ભાગઃ 4 | મારા જીવનમાં આવેલો એક પણ પુરુષ મને સંપૂર્ણપણે જાણી કે પામી શક્યો નહીં

નામઃ જેઈન સેમોર ફોન્ડા
સ્થળઃ એટલાન્ટા, યુનાઈટેડ સ્ટેટ્સ
સમયઃ 2024
ઉંમરઃ 86 વર્ષ

એક છોકરીને જ્યારે નાનપણમાં જ એવું શીખવી દેવામાં આવે કે, એના અસ્તિત્વનો અર્થ
ફક્ત એનું સ્ત્રીત્વ અથવા એનું આકર્ષણ છે ત્યારે એ પોતાના આખા જીવનમાં ફક્ત પુરુષને પોતાના
જીવનમાં કેન્દ્ર સ્થાને રાખીને પોતાનું જીવન પ્લાન કરે છે. મારી સાથે પણ એવું જ થયું છે… મને
મારા જીવનમાં આવેલા પુરુષો પાસેથી વેલિડેશન-માન્યતા અથવા સ્વીકારની અપેક્ષા રહી છે. મારી
પ્રત્યેક સફળતામાં લાખો પ્રેક્ષકો જોડાયેલા હોય તો પણ મારા જીવનનો એ એક પુરુષ જો મને
સ્વીકાર કે માન્યતા ન આપે તો મને મારું જીવન અધૂરું લાગતું… મારા અનેક સંબંધો બંધાવાનું અને
તૂટવાનું કારણ પણ કદાચ આ જ હશે એવું હવે મને લાગે છે.

મારા પિતા મારા હીરો હતા, પરંતુ મારી મા વહેલી ગુજરી ગઈ-અને એ પહેલાં પણ
મોટાભાગનો સમય એણે માનસિક રોગોના દવાખાનામાં વિતાવ્યો જેને કારણે મારી પાસે કોઈ
ફિમેલ-લેડી રોલ મોડલ નહોતી. હું જ મારી રોલ મોડલ બની. કદાચ, એટલે જ કોઈ એક સાચી કે
છેલ્લી દિશા મારી પાસે નહોતી. હું મને જ શોધતી આમથી તેમ ભટકતી રહી.

1970માં ડ્રગ ટ્રાફિકિંગના શક સાથે મને ક્લિવ લેન્ડ એરપોર્ટ પર મને પકડવામાં આવી. મારા
સામાનને તપાસવામાં આવ્યો અને મને અપમાનિત કરવામાં આવી. આ તમામ સમય દરમિયાન હું
એન્ટી વોર (યુધ્ધ વિરોધી) પ્રવૃત્તિને ખૂબ વેગથી આગળ ધપાવી રહી હતી. મારી બેગમાંથી અમુક
દવાઓ મળી જેને ડ્રગ્સ તરીકે ખપાવીને મને એક રાત જેલમાં રાખવામાં આવી. જોકે, એમની પાસે
વધુ વિગતો ન મળી એટલે એમણે મને છોડવી પડી. પોલીસ અને સત્તા એમ માનતી હતી કે, આવી
રીતે ડરાવવાથી હું મારા વિચારો છોડી દઈશ. જાહેરમાં સ્પીચ આપવાનું બંધ કરીશ, પરંતુ એવું કશું
થયું નહીં, બલ્કે એથી આગળ વધીને મેં મીડિયાનું અટેન્શન મેળવ્યું. જેને કારણે પછીથી મારી સામે
કોઈ પગલાં લેતાં પહેલાં અમેરિકન સરકારે પૂરી સાવચેતી વર્તવી પડી.

2017માં મેં રેપ અને ડોમેસ્ટિક અબ્યુઝની સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મેં કહ્યું, ‘હું પોતે
બળાત્કારનો ભોગ બની છું. બાળક તરીકે મને ખબર પણ નહોતી કે, મારી સાથે જે થઈ રહ્યું છે એને
સેક્સ્યુઅલ અબ્યુઝ અથવા જાતિય શોષણ કહેવાય. સત્ય તો એ છે કે, મોટાભાગના અમેરિકન
ટીનએજર છોકરીઓ આવા જાતિય શોષણનો ભોગ બને છે કારણ કે, એમને ખબર જ નથી કે ના
કેવી રીતે પાડવી… શરમ અથવા ઉત્સુકતાને કારણે આવી છોકરીઓ બળાત્કારનો ભોગ બને છે.
દુઃખની વાત તો એ છે કે, એમને પોતાને પણ ખબર નથી કે એમની સાથે જે થયું છે તે બળાત્કાર છે
કે પછી બાર્ટર!’

2017માં મેં રેપ, બળાત્કાર વિરોધી, સ્ત્રીઓને જગાડતા સૂત્રો લખેલા મર્ચન્ડાઈઝ
(વસ્તુઓ)ની દુકાન શરૂ કરી. જેને ખૂબ પ્રતિસાદ મળ્યો. એ ગાળામાં ફિલ્મોથી દૂર થઈ ગઈ હોવાને
કારણે મારી પાસે બહુ ઓફર્સ આવતી નહીં. અમુક અખબારોમાં એ પરિસ્થિતિ વિશે એવી કોમેન્ટ
કરવામાં આવી કે, ‘જેઈન ફોન્ડા હવે ભૂલાવા લાગી છે.’ ત્યારે જ મેં મેનોપોઝમાં પ્રવેશી રહેલી-50
વર્ષ વિતાવી ચૂકેલી સ્ત્રીઓ વિશે મ્યૂઝક સાથે આનંદ માણી શકાય એવી એક્સરસાઈઝની એક સીડી-
વીડિયો લોન્ચ કરી, જેને અદભૂત પ્રતિસાદ મળ્યો. 1982માં પહેલીવાર વીએચએસ ટેપ લોન્ચ થઈ
ત્યારે મેં થિયેટ્રીકલ ન હોય તેવી હોમ વીડિયો રિલીઝ કરી. 1982-1995 શ્રેણીમાં 17 મિલિયન
વીડિયો વેચ્યા, જે એક પ્રચંડ સફળતા ગણાય છે. મારા પછી અનેક મહિલાઓના કસરત વર્ગોમાં
તેજીને વેગ આપ્યો, અગાઉ પુરૂષ-પ્રભુત્વ ધરાવતા ફિટનેસ ઉદ્યોગને મહિલાઓ માટે ખોલ્યો, અને
સેલિબ્રિટી તરીકે-ફિટનેસ-પ્રશિક્ષક મોડેલની સ્થાપના કરી. એક્સરસાઈઝ દરમિયાન હું બૂમો પાડતી,
‘બર્ન અનુભવો!’ (તમારી ચરબીને ઓગળતી અનુભવો), એ વીડિયોમાં મેં કહેલી વાત આજે સામાન્ય
કહેવત બની ગઈ છે, ‘નો પેઈન નો ગેઈન.’ (જો પીડા નહીં, તો લાભ નહીં.)

મેં પહેલાં કહ્યું એમ, હું માત્ર અભિનેત્રી નથી. એક ફિટનેસ ટીચર છું, એક્ટિવિસ્ટ છું, પબ્લિક
સ્પીકર છું, લેખક છું અને સાથે જ એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મમેકર પણ છું. એચબીઓ સાથે મેં એક ફિલ્મ
બનાવી હતી, જેનું નામ હતું ‘જેઈન ફોન્ડા ઈન ફાઈવ એક્ટ્સ.’ એ ફિલ્મમાં મારા જીવનના પાંચ
તબક્કા વિશે કથા કહેવામાં આવી હતી. એક સૌથી મહત્વનો તબક્કો, એ હતો જ્યારે મારા નીચલા
હોઠમાં કેન્સરની ગાંઠ મળી. એનું ઓપરેશન કરાવ્યા પછીના વર્ષે મારા સ્તનમાં પણ કેન્સરની ગાંઠ
મળી. એ વખતે મેં મારા સ્તનનું ઓપરેશન કરાવ્યું. સામાન્ય રીતે સ્ત્રીઓ આવી બાબતોને છુપાવતી
હોય છે, પરંતુ મારા પછીની પેઢી અને મારી આસપાસની સ્ત્રીઓને પ્રેરણા મળે એટલા માટે મેં એક
ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘મારા સ્તન હવે મારા શરીર પર નથી, છતાં મારા સ્ત્રીત્વમાં કોઈ ફેર નથી પડ્યો.
મારું માતૃત્વ અકબંધ છે અને જીવન સાથે જોડાયેલી મારી આશા, મારું અસ્તિત્વ સંપૂર્ણ છે.’

2024માં મેં એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી, જે મારી એક ફિલ્મના મેકિંગ-એના મ્યૂઝિક
વીડિયો સાથે સંલગ્ન હતી. ‘ધ ગ્રેટેસ્ટ લવ સ્ટોરી નેવર ટોલ્ડ’ નામની એ ફિલ્મમાં મેં અભિનય કર્યો,
અને એ ફિલ્મ-જેનિફર લોપેઝના જીવન પર, એના અને બેન એફ્લેકના સંબંધો ઉપર આધારિત હતી.
એ ફિલ્મ પછી, મેં જેનિફરના ઈન્ટરવ્યૂ સાથે-એ ફિલ્મ ‘ધ ગ્રેટેસ્ટ લવ સ્ટોરી નેવર ટોલ્ડ’ ના મેકિંગની
ડોક્યુમેન્ટ્રી બનાવી. એમાં બેન એફ્લેક પણ ઉપસ્થિત રહ્યા અને બંને જણાંએ એમના લાગણીભર્યા
સંવેદનશીલ છતાં ચર્ચાસ્પદ અને ગૂંચવાયેલા સંબંધો વિશે દિલ ખોલીને વાત કરી. આ ડોક્યુમેન્ટ્રીને
સાત શહેરોમાં સો ટકા રિવ્યૂઝ મળ્યા અને પ્રેક્ષકોએ ખૂબ વખાણી, જ્યારે ક્રિટિક્સને લાગ્યું કે, આ
ડોક્યુમેન્ટ્રીમાં મેં અંગત સંબંધોના પડ ખોલી નાખ્યા છે. જોકે, મને હંમેશાં માનવ સંબંધોમાં ખૂબ રસ
રહ્યો છે.

જેમ મારા જીવનમાં પુરુષો સાથેના સંબંધો ચર્ચાસ્પદ અને સંવેદનશીલ રહ્યા છે એવી જ
રીતે, આ ફિલ્મ ‘ધ ગ્રેટેસ્ટ લવ સ્ટોરી નેવર ટોલ્ડ’માં અભિનય કરતી વખતે મને સમજાયું કે, બેન
એફ્લેક અને જેનીફર લોપેઝના સંબંધો, એમના લગ્ન અને એમના જીવનનો પ્રવાસ બહુ રસપ્રદ છે.
બેન એફ્લેકે 2002 થી 2004 દરમિયાન જેનિફર લોપેઝને પ્રથમ વખત ડેટ કરી હતી. તેઓ
ડિસેમ્બર 2001માં ‘ગિગલી’ના સેટ પર મિત્રો બન્યા હતા, અગાઉ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પાર્ટીઓમાં
બંને મળ્યા હતા, પરંતુ જુલાઇ 2002માં જ્યારે લોપેઝે તેના બીજા પતિ ક્રિસ જુડથી છૂટાછેડા માટે
અરજી કરી ત્યારે એમના રોમેન્ટિક સંબંધોની શરૂઆત થઈ. એમના સંબંધોને મીડિયાએ ખૂબ
ચગાવ્યા. અમેરિકન અને યુરોપના ટેબ્લોઇડ્સે આ દંપતીને ‘બેનિફર’નું નામ આપ્યું. એ બંને
જેનિફરના ગીત “જેની ફ્રોમ ધ બ્લોક” અને ફિલ્મ ‘જર્સી ગર્લ’ માટે મ્યુઝિક વીડિયોમાં સાથે દેખાયા
હતા. લોપેઝનું આલ્બમ ‘ધીસ ઈઝ મી…’ એફ્લેકને સમર્પિત અને પ્રેરિત હતું. નવેમ્બર 2002માં
તેમની સગાઈ થઈ હતી, પરંતુ 14 સપ્ટેમ્બર, 2003ના દિવસે એમણે લગ્ન કરવાનું નક્કી કર્યા છતાં
ચાર જ દિવસ પહેલાં લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. એનું કારણ આપતા તેઓએ કહ્યું કે,
‘મીડિયા અમારા ઉપર વધુ પડતું ધ્યાન આપે છે અને એને કારણે અમારું અંગત જીવન ડિસ્ટર્બ થાય
છે.’ ખાસ કરીને, બેન અફ્લેકને એક સામાન્ય, નોર્મલ જીવન જોઈતું હતું. બંનેને લાગ્યું કે, લગ્ન
કરવાથી એમની પ્રાઈવસી-અંગત જીવન સામાન્ય નહીં રહી શકે. સમજદારી સાથે બંનેએ જાન્યુઆરી
2004માં સગાઈ તોડી નાખી… એ પછી બંને મિત્રો રહ્યાં. એમના આ સંબંધ તૂટવાની ઘટનાને
જેનિફર લોપેઝે જિંદગીના પહેલા હાર્ટ બ્રેક તરીકે સ્વીકારી લીધી, એટલું જ નહીં-એ પછી લોપેઝ કે
બેન એફ્લેકના કોઈ સંબંધો ક્યાંય સાંભળવા મળ્યા નહીં.

એફ્લેક અને લોપેઝે પહેલીવાર મળ્યાના 20 વર્ષ પછી એપ્રિલ 2021માં ફરીથી ડેટિંગ
કરવાનું શરૂ કર્યું, અને એપ્રિલ 2022માં તેમની બીજી સગાઈની જાહેરાત કરી. તેઓના લગ્ન 16
જુલાઈ, 2022ના રોજ લાસ વેગાસ સમારોહમાં થયા હતા અને તે ઉનાળાના અંતમાં એફ્લેકના
જ્યોર્જિયાના ઘરમાં પરિવાર અને મિત્રો માટે મોટી ઉજવણીનું આયોજન કર્યું હતું. લોપેઝના
જોડિયા બાળકોના સાવકા પિતાની જવાબદારી એફ્લેકે આનંદથી સ્વીકારી, પરંતુ જે દંપતી 20 વર્ષ
સુધી એકબીજા માટે ઝૂલતું રહ્યું એ દંપતી 26 એપ્રિલ, 2024ના રોજ અલગ થઈ ગયું અને લોપેઝે
20 ઓગસ્ટ, 2024ના રોજ એફ્લેકથી છૂટાછેડા માટે અરજી કરી. એ જ વખતે મેં આ ફિલ્મ
બનાવવાનો નિર્ણય કરી લીધો. આ સંબંધની રસપ્રદ અને ગૂંચવણભરી ઉતાર-ચઢાવ સાથેની જર્ની
વિશે ફિલ્મ બનાવવાની મને ઘણા સમયથી ઈચ્છા હતી. અંતે, આ ફિલ્મ બની, જેમાં મેં અભિનય
કર્યો-પછીથી મને આ ડોક્યુમેન્ટ્રી બનાવવાનો વિચાર આવ્યો.

આજે વિચારું છું ત્યારે સમજાય છે કે, આટલા બધા પરિમાણો ધરાવતી સ્ત્રી સાથે જોડાવું એ
કોઈપણ પુરુષનું આકર્ષણ હોઈ શકે, પરંતુ એ સ્ત્રી સાથે જીવવું-એના તમામ પરિમાણોને સમજવા
અને સ્વીકારવા એ સામાન્ય પુરુષનું કામ નથી. હું જુદી જ જન્મી હતી અને જીવન જુદી રીતે જીવી
છું. આજે 86 વર્ષે મને મારા જીવન માટે, જે જીવી છું એ માટે કોઈ અફસોસ નથી. જે પુરુષો સાથે
મેં ડેટિંગ કર્યું-સંબંધ બાંધ્યા, લગ્ન કર્યા કે જેમને છોડ્યા એ બધા સાથે મેં ઉત્તમ સમય વિતાવ્યો છે,
પરંતુ એ સમય કદાચ એટલો જ નિર્મિત-ડેસ્ટિન્ડ હતો.

આજે જેઈન ફોન્ડા પોતે જ એક ઓળખ છે. નિયતિ સાથે સંઘર્ષ કરીને મેં મારા પોતાના
અસ્તિત્વને ઘડ્યું છે, જેનો મને આનંદ છે, સંતોષ છે…

(સમાપ્ત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *