નામઃ સોનલ માનસિંહ
સ્થળઃ સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ, ન્યૂ દિલ્હી
સમયઃ2024
ઉંમરઃ 80વર્ષ
જેમ હૃદયનો ઈસીજી કઢાવીએ ત્યારે લાઈનો ઉપર નીચે થઈને એક ગ્રાફ બનાવે છે, જે દર્શાવે
છે કે જિંદગી હજુ અકબંધ છે, હૃદય હજુ ધબકે છે… એ જ ગ્રાફ જો સીધી લીટીમાં પલટાઈ જાય તો
એ સીધી લીટી હૃદય બંધ પડી ગયાની નિશાની છે! એવી જ રીતે જિંદગીનો ગ્રાફ પણ ઉપર-નીચે
થયા કરવો જોઈએ તો જ લાગે કે જિંદગી જીવાય છે… એકસરખી, એકધારી સીધી લીટીમાં જીવાતી
જિંદગીતો નિર્જીવ અને નિરસ બની જાય મારી જિંદગી પણ એવી ઊંચી-નીચી રેખાઓનો કોઈ સુંદર
અને સૂરીલો ગ્રાફ છે. મને મારી જિંદગી વિશે ક્યારેય કોઈ ફરિયાદ નથી રહી. હું જે જીવી, જેટલું
જીવી, એ અદભૂત હતું અને આ હજી આવનારા વર્ષો આનાથી અદભૂત હશે-એવો મને દ્રઢ વિશ્વાસ
રહ્યો છે.
લલિત સાથે છૂટી પડી ત્યારે હું ખૂબ પૈસા માગી શકી હોત-મને લોકોએ સલાહ પણ આપેલી
કે, એ રાજદ્વારી પુરુષ છે. મોટી પોસ્ટ પર છે, તારે તારા જીવનનિર્વાહ માટે એની પાસેથી સારી
એવી રકમ માગવી જોઈએ, પરંતુ અમે મિત્રો તરીકે છૂટાં પડ્યાં હતાં, એટલે મેં કોઈ એલિમની-
છૂટાછેડા વખતે મળતી રકમ માગી નહીં. મારી માએ સાથ આપવાની ના પાડી દીધેલી એટલે મારી
પાસે કોઈ એવી બચત કે સગવડ નહોતી. શરૂઆતમાં કર્ઝન રોડ ઉપર ડી-707 અપાર્ટમેન્ટમાં હું
શિફ્ટ થઈ ગઈ. ફોરેન ઓફિસમાં કામ કરતા લલિતના વિશાળ બંગલામાંથી આ નાનકડા
અપાર્ટમેન્ટમાં શિફ્ટ થતી વખતે મેં મારી મોટાભાગની ચીજો ત્યાં જ છોડી દીધી. એ અપાર્ટમેન્ટમાં
જેટલું સમાઈ શકે અને ગોઠવી શકાય એટલું જ હું લઈ આવી હતી. બેંકમાંથી ઓવરડ્રાફ્ટ લેવાથી શરૂ
કરીને મારી માએ મને આપેલા સોનાના કડા વેચવા સુધીની સ્થિતિમાંથી હું પસાર થઈ છું. મારા મિત્ર
ઓ.પી. જૈન અને એ.જે. જસપાલ જેવા મિત્રો પાસેથી સમયસમયાંતરે ઉધાર પૈસા લઈને મેં મારા
સંગીતકારોના મહેનતાણા ચૂકવ્યા છે. એ શહેરમાં મેં કેટલીય રાતો ઘર વગર વિતાવી છે. મારા મિત્રો
મહોમ્મદ યુનુસના ગરાજમાં, મારા ભરતનાટ્યમના સંગીતકાર કામાક્ષી કુપ્પુસ્વામીના લક્ષ્મીબાઈ
નગરના નાનકડા ફ્લેટમાં મેં દિવસો વીતાવ્યાં છે. એ પછી મારા મિત્ર રાજગોપાલ અને એની વાઈફ
મૈથિલીએ એમનો શાહજહાં રોડનો ફ્લેટ મને રહેવા આપ્યો જેમાં લગભગ 3 વર્ષ સુધી હું રહી. એક
આરામદાયક બાળપણ અને વૈભવી લગ્નજીવન પછીના આ દિવસો સરળ તો નહોતા જ, પરંતુ મારે
મારો પોતાનો રસ્તો જાતે જ કંડારવો હતો. હું સ્વતંત્ર મિજાજની અને સ્પષ્ટ વક્તા વ્યક્તિ છું. મારાથી
દંભ નથી થતો. જે અનુભવું છું એ જ કહી દેવાની મારી સ્વચ્છ અને સ્પષ્ટ મનોવૃત્તિએ મને ઘણા
મિત્રો આપ્યા છે તો બીજી તરફ, ઘણા લોકોનો અણગમો પણ મેં વહોરી લીધો છે.
કૃષ્ણમાં મારી અથાગ શ્રધ્ધાએ મને જીવવાનું બળ પૂરું પાડ્યું છે અને નૃત્ય સાથેના મારા
આત્મીય સંબંધને કારણે હું આજે જ્યાં ઊભી છું ત્યાં પહોંચી શકી છું. લલિત સાથે છૂટા પડ્યા પછી
મેં જિંદગીને એક જુદા જ પરિપ્રેક્ષ્યમાં જોવાનું શરૂ કર્યું. મને એક વાત સમજાઈ ગઈ કે, નૃત્ય એક
એવી કલા છે જેમાં શિષ્યભાવે શીખતા રહેવાનું છોડી શકાય નહીં. દુનિયાની કોઈ કલા કદીયે‘સંપૂર્ણ’
શીખી શકાતી નથી, કારણ કે એમાં સતત વિકાસ અને ઉત્ક્રાંતિ થતાં રહે છે. દરેક નવો કલાકાર કલાને
એક નવી દિશા અને નવું પરિમાણ આપે છે… મેં મારી નૃત્યકલાની સાધનાને સતત જીવિત રાખવાનો
પ્રયાસ કર્યો કારણ કે, એક કલાકાર તરીકે સાધનાનું મહત્વ શ્વાસથી જરાય ઓછું નથી.
ઓડિસી નૃત્યમાં મેં અનેક પ્રયોગો કર્યાં. ભરતનાટ્યમ્, મણિપુરી અને ઓડિસીના મિશ્રણથી
અનેક કાર્યક્રમો તૈયાર કર્યા, જેની પરિકલ્પના, સ્ક્રીપ્ટ અને નરેશન મેં તૈયાર કર્યાં. મારા સંગીતના
સાથીઓ જેમાં ખાસ કરીને બંકિમ અને મારા મૃદંગ, તબલાવાદક અને બાંસુરીવાદક, સહકાર્યકરો,
સાથીઓ સતત મારી સાથે રહ્યા છે. એમનો પણ મારી સાધનામાં ઓછો ફાળો નથી.
‘દ્રૌપદી’ કરતી વખતે મને લાગ્યું કે માત્ર ઓડિસીનો પ્રયોગ આને માટે પર્યાપ્ત નહીં થાય,
એટલે મેં પશ્ચિમ બંગાળ અને ઝારખંડની ભૂમિ સાથે જોડાયેલા યુધ્ધ કૌશલ્ય ઉપર આધારિત ‘છાવ’
નૃત્યનું પ્રશિક્ષણ લીધું. ઓડિસી માત્ર લાસ્ય છે. પ્રણયકથાઓ ઓડિસીમાં કહી શકાય. ભરતનાટ્યમ્
અભિનયની કલા છે. જ્યારેછાવ માટે શારીરિક બળ અને ચપળતા જોઈએ. છાવ શીખતાં મને થોડી
તકલીફ ચોક્કસ પડી, પરંતુ એનાથી મારા નૃત્યમાં એક નવું પરિમાણ ઉમેરાયું. એક નવો પ્રયોગ, નવો
વિચાર કરી શકી હું.
દિલ્હીમાં મેક્સ મૂલર ભવનમાં ડિરેક્ટર તરીકે કામ કરતા જ્યોર્જ લેશ્નર સાથે પરિચય થયો
ત્યારે કલ્પના પણ નહોતી કે, અમે એકમેકની આટલા નિકટ આવી જઈશું. જ્યોર્જ ભારતીય કલા
અને સંસ્કૃતિ પરત્વે સન્માન ધરાવતા હતા. એમણે મારું નૃત્ય જોયું, મને અભિનંદન આપ્યા. એ
પછી અમે વારંવાર મળવા લાગ્યા. અમે ક્યારે એકમેકને ચાહવા લાગ્યા એની અમને જ ખબર ન પડી.
જ્યોર્જ પરિણિત હતા. એમને બે સંતાનો હતા, પરંતુ અમનેકોઈ દિવસ અમારા સંબંધને છુપાવવાની
કે એને કોઈ ‘અફેર’ નો દરજ્જો આપવાની જરૂર નથી લાગી. મારે કદી જ્યોર્જ સાથે લગ્ન કરવાં
નહોતાં, કે મારે એના પરિવારને કોઈ તકલીફ પહોંચાડવાની જરૂર નહોતી. મારે માટે મારું નૃત્ય
પર્યાપ્ત હતું. જ્યોર્જ મારા મિત્ર હતા, અંગત-સ્વજનથી વધુ કહી શકાય એવા મિત્ર. અમને એકમેક
સાથે સમય પસાર કરવો ખૂબ ગમતો. અમારા શોખ અને ભારતીય સંસ્કૃતિ પરત્વેનો અમારો ઊંડો
લગાવ અમને એકમેકની નજીક લઈ આવ્યો હતો.
જ્યોર્જની સાથે હું જર્મની પણ ગઈ. ત્યાં મેં ભારતીય શાસ્ત્રીય નૃત્યનો કોર્સ શરૂ કર્યો. થોડો
વખત-લગભગ બે વર્ષ હું જર્મની રહી. એ વખતે મને સમજાયું કે, આપણે આપણી સંસ્કૃતિને જેટલું
મહત્વ નથી આપતા કે આપણને આપણી સંસ્કૃતિ માટે જેટલું સન્માન નથી એટલું સન્માન અને
આદર ભારતીય સંસ્કૃતિ માટે યુરોપ અને બીજા દેશોમાં છે. જર્મનીમાં હું અને જ્યોર્જ સાથે મળીને
ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રીય નૃત્યના પ્રચાર અને પ્રસારનું કામ કરતા રહ્યા. અમારો પ્રેમ, પ્રણય કે
દોસ્તી-એને નામ આપ્યા વગર અમે એકમેકની સાથે આનંદથી જીવતા હતા ત્યારે 1974માં એક
દિવસ જ્યોર્જ ગાડી ચલાવતા હતા અને અચાનક અમારો બહુ જ મોટો એક્સિડન્ટ થયો.
જ્યોર્જ ગાડીની અંદર ફસાઈ ગયા, હું ગાડીની બહાર ફેંકાઈ ગઈ. એક્સિડન્ટ જોનારને કદાચ
એવું જ લાગે કે આમાં પ્રવાસ કરી રહેલી વ્યક્તિ બચી જ ન શકે… પરંતુ, હું બચી ગઈ. જ્યોર્જને
પણ ખૂબ વાગ્યું. મારી કમરની નીચેનું હાડકું તૂટી ગયું. કરોડરજ્જુના ટુકડા થઈ ગયા અને
કરોડરજ્જુમાં આવેલા સંવેદનાઓની અનુભૂતિના પાતળા તાર એકમેકથી વિખુટા પડી ગયા. મને
હોસ્પિટલમાં લઈ જવામાં આવી. અનેક ઓપરેશન થયા. લગભગ 6 મહિના પછી હું પહેલીવાર
ઊભી થઈને થોડા ડગલાં ભરી શકી, ત્યારે મને ખૂબ રડવું આવ્યું…
મારા અનેક ટેસ્ટ પછી જર્મની અને ભારત સહિત અનેક ડૉક્ટર્સનું કહેવું હતું કે હું હવે નૃત્ય
નહીં કરી શકું. બધા જ ડૉક્ટર્સનું માનવું હતું કે, એક નોર્મલ જિંદગી જીવવા માટે પણ મારે ઘણો
પ્રયાસ કરવો પડશે, પરંતુ નૃત્ય તો નહીં જ કરી શકું એ વિશે લગભગ બધા જ ડૉક્ટર્સ સહમત હતા.
મારું નામ સોનલ છે, હારી જવું એ મારી ફિતરત જ નથી… મેં મનોમન નક્કી કર્યું કે, હું ડૉક્ટર્સ અને
દુનિયાને ખોટી પાડીને ફરી એકવાર ઊભી થઈશ, ફરી એકવાર નૃત્ય કરીશ અને એવું અદભૂત નૃત્ય
કરીશ કે સહુએ નતમસ્તક મારી કળાને પ્રણામ કરવાં પડશે.
(ક્રમશઃ)