ભાગઃ 4 | મારા દીકરાનું નામ ગણેશ, દીકરીનું નામ લક્ષ્મી અને બીજા દીકરાનું નામ કૃષ્ણ બલરામ છે

નામઃ જુલિયા રોબર્ટ્સ
સ્થળઃ કેલિફોર્નિયા
સમયઃ 2023
ઉંમરઃ 56 વર્ષ

ફિલ્મો અને ગ્લેમરથી હું થાકી હતી. યુનિસેફ દ્વારા મને એક ચેર આપવામાં આવી જેમાં
બાયોફ્યુઅલ્સને કઈ રીતે વધુ પ્રચલિત કરી શકાય એ માટે એમણે મારી લોકપ્રિયતાનો ઉપયોગ
કરવાની વિનંતી કરી. મેં યુનિસેફની સાથે સાથે અન્ય સંસ્થાઓમાં પણ કામ કરવાનું શરૂ કર્યું.
2006માં બાયોફ્યુઅલ્સ માટે એક કમિટી બની જેમાં મેં દસ મિલિયન ડોલરનું દાન કર્યું. એ જ સમયે
‘રેટ્સ સિન્ડ્રોમ’ અને ‘ન્યૂરો ડેવલપમેન્ટ ડિસઓડર’ જેવી બહુ નાનકડી, પરંતુ જીવનમાં ખૂબ નુકસાન
કરતી બિમારી માટે સચેત કરતી ફિલ્મો અમે અમારા પ્રોડક્શન હાઉસમાંથી બનાવી. એઈડ્સ માટે
અમે ઘણું કામ કર્યું. અમેરિકામાં જલવાયુ પરિવર્તન માટે કામ કરતી અનેક સંસ્થાઓ સાથે હું જોડાઈ,
પરંતુ મારું સૌથી મહત્વનું યોગદાન મધર નેચર સાથે જોડાઈને વિશ્વના લોકોને એ વિશે જાગૃત
કરવાનું મારું અભિયાન હતું. સમાજસેવાના કામમાં મને એટલી બધી મજા આવવા લાગી કે, ધીરે
ધીરે મને ફિલ્મોમાંથી રસ ઓછો થવા લાગ્યો. આ એવો સમય હતો જ્યારે મારી પાસે એવી કોઈ
મજબૂત સ્ક્રીપ્ટ પણ નહોતી અને મારું મન વધુને વધુ જગતના કલ્યાણ અને સમાજસેવા પરત્વે
આકર્ષાવા લાગ્યું હતું. હું જ્યારે ‘ઈટ પ્રે લવ’ (એલિઝાબેથ ગિલ્બર્ટની બાયોગ્રાફિકલ ફિલ્મ પર કામ
કરતી હતી ત્યારે ભારત આવવાનું થયું. નૈનિતાલમાં નીમ કરૌલી બાબાના આશ્રમમાં જ્યારે હું ગઈ
ત્યારે મને લાગ્યું કે, હિન્દુત્વ જીવનનો સાચો ધર્મ છે. મેં વેજિટેરિયન થવાનું નક્કી કર્યું એટલું જ નહીં,
હું નીમ કરૌલી બાબાની શિષ્ય બની ગઈ.

મારા લગ્નો અને સંબંધો તૂટતા રહ્યા, એને કારણે મારા મનમાં એક વિચિત્ર પ્રકારની અસુરક્ષા
જન્મી હતી. અમેરિકન અખબારોએ પણ મને ‘રન અવે બ્રાઈડ’નો ખિતાબ આપી દીધો હતો! મારી
જ એક ફિલ્મ હતી, ‘રન અવે બ્રાઈડ!’ આ એક એવી ફિલ્મ હતી જેમાં લગ્નની પહેલાં જ હિરોઈન
ભાગી જાય છે. એને એક વિચિત્ર પ્રકારનો કમિટમેન્ટનો ફોબિયા છે. મારી આ ફિલ્મ પછી અમેરિકાના
અખબારોએ મને ‘રન અવે બ્રાઈડ’ તરીકે મારી મજાક ઉડાવવા માંડી. વાત સાવ ખોટી નહોતી.
લેયલના અનુભવ પછી મને લગ્નથી ડર લાગવા માંડ્યો હતો. હું નાના મોટા ડેટિંગ કરી લેતી, પણ
લગ્ન કરવા વિશે મેં મારી જાતને સ્પષ્ટ સમજાવી લીધી હતી. હું હવે લગ્ન કરવા જ માગતી નહોતી.
લેયલના અનુભવ વખતે છૂટા પડવામાં પણ મારે જે કાયદાકીય ગૂંચ અને લેવડદેવડમાંથી પસાર થવું
પડે એ સંબંધના તૂટવા કરતાં વધુ પીડાદાયક હતું. મેં નક્કી કરી લીધું હતું કે, હવે હું કોઈ પુરુષની
નજીક નહીં આવું અને પ્રેમમાં પણ નહીં પડું, પરંતુ એ આપણા હાથમાં ક્યાં હોય છે. 1997માં હું
બેન્જામિન બ્રેટને મળી. હું જિંદગીમાં પહેલીવાર એને મળી હતી, પરંતુ મને એવું લાગ્યું કે હું એને
વર્ષોથી ઓળખું છું. એ પછી ન્યૂયોર્ક સિટીની અનેક કેફે અને રેસ્ટોરાંમાં અમે વારંવાર દેખાવા લાગ્યા.
મળવા માટે એકબીજાના ઘરે ન જવું, સાથે હોલિડે ન કરવી એવું અમે બંને જણાંએ નક્કી કર્યું હતું.
બ્રેટ પણ પોતાના જીવનમાં અનેક સંબંધો જોઈને આવ્યો હતો. એણે પણ આ વખતે ખૂબ સાવધાન
રહીને મારી સાથેના સંબંધમાં દુઃખી ન થવું એવો નિર્ધાર કર્યો હતો. ઓપરાહ વિનફ્રેના ઈન્ટરવ્યૂમાં
બેન્જામિન બ્રેટે એવી કબૂલાત કરી કે, ‘જુલિયા વિશે કહેવું હોય તો એક-બે વાક્યમાં કશું ન કહી શકાય. એ
અદભૂત સ્ત્રી છે. એ જેના પણ જીવનમાં હશે એ પુરુષ પોતાની જાતને સંપૂર્ણ અનુભવી શકશે.’ આ
વાક્યનો જે અર્થ થતો હોય તે, પરંતુ ‘એલ એ ટાઈમ્સ’માં પ્રકાશિત થયેલા બ્રેટના ઈન્ટરવ્યૂમાં એણે
2001માં એવું સ્વીકાર્યું કે, ‘જુલિયાની પહેલાંની રિલેશનશિપ્સની જેમ જ આ વખતે પણ એણે જ
સંબંધનો અંત કરવાનું નક્કી કર્યું છે. ગયા અઠવાડિયે અમે એન્ગેજમેન્ટ કર્યાં અને આ અઠવાડિયે અમે
બ્રેકઅપ કર્યું છે. આવતે અઠવાડિયે એ કદાચ કોઈ બીજાના પ્રેમમાં પડી જાય તો નવાઈ નહીં…’

આ ઈન્ટરવ્યૂ મારે માટે આઘાતજનક હતો. એ દિવસોમાં હું મારા કામમાં અત્યંત વ્યસ્ત હતી,
મારે કોઈ સ્ટેટમેન્ટ કરવું નહોતું. મેં નક્કી કર્યું કે, હું થોડો બ્રેક લઈશ. 2001ના ઓક્ટોબરમાં પ્રકાશિત
થયેલા ઈન્ટરવ્યૂ પછી મેં ક્રિસમસ બ્રેકના નામે શૂટિંગ અટકાવી દીધા. મારું હવાઈનું ઘર વેચી નાખ્યું.
હું માલિબુ રહેવા ચાલી ગઈ. એ જ વખતે સાન ફ્રાન્સિસ્કોમાં એક ઘર ખરીદ્યું જે જૂની વિક્ટોરિયન
સ્ટાઈલનું મકાન હતું. શહેરથી દૂર શાંત વાતાવરણમાં આવેલા આ ઘરના ઈન્ટિરિયરમાં હું વ્યસ્ત થઈ
ગઈ. દુનિયાભરમાંથી મને જે ગમ્યું હતું અને જે જોઈતું હતું એ બધું મેં આ ઘરમાં વસાવ્યું, ગોઠવ્યું
અને સજાવ્યું. હવે આ ઘર જ મારું કાયમી નિવાસસ્થાન બની ગયું. 1999માં હ્યુ ગ્રાન્ટની સાથે મેં
ફિલ્મ કરી, ‘નોટિંગ હિલ’. એ ફિલ્મને ભરપૂર પ્રશંસા મળી એટલું જ નહીં, રોમેન્ટિક કોમેડીમાં મારી
બરાબરી કોઈ નહીં કરી શકે એવું અમેરિકાના દરેક અખબારે લખ્યું. ‘રન અવે બ્રાઈડ’ અને ટેલિવિઝન
સિરીઝ ‘લો એન ઓર્ડર’માં અતિથિ કલાકાર તરીકે કામ કરીને હું મને ગમતાં વિષયો પર કામ કરી રહી
હતી. 2000થી 2007 દરમિયાન મને ઉત્તમ ફિલ્મો મળી. 20 મિલિયન ડોલરનું વેતન મેળવનારી હું
અમેરિકાની પહેલી અભિનેત્રી હતી. 2000ની સાલમાં મેં એરિન બ્રોકોવિચ કર્યું જેમાં મને એકેડેમી
(ઓસ્કાર) મળ્યો અને સાથે જ અમેરિકાની એક પ્રોડક્શન કંપનીમાં હું પાર્ટનર બની. મારી બહેન
લીસા રોબર્ટ્સ અને મારી દોસ્ત મારિસા સાથે મેં રેડ ઓમ ફિલ્મ્સ શરૂ કરી. ઈટ પ્રે લવ (નોવેલ પર
આધારિત), હોમ કમિંગ અને સાથે જ અમેરિકન ગર્લની ટેલિવિઝન સીરિઝનું અમે નિર્માણ કર્યું.
એરિન બ્રોકોવિચ પછી મારે કશું હળવું ફૂલ કામ કરવું હતું. ગેંગસ્ટર કોમેડી ‘ધ મેક્સિકન’ની સ્ક્રીપ્ટ મેં
સ્વીકારી. મારો અંગત દોસ્ત બ્રેક પીટ એ ફિલ્મમાં મારી સાથે કામ કરતો હતો. એ પણ ગંભીર અને
યુધ્ધની ફિલ્મો કરીને થાક્યો હતો, એટલે અમે બંને જણાંએ એ ફિલ્મ કરવાનું નક્કી કર્યું. એ જ વખતે
અમને એક બીજી રોમેન્ટિક કોમેડી ‘અમેરિકાઝ સ્વીટ હાર્ટ’ની ઓફર મળી. આમ જોવા જઈએ તો
મારા પોતાના જ જીવન પર આધારિત હોય એવો આ વિષય હતો. અમેરિકાના બે સફળ સ્ટાર્સ
એકબીજા સાથે કઈ રીતે જોડાય છે અને છૂટા પડે છે એની આ કથા હતી. બંને ફિલ્મો મને બહુ ગમી
અને મજાની વાત એ હતી કે, એ બંને ફિલ્મોએ દુનિયાભરમાં વ્યવસાયિક સફળતાના રેકોર્ડ તોડી
નાખ્યા.

એ ગાળામાં હું ડેનિયલ રિચાર્ડ મોડરને મળી. અમેરિકન સિનેમેટોગ્રાફર અને પ્રાઈમ ટાઈમ
એમી એવોર્ડમાં નોમિનેટેડ થઈ ચૂકેલો ડેનિયલ એક સહજ અને નોર્મલ માણસ હતો. વેરા સ્ટેઈમબર્ગ
સાથે એણે લગ્ન કર્યાં હતા, પરંતુ એ લગ્ન ટક્યા નહીં. 2000ની સાલમાં ‘ધ મેક્સિકન’ના સેટ ઉપર
અમે મળ્યાં. હું જિંદગીના અનેક અનુભવોથી ડરેલી હતી. મારા જીવનમાં સૌથી વધુ નુકસાન કર્યું હોય
તો એ મીડિયાની ચર્ચાએ કર્યું છે. આ વખતે મેં નક્કી કર્યું હતું કે, મારા સંબંધમાં હું મીડિયાને વચ્ચે
નહીં આવવા દઉ. ડેનિયલ પણ અત્યંત સહજ અને સામાન્ય જીવન જીવવા માગતો એક સમજદાર
માણસ લાગ્યો મને. એક્ચ્યુઅલી જ્યારે હું ડેનિયલને મળી ત્યારે બ્રેટ સાથેના મારા સંબંધો હજી પૂરા
નહોતા થયા, પરંતુ અંતે અમે બંને જણાંએ એકબીજા સાથે જીવવાનું નક્કી કર્યું. 4 જુલાઈ, 2002ના
દિવસે તાઓસ-મેક્સિકોમાં ડેનિયલ મોડરના ખેતરમાં અમે લગ્ન કર્યાં.

અત્યાર સુધી લગ્નની અસુરક્ષા અને સંબંધોમાં વિશ્વાસ ન હોવાને કારણે મેં સંતાનોને જન્મ
નહોતો આપ્યો, પરંતુ મોડર સાથેના લગ્ન પછી 2004માં એક ટ્વિન્સને મેં જન્મ આપ્યો. એક
દીકરી અને એક દીકરો. એમના નામ મેં ભારતીય (હિન્દુ ઈશ્વર)ના નામ પરથી પાડ્યા છે. દીકરીનું
નામ હેઝલ હતું, પરંતુ બદલીને લક્ષ્મી કર્યું. ફિન્નાએયસ, દીકરાનું નામ હતું, પરંતુ એમાંથી બદલીને
ગણેશ કર્યું અને એ પછી જન્મેલા દીકરાનું નામ હેન્રીમાંથી કૃષ્ણ બલરામ પાડ્યું છે.

આજે પણ, હિન્દુ ધર્મમાં મારી અથાગ આસ્થા છે. ફિલ્મોમાં કામ કરવાનું મેં ઘટાડી નાખ્યું
છે, પરંતુ એન્ડોર્સમેન્ટ અને એટલા પૈસા આપે છે કે, જેનાથી હું શાંતિથી જીવી શકું છું. 2009માં
લેનકોમ અને 2010માં 50 મિલિયનનો કોન્ટ્રાક્ટ કરીને હું ઘડિયાળ, પરફ્યુમ અને સૌંદર્ય
પ્રસાધનોના એન્ડોર્સમેન્ટનું કામ કરું છું.

2023માં મારી ફિલ્મ ‘Leave the World Behind’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ…
પ્રવાસ હજુ અટક્યો નથી.

(સમાપ્ત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *