ભાગઃ 5 | કલાપીના મૃત્યુનું સત્ય તો મારી સાથે જ ચિતા પર ચડશે

નામઃ રાજબા રોહાવાળા (રમા)
સ્થળઃ લાઠી, અમરેલી
સમયઃ 1910
ઉંમરઃ 44 વર્ષ

શોભના સાથેના લગ્ન પછી ઠાકોર સાહેબને મોટી ચિંતા પૂરી થઈ, પણ નાની નાની ચિંતાઓ
તો ખડી જ હતી. અત્યાર સુધી બે પત્નીઓને સંભાળવાની હતી… હવે ત્રણ થઈ!

ઠાકોર સાહેબે રાત્રિ શોભનાની સાથે અને દિવસ મારી સાથે વિતાવવાનું ગોઠવ્યું. રાતે
જમવાનું શોભના સાથે કરવાનું કહેતાં મેં એ વાત માન્ય રાખી નહીં. ઠાકોર સાહેબ જો શોભનાના
હાથનું પાન પણ ન ખાય તો જ હું ઠાકોર સાહેબનું રસોડું રાખું, એવી શરત મેં મૂકી, પરંતુ ઠાકોર
સાહેબને તે શક્ય ન જણાયું તેથી તેમણે પોતાનું રસોડું જુદું રાખ્યું.

ઠાકોર સાહેબે મારી જીવાઈનો પૂરેપૂરો બંદોબસ્ત કર્યો. શોભના સાથે નવું લગ્ન કર્યા છતાં
ઠાકોર સાહેબના કર્તવ્યભાનમાં કશી કમી આવી ન હતી. તેમણે સપ્તાહના સાત દિવસમાંથી બે મારા,
બે આનંદીના અને ત્રણ શોભનાના એ પ્રમાણે ગોઠવણ કરી.

ઠાકોર સાહેબે ત્રણે રાણીઓ પ્રત્યે સમાન વ્યવહાર રાખવા પ્રયાસ કરતા હતા, છતાં
શોભનાના મનમાં સ્વાભાવિક રીતે જ પોતાના નવા સ્થાનના સંબંધમાં ચિંતા રહ્યા કરતી. તેને ઠાકોર
સાહેબે એક જ વાક્યથી અભયદાન આપી દીધું, ‘તારું દાસત્વ આખી જિંદગીનું સ્વીકાર્યા પછી જ મેં
કાંઈ કર્યું છે તે કર્યું છે એટલે હવે આવી શંકા રાખવી એ તો વ્યર્થ મારા જેવા બહુ દુઃખમાં રહેલાને
દુઃખ આપવા જેવું છે.’

એ કોઈપણ સંજોગોમાં રાત્રે ફૂલવાડી બંગલે પહોંચી જતા. આ મહેલમાં એમના વગર 10
વર્ષ મેં કેવી રીતે કાઢ્યા છે એ મારું મન જાણે છે. એમના ગયા પછી, એમની ગેરહાજરી સહ્ય બની
છે. આમ તો હતા ત્યારેય એમની હાજરી આ મહેલમાં ઓછી જ થઈ ગઈ હતી. મારું મન કે માન
રાખવા ક્યારેક રાત રોકાઈ જતા, પણ પડખાં એવી રીતે બદલતા કે જાણે ક્યારે સવાર પડે ને ક્યારે
અહીંથી ફૂલવાડી બંગલે પહોંચી જાય! છેલ્લા દિવસોમાં ફૂલવાડી બંગલો જ એમનો કાયમી નિવાસ
બની ગયો હતો. મિત્રોને પણ ત્યાં જ બોલાવતા… આ દરબારગઢ, આરામ મહેલ તો જાણે હાજરી
પુરાવવા પૂરતો જ!

બીજું કંઈ હોય કે નહીં, પરંતુ શોભનાનાં સંગાથમાં એમના લેખનનું કામ ખૂબ ખીલ્યું. એમણે
ફૂલવાડી બંગલે અનેક કવિતાઓ લખી. એ સિવાય પ્રવાસના વર્ણનો-કાશ્મીરનો પ્રવાસ, જેસલ-
તોરલ, જાલંધર-ગોપીચંદ, મેનાવતી-ગોપીચંદ, ભર્તૃહરિ-વિક્રમ જેવા સંવાદ, અનુવાદો… અને કંઈ
કેટલાય પત્રો એમણે 26 વર્ષની ઉંમર પહેલાં લખી નાખ્યાં. સાહિત્ય જ કદાચ એમને માટે પ્રાણવાયુ
હતું. વાંચન અને લેખન એ જ એમના જીવનનું ધ્યેય હતું. જાણે ગુજરાતી સાહિત્યમાં પોતાની અમીટ
છાપ મૂકી જવા માટે જ એમણે જન્મ લીધો હતો.

રાજા તરીકે પણ એમણે પોતાની તમામ જવાબદારીઓને પૂરેપૂરી સંવેદનશીલતા અને નિષ્ઠાથી
નિભાવી. કાઠિયાવાડમાં છપ્પનિયાનો ભયાનક દુકાળ પડ્યો હતો એ દરમિયાન એમણે પોતાના અનેક
કલાકો પ્રજાની સેવામાં વિતાવ્યા. એમણે કારભારી સાથે મંગળ, ગુરૂ અને શનિ બપોરે બે વાગ્યે અને
બુધ અને શુક્રવારે ઓફિસનું કામ તપાસવાની ગોઠવણ કરી. એમણે રાજ્યનું પૂરેપૂરું કામ પોતાના
હાથમાં લઈ લીધું, પરંતુ એમના મનમાં હવે વૈરાગ્યવૃત્તિ જોર પકડવા લાગી હતી. આંખો નબળી
થતી જતી હતી. રાજકારભારનું કામ જાતે વાંચતા, પરંતુ સાહિત્ય પોતે જાતે વાંચી શકતા નહીં, એટલે
વાંચવા માટે માણસો રાખેલા.

એ જ ગાળામાં સ્વતંત્રતાનો રંગ પણ એમને લાગેલો. એમણે ખૂબ વિચારીને રાજ્ય છોડવાનો
નિર્ણય કરી લીધો. એમને ‘રાજા’ હોવા માટે અકળામણ થવા લાગી હતી. એમણે લખેલી કવિતા
‘રાજ્યદ્વારોની ખૂની ભપકા’ પરથી સમજી શકાય કે એક તરફ એ લોકકલ્યાણ અને દેશ કલ્યાણ માટે
પોતાનું જીવન અર્પવા ઈચ્છતા હતા અને બીજી તરફ એમને લાગતું હતું કે, પોતે રાજ્ય છોડી દેશે તો
કોઈ સાચવી શકે એમ નથી. ઠાકોર સાહેબે સૌથી પહેલાં તો સાચી રીતે સ્વતંત્ર થવાનો પ્રયાસ કર્યો.
તેમનો સ્વભાવ એવો હતો કે જે માણસ પાસે હોય તેની અસર તેમના પર થયા વિના રહેતી નહીં.
તેથી કોઈ માણસને રાજ્યકારભાર સંબંધમાં પોતાની પાસેના માણસ તરીકે રાખવો નહીં એવું તેઓ
નક્કી કરે છે. પછી રાજ્યને નિયમમાં મૂકવાની પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલાં તેઓ બજેટ હાથમાં લે છે,
કેમ કે એ વખતે લાઠીનું ખર્ચ એટલું બધં વધી ગયું હતું કે તાત્કાલિક કોઈ વ્યવસ્થા કરવામાં ન આવે તો
રાજ્યને મોટું નુકસાન થવાની શક્યતા હતી. લાઠીનાં ઘણાં ગામો ચાલ્યાં ગયાં હતાં એટલે એ પાછાં
પ્રાપ્ત કરવાની મથામણ પણ કરવાની હતી. એ માટે તેમણે એક જવાબદાર વ્યક્તિને કામ સોંપવાનું
નક્કી કર્યું.

સુરસિંહે રાજ્યકારભાર ચલાવવા માંડ્યો અને વહીવટીખાતું તથા ન્યાયખાતામાં આવશ્યક
સુધારા કર્યા. રાજા તરીકે તેમણે પોતાનો કાર્યક્રમ નીચે મુજબ નિર્ધારિત કર્યો હતો. માસમાં બે વખત
મુકરર કરેલા દિવસોએ કામદાર સાથે કારખાનામાં જોવા જવું. માસમાં બે વખત નિશ્ચિત કરેલા
દિવસે ઘોડા ઉપર એકલા ફરવા જવું અને ફરતાં ફરતાં કોઈને પણ તેની સ્થિતિ સંબંધી જુદી જુદી
વાતો પૂછવી. આ વખતે ગામડાંઓમાં પણ ફરી આવવું, ત્યાં થોડી વાર બેસવું, પટેલો સાથે કાંઈ વાતો
કરવી, ડિસ્પેન્સરી, સ્કૂલો, ઓફિસોની ઓચિંતી મુલાકાતો લેવી, વર્ષમાં એક વખત બધાં ગામોમાં
એકલા જઈ લોકોની અરજીઓ લેવી. એવા અનેક કાર્યક્રમો એમણે ગોઠવવા માંડ્યા.

વાસ્તવમાં સુરસિંહ ‘ભવ્ય પણ વ્યર્થ સ્વપ્નના’ માણસ હતા. તેઓ મૂળગામી વિચારો કરતા,
આદર્શ રાજ્યની કલ્પનાઓ અને યોજનાઓ કરતા, પણ તેને ચરિતાર્થ કરવાની ક્ષમતાનો તેમનામાં
અભાવ હતો અને ખાસ તો રાજા માટે જે ખાસ જરૂરી ગણાય તે, તેઓ તરત નિર્ણય કરી શકતા નહીં.

શોભના સાથેનાં લગ્ન પછી થોડા મહિના સુરસિંહ નૂતન લગ્નજીવનની મજા માણે છે. તેઓ
શોભના સાથે માથેરાન પણ જઈ આવ્યા, પરંતુ ત્યાંથી પાછા ફર્યા પછી શોભના પ્રત્યેનો પ્રેમ પણ
ઓસરવા લાગ્યો. તેની સાથે પરણ્યા પહેલાં તેને મળવા માટે જેટલો તરવરાટ, ઉમંગ અને ઉલ્લાસ
હતો તે પરણ્યા પછી રહ્યો નહીં. પરિણામે પ્રભુભક્તિ, લેખન, વાચન, ચિંતન અને મનની પોતાને
પહેલેથી જ પ્રિય પ્રવૃત્તિ તરફ તેમનું મન દ્વિગુણિત વેગથી વહેલા લાગ્યું. તેમના જીવનનો નિત્યક્રમ
તો નક્કી કર્યા મુજબ ચાલતો હતો, પણ આત્માની શોધની દિશા બદલાઈ ગઈ.

હું કંટાળી હતી. મને એક વાત સમજાઈ ગઈ હતી કે, સુરસિંહજી રાજા થવા સર્જાયા નથી.
બીજી તરફ, આનંદીબાનો દીકરો પણ મોટો થઈ રહ્યો હતો. મારે મારા દીકરાને ગાદીએ બેસાડવો એ
જ મારા જીવનનું સ્વપ્ન હતું.

ફૂલવાડી બંગલે જતા પહેલાં એ મારે ત્યાં (મુસાફરી બંગલે) દરબારગઢ આવીને પછી જ જાય
એવો એક શિરસ્તો અમે નક્કી કર્યો હતો. શોભનાનો પણ એવો આગ્રહ રહેતો કે એ પહેલાં મને મળે.
જોકે, એ મળવા આવતા ત્યારે અમારી વચ્ચે ખાસ કંઈ વાત થતી નહીં, એ પણ એટલું જ સત્ય છે.
ધીરે ધીરે એ આખી એક ફોર્માલિટી-ઔપચારિકતા બની ગઈ હતી. મારે માટે હવે નિર્ણય કરવો જરૂરી
હતો.

એ 26 વર્ષના હતા ત્યારે એક દિવસ ગોઝારો ઊગ્યો. એ દિવસોમાં લાઠીમાં કોલેરા ચાલતો
હતો. 9.6.1900ના દિવસે ફૂલવાડી બંગલે જતા પહેલાં મારા પિયરથી આવેલો પેંડો મેં એમને
ખવડાવ્યો. એમને કોલેરા થઈ ગયો. મેં સવારે તાત્યા સાહેબ (ગિરધરદાસ દેસાઈ)ને બોલાવ્યા.
જાજરુમાં એ બેહોશ થઈ ગયા ત્યારે રાત્રે એમને ઊંચકી લાવીને પલંગ પર સૂવાડ્યા. એમને કદાચ
સમજાઈ ગયું હતું કે, એ નહીં બચે ત્યારે એમણે વજુભા, રાજમાન રાજેશ્રી જટિલ અને દુર્લભજી
ભગવાનજી ડૉક્ટરને બોલાવીને પોતાનું વીલ કર્યું. શોભનાને ફૂલવાડી બંગલેથી તેડાવી. અમને સૌને
બહાર કાઢ્યા અને શોભના સાથે સાત-આઠ મિનિટ એકલા એ ઓરડામાં રહ્યા. એ પછી તાત્યા
સાહેબ એટલે કે ગિરધરદાસ મંગળદાસ દેસાઈની હાજરીમાં એમણે ફૂલવાડી બંગલો શોભના જીવે
ત્યાં સુધી એમના નામે કર્યો. જીવનભર એને રાજખર્ચમાંથી જીવાઈ મળતી રહે એવી વ્યવસ્થા પણ
એમણે કરી. ઠેઠ સુધી વાતચીત કરતા રહ્યા. બેહોશ થયા નહીં…

તાત્યા સાહેબે પોતાના એક પત્રમાં લખ્યું છે, ‘હજુરશ્રી સાથે દગો થયો કે ખરેખર કોલેરા
થયો, એનું સત્ય તો પ્રભુ જ જાણે! 27 વર્ષે હજુરશ્રીનું મરણ એક કોયડો જ છે…’

આજે પણ કેટલાય લોકો મને ઠાકોર સાહેબના મૃત્યુ માટે જવાબદાર માને છે. મારે કંઈ કહેવું
નથી, કહેવાનું કઈ રહ્યું નથી… કલાપીની ૧૮૯૨ થી ૧૯૦૦ સુધીની અઢીસો જેટલી રચનાઓને
સમાવતો સર્વસંગ્રહ છે. કલાપીના અવસાન પછી, ૧૯૦૩માં કાન્તે હાથે એનું સૌપ્રથમ સંપાદન-
પ્રકાશન થયું, ‘કલાપીનો કેકારવ’. એ પૂર્વે ૧૮૯૬માં કલાપીએ પોતે ‘મધુકરનો ગુંજારવ’ નામે, ત્યાં
સુધીનાં સર્વકાવ્યો ‘મિત્રમંડળ કાજે તથા પ્રસંગનિમિત્તે ભેટસોગાદ તરીકે આપવા’ માટે પ્રકાશિત
કરવાની યોજના કરેલી પણ એ કામ અવસાનપર્યત પૂરું પાડી ન શકાયેલું. ૧૯૩૧માં કલાપીના બીજા
મિત્ર જગન્નાથ ત્રિપાઠી (‘સાગર’) એ કાન્ત-આવૃત્તિમાં ન છપાયેલાં ૩૪ કાવ્યોને સમાવીને ૨૪૯
કાવ્યોની સંવર્ધિત અને સટિપ્પણ આવૃત્તિ પ્રસિદ્ધ કરી. સ્વતંત્ર મુદ્રિત ‘હમીરજી ગોહેલ’ પણ એમાં
સમાવી લેવાયું. આ બૃહત્ સંગ્રહની એ પછી પણ ઘણી આવૃત્તિઓ થતી રહી છે ને એમાંથી પસંદ
કરેલાં કાવ્યોના કેટલાક લઘુસંચયો પણ તૈયાર થયા છે એ કલાપીની વ્યાપક લોકચાહના સૂચવે છે.

હું આજે અહીં બેઠી છું, એકલી અને મનથી અપરાધભાવ અનુભવતી એક અધૂરી પત્ની,
પરંતુ રાજરાણી તરીકે મને સંતોષ છે કે મેં મારા દીકરાને લાઠીની ગાદીએ બેસાડ્યો.

(સમાપ્ત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *