ભાગઃ 4 | ઔર ભી ગમ હૈ જમાને મેં મોહબ્બત કે સિવા…ભાગઃ 4 |

નામઃ અલ્લાહ રખ્ખી-અલ્લાહ વસાઈ (નૂરજહાં)
સ્થળઃ કરાંચી, પાકિસ્તાન
સમયઃ 21 ડિસેમ્બર, 2000
ઉંમરઃ 74 વર્ષ

હું બાળપણથી જ સ્વતંત્ર મિજાજ ધરાવું છું. મને જે ગમે એ જ કરું અને ન ગમે તે
ન જ સ્વીકારું. મારા માતા-પિતાની બિલકુલ સંમતિ નહોતી તેમ છતાં મેં શૌકત સાથે 13 વર્ષની
ઉંમરે લગ્ન કરી લીધા હતા. એ પછી ફરીથી પણ શૌકત સાથે લગ્ન કર્યાં ત્યારે મારા માતા-પિતા અને
ભાઈ-બહેનની મરજીની મેં ચિંતા નથી કરી… ભારત છોડીને પાકિસ્તાન આવતી વખતે પણ મને જે
યોગ્ય લાગ્યું તે જ કર્યું. પાકિસ્તાનમાં જ્યારે સ્ત્રીઓ બુરખા કરતી ત્યારે પણ હું પૂરેપૂરા મેક-અપ સાથે
બુરખા વગર જ સમારંભોમાં જતી અને આવતી. પાકિસ્તાનના રાજપુરુષો સાથે મારે મિત્રતા હતી.
ફિલ્મના અભિનેતાઓ સાથે હું આરામથી વાતો કરતી. જે જમાનામાં સ્ત્રીઓ ઘરની બહાર નીકળતા
પહેલાં શૌહરની પરવાનગી માગતી એ જમાનામાં પણ હું મારી મરજી અને મિજાજ મુજબ જીવી છું.

મારા શૌહર, શૌકત હુસૈનની ફિલ્મો પાકિસ્તાનમાં આવીને નિષ્ફળ થવા લાગી. અમારી પાસે
ચાર વર્ષ સુધી કામ નહોતું. એ પછી મને કામ મળવા લાગ્યું, પરંતુ શૌકતની ફિલ્મો નિષ્ફળ ગઈ.
પાકિસ્તાન સરકારે અમને આપેલો દલસુખ પંચોલીનો સ્ટુડિયો પણ અમારે વેચી દેવો પડ્યો. એ
પછીની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી, પરંતુ શૌકત હુસૈન અને મારું લગ્નજીવન લગભગ ભંગાણના
આરે હતું. અમારા બંને બાળકો માટે અમે સાથે રહેતા તો હતા, પરંતુ જે ઈશ્કના જૂનૂનમાં અમે લગ્ન
કર્યાં હતા એ ઈશ્ક હવે ક્યાંય રફાદફા થઈ ગયું હતું. શૌકતને મદદ કરવા માટે મેં શાહનુર સ્ટુડિયોની
સ્થાપના કરાવી. એક છોકરી નિગહત સુલ્તાના હિરોઈન બનવા આવી હતી. શૌકત રિઝવી અને
નિગહતને મેં રંગે હાથ પકડ્યા. નિગહતને ચોટલેથી પકડીને ફટકારી. જો એ વખતે સ્ટુડિયોના લોકો
વચ્ચે ન પડ્યા હોત તો મેં નિગહતને મારી નાખી હોત. નિગહત સુલ્તાનાએ મારી સામે કેસ કર્યો
જેમાં શૌકતે મારી વિરુધ્ધ જુબાની આપી. મારી ધીરજ અને સહનશક્તિનો અહીં અંત આવી ગયો.

એ સમય હિન્દુસ્તાન-પાકિસ્તાનના ક્રિકેટનો ઉત્તમ સમય હતો. ભારત-પાકિસ્તાનના
ક્રિકેટર્સમાં એક નઝર મોહંમદ સાથે મારે મિત્રતા થઈ. (આજના ક્રિકેટર મુદ્દસર નઝરના પિતા) છ ફૂટ
ઊંચા અને ચોગ્ગા અને છગ્ગાના બાદશાહ માનવામાં આવતા. નઝર મોહંમદને પણ મારામાં રસ
પડવા લાગ્યો. મારી ઉંમર કંઈ બહુ નહોતી, બે બાળકોની મા હોવા છતાં હું સુંદર હતી. નઝર મારા
અવાજનો દિવાનો હતો. એણે એકવાર ફૂલો સાથે પત્ર મોકલ્યો અને એકવાર એકલા મળવાની વિનંતી
કરી. હું એને મળવા ગઈ… એ દિવસથી અમે એકમેકના પ્રેમમાં પડ્યા. અમે છુપાઈને મળવા લાગ્યા.

એ જ સમયમાં મારી દીકરી જન્મી. જિલ્લેહુમા. પહેલાં બે દીકરા અકબર અને અસગર.
પછી દીકરી જન્મી ત્યારે શૌકતની નિષ્ફળતા એને ખાઈ ગઈ હતી. મારું કામ વધુ ને વધુ સારું ચાલતું
હતું. પાકિસ્તાનનું રાષ્ટ્રગીત ગાવવા માટે મને બોલાવવામાં આવી ત્યારે એ સન્માન સમારંભમાં શૌકત
હુસૈન હાજર ન રહ્યા. અભિનેત્રી તરીકે ભલે મારી ફિલ્મો ન ચાલી, પરંતુ પ્લેબેક સિંગિંગમાં મારો
સિક્કો પડતો… મારી પાસે ખૂબ કામ હતું અને શૌકત હુસૈન સાવ બેકાર હતા એમ કહીએ તો ચાલે.

નઝર અને મારા સંબંધો વિશે પાકિસ્તાની અખબારોમાં ગોસિપ્સ છપાવવા લાગી હતી.
ક્યારેક કેફેમાં તો ક્યારેક કોઈ જાહેર સમારંભમાં અમે સાથે હોઈએ એની તસવીરો પાકિસ્તાનમાં
ચટપટા સમાચાર બનીને વેચાતી. મને હવે કોઈનો ડર નહોતો, પરંતુ સંતાનોને ખાતર હું શૌકત
હુસૈનને સહન કરતી હતી. એવામાં શૌકત હુસૈનને એક ફિલ્મ મળી. શર્ત હતી કે હું જો અભિનેત્રી
તરીકે કામ કરવાની હા પાડું તો જ શૌકતને એ ફિલ્મમાં દિગ્દર્શન મળે. મારી પાસે બીજો કોઈ રસ્તો
નહોતો એટલે મેં હા પાડી. ફિલ્મ પૂરી થવા આવી હતી. મેં આરામ કરવા માટે કરાંચીમાં રહેવાનું
નક્કી કર્યું અને શૌકત લાહોર જવા નીકળ્યા. મને હતું કે, શૌકત બે દિવસ પહેલાં પાછા નહીં આવે. મેં
નઝરને મારે ઘેર બોલાવ્યો…

શૌકતને કદાચ શંકા પડી ગઈ હતી કે, મારી અને નઝર મોહંમદ વચ્ચે સાચે જ કંઈ ચાલી રહ્યું
છે એટલે એમણે લાહોર જવાનો દેખાવ કરીને અમને રંગે હાથ પકડવાનો પ્લાન બનાવ્યો હોવો
જોઈએ… એ બે કલાકમાં જ પાછા ફર્યા. નઝર મારા ઘરમાં હતો. એણે પહેલે માળેથી કૂદકો માર્યો.
એનો હાથ ફ્રેક્ચર થઈ ગયો અને એ પછી એની ક્રિકેટ કારકિર્દી પૂરી થઈ ગઈ. નઝર અને મારા સંબંધો
તો પૂરા થઈ ગયા, પરંતુ શૌકત હુસૈને પણ એ ઘટના પછી મને તલાક આપી દીધા. જોકે, એ તલાક
મને બહુ મોંઘા પડ્યા. મારી દીકરી મને જોઈતી હતી. રિઝવીએ દીકરીની કસ્ટડી આપવાની ના
પાડી. એમને શંકા હતી કે, એ દીકરી એમની નહોતી! એ જાણતા હતા કે, દીકરી માટે હું કંઈ પણ
કરીશ. અમે છૂટા પડતા હતા ત્યારે રિઝવીએ મને કહ્યું, ‘તને જે અઢી કરોડ રૂપિયાની મિલકત મળે છે
એ મને આપી દે તો તને દીકરીની કસ્ટડી આપી દઉં.’

મેં એક ક્ષણ પણ વિચાર કર્યા વગર એને હા પાડી. મને મારી દીકરીની કસ્ટડી મળી ગઈ. નઝર
મોહંમદ પરણેલો હતો. એણે છૂટાછેડા લેવાની ના પાડી અને હું સાવ એકલી પડી ગઈ. નઝરની ક્રિકેટ
કારકિર્દી પૂરી થઈ ગઈ જેને કારણે એ પણ ડિપ્રેશનમાં ચાલી ગયો. મારી જિંદગીમાં બીજું કશું જ
નહોતું. હું મારા સંતાનોને ઉછેરવા માટે મહેનત કરવા લાગી.

એ પછી મારો સંબંધ પાકિસ્તાનના એક જાણીતા અભિનેતા એજાઝ દુર્રાની સાથે બંધાયો.
અમે લગ્ન કરી લીધા. એજાઝ સાથેના લગ્ન 20 વર્ષ ટક્યા. અમે ત્રણ સંતાનોને જન્મ આપ્યો. હું
મારું કામ કરતી રહી અને એજાઝની સફળતાને કારણે મારા જીવનમાં સ્થિરતા આવી. લોકો કહેતા કે,
મારા ગળામાં નૂર એ ખુદા છે. વાત ખોટી નથી. ગાયકોએ પોતાનું ગળું સંભાળવા માટે કેટલું બધું કરવું
પડે, પરંતુ મેં કોઈ દિવસ મસાલા કે તીખા અથાણાનો ત્યાગ કર્યો નથી. બરફનું ઠંડું પાણી છોડ્યું નથી.
બલ્કે અથાણા ખાઈને બરફનું પાણી પીને હું માઈક્રોફોન સાથે ઊભી રહેતી ત્યારે મારો અવાજ મને
વધુ નશીલો લાગતો.

એજાઝ સાથેના લગ્નથી મને ચાર દીકરીઓ થઈ, પરંતુ લગ્ન નિષ્ફળ થઈ ગયા. ત્યાં સુધીમાં
હું મનથી સ્વતંત્ર થઈ ચૂકી હતી. પાકિસ્તાની જનરલ હ્યાયા ખાન સાથેના મારા સંબંધો ફરી એકવાર
પાકિસ્તાની અખબારોની સુર્ખી બની ગયા હતા. હવે મને પણ જનરલ સાથેના સંબંધોમાંથી મળતા
પાવરની મજા આવવા લાગી હતી. એજાઝ દુર્રાની થોડો વખત એક સફળ એક્ટર રહ્યો પછી એની
ફિલ્મો પણ નિષ્ફળ થવા લાગી. સાત સંતાનો સાથે ઘર ચલાવવું અઘરું હતું. ભારતીય સંગીત ચાહકો
મને ખૂબ પ્રેમ કરતા, પરંતુ એ સમયે ભારત આવીને ગાવવું કે ભારતીય ફિલ્મો માટે ગાવવું શક્ય
નહોતું. 1969માં હ્યાયા ખાને હોદ્દો સંભાળ્યો અને 1971માં ભારત સાથે યુધ્ધ છેડાયું ત્યારે હ્યાયા
ખાને અમારા સંબંધનો ઉપયોગ કરીને ભારત વિરોધી ગીતો મારી પાસે ગવડાવ્યાં. આ એવો સમય
હતો જ્યારે મારા લાખો-કરોડો ભારતીય ચાહકોને લાગ્યું કે હું એમની વિરુધ્ધ ઝેર ઓકી રહી છું.
હ્યાયા ખાન મારા એટલા દિવાના હતા કે, યુધ્ધની વચ્ચે પણ જ્યારે મારા ગીતો રેડિયો પર વાગતાં
હોય ત્યારે એમને ડિસ્ટર્બ નહીં કરવાના એવી એમણે સૂચના આપી હતી!

એક વખત લતાજી જાલંધર આવ્યા હતા. ભારત-પાકિસ્તાન બંને દેશોએ અમને એકબીજાના
દેશમાં જવાની પરવાનગી ન આપી, પરંતુ અમૃતસર પાસેની સરહદ પર અમે બંને જણાં મળ્યા…
અમે ચારેક કલાક સાથે ગાળ્યા એ પછી 1971માં હું શ્રીલંકાની સાંસ્કૃતિક યાત્રાએ ગઈ હતી. ત્યાંથી
પાછા ફરતા મુંબઈ વિમાની મથકે રોકાવાનું થયું. નરગીસ અને લતા બંને મને મળવા દોડી આવ્યા…
1982માં પાકિસ્તાનના જનરલ ઝિયા ઉલ્લ હક્ક પાસે પરવાનગી માગીને નૌશાદ સાહેબે અને
દિલીપકુમારે મને ભારત બોલાવવાનો પ્રયત્ન કર્યો. હું પણ ભારત આવવા માગતી હતી.

11મી ફેબ્રુઆરીએ મુંબઈના વિખ્યાત ષ્ણમુખાનંદ હોલમાં કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ મને
એક જ શર્તે ભારત આવવાની છૂટ મળી હતી, મારે કોઈ જાહેર કાર્યક્રમમાં ગાવું નહીં. ભારત આવવા
માટે મેં હા તો પાડી દીધી, પરંતુ ભારત આવ્યા પછી ન ગાવું મારા માટે શક્ય નહોતું, અંતે
દિલીપકુમાર (યુસુફ ખાને) ઝિયા ઉલ્લ હક્ક સાથે અંગત રીતે વાત કરીને એક કાર્યક્રમમાં ગાવાની
પરવાનગી લીધી. એ રાત્રે મેં અને લતાએ સાથે એક મંચ પરથી ગાયું…

ઈન્ટરવલ પહેલાં લતાજીએ ‘અલ્લાહ તેરો નામ’ અને ‘સાજન કી ગલિયાં છોડ ચલેં…’ બે
ગીતો ગાયાં અને ઈન્ટરવલ પછી મેં ‘આવાઝ દે કહા હૈ દુનિયા મેરી જવાં હૈ’ ગાયું અને પછી
પાકિસ્તાની ફિલ્મ ‘કેદી’નું ગીત ગાયું, ‘મુજ સે પહેલી સી મોહબ્બત મેરે મહેબૂબ ન માંગ…’

એ ફૈઝ સાહેબની કવિતા છે. કોઈકે એકવાર મુશાયરામાં ફૈઝ અહેમદ ફૈઝને કહેલું એ નઝ્મ
રજૂ કરવાનું કહ્યું ત્યારે એમણે કહેલું, ‘વો નઝ્મ તો નૂરજહાં કી હો ચૂકી.’

આજે જ્યારે દુનિયામાંથી વિદાય લેવાનો સમય થયો છે ત્યારે પાછી ફરીને જોઉં છું તો મને
સમજાય છે કે, હું પૂરેપૂરું જીવી, ભરપૂર અને નશામાં ચૂર. 11 વર્ષની બેબી નૂરજહાં જેનો કલકત્તામાં
40 વર્ષના ફિલ્મી માફિયા કરનાનીના હરમમાં દુરુપયોગ કરવામાં આવ્યો હતો ત્યાંથી શરૂ કરીને
પાકિસ્તાનના પ્રેસિડેન્ટની પથારી સુધી મેં માત્ર એક જ ચીજ શોધી, પ્રેમ! મને એટલું ચોક્કસ
સમજાય છે કે, મારો પ્રવાસ ખૂબ લાંબો રહ્યો.

મને ખબર છે, હું મૃત્યુ પામીશ એ પછી પાકિસ્તાન અને ભારત બંને દેશોમાં કરોડો
લોકો મને શ્રધ્ધાંજલિ આપશે. ટેલિવિઝન અને રેડિયો આખો દિવસ મારા ગીતો વગાડશે અને મારી
જીવનકથા વિશે અનેક સાચી-ખોટી વાતો વહેતી થશે. દરેક સફળ અભિનેત્રીનાં મૃત્યુ પછી કેટલાક
લોકો એવા હોય છે જે એની સાથેના પોતાના સંબંધને છુપાવવા પ્રયત્ન કરે છે તો કેટલાક લોકો એવા
હોય છે જે આવી ખૂબસૂરત, સફળ અભિનેત્રી સાથે એનો સંબંધ ન હોય તો પણ ખોટી વાતો વહેતી
કરીને પોતાનું મહત્વ વધારે છે! એકવાર વ્યક્તિ ગુજરી જાય પછી એના વિશેની દંતકથાઓને રદિયો
આપનાર કે સમર્થન આપનાર કોઈ હોતું નથી ને…

(સમાપ્ત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *