નામઃ ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)
સ્થળઃ પાલી હિલ, બાન્દ્રા-મુંબઈ
સમયઃ બીજી મે, 1981
ઉંમરઃ 51 વર્ષ
સુખ બહુ લાંબુ ટકતું નથી કે પછી દુઃખ અને સુખને એકબીજા સાથે જ રહેવાનું હશે. પ્રિયા
અને નમ્રતાનો જન્મ પછી અમારા ઘરમાં આનંદ અને સુખ જાણે અમારા પરિવારનો સભ્ય હોય એમ
જીવન અત્યંત સુખી થઈ ગયું.
સુનીલજીની સાથેના મારા લગ્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય હતા. હું રાજ કપૂરના પ્રેમ
અને એના ચાર્મમાંથી ક્યારેય નહીં નીકળી શકું એવું માનનારા લોકો મોંમાં આંગળા નાખી ગયા કારણ
કે, એકવાર લગ્ન કર્યા પછી મેં ફિલ્મી દુનિયા તરફ ફરીને જોયું પણ નહીં. સાચું કહું તો મને અભિનેત્રી
બનવાનો શોખ કદી હતો જ નહીં. એટલે મેં ક્યારેય ફિલ્મી દુનિયાને મિસ પણ નથી કરી. પ્રિયા અને
નમ્રતાના જન્મ પછી જ્યારે હું ત્રીજી વખતે મા બનવાની હતી ત્યારે મને ખાતરી હતી કે હવે દીકરો
હશે. સુનીલજી ક્યારેય બોલ્યા નથી. એમ હું માનું છું કે એમને પણ દીકરાની ઝંખના હશે જ. મેં ત્યારે
સંજયનો જન્મ થયો ત્યારે અમારો પરિવાર પૂર્ણ થઈ ગયું એવું મને લાગ્યું. દીકરા અને દીકરીને
ઉછેરવામાં હું એટલી વ્યસ્ત હતી કે મને જિંદગીમાં કોઈપણ બીજી બાબતમાં રસ નહોતો.
મારી દીકરીઓ ક્યારેક મજાક કરતી તો ક્યારેક ફરિયાદ, ‘મોમને સંજય અમારાથી વધારે વહાલો
છે.’ એ આમ જોવા જઈએ તો વાત ખોટી નહોતી. મારા માટે સંજય સર્વસ્વ હતો. હવે હું આ દુનિયામાં
નથી છતાં સંજય મારા માટે સર્વસ્વ છે અને રહેશે. મારો બધો જ સમય સંજય માટે હતો. એકવાર
નેશનલ એવોર્ડની જ્યુરી માટે મને આમંત્રણ આવ્યું. એ નેશનલ એવોર્ડની જ્યુરીને ચેર કરવા માટે
ભલભલા લોકો તરસતા. બહુ મોટું સન્માન હતું એ, પરંતુ જ્યુરીની તારીખો અને એ સંજયના ઘરે
પાછા ફરવાનો સમય રહેતો. એ સનોવરથી વેકેશનમાં જુન-જુલાઈમાં પાછો આવતો. સંજય ઘરે હોય
ત્યારે હું આખો દિવસ ફિલ્મો ન જોઈ શકું, જ્યુરીની મિટિંગ અટેન્ડ ન કરી શકું એટલે મેં વિનંતીપૂર્વક
જ્યુરીનો હિસ્સો બનવાની ના પાડેલી. સંજય 13 વર્ષનો હતો ત્યારે તેમ છતાં મને લાગતું કે એ
જ્યારે દોઢ મહિના માટે ઘરે હોય ત્યારે મારે ક્યાંય ન જવું જોઈએ!
અમે જ્યારે સંજયની સનોવર (હિમાચલ પ્રદેશ)બોર્ડિંગમાં ભણવા મોકલવાનું નક્કી કર્યું ત્યારે
હું માનસિક રીતે તૈયાર નહોતી. સંજયને તો બિલકુલ જ નહોતું જવું. એ દર વખતે વેકેશનમાં ઘરે
આવે ત્યારે પાછા નહીં જવા માટે અનેક બહાના કરતો. બિમારીથી શરૂ કરીને ક્યારેક તો એટલું બધું
રડતો કે મારો જીવ પીગળી જતો, પણ બલરાજજી કડક પિતા હતા. છોકરાઓને પાછા કેટલા વાગ્યે
આવવું, એના મિત્રો કોણ છે, દીકરીઓએ કઈ રીતે વર્તવું એ બધા માટે બલરાજજી (સુનીલજી) પાસે
સ્પષ્ટ નિયમો હતા. હું મારી ખાસ મિત્ર શમ્મીને કહેતી, ‘આ 50 વર્ષ પહેલાંના મુંબઈમાં જીવે છે!’
પરંતુ, સાથે સાથે એ ખૂબ પ્રેમાળ પિતા હતા. ફિલ્મ ‘રેશમા ઔર શેરા’ પછી જે દેવું થયું એ ચૂકવવા
માટે એમણે ખૂબ કામ કરવું પડતું. અજન્ટા આર્ટની ઓફિસમાં ક્યારેક એમને રાતના 10-11 વાગી
જતા, પરંતુ ઘરે આવીને બાળકોને જોયા વગર એ ક્યારેય સૂતા નહીં. વહેલા ઘરે આવે તો એમને
આગ્રહ રહેતો કે છોકરાઓ એમની આસપાસ જ રહે.
સુનીલજી ક્યારેય કોઈની સાથે ઉંચા અવાજે બોલ્યા હોય એવું મને યાદ નથી. તેમ છતાં સૌ
તેમનો આદર કરતા. આદરને કારણે બાળકો એમનાથી ડરતા. એમને કંઈ પણ કહેવાનું હોય તો
છોકરાઓ મને જ કહેતા. એ છોકરાઓની માગણી કે વિચાર પછી પરવાનગી માટેની વાત કોઈ
એમની સામે મૂકું તો એ અકળાઈને મને પૂછતા, ‘એ લોકો મને સીધું કેમ નથી કહેતા?’ પણ ઘણા
વર્ષોથી અમારા ઘરમાં એક સિસ્ટમ થઈ ગઈ હતી કે દરેક લોકો મારી સાથે જ વાત કરે. અમારા ઘરનો
સ્ટાફ પણ ‘સાહેબ’થી ડરતો. એ ઓછું બોલતા. એટલે કદાચ, એમનું વ્યક્તિત્વ ગંભીર અને ઝડપથી
અપ્રોચ ન થઈ શકે એવું લાગતું હશે.
એમની અને સંજય વચ્ચે સંવાદ ન થતા એ વાતનું મને ઘણું દુઃખ થતું. હું એમને કહેતી,
દીકરાને પાસે બેસાડીને એની સાથે થોડી વાત કરો. એ પ્રયત્ન પણ કરતા, પણ એમની વાત કરવાની
સ્ટાઈલ જ એવી હતી કે, સંજય એમનાથી ભાગતો. એ સંજય સુધી પહોંચવાનો બહુ પ્રયાસ કરતા,
પરંતુ ક્યાંક એ બંને વચ્ચે એક એવું અંતર ઊભું થઈ ગયું હતું જે કોઈ રીતે પૂરી શકાય એમ નહોતું.
મારો પણ વાંક હશે જ, કારણ કે મારા વહાલ અને લાડને કારણે સંજય થોડો બગડી ગયો
હતો. હું એ જોઈ શકતી હતી, સમજતી હતી, પણ સ્વીકારી શકતી નહોતી. એ 14-15 વર્ષનો હતો
ત્યારે એક-બેવાર મેં એને સિગરેટ પીતા પકડેલો. એના મિત્રો આવે ત્યારે રૂમ બંધ કરી દેતો. હું ગુસ્સે
થઈને એને પૂછતી, ‘તું એવું શું કરે છે જેને માટે રૂમ બંધ કરવો પડે?’ પરંતુ, સંજયને બરાબર ખબર
હતી કે, હું એને એટલો પ્રેમ કરું છું કે એની બધી વાતોને માની લઈશ. એકવાર સનોવર બોર્ડિંગમાંથી
ફોન આવ્યો. સંજુએ એના ક્લાસના મિત્રોને ભેગા કરીને હિમાચલ પ્રદેશમાં મળતી એક નફાકારક
વનસ્પતિની સિગરેટો બનાવીને હોસ્ટેલના રૂમમાં ફૂંકી હતી. મારે આ વાત બલરાજને કેવી રીતે કહેવી
એ મને સમજાયું નહીં, પરંતુ એમને કહ્યા વગર છૂટકો નહોતો. મેં જ્યારે એમને જણાવ્યું ત્યારે
બલરાજ બહુ જ અપસેટ થઈ ગયા. એ શુટિંગ કરતા હતા. ત્યાંથી નીકળીને સનોવર ગયા. એની
શાળામાં જાણવા મળ્યું કે આ પહેલીવાર નહોતું થયું, પરંતુ જ્યારે પહેલી વાર થયું ત્યારે એ લોકોએ
એમની વિનંતીને માન્ય રાખીને અમને જણાવ્યું નહોતું. બીજી વાર થયું ત્યારે એમને જણાવ્યા વગર
છૂટકો નહોતો. એમણે સંજયને ઘરે લઈ જવાની સલાહ આપી. એમને લાગતું હતું કે, સંજય જુઠ્ઠું
બોલતા અને ખોટું કરતા શીખી ગયો હતો. હવે એને માતા-પિતાની સંભાળની જરૂર હતી. સુનીલજી
એને ઘરે લઈ આવ્યા. એમણે લગભગ અઠવાડિયા સુધી એની સાથે વાત ન કરી. એમને માટે આ બહુ
મોટો આઘાત હતો, પરંતુ મુંબઈમાં તો સંજય વધુ બગડી ગયો. હવે એના આવવા-જવાના સમય પર
કોઈ પાબંદી નહોતી. સુનીલજી ઓફિસમાં વ્યસ્ત રહેતા અને મને તો કારણ સમજાવી શકતો.
એની પાસે હજુ ડ્રાઈવિંગ લાઈસન્સ નહોતું અને જાણતા પણ નહોતા કે એ રોજ રાત્રે ધક્કો
મારીને ગાડી કમ્પાઉન્ડની બહાર કાઢે છે અને રાત્રે બહાર ફરે છે. એક દિવસ જ્યારે એ પાછો ફર્યો
ત્યારે હું અને સુનીલજી પગથિયાં પર બેઠાં હતા. સુનીલજીએ એને ઘરમાં ઘૂસવા દેવાની ના પાડી,
પરંતુ મારી જીદ અને વિનમણીઓને કારણે એમણે સંજયને તો ઘરે આવવા દીધો, પણ પોતે સવારે
ચાર વાગ્યે ગાડી લઈને બહાર નીકળી ગયા. એ એટલા બધા ગુસ્સામાં હતા કે સંજયને કદાચ લાફો
મારી દેશે.
આ બધાની વચ્ચે મને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવી. સૌને આનંદ થયો, પરંતુ
હવે મારી ચિંતા એ હતી કે, હું જો દિલ્હી જાઉ તો અહીં સંજય એકલો રહી શકશે કે નહીં. મારા
કેટલાક મિત્રોએ મને કહ્યું કે, એ ડ્રગ્સના રવાડે ચડી ગયો. હું તો એની મા તરીકે એમની વાત માની શકું
એમ નહોતી, પરંતુ હું દિલ્હી હતી ત્યારે એક દિવસ બાંદ્રા પોલીસ સ્ટેશનમાંથી મારા પર ફોન
આવ્યો. સંજય નરિયાના સાથે ટકરાયો હતો. મેં દિલ્હીથી વિનંતી કરી, મારી ઓળખાણ લગાવીને
એને છોડાવ્યો તો ખરો, પણ એ પછીની એક રાત હું નિરાંતે સૂઈ શકી નહોતી.
હું જોઈ શકતી હતી કે સંજય બરબાદીના રસ્તે હતો અને અફસોસ એ હતો કે હું એને કોઈ
રીતે રોકી શકું એમ નહોતી. બસ, એ ચિંતામાં હું શાંતિથી રહી શકતી નહીં. દિલ્હીમાં પણ મને રાત્રે
ભાગ્યે જ ઉંઘ આવતી. લોકસભાની રજાના દિવસોમાં જ્યારે હું મુંબઈ આવી ત્યારે મારું વજન અડધું
થઈ ગયેલું અને મને સતત ઉબકા આવતા રહેતા. નમ્રતાએ ડોક્ટરને બતાવવાનું કહ્યું પણ મને લાગ્યું કે
મારી ખાવાપીવાની બેદરકારી અને ઉજાગરાને કારણે થાય છે, પરંતુ એ પછી જે વિકનેસ આવી એને
કારણે દત્ત સાહેબે આગ્રહપૂર્વક ડોક્ટરની એપોઈન્ટમેન્ટ લીધી અને પહેલા રિપોર્ટ્સ જોઈને અમે
ચોંકી ગયા. મને કેન્સર છે એ જાણીને દત્ત સાહેબ ભાંગી પડ્યા. એ સમયે કેન્સર માટે દેશમાં હજી
કોઈ સારી તબીબી સારવાર ઉપલબ્ધ નહોતી, એટલે અમે અમેરિકા જવાનું નક્કી કર્યું. શ્લોન કેટેરિંગ
કેન્સર હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવાનું નક્કી કર્યું, પરંતુ અમેરિકા પહોંચતા સુધી હું એટલી બધી વીક
થઈ ગઈ કે મને હોટલથી હોસ્પિટલ એમ્બ્યુલન્સમાં લઈ જવી પડી. નવાઈની વાત એ છે કે, આ બધું
ચાલતું હતું ત્યારે પણ સંજય મારી માંદગીની ગંભીરતા સમજી શક્યો નહોતો. એ તો એવા રસ્તે
નીકળી ગયો હતો જ્યાંથી પાછો વાળવો લગભગ અસંભવ બની ગયું હતું.
(ક્રમશઃ)