને
લઈને સ્ટુડિયોના ચક્કર કાપવાનું શરૂ કર્યું. છ વર્ષની ઉંમરે મને પહેલું કામ મળ્યું. ફિલ્મનું નામ હતું,
‘તલાશ-એ-હક’ (1935) એ ફિલ્મમાં મારો કોઈ ખાસ રોલ નહોતો, પરંતુ લોકોને હું ખૂબ ગમી. એ
પછી ધડાધડ કામ મળવા લાગ્યું. 1935થી 1942 સુધીમાં મેં લગભગ અગિયાર ફિલ્મોમાં અભિનય
કર્યો. 1942માં આવેલી ફિલ્મ ‘તમન્ના’એ મને એટલી બધી લોકપ્રિયતા આપી કે 1943માં મને
હીરોઈનનો રોલ ઓફર થયો. આજે પાછી ફરીને જોઉ છું તો સમજાય છે કે, 14 વર્ષની ઉંમરે જ્યારે
મારી ઉંમરની છોકરીઓ ઢીંગલી રમતી, દોરડા કૂદતી, ઘરકામ શીખતી અને પોતાના ભાવિ પતિના
સ્વપ્નો જોતી ત્યારે હું સવારે સાત વાગ્યે ઉઠીને સંગીતનો રિયાઝ કરતી, પછી માલિશ, કસરત, મેક-
અપ અને નવ વાગ્યે મારી ગાડી કમ્પાઉન્ડમાંથી નીકળી જતી. અમ્મી અને આયા મારી સાથે જ
રહેતાં.
1942માં ‘તકદીર’ સુપરહીટ થઈ. એ દિવસોમાં મારી મા સાતમા આસમાન પર હતી.
‘તકદીર’ પછી મને હીરોઈનના રોલ માટે ખૂબ બધી ઓફર આવવા લાગી. મારી મા હવે સમજી-
વિચારીને રોલ પસંદ કરવા માંગતી હતી. એ ગાળામાં હિન્દી સિનેમાની ક્ષીતિજ પર બે સ્ટાર્સનો
ઉદય થયો. એક જેનું નામ હતું મોહમ્મદ યુસુફ ખાન. લાલા ગુલામ સરવર અલી ખાન અને આયેશા
બેગમના 12 સંતાનોમાંથી એક એવા યુસુફને પિતાના ફળોના વ્યાપારમાં રસ નહોતો. એ કશુંક બીજું
અને જુદું કરવા માંગતા હતા. જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું એ પછી યુસુફે મુંબઈ
રહેવાનું નક્કી કર્યું. 1944માં એણે પહેલી ફિલ્મ કરી જેનું નામ હતું, ‘જ્વાર ભાટા’. એ ફિલ્મમાં
અભિનય કરવા માટે એને દેવિકા રાણીએ પસંદ કરી. બોમ્બે ટોકીઝની આ ફિલ્મમાં એ અભિનય કરે
છે એવી એના પિતાને જાણ ન થાય એ માટે એણે યુસુફ ખાનને બદલે પોતાનું નામ દિલીપ કુમાર
રાખ્યું. જોકે, ‘જ્વાર ભાટા’ ખાસ ચાલી નહીં. એ પછી એક-બે નાની મોટી અસફળ ફિલ્મો આવી,
પરંતુ 1947માં નૂરજહાં સાથે એમની પહેલી ફિલ્મ ‘જુગનુ’ રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર
સુપરહીટ થઈ ગઈ. 1948માં એમણે ‘શહીદ’ અને ‘મેલા’ કરી જે વર્ષમાં સૌથી વધુ કમાયેલી ફિલ્મ
તરીકે જાહેર થઈ.
એ જ સમયે મહાન અભિનેતા પૃથ્વીરાજ કપૂરનો દીકરો રાજ કપૂર પણ પિતાના પૃથ્વી
થિયેટર્સમાંથી બહાર નીકળીને કશુંક પોતાનું, કશુંક ગમતું કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ બોમ્બે
ટોકીઝમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કરતા હતા. એમની અને દિલીપ કુમારની દોસ્તી આમ તો
બોમ્બે ટોકીઝમાં થઈ, પરંતુ રાજ કપૂરે બોમ્બે ટોકીઝ તરત જ છોડી દીધી અને એમણે જાણીતા
દિગ્દર્શક કેદાર શર્મા સાથે કામ કરવાનું શરૂ કર્યું.
રાજને ભણવામાં બહુ રસ નહોતો, પરંતુ પૃથ્વીરાજ કપૂર એના દીકરાની ટેલેન્ટને ઓળખતા
હતા, જ્યારે એક તરફ ‘જુગનુ’ સુપરહીટ થઈ ત્યારે બીજી તરફ કેદાર શર્માએ રાજ કપૂરને પોતાની
ફિલ્મ ‘નીલકમલ’માં હીરો બનાવ્યા. એમાં મધુબાલા નાયિકા હતી. રાજ કપૂરે કેદાર શર્મા સાથે કામ
કરતાં કરતાં દિગ્દર્શન શીખી લીધું એટલું જ નહીં, 1948માં એમણે નિર્માતા અને દિગ્દર્શક તરીકે
પોતાની ફિલ્મ ‘આગ’નું નિર્માણ કર્યું. જોકે, આગ કોઈ એવી મહાન ફિલ્મ પૂરવાર થઈ શકી નહીં,
પરંતુ રાજ કપૂર એમ સહેલાઈથી હારે એવો માણસ નહોતો. 1949માં એમણે ‘બરસાત’ બનાવી.
ફિલ્મની લગભગ આખી ટીમ નવી હતી. શંકર જયકિશન નવા સંગીતકાર. ગીતકાર હસરત જયપુરી
અને શૈલેન્દ્ર પણ નવા. ફિલ્મના લેખક રામાનંદ સાગર પણ નવા. નાયિકા નિમ્મી એટલું જ નહીં,
રાઘુ કર્મકાર, એમ.આર. અચરેકર અને જી.જી. માયેકર જેવા તદ્દન નવા ટેકનિશિયન્સને લઈને બનેલી
‘બરસાત’ સુપરહીટ પૂરવાર થઈ. રાજ કપૂર જ્યારે ‘બરસાત’ બનાવી રહ્યા હતા ત્યારે ફિલ્મ
ઈન્ડસ્ટ્રીમાં લોકો એમની મજા કરતા અને કહેતા, ‘આગમાં જે કંઈ સળગવાનું બાકી રહી ગયું છે એ
બધું હવે ‘બરસાત’માં વહી જશે.’ પરંતુ, ‘બરસાત’ સુપરહીટ થઈ. ફિલ્મના ટેકનિશિયન્સ, સંગીતકાર
અને અભિનેત્રી બધાં જ રાતોરાત સ્ટાર બની ગયા. ગાયિકા લતા મંગેશકરે ‘બરસાત’ના ગીતોથી એક
નવી ઓળખ સાથે હિન્દી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવવાની શરૂઆત કરી. ‘બરસાત’ પછી તરત
જ રજૂ થયેલી ફિલ્મ ‘અંદાઝ’ મારી અને રાજ કપૂરની એકબીજા સાથેની ઓળખાણનું માધ્યમ બની.
યુસુફ મુસ્લિમ હતો. અભિનેતા હતો. કદાચ, એટલે મારી મમ્મી ઈચ્છતી હતી કે, હું યુસુફ
સાથે વધુ ફિલ્મો કરું, એની નિકટ આવું તો અમારી એક જોડી બની શકે. પોતાના બબ્બે હિન્દુ પતિને
ઈસ્લામ અંગીકાર કરવાની ફરજ પાડનારી મારી અમ્મી, કદીય કલ્પી શકે એમ નહોતી કે હું એક હિન્દુ
છોકરાને ચાહવા લાગીશ! એને માટે એ સ્વીકારવું અસંભવ હતું, તેમ છતાં મેં આગળ કહ્યું તેમ-
નિયતી અને ઋણાનુબંધના નિર્ણયો આપણે ક્યારેય સમજી શકતા નથી. ‘અંદાઝ’ના સેટ પર હું
પહેલીવાર રાજને મળી. એની માંજરી આંખો, ફ્લર્ટ કરવાનો અનોખો અંદાજ, અભિનેતા તરીકેનું
પેશન અને દિગ્દર્શક બનવાની એની તરસ બધું કુલ મળીને એક 20 વર્ષની છોકરીના પગ નીચેથી
જમીન ખેંચી લેવા માટે પૂરતું હતું!
‘અંદાઝ’ પછી રાજે ‘જાન પહેચાન’, ‘પ્યાર’, ‘બાવરે નયન’, ‘દાસ્તાન’ જેવી ફિલ્મો કરી…
પરંતુ, હજી માસ્ટર પીસ બનવાનો બાકી હતો. નિયતિ અને ઋણાનુબંધ અમને એ ફિલ્મ માટે
એકમેકની નિકટ લઈ આવવાની તૈયારી કરી રહ્યા હતા.
(ક્રમશઃ)