ભાગઃ 6 | પરવીન, રજની અને જસરાજઃ અનેક ખૂણાવાળો આ વિચિત્ર સંબંધ

નામઃ પ્રોતિમા બેદી
સ્થળઃ માલ્પા (કૈલાસ માનસરોવર)
સમયઃ 17 ઓગસ્ટ, 1998
ઉંમરઃ 49 વર્ષ

જે સમયે કબીરે ઘર છોડ્યું તે જ સમયે નૃત્યે મારા જીવનમાં પ્રવેશ કર્યો. વિધિની આ
દરમિયાનગીરી માટે હું અતિશય કૃતજ્ઞ છું. મારા જીવનને નવી દિશા મળી, નવી કામના. ઓડીસીને મેં
સંપૂર્ણ સમર્પણ કર્યું, તેથી હું સ્થિર-સ્વસ્થ રહી શકી, સુખી થઈ. મારે જીવવા માટે સુખની ખૂબ જરૂર
છે. હું એ રીતે સુખને શ્વાસમાં લઉં છું, જે રીતે પ્રાણવાયુ શ્વાસમાં લઉં છું.

ભૂતકાળ તરફ અત્યારે નજર કરું છું ત્યારે મને એ વાત ધ્યાનમાં આવે છે કે મેં કબીર સાથે
કેટલી સારપ રાખી. મેં બાળકોની સંપૂર્ણ જવાબદારી લઈ લીધી. મેં તેમને માનસિક રીતે, શારીરિક
રીતે અને ભાવનાગત રીતે ટેકો આપ્યો, અને તેમના ખર્ચનો અડધાથી વધારે ભાગ હું આપતી હતી.
મારા નામનું કોઈ ઘર પણ નહોતું. પૂજા પુખ્ત થાય ત્યારે બીચહાઉસ એનું થઈ જવાનું હતું. એ ઈચ્છે
તો હું ત્યાં રહી શકું. સાચું પૂછો તો એ ખૂબ કઠોર વ્યવસ્થા હતી. મારે કોઈ વકીલની સલાહ લેવી
જોઈતી હતી અને બધી કાનૂની વિગતો સમજી લેવી જોઈતી હતી. કબીરે ‘સાંદોકાન’માં ખૂબ જ પૈસા
બનાવ્યા હતા પણ એમાંથી એણે અમારી સાથે કંઈ જ શેર કર્યું નહોતું. ઉલટાનું એણે સોનેરી મર્સિડીઝ
ખરીદી અને બેવર્લી હિલ્સમાં ઘર ખરીદ્યું. એ પોતાનું ઘર, કુટુંબ અને કેરિયર જે રીતે વિકસાવવું હોય
તે રીતે વિકસાવવા મુક્ત હતો. બીજી બાજુ મારે હજી મારી કેરિયર માટે સંઘર્ષ કરવાનો હતો.

હું બાળકો તરફ ‘ધ્યાન નથી આપતી’ તેવા અપરાધભાવમાં જીવવું પડતું અને મારે બાળકોના
એ અણગમાને પણ સહન કરવાનો હતો જ્યારે તેમને કોઈ ગમતી વાત કે જોઈતી વસ્તુ નાપસંદ પડે.
આમાં સૌથી અઘરી વાત હતી બાળકોને માતા અને પિતા બંનેનો પ્યાર મારે આપવાનો હતો.

નૃત્યકાર તરીકે મેં જે સિધ્ધ કર્યું છે તેનું મને ખરેખર અભિમાન છે. થોડા સમય પછી ખુદ
આલોચકોએ પણ મને ઓળખવી પડી હતી. મેં 26મા વર્ષે ઓડીસી શીખવાનું શરૂ કર્યું અને ત્રણ
વર્ષમાં તો મારું નામ યામિની કૃષ્ણમૂર્તિ, સંયુક્તા પાણિગ્રહી અને સોનલ સાથે લેવાવા માંડ્યું. હું
આખા ભારતમાં કાર્યક્રમો આપવા લાગી અને લોકોનાં ટોળેટોળાં મારા નૃત્યને જોવા આવવાં લાગ્યાં.
પંડિતો પણ ખંડમાં બેસવા લાગ્યા અને તેમણે પણ મારી નોંધ લીધી કારણ કે, આજ સુધી, આટલા
ટૂંકા સમયમાં, કોઈ પણ વ્યક્તિ આટલી લોકપ્રિય અને આટલું સરસ નૃત્ય કરનાર બની શકી જ
નહોતી.

કબીરથી છૂટા પડ્યા પછી હું મારી લાગણી પોષવા એક ભાવનાત્મક આધાર શોધતી હતી.
મારા નૃત્ય મારફત એ મને મળ્યો. હું એક અદ્ભુત સંગીતકાર અને સાધુ પુરુષ સાથે લપેટાઈ. પંડિત
જસરાજ અને તેમનાં પત્ની ૧૨મી શતાબ્દીની શૃંગાર કવિતા ‘ગીત ગોવિંદ’ જયદેવરચિત – ને બેલે –
નૃત્ય રૂપે પ્રસ્તુત કરી રહ્યા હતા. એ માટે મુખ્ય ભૂમિકા મને સોંપવામાં આવી. હું રોમાંચિત થઈ ઊઠી.
જોકે ઘણા લોકોએ તેથી કડવાશ અનુભવી, ઘણાને ઈર્ષ્યા પણ આવી. રિહર્સલ અને પૂર્વતૈયારી
દરમિયાન મેં જસરાજનો અવાજ સાંભળ્યો જેની મારા પર જબરજસ્ત અસર થઈ. એના સંગીતથી
હું જેટલી હચમચી ગઈ તેટલી બીજા કશાથી ક્યારેય નહોતી થઈ. એના અવાજમાં જે આધ્યાત્મિકતા
અને ગંભીરતા (સીરીનીટી) મેં અનુભવ્યા મને એ પ્રાપ્ત કરવાની તલપ થઈ. અમે એક જ ગ્રૂપનાં
હતાં, અને ‘ગીત ગોવિંદ’ સાથે કરતાં હતાં તેથી એકબીજાની નજીક ઘણું રહેવાનું થતું, અને હું અમેના
પ્રેમમાં પડી ગઈ.

એ ખૂબ નિકટતા અને તીવ્રતાના સંબંધની શરૂઆત હતી. અમે બંનેએ સાથે ખૂબ પ્રવાસ કર્યો
અને કાર્યક્રમો આપ્યા. દરેક પત્રમાં અમે એકબીજા સમક્ષ પ્રેમનો એકરાર કરતાં. એક વાર-બે વાર નહીં,
ફરી ફરી, ફરી ફરી. અને જુદાં હોઈએ તો ભેગાં થવા માટે બેકરાર થઈ જતાં. એક વાર યાદ આવે છે કે
મને એમના વગર ગમતું નહોતું તેથી એમને જોવા હું એટલી અધીરી થઈ ગઈ હતી કે માત્ર એમની
એક ઝલક મેળવવા હું છેક દુર્ગાપુરથી કોલકાતા ગઈ હતી અને એમને સરપ્રાઇઝ આપવા માગતી
હતી. મારા મુંબઈ બહારના કાર્યક્રમોમાં જસરાજ પણ મારી સાથે ઘણી વાર આવતા. એ કહેતા કે હું
ઇચ્છું ત્યાં એમને લઈ જઈ શકું કેમ કે એ મારી -જીક જ રહેવા માગતા હતા. એટલા માટે પણ એ
મારી સાથે રહેવા માગતા હતા એ ભયંકર માલિકીભાવ-પઝેસિવવાળા હતા. હું વધારે વખત
એમનાથી દૂર રહું તો એ ચીડિયા થઈ જતા, ગુસ્સો કરતા અને વિવેકચ્યુત થઈ જેમ-તેમ બોલતા, પણ
પછી ક્ષમાયાચનાનો પત્ર લખતા અને કહેતા એ મને કેટલું બધું ચાહે છે. મારી ગેરહાજરીથી એ ખૂબ
ક્ષુબ્ધ થઈ જતા કારણ કે, ત્યારે તે જાતજાતની કલ્પનાઓ કરતા-ખરાબમાં ખરાબ તર્કવિતર્ક કરતા કે હું
કદાચ બીજા કોઈ પુરુષ સાથે હોઈશ અને પછી એ ગુસ્સાના ખૂબ ઊભરા ઠાલવતા. ક્યારેક મને
આશ્ચર્ય થતું કે અમારો એવો તે કેવો પ્રકારનો સંબંધ હતો! ઘણી બધી બાબતોમાં અમે બંને તદ્દન જુદાં
હતાં.

જસરાજે મને કલાત્મક અભિવ્યક્તિની ઝીણી ઝીણી બારીકીઓ શીખવાડી. એની પાસેથી હું
સૌંદર્યશાસ્ત્ર શીખી, સંગીત સાંભળવાની કલા શીખી અને એ કેમ માણવું તેય શીખી. ભજવણીની
કલાઓમાં પરફોર્મિંગ આર્ટ્સ પ્રત્યેક ઈન્દ્રિયને પરિસ્કૃત કરવાની કળા પણ એણે જ મને શીખવાડી.
મારું નૃત્ય પણ જે હતું તેવું થયું તેનો તથા કલાજગતમાં મારે સંબંધો-મૈત્રીઓ થઈ તેનો ઘણો ખરો
યશ જસરાજને જાય છે.

હું મારી જિંદગીમાં કાલી સાથેનું મારું જોડાણ ક્યારે ક્યારે થયું તે વિચારવા માંડી. હું બાળક
હતી ત્યારે લોકો મને કાળી કહેતા. કોલેજમાં પણ બધાં વર્ષ છોકરીઓ અને છોકરાઓ મને કાલી
કહેતાં. કેટલાક કહેતા હું ખરી કાલી જેવી લાગું છું કારણ કે, મારી આંખો મોટી છે અને મારા વાળ
ઘેરા કાળા છે.

હું જ્યારે સ્ટેજ પર ડાન્સ કરતી હતી ત્યારે હું ફૂલોની અંજલિ કે ભજવણી પહેલાં અપાતી
હોય છે તે ભગવાન જગન્નાથને ન આપતી પણ, એ માતા કે જે હંમેશાં મારા હૈયે વસતાં તેમને જ
આપતી. દેવ-દેવીઓ સાથે, પણ એ તું છેતરપિંડી કરે છે એવું હું પોતાને કહેતી, પરંતુ બીજાઓની
બાબતમાં એ બરાબર જ છે, હું એવો તર્ક લડાવતી અને જસરાજની પ્રિય પંક્તિ વાપરતીઃ ‘આ બધું
માને કારણે છે. એની જ આ ઈચ્છા છે.’

ધીમે ધીમે પંડિતજી સાથેનો મારો સંબંધ બગડવા માંડ્યો. પછી મેં મારા નાના મંદિરમાં
એકસાથે પૂજાપાઠ બંધ કર્યાં. જ્યારે એમની સાથેનો સંબંધ સંપૂર્ણપણે તૂટી ગયો પછી મેં મંદિર તોડી
નાખ્યું અને એનો ભંગાર સ્ટોરરૂમમાં ફેંકી દીધો. મને સહેજ પણ દોષભાવ ન થયો. મંદિર મારે ત્યાં
બનાવેલું એ મુખ્યત્વે તો એમને માટે જ હતું. મારું મંદિર મારા હૃદયમાં હતું.

ચાર વર્ષ જસરાજ મારી એકદમ નજીક હતા, સૌથી વધુ નજીક, જેમને મેં ભરપૂર કામનાથી
ચાહેલા. મારી પોતાની રીતે હું એમને વફાદાર પણ હતી, પરંતુ એવી તો કેટલીયે વસ્તુઓ હતી જે હું
તેમની સાથે શેર કરી શકતી નહીં અને આ સંબંધ ખૂબ ડિમાન્ડીંગ હતો અને લાગણીની દ્રષ્ટિએ
ભારરૂપ પણ… હકીકત એ હતી કે હું ‘અધર વુમન’ હતી. મને સવાલ થતો હું ક્યાં સુધી આમ ને આમ
ખેંચી શકું. જસરાજ મને પરણી શકે તેમ નહોતા, એ કદી પણ પૂરેપૂરા મારા થઈ શકવાના નહોતા,
પરંતુ તેઓ માલિકીભાવવાળા અને ઈર્ષ્યાળુ-પઝેસિવ હતા. એમને મારો બધેબધો સમય જોઈતો
હતો.

મારી એમને માટેની લાગણીઓ ઉપર-તળે થતી રહેતી. એ પછી હું જ્યારે રજની પટેલ સાથે
સંડોવાઈ ત્યારે જસરાજ ખૂબ જ ચીડાયા. એમને જ્યારે હાર્ટએટેક આવ્યો અને તેઓ હોસ્પિટલમાં
હતા ત્યારે હું કાલીના મંદિરે ગઈ ને હું ખૂબ કડવાશ સાથે ત્યાં રડી. મેં એને પૂછ્યું, ‘તારે મારી પાસેથી
શું જોઈએ છે? તું શા માટે મને આ બધા દુઃખમાં ધકેલે છે? મને માત્ર એક કામના દે, શુધ્ધ કામના,
કશાક માટે કામના, કોઈ વ્યક્તિ માટે કામના અને હું એને વફાદાર રહું તેવું કર.’ અમે બંનેએ
એકબીજાને હેરાનપરેશાન કર્યાં હતાં, પરંતુ દોષનો બધો ભાર તો મારે માથે જ પડ્યો.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *