ભાગઃ 4 | કેલુચરણ મહાપાત્રઃ મારા જીવનનો અદભૂત વળાંક

નામઃ પ્રોતિમા બેદી
સ્થળઃ માલ્પા (કૈલાસ માનસરોવર)
સમયઃ 17 ઓગસ્ટ, 1998
ઉંમરઃ 49 વર્ષ

મારી જીવનકથા વાંચનાર વ્યક્તિને કદાચ લાગે કે, હું લફરાબાજ, નક્કામી અને કુટુંબને
સાચવી ન શકું એવી બેજવાબદાર સ્ત્રી હતી… પણ સત્ય એ નથી. હું મુક્ત હતી, સ્વચ્છંદ નહીં.
લગ્ન કરવાનો નિર્ણય કબીરનો હતો. મારે તો એની સાથે લગ્ન કર્યા વગર જ ખુશ રહેવું હતું. એ વાત
હું એને સમજાવી ન શકી, પરંતુ મારે માટે લગ્ન કરતાં વધુ મહત્વનો એ સંબંધ હતો જે લગ્ન પછી
તરત જ અમારી વચ્ચે પૂરો થઈ ગયો હતો. પૂજાને કારણે અમે સાથે રહ્યા એવું કહું તો કદાચ હું દંભી
પૂરવાર થઈશ, પરંતુ સાચું એ જ છે કે, અમારાં લગ્ન, કબીરનું ફિલ્મો તરફનું આકર્ષણ અને મારો મુક્ત
સ્વભાવ એકબીજાની સાથે આગ અને બળતણ જેવું કામ કરતા રહ્યા.

ફ્રેડ સાથેનો સંબંધ બહુ અદભૂત હતો. હું, પૂજા અને ફ્રેડ એક પરિવારની જેમ જીવતા હતા,
જે કબીર સાથે હું કદી જીવી જ શકી નહીં! ફ્રેડ તો મને અને પૂજાને જર્મની લઈ જવા માગતો હતો,
કાયમ માટે મારી સાથે રહેવા માગતો હતો, પરંતુ એક સવારે કબીર આવી ગયો. એને પાછો આવેલો
જોઈ હું આશ્ચર્યમાં પડી ગઈ. મને એને મળીને કંઈક વિચિત્ર લાગણી થઈ. મારે ફ્રેડ પાસે જવું હતું,
પરંતુ કબીરને કઈ રીતે કહેવું? એ ભયંકર ગુસ્સો કરશે? એ બહુ જ દુભાશે? ગમે તે થયું હું એને
છેતરવા તો માગતી જ નહોતી. જો હું લગ્નને બચાવવા માટે કબીર સાથે રહેવાની હતી તો એનો
ચોખ્ખો અર્થ એ છે કે હું લગ્ન તોડવા માગતી નહોતી અને ખરેખર એવું જ બન્યું. કબીરે ખૂબ પ્રયત્ન
કર્યો અને મેં એની સાથે જ રહેવાનું નક્કી કર્યું.

મને ખબર પડી કે હું ગર્ભવતી હતી. હું મુંબઈ પાછી આવી ત્યારે કબીરે મને પૂછ્યું કે,
ગર્ભસ્થિત બાળક એનું હતું કે ફ્રેડનું. મારા માટે એ ખૂબ જ અઘરો સમય હતો પણ મને એ વાતનો
આનંદ છે કે મેં કબીરને ‘મને ખબર નથી’ એવો જવાબ આપવાની હિંમત બતાવી. દરમિયાન મેં ફ્રેડને
જર્મની પત્ર લખીને જણાવ્યું કે હું ગર્ભવતી બની હતી. ફ્રેડને ખાતરી હતી કે એ એનું જ બચ્ચું હતું.

સિધ્ધાર્થનો જન્મ પૂજાના જન્મ કરતાં તદ્દન જુદી રીતે થયેલો. પ્રસૂતિ પીડાજનક રહી હતી.
ગર્ભને ગર્ભાશયમાં ટકાવી રાખવા માટે મારે ઈન્જેક્ષન લેવા પડતાં હતાં. ગર્ભસ્ત્રાવની સતત બીક
રહેતી હતી. જાણે કે એ બાળકને જન્મવું જ નહોતું. આ દુનિયામાં આવવું જ નહોતું. ડૉક્ટરે મને
સંપૂર્ણ આરામ લેવાનું કહ્યું હતું અને છેવટે સિઝરિયનથી જ બાળક અવતર્યું. સિધ્ધાર્થ ભૂરા રંગનું
બચ્ચું હતો. ત્યારે કબીર મારી સાથે નહોતો, એ શૂટિંગ માટે બહારગામ ગયો હતો. સિધ્ધાર્થ જ્યારે
ઉંમરલાયક થયો તે પછી જ અમે શતપ્રતિશત ખાતરી કરી શક્યા કે સિધ્ધાર્થ કબીરનો જ પુત્ર હતો.
કબીરે આ પ્રકારણને કારણે સિધ્ધાર્થ સાથેના વર્તાવ પર કદી કોઈ જ અસર થવા દીધી નહોતી. એનો
સંબંધ સતત સુસંગત જ રહ્યો હતો. જોકે થોડાક વર્ષો પછી મેં સિધ્ધાર્થને એનો જન્મ કયા
સંજોગોમાં થયો હતો તે બધું કહ્યું પછી મા ને દીકરા વચ્ચે ચોક્કસ થોડીક ગેરસમજો અને તંગદિલી
ઊભી થઈ હતી. (જોકે તેણે આ જાણ્યું તે પહેલાથી સિધ્ધાર્થ ખૂબ ગુસ્સાવાળો હતો, એને ડિપ્રેશન
થયું હતું, એનો મિજાજ-મૂડ ઘડીકમાં આમ-ઘડીકમાં તેમ થતાં. એ ખૂબ પીડાતો હતો. ઘણા વખત
પછી ડૉક્ટરે તેને સ્કીઝોફ્રેનિયા છે તેવું નિદાન કર્યું હતું.)

જૂન, 1973માં ‘કચ્ચે ધાગે’ બહાર પડી અને એ જબરજસ્ત હિટ ગઈ. અમારા અશોક
હોટલના રૂમમાં છાપાના રિપોર્ટરો રાત ને દિવસ આવ્યા કરતા હતા. કબીર લાંબા લાંબા જવાબો
આપતો, સરસ રીતે બોલતો અને બધાને જીતી લેતો. મુગ્ધ પણ કરી દેતો. એ અખબારજગતનો
માનીતો અભિનેતા-ડાર્લિંગ બની ગયો. મને યાદ આવે છે કે હું એવું વિચારતી કે ‘એ બોલવું અને
બોલવાની મજા માણવી બંને કેવી રીતે કરી શકે છે!’ એ પછી એને ફિલ્મોમાં કામ કરવા માટે ખૂબ જ
આમંત્રણો આવવા માંડ્યા. એ અચાનક પોતાના અભિનય અંગે ખૂબ જ આત્મવિશ્વાસુ બની ગયો.
એ હિન્દી પણ સુંદર બોલતો હતો, સ્ક્રીપ્ટ પર ખૂબ મહેનત કરતો હતો. એ વધારે હળવો થઈ ગયો.
એ સાંજે જલદી ઘેર આવતો અને બાળકો સાથે સમય ગાળતો. એમની સાથે રમકડાંનું ઘર બાંધવાની
રમત કરતો. એ ખૂબ સુંદર, શાંતિદાયી તબક્કો હતો. એ વર્ષની શરૂઆતમાં અમેરિકાની ટ્રીપ પછી
નામાં જે કડવાશ આવી ગઈ હતી, જે પોતે કરીને સારો અનુભવ થયો કહેવાય એવું મારું માનવું છે-તે
પછી કબીર વધુ ગતિશીલ બન્યો, હરતો-ફરતો થયો અને મોહક પણ.

આ દરમિયાન અમારાં લગ્નમાં ઊભી થયેલી મુશ્કેલીઓ વધુ ખરાબ થવા માંડી. મારી ફ્રેડ
સાથેની પ્રેમવાર્તાને કારણે તંગદિલી પેદા થઈ હતી અને કબીરની ય ઘણી પ્રણયલીલાઓ ચાલતી હતી.
મને આબેહૂબ યાદ છે કે એક વાર મેં એને મારી ખૂબ નજીકની બહેનપણી સાથે પકડ્યો ત્યારે તે બંને-
ગીતા ને કબીર અમારા દીવાનખાનાના કબાટ પાછળ ગાઢ આલિંગનમાં બધ્ધ હતાં અને
ભુખાળવાની જેમ એકબીજાને ચુંબનો કરતાં હતાં. એ વખતે મને સિધ્ધાર્થનો ગર્ભ રહ્યો હતો અને
ગીતા એક મહિનો અમારે ત્યાં રહેવા આવી હતી. બીજી એક રાત્રે હું જાગી ગઈ ત્યારે મેં તેમને
ગીતાના બેડરૂમમાં સાથે જોયાં. કબીરનું કહેવું હતું કે એ ગીતાને પાણી આપવા ગયો હતો. એણે
પૂજાના માથા પર હાથ દઈને સોગંધ ખાધા કે એ નિર્દોષ હતો. એનો હાથ તો ઉપર જ હતો. બેવફા
તો હું હતી કારણ કે, મારો પતિ પરદેશ ગયો ત્યારે હું પ્રેમમાં પડી અને હું આ લગ્ન તોડવા પણ તૈયાર
થઈ ગઈ હતી.

આમ ને આમ ચલાવ્યે જવામાં શો સાર હતો? હું મારી જિંદગી સાથે શું કરી રહી હતી? હું
જમતી, ઊંઘતી અને બચ્ચાંઓનું ધ્યાન રાખતી. હસતી, રડતી અને સતત સવાલ પૂછતી કે હું શા
માટે જીવું છું? ધારો કે હું મારું આખું જીવન અને બધી ઊર્જા કોઈ દૈવી સત્યની શોધમાં વાપરું અને
એ મળી યે જાય, તો પણ એનું મારે કરવું શું? એ શાનું નિરાકરણ કરે? હું તદ્દન વાહિયાત લાગણીઓ
પાછળ મારી જિંદગી બગાડી રહી હતી. કુદરત દ્વારા માનવોને અપાયેલ રમકડાં એટલે જ આ
લાગણીઓ. અને તેમની સાથે હું રમતી હતી. કશુંક એવું હોવું જોઈએ જે મારા પર દાવો કરે. જિંદગી
પોતે કોઈ ઉદ્દેશ્ય માટે મારો ઉપયોગ કરે તો જ એનો અર્થ સરે, નહીં તો બધું તદ્દન નકામું. તદ્દન
બગડ્યા બરાબર જ હતું. અને પછી ઓગસ્ટ, 1975ના એક દિવસે મારી જિંદગી ખરેખર બદલાઈ
ગઈ. એ વરસાદનો તોફાની દિવસ હતો અને હું મુંબઈમાં ભુલાભાઈ મેમોરિયલ ઈન્સ્ટિટ્યૂટમાં
વરસાદથી બચવા દોડી ગઈ. ત્યાં થોડો સમય રોકાઈ રહ્યા પછી મારે એક ફેશનેબલ રેસ્ટોરન્ટમાં ડીનર
લેવા જવાનું હતું. હું અંદર અંધારા ઓડિટોરિયમમાં ગઈ અને મને બે યુવાન નૃત્યાંગનાઓ ઓડીસી
નૃત્ય કરતી હતી તે જોવા મળ્યું. નૃત્યનું સૌંદર્ય, કમનીયતા, કામુક્તા અને ઊર્મિશીલતા આ બધાએ
મારી ઈન્દ્રિયોને જીતી લીધી, મારા પર કબજો જમાવી દીધો. એ નૃત્યોમાં અનુપમ સૌંદર્યબોધ હતો
તથા આધ્યાત્મિક ગુણવત્તા ય તેમાં દ્રષ્ટિગોચર થતી હતી અને અદભૂત દિવ્ય સંગીત મારા પાયમાલ
થઈ ગયેલા હૃદય માટે અમૃતસંજીવની સમાન હતું. હું ત્યાં મંત્રમુગ્ધ થઈને બેસી રહી.

હું એમ ન કહી શકું કે હું ઓડીસી નૃત્ય તરફ આકર્ષાઈ હતી. મેં જે અનુભવ્યું હતું તેને માટે
આકર્ષણ ખૂબ જ નાનો શબ્દ હતો. હું પોતાને એક અપ્સરા ગણવા માંડી, મંદિરની નર્તકીઓમાંની હું
એક હતી તેવું ય લાગ્યું. હું ઉત્તરા હતી, અને હું આમ્રપાલી હતી. હું ઉર્વશી હતી. હું મારા અસ્તિત્વનો
અર્થ જાણે પામી ગઈ. કોઈક અજાણ્યું દબાણ મારો કબજો મેળવી રહ્યો હતો. મારા આત્માને-અંદરની
જાત-જેને મેં બહુ જ અવગણી હતી તે પુનઃ જીવંત થઈ ગઈ.

‘મારે આ નૃત્ય શીખવું છે. ‘ મેં કહ્યું.
‘તમે અમારા ગુરુ કેલુચરણ મહાપાત્ર સાથે વાત કરો…’ જવાબ મળ્યો.
હું ગુરૂજી પાસે ગઈ. એમણે મને પગથી માથા સુધી જોઈ, પછી સહેજ હસ્યા અને કહ્યું,
‘નૃત્ય શીખવું એ કોઈ ખાવાના ખેલ નથી. એમાંય તારા જેવી છોકરી માટે તો જરાય શક્ય નથી…’
હું ઉશ્કેરાઈ ગઈ. મેં કહ્યું, ‘હું ગમે તેમ કરીને શીખીશ.’

એમણે સહેજ વિચારીને કહ્યું, ‘અમારી ટ્રેન ગામ સુધી પહોંચવામાં બે રાત અને એક દિવસ લે
છે. જો તું મારી પહેલાં ત્યાં પહોંચી જાય તો હું તને શીખવાડીશ અને ત્રણ મહિનાની પ્રારંભિક
તાલીમ પછી મને લાગશે કે તું મારો અને તારો બંનેનો સમય બગાડે છે તો હું તને કાઢી મૂકીશ, મંજૂર
છે?’ એમણે પૂછ્યું. એ મારી પરીક્ષા લેતા હતા.

‘હા, મંજૂર છે.’ મેં કહ્યું… ત્યારે મને યાદ નહોતું કે ઘેર મારા બે બાળકો અને પતિ હતા.
(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *