ભાગઃ 4 | શોભના સાથેનાં લગ્ન મારામાં રહેલી પત્ની અને રાજરાણી બંને માટે અપમાન હતુંભાગઃ 4 |

નામઃ રાજબા રોહાવાળા (રમા)
સ્થળઃ લાઠી, અમરેલી
સમયઃ 1910
ઉંમરઃ 44 વર્ષ

જે દીકરી જેવી હતી, જેને હું લાડ કરતી, વહાલ કરતી એ મોંઘી મારે માટે ઝેર જેવી થઈ
ગઈ. સુરસિંહજીએ એને ભણાવી-ગણાવી, અંગ્રેજી બોલતી કરી દીધી. ધીરે ધીરે એવી પરિસ્થિતિ
આવી કે એ વગર રોકટોકે દરબારગઢમાં અવરજવર કરતી થઈ ગઈ. ઠાકોર સાહેબ એને પોતાની
કવિતા વાંચવા માટે મિત્રોની હાજરીમાં બોલાવવા લાગ્યા. માન, મર્યાદા, રાજવટ અને પ્રતિષ્ઠા કોરે
મૂકીને એમણે મોંઘી તરફનું આકર્ષણ છડેચોક સ્વીકારી લીધું.

મારે માટે આ વાત મારા પ્રેમ અને લગ્ન માટે તો પીડાદાયક હતી જ, પરંતુ એક દાસી આટલી
છૂટ લે, એ વાત મારા રાજવંશી લોહીને પણ અનુકૂળ નહોતી. હું કોઈક રીતે મોંઘીને દૂર કરવાનો
રસ્તો શોધી રહી હતી. એ જમાનામાં આવી દાસી ખવાસણોને ખતમ કરી નાખવી એ કોઈ નવી વાત
નહોતી. ગઈકાલ સુધી મહેલમાં હતી, ને આજે ‘નથી’, તો કોઈને નવાઈ ન લાગતી, પરંતુ મોંઘી મારે
માટે દીકરી જેવી હતી. એને મારી નાખવી મારે માટે સહેલું નહોતું.

એ સમયમાં સુરસિંહજીએ મહાબળેશ્વર જવાનો કાર્યક્રમ બનાવ્યો. મેં રાતોરાત એક એવો
માણસ ગોતી કાઢ્યો જે મોંઘી સાથે લગ્ન કરવા તૈયાર હતો. સુરસિંહજી મહાબળેશ્વર હતા ત્યારે જ
મેં મોંઘીના લગ્ન ગાંભા દુજા સાથે કરાવી દીધા. રડતી-કકળતી મોંઘીનું કોઈએ કંઈ સાંભળ્યું નહીં.
એનો બાપ નવી બાયડી લાવ્યો હતો, એટલે એને પણ મોંઘી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી.
એણે પણ મારો સાથ આપ્યો એટલે મોંઘી માટે ફરિયાદ કરવા જેવું કંઈ રહ્યું જ નહીં. 1895નો સમય
હશે. શોભનાનાં લગ્ન થઈ ગયા એ સમાચાર જ્યારે ઠાકોર સાહેબને મળ્યા ત્યારે એમનું દિલ તૂટી
ગયું. એમણે ‘ક્રૂર માશૂક’ નામની ગઝલ લખી. હું જાણતી હતી કે, એ બહુ નીતિમય અને સાચા હતા.
શોભનાનાં લગ્ન થઈ જતાં હવે એ ‘પરસ્ત્રી’ છે, માટે ઠાકોર સાહેબ એનાથી દૂર રહેશે એ વિચારે હું
નિરાંત અનુભવવા લાગી, પણ એ નિરાંત લાંબી ટકી નહીં… મોંઘી એના સાસરે હતી, ને મેં
રાજકુંવરને જન્મ આપ્યો. રાજમાતા બની. એ મારા તરફ વળ્યા, પરંતુ હવે અન્ય સ્ત્રી પરત્વેના
એમના અનુરાગને કારણે મારા મનમાં એમના વિશે એક વિચિત્ર પ્રકારનો અણગમો પેદા થયો હતો.
શોભના સાથે લગ્ન નહીં થઈ શકવાની લાચારીએ એમના દિલનું દર્દ વધતું ગયું અને ધીરે ધીરે એમના
મનમાં મારી છબિ એક સ્વાર્થી, સંકુચિત, સત્તા, સંપત્તિની લોભી સ્ત્રી તરીકે ઊભી થઈ.

અન્ય પુરુષને પરણ્યા પછી શોભના એમને નહીં ચાહતી હોય તો શું, એ વિચાર એમને
પજવવા લાગ્યો… એમણે શોભનાને એક-બે પત્રો લખ્યા, છુપી રીતે પહોંચાડ્યા, જેના શોભનાએ
જવાબ આપ્યા અને શોભના પોતાને ચાહે છે એવી ખાતરી થયા પછી એ વધુ વિચલિત થઈ ગયા.
એમને માટે હવે શોભના સિવાય જીવવું અશક્ય હતું. એમણે પોતાના મિત્ર વાજસુરવાળાને એક પત્ર
લખ્યો જે મારા હાથમાં આવ્યો.

‘વ્હાલા!
આ સાથે કાગળની એક પટ્ટી છે. ખાનાની લંબાઈ પહોળાઈથી બમણી અને તે ઉપર બે ઈંચ
જેટલું શોભનાનું ચિત્ર બનાવી આપવા વિનંતી કરું છું. એ ચિત્ર મારી જિંદગીભર શુદ્ધ જ રહે એવી
મારી ઈચ્છા છે. આમ છે તેથી માત્ર ચહેરો જ નહિ, પરંતુ એ બધાં અંગોની અપેક્ષા છે. ચિત્રમાં
વસ્ત્રમાં એવું ઝીણું મુકાય જેથી અંગોની ઝાંય કંઈ આછી દેખાય અને વસ્ત્ર એક જ પહેરાવવું એટલે
ચોળી નહિ, જો એ ફેરફાર કરતાં ચિતારો ગૂંચવાય નહિ તો. ચિત્ર ઉત્તમ બનાવવાની કાળજી રાખશો
જ.’ એ પત્ર મારા હાથમાં આવ્યો. વાજસુરવાળાએ નાનાલાલ જાની પાસે તૈયાર કરીને મોકલાવેલું
ચિત્ર પણ મેં જોયું. એ ચિત્ર મેં એક દિવસ એમના ઓરડામાંથી ઉપડાવી લીધું. એ કશું બોલ્યા નહીં,
પરંતુ એ રાત્રે એમના રૂદનથી હું વલોવાઈ ગઈ. મને સમજાઈ ગયું કે હવે તે શોભના વિના રહી નહીં
શકે. એમની હાલત દિવસે દિવસે બગડતી જતી હતી.

શોભનાનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં એટલે સુરસિંહને દુઃખ એ વાતનું હતું કે, એના છૂટાછેડા
કેવી રીતે કરાવવા! એના સંબંધીઓ એમ સહેલાઈથી એને છૂટી પડવા દે નહીં. શોભનાનો બાપ
વ્યભિચારી અને દારૂડિયો હતો. એનો પતિ પણ મારકૂટ કરતો. તે સમયમાં શોભનાએ એમને એક પત્ર
લખ્યો.
ખુદાવીંદ અનદાતા ઠાકોરસાહેબ,

આપની પાસે મેં મારા બાપના તથા ધણીના ઝુલમની ફરીઆદ ઘણીવાર કરી છે. હવે મારે
સંસારમાં કોઈ રહ્યું નથી. ઊંચે આભ અને નીચે ધરતી છે. આપ ઉંચ્ચા કુળના રજપુત છો અને રાંક
માણસનું રક્ષણ કરવાનો આપનો ધર્મ છે. આ ગરીબ દાસી પર દયા કરી તેને દુઃખના દરીયામાં નઈ
નાખો તો કસાઈવાડેથી ગાય છોડાવવાનો આપને ધરમ થાશે. આપને ગમે તો આપને હાથે મને મારી
નાંખો પણ હું તો આપનો આસરો છોડીને જવાની નથી. મને ઉગારવી કે મારવી એ આપના હાથમાં
છે, પછી તો જેવી પરમેશ્વરની મરજી.

આ પત્ર આવ્યા પછી એમને માટે શોભના વગર જીવવું અસંભવ હતું. બીજી તરફ મેં જાહેરાત
કરી હતી કે, હું અને મારાં છોકરાં એમનાથી દૂર થઈ જઈશું. એક તરફ રમા અને એક તરફ શોભનાની
વચ્ચે ઠાકોર સાહેબ ખૂબ હેરાન થતા હતા. અંતે, સુરસિંહે નિર્ધાર કર્યો, ‘હું તો ફકીર થઈ જઈશ. એની
છબિ રમા પાસેથી માગી લઈ ઓમકાર મંત્ર કરતો રહીશ અને તેમાં શોભનાની મનોહર મૂર્તિનું દર્શન
કર્યા કરીશ.’ નીતિ, શુદ્ધ પ્રણય, રાજા, પતિ, પરિવારના વડા, પ્રજા, રમા, શોભના જેવા અનેક
સવાલો એમની સામે હતા. અંતે, એજન્સીમાં ફરિયાદ કરવામાં આવી. ઈ. 1989ના જૂન માસના
અરસામાં ગોહિલવાડના તત્કાલીન પોલિટિકલ એજન્ટ લાઠી સ્ટેશનથી પસાર થવાના હતા.

નિયત દિવસે ને સમયે સ્ટેશન પર મુલાકાત યોજાઈ. એજન્ટે સીધો જ સવાલ કર્યો, ‘Well
Thakore Saheb, what is this affair about a girl in your household which I have
heard reports?’
ઠાકોર સાહેબે જવાબ આપ્યો, ‘Yes, I love her.’
એજન્ટે પૂછ્યું, ‘Well then, why don’t you marry her?’
સુરસિંહઃ ‘I am going to.’
એજન્ટે સૂચના કરીઃ ‘Then do it soon.’

સૌએ સુરસિંહજીને બહુ સમજાવ્યા. વાજસુરવાળા, મણિલાલ નભુભાઈ, રૂપશંકર ઓઝા
અને બાવાભાઈ સાહેબ સાથે મળીને મેં પણ મારો વિરોધ જાહેર કર્યો, પરંતુ સુરસિંહ હવે શોભના
વગર તરફડવા તૈયાર નહોતા. તમામ ચર્ચાને અંતે એમણે જવાબ આપ્યો, ‘રમાની મરજી વિરુધ્ધ મારે આ
પગલું ભરવું નથી. એની સંમતિ મળે અને આપ સૌ મિત્રો મને એ વાત મૂકી દેવાની સલાહ આપશો તો પણ હું એ
સ્વીકારીશ, પણ પછી તમે મને લાઠીમાં નહિ જુઓ.’

એ પછી બધું જ તહસનહસ થઈ ગયું. એ અંતે 11મી જુલાઈએ શોભનાને લેવા ગયા.
ફૂલવાડી બંગલે લઈ આવ્યા અને એ દિવસથી બિમાર શોભનાની સારવારનો બંદોબસ્ત કરવામાં
આવ્યો. શોભનાનો બાપ લાઠીથી ભાગી ગયો, એનો પતિ રાજકોટ અને ત્યાંથી કચ્છ જતો રહ્યો.
બધી જ આવશ્યક ઔપચારિકતા આટોપ્યા પછી સાતમી સપ્ટેમ્બર, 1898ના દિવસે ફૂલવાડી બંગલે
બ્રાહ્મણને બોલાવીને વિધિસર લગ્ન કરવામાં આવ્યા. 1899ના એપ્રિલમાં એ શોભનાને લઈને
માથેરાન ગયા… ત્યાં એમણે લખેલું કાવ્ય મારી છાતીમાં ખંજરની જેમ ખૂંપી ગયું.

હવે તો જાણે એ કુસુમપદને ચુમ્બન કરું,
ભરાઈને પ્યાલે અધર-પરવાળે જઈ ઠરું!
હવે તો એ પાસે મુજ જિગર કૈં તાંડવ રચી,
રહ્યું નાચી રાચી ઉદધિ રસનામાં રહ્યું મચી !

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *