નામઃ સુધા ચંદ્રન
સ્થળઃ વિલે પાર્લે (ઈસ્ટ) મુંબઈ
સમયઃ 2023
ઉંમરઃ 57 વર્ષ
ઈશ્વર, કુદરત, જિંદગી કે આપણને જેમાં શ્રધ્ધા હોય તે, જ્યારે આપણા પર મહેરબાન થાય
છે ત્યારે એ આપણને એવા એવા આશ્ચર્યો આપે છે જેની આપણે કદી કલ્પના પણ ન કરી હોય,
પરંતુ એક મહત્વનું સત્ય એ છે કે, કશું પામવા માટે આપણે ભીતરથી તૈયાર થવું પડે છે. આંખો ખોલો
તો સૂર્યપ્રકાશ દેખાય, હાથ લંબાવો તો વરસાદના બિંદુઓને ઝીલી શકાય, શ્વાસ લો તો સુગંધનો
અનુભવ થાય એવી જ રીતે કુદરત કે જિંદગી આપણને બીજો ચાન્સ આપવા હંમેશાં તૈયાર હોય જ
છે, પરંતુ આપણે જ ક્યાંક આપણા ભીતરના દરવાજા બંધ કરી દઈએ છીએ.
પગ કપાઈ ગયા પછીનો મારો પ્રવાસ સરળ નહોતો, પરંતુ હું એવું માનું છું કે, જો આપણે
થોડી હિંમત કરીએ અને દૃઢ નિશ્ચય સાથે આગળ વધીએ તો દુનિયાના ભલભલા દરવાજા
આપોઆપ ખૂલતા હોય છે! નૃત્યના એક કાર્યક્રમમાં જાણીતા નિર્માતા રામોજી રાવ મને મળ્યા. એમને
જ્યારે ખબર પડી કે, મારો એક પગ નથી અને છતાં હું આટલું સુંદર નૃત્ય કરી શકું છું ત્યારે એમણે
મને ખાસ મળવા બોલાવી. મારા જીવન પરથી ફિલ્મ બનાવવાનો નિશ્ચય કર્યો, હું સંગીતમ્
શ્રીનિવાસ રાવને મળી અને એમણે મને મારી જ ફિલ્મમાં રોલ કરવાનો આગ્રહ કર્યો. અભિનયની
કડક ટ્રેનિંગ શરૂ થઈ… મારી ભાષા મલયાલમ છે, એટલે પહેલાં તો તેલુગુ શીખવાની શરૂઆત થઈ.
ભાષા પ્રત્યે મારો અભિગમ સરસ છે એટલે તેલુગુ શીખવામાં એટલી તકલીફ ન પડી, પરંતુ અભિનેત્રી
તરીકે સંકોચ છોડીને ખુલ્લા દિલે મારી જાતને અભિવ્યક્ત કરતા મને થોડો સમય લાગ્યો.
નૃત્યમાં અમને નવ રસ અને એની અભિવ્યક્તિ વિશે શીખવવામાં આવે છે. નૃત્ય પણ એક
પ્રકારનો અભિનય તો છે જ, એટલે ધીમે ધીમે હું સંગીતમ્ સરની ઈચ્છા મુજબ ડાયલોગ બોલતાં
અને અભિનય કરતાં શીખી ગઈ. ત્રણ મહિનાની આ ટ્રેનિંગ પછી અમે ફિલ્મનું શુટિંગ શરૂ કર્યું.
1985માં ‘મયૂરી’ ફિલ્મ તેલુગુમાં બની. એ ફિલ્મ એટલી સારી ચાલી કે, પછી એને મલયાલમ અને
તમિલમાં ડબ કરવામાં આવી. એને પણ ખૂબ સારો પ્રતિભાવ મળ્યો એટલે ‘નાચે મયૂરી’ નામે ફરીથી
એ ફિલ્મ 1986માં હિન્દીમાં બનાવીને રિલીઝ કરવામાં આવી. એને પણ ખૂબ સારો પ્રતિભાવ મળ્યો
એટલું જ નહીં, એ ફિલ્મમાં અભિનય કરવા માટે મને નેશનલ એવોર્ડ મળ્યો. જીવન બદલાઈ ગયું.
એક છોકરી, જે જિંદગીથી હારી બેઠી હતી એ હવે બીજી અનેક છોકરીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત હતી.
એ પછી મેં ‘જાન પહચાન’ (1991), ‘નિશ્ચય’ (1992), ‘ઈંસાફ કી દેવી’ (1992),
‘ઈંતેહા પ્યાર પ્યાર કી’ (1992), ‘શોલા ઔર શબનમ’ (1992), ‘ફૂલન હસીના રામકલી’
(1993), ‘અંજામ’ (1994), ‘બાલી ઉમર કો સલામ’ (1994), ‘મિલન’ (1995), ‘રઘુવીર’
(1995), ‘હમ આપકે દિલ મેં રહતે હૈં’ (1999), ‘તુને મેરા દિલ લે લિયા’ (2000) જેવી ફિલ્મોમાં
કામ કર્યું.
એમાં એક ફિલ્મ ‘અંજામ’ના શુટિંગમાં મારી મુલાકાત રવિ ડાંગ સાથે થઈ. એ ફિલ્મમાં
આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. ફિલ્મના સેટ પર અમે પહેલીવાર મળ્યા અને મિત્રો બની ગયા. લગભગ
દોઢ મહિના સુધી સાથે કામ કર્યાં પછી પણ અમે એકમેકના સંપર્કમાં હતા. એક દિવસ જ્યારે રવિએ
મને જુહુ બીચ પર ડિનર માટે પૂછ્યું. મને ખૂબ નવાઈ લાગી કારણ કે, ત્યાં સુધીમાં હું એવું માનતી
થઈ ગયેલી કે, હું ગમે એટલી સફળ હોઉં, પરંતુ એક છોકરી કે સ્ત્રી તરીકે કોઈને મારામાં રસ નહીં
પડે. એક લંગડી છોકરી સાથે કોને પ્રેમ થાય!
રવિએ જ્યારે ડેટ માટે પૂછ્યું ત્યારે હું ડરતી હતી, પરંતુ એ સાંજ મારા જીવનની સૌથી
યાદગાર સાંજ બની ગઈ. અમે અવારનવાર મળવા લાગ્યા. રવિએ એક દિવસે લગ્ન માટે પૂછી
નાખ્યું. મને રડવું આવી ગયું. કોઈને મારી સાથે પ્રેમ થઈ શકે! મારે માટે આ જીવનની એક એવી ક્ષણ
હતી જ્યારે મારો આત્મવિશ્વાસ જીત્યો હતો… પરંતુ, મેં કહ્યું તેમ મારે માટે જીવનની કોઈ ઉપલબ્ધિ
સરળ નથી બની. જ્યારે મેં ઘરે વાત કરી ત્યારે મારા માતા-પિતાએ ઘસીને ના પાડી દીધી. રવિ
પંજાબી હતા અને હું તમિલ બ્રાહ્મણ. એમને આ લગ્ન કોઈ સંજોગોમાં મંજૂર નહોતાં, ને હું મારા
માતા-પિતાની વિરુધ્ધ કોઈ નિર્ણય કરવા માગતી નહોતી. મારી જિંદગીમાં એમનું પ્રદાન ખૂબ મોટું
હતું. હું જીવી શકી અને જિંદગી સામે લડી શકી એમાં મારા માતા-પિતાનો ફાળો એટલો મોટો હતો
કે, એમને નારાજ કરીને હું સુખી નહીં થઈ શકું એવી મને ખાતરી હતી.
નવાઈની વાત એ છે કે, મારી સફળતા અને એવોર્ડ્ઝ, સન્માન પછી અનેક લોકો મારા મિત્રો
બન્યા. એમાંના ઘણા પુરુષોએ મારામાં અંગત રસ લેવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ એ રસ માત્ર ડેટિંગ
કે લફરાં પૂરતો જ હતો! આજના જમાનામાં પણ એક ‘અપંગ’ યુવતિ સાથે લગ્ન કરવા તૈયાર થાય,
એવો પુરુષ શોધવો અઘરો જ છે! મારા માતા-પિતાએ પણ મને બે-ત્રણ છોકરા બતાવ્યા, જે તમિલ
બ્રાહ્મણ હતા, ભણેલા હતા, પરંતુ એમનો એટિટ્યુડ એવો હતો કે, જાણે એ દયા ખાઈને મારી સાથે
લગ્ન કરવા તૈયાર થયા હતા. હું કોઈ દયા કે સહાનુભૂતિ માટે અહીં સુધી નહોતી પહોંચી. હું જ્યાં
ઊભી હતી ત્યાંથી મને જીવનની વિશાળ ક્ષિતિજો દેખાતી હતી, મારે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો કરવા
હતા. વધુ ફિલ્મોમાં અને ટીવી પર અભિનય કરવો હતો. જીવનને એક સારી અને સંપૂર્ણ રીતે
જીવવાના લક્ષ્ય સાથે હું એક એવા માણસ સાથે લગ્ન કરવા માગતી હતી જે મને સમજે… માત્ર
‘સ્વીકારે’ નહીં.
અમે બે વર્ષ સુધી એકબીજાને ડેટ કરતાં રહ્યાં. મારા મનમાં એવી ધારણા હતી કે, મારા માતા-
પિતા અંતે ‘હા’ પાડી દેશે. એમને ઘણું સમજાવવા છતાં અને ઘણા પ્રયત્નો છતાં હું એમને સમજાવી
શકી નહીં. હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારા ઘણા મિત્રો હતા, એમાંના કેટલાકે મને સમજાવવાનો પ્રયત્ન
કર્યો, ‘માતા-પિતા જીવનભર તારી સાથે નહીં રહે. એક છોકરો જે તને પ્રેમ કરે છે અને બે વર્ષથી તારી
રાહ જોઈ રહ્યો છે એ સારો જ માણસ છે, ફક્ત જ્ઞાતિ જુદી છે એટલા ખાતર જો એ લોકો વિરોધ
કરતા હોય તો તારે એ વિરોધ ન માનવો જોઈએ.’ હું સમજી નહોતી શકતી કે, મારે શું કરવું જોઈએ.
એમને નારાજ કરું તો એમણે મારા માટે કરેલી આટલી બધી મહેનત અને મારા માટે આપેલા ભોગને
હું અન્યાય કરતી હતી, એમનું માનીને જો રવિને ના પાડું તો એના પ્રેમ અને વિશ્વાસ માટે એ દગો
હતો…
એ વખતે મારી બહુ જ સારી મિત્રએ મને સમજાવ્યું, ‘અંતે તારા માતા-પિતા છે, તને ચાહે
છે, તારું ભલું જ ઈચ્છે છે… જો એકવાર રવિને ઓળખશે તો કદાચ, તારી વાત સમજી શકશે.’ પરંતુ,
મારા માતા-પિતાએ રવિને મળવાની પણ ના પાડી દીધી. છેલ્લે મેં નક્કી કર્યું કે, હું રવિ સાથે લગ્ન
કરી લઈશ. મારા માતા-પિતાને જણાવ્યા વગર ચેમ્બુરના મુરુગન મંદિરમાં મેં રવિ સાથે લગ્ન કરી
લીધાં.
શરૂઆતમાં મારા માતા-પિતા ખૂબ નારાજ રહ્યાં. એમને એક નોનવેજ ખાતા, ક્યારેક શરાબ
પીતા પંજાબી યુવક સાથેના મારા લગ્ન સ્વીકાર્ય નહોતાં. મારા મિત્રોએ અને રવિએ એમનું દિલ
જીતવાનો પ્રયાસ કર્યો. હું એમનું એક જ સંતાન છું, એટલે મને પણ મનમાં એવો અફસોસ રહ્યા
કરતો હતો કે, હું એમની ઈચ્છા વિરુધ્ધ પરણી છું. અંતે મારા માતા-પિતાએ અમને સ્નેહથી
આવકાર્યાં અને એમના મનની નારાજગી દૂર થઈ ગઈ. આજે, રવિ મારા માતા-પિતા માટે એક પુત્રથી
વિશેષ છે…
અમે નક્કી કર્યું હતું કે, અમારે સંતાન નથી જોઈતાં. મારી શારીરિક સ્થિતિ જોતાં હું કદાચ
ગર્ભાવસ્થા સહન ન કરી શકું, એવું મારા ડૉક્ટરનું માનવું હતું. રવિએ કોઈપણ પ્રકારના વિરોધ વગર
આ વાત સ્વીકારી એ માટે મને અનહદ આદર છે.
આજે, મારી કથા પાઠ્ય પુસ્તકોમાં ભણાવવામાં આવે છે.
અરીસા સામે ઊભી રહીને મને જોઉં છું, તો સમજાય છે કે, કોઈપણ છોકરી સુધા ચંદ્રન બની
શકે છે, બસ સાચી લગન, મહેનત કરવાની વૃત્તિ અને સંજોગો સામે લડવાની તૈયારી હોવી જોઈએ.
(સમાપ્ત)