ભાગઃ 6 | ધ ક્વિન ઓફ હિન્દી પૉપઃ મારી આત્મકથા

નામઃ ઉષા ઉત્થુપ
સ્થળઃ સ્ટુડિયો વાઈબ્રેશન, રાધાનાથ ચૌધરી રોડ, કોલકાત્તા
સમયઃ 2023
ઉંમરઃ 75 વર્ષ

તમને થતું હશે નહીં? કે ફિલ્મ ‘ખલનાયક’નું ગીત ચોલી કે પીછે ક્યા હૈ રિલિઝ થયું
ત્યારે ઈલા અરૂણ અને અલકા યાજ્ઞિકનો અવાજ હતો, હું ક્યાં હતી? વાત સાચી છે. એ ગીત મારી
સાથે રેકોર્ડ કરવામાં આવ્યું, પણ મારા અવાજમાં પડદા પર ગયું નહીં! કારણ જે પણ હોય, મને એક
વાત સમજાઈ છે, જેટલું આપણા હાથમાં હોય એટલું જ આપણું! બાકી કશાંયની ખેવના કે ઝંખના
કરવી નકામી છે. 1969માં મારા ડાબા પગમાં હળવો પેરાલિસિસનો એટેક આવ્યો. કોઈ નથી
જાણતું… પરંતુ, એ સમયે હું સહેજ લંગડાઈને ચાલતી. જાનીની હિંમત ન હોત તો કદાચ હું ઊભી જ
ન થઈ શકી હોત, પરંતુ એ વખતે મારું જે.જે. સ્કૂલ ઓફ આર્ટનું ભણતર મને કામ આવ્યું. મેં
ડિઝાઈનર સ્નિકર્સ, સ્પોર્ટ્સમાં કે ચાલવામાં પહેરીએ એવા શૂઝ સાડી નીચે પહેરવાના શરૂ કર્યા.
જેની માટે અમે કેટલાય લોકોનો સંપર્ક કર્યો, પરંતુ અમને કોઈ એવું ન મળ્યું જે મને આવા
ડિઝાઈનર શૂઝ બનાવી આપે. મારી કલ્પના હતી કે, મારી કાંજીવરમ સાડી સાથે મેચ કરે એવા,
ભારતીય હાથવણાટના કાપડમાંથી મને કોઈ સ્નિકર્સ બનાવી આપે તો હું સ્ટેજ ઉપર પહેરી શકું.
થોડો વખત અનેક મોચીઓ સાથે માથાકુટ કર્યા પછી, છેલ્લે મને મિશ્રી અને સુશીલ નામના બે
ભાઈઓ મળ્યા. જેમણે મને શૂઝ બનાવી આપ્યા… આજે હું સાડી નીચે શૂઝ, માથામાં ગજરો અને
મોટી બિંદી ઉપર માં અને તામિલમાં ‘મ્યુઝિક’ (ઈસાઈ) લખું છું જે પોતે જ એક ઓળખ બની ગઈ
છે.

‘ખલનાયક’ ફિલ્મમાં જે થયું એ પછી મારું મન તૂટી ગયું. હિન્દી ફિલ્મોમાં આજે
પણ સંગીતની દુનિયામાં જે પોલિટિક્સ ચાલે છે એનાથી કોણ અજાણ છે? ઘણું વિચાર્યા પછી મેં
એવો નિર્ણય લીધો કે મારે હિન્દી ફિલ્મોમાં ગાવા માટે કોઈ પ્રકારની સ્ટ્રગલ કરવી નથી. મારી પાસે
પોતાનો શ્રોતાવર્ગ છે, હું એને જ સાચવી શકું અને મનોરંજન આપી શકું તો ઘણું છે. મેં ઘણા બધા
મલયાલમ, તામિલ, તેલુગુ, આસામી અને બીજી ઘણી ભાષામાં ગીતો ગાયાં. બંગાળી ફિલ્મોમાં
મન્ના ડેના કાકા કેસી ડેએ મારી પાસે ખૂબ ગીતો ગવડાવ્યાં.

એ દિવસોમાં મારી જિંદગી ખૂબ અદભૂત રીતે ચાલતી હતી, પરંતુ 1983માં બંગાળી
ફિલ્મ એક્ટ્રેસ ગીતા ડે એની થોડી મિત્રો સાથે મારી પાસે આવી. એ લોકો ઠાકુરપુર કેન્સર રિસર્ચ
ઈન્સ્ટિટ્યૂટ માટે ચેરિટી ઈવેન્ટ કરવા માગતા હતા. મેં કહ્યું હું ચોક્કસ આવીશ. ગીતા ડે ખૂબ ખુશ
થઈ… બે દિવસ પછી એણે મને જણાવ્યું કે, કલકત્તાના એક મિનિસ્ટર જતિન ચક્રવર્તીએ એમને
સ્ટેડિયમ વાપરવાની રજા આપતા નહોતા. એમનું કહેવું એવું હતું કે, ઉષા ઉત્થુપ બંગાળી કલ્ચરને
બદલે પૉપ કલ્ચરને પ્રમોટ કરે છે એથી કાર્યક્રમમાં જો એ હોય તો સરકાર કોઈ મદદ નહીં કરે. મને
દુઃખ થયું, પણ હું કંઈ બોલી નહીં… એણે મને એક અખબાર બતાવ્યું જેમાં સમાચાર છપાઈ ચૂક્યા
હતા, ‘જતિન ચક્રવર્તી ઉષા ઉત્થુપના કલ્ચરને બેન કરે છે.’

હું સીધી જતિન ચક્રવર્તીના ચેમ્બરમાં પહોંચી ગઈ. એમણે મારી સાથે સારી રીતે
વાત ના કરી. મેં નક્કી કર્યું કે, આ વાતનો જવાબ આપવો પડે. મેં કલકત્તાના સૌથી જાણીતા લોયર
સુબ્રતોરોય ચૌધરીને બધું જણાવ્યું. જાની સુબ્રતોના દીકરાનો દોસ્ત હતો. અમે કેસ કર્યો અને
સુબ્રતોરોય ચૌધરીએ આર્યોના આગમનથી શરૂ કરીને ભારતીય ઈતિહાસની મોટી મોટી દલીલો રજૂ
કરી. હું કોર્ટમાં હાજર હતી. અખબારોએ કેસને બહુ ચગાવ્યો. એ વખતે જ્યોતિ બસુ વેસ્ટ
બેન્ગાલના ચીફ મિનિસ્ટર હતા. એમણે જાહેર સ્ટેટમેન્ટ કર્યું કે, ‘ઉષા ઉત્થુપ એક સન્માનનીય અને
સારી ગાયિકા છે.’ મેં એમને રેડ ક્રોસ સોસાયટી અને બીજા કાર્યક્રમોમાં મદદ કરેલી. એ મને જાણતા
હતા, એમના સ્ટેટમેન્ટ પછી કલકત્તા હાઈકોર્ટે આપેલું જજમેન્ટ ઐતિહાસિક અને ભારતીય
સંગીતની દુનિયામાં ખળભળાટ મચાવનારું પૂરવાર થયું. રોય ચૌધરીએ દલીલ કરી કે, “ઉષા
ઉત્થુપના કાર્યક્રમમાં વેસ્ટ બેન્ગાલના ગવર્નર, ચીફ મિનિસ્ટર, મધર ટેરેસા અને પ્રાઈમ મિનિસ્ટર
જેવા લોકો હાજર રહ્યા હોય તો એ કાર્યક્રમ અશિષ્ટ કે અસંસ્કારી કેવી રીતે હોઈ શકે?”

સ્વાભાવિક રીતે જ અમે જીત્યા અને કાર્યક્રમ થયો.

ત્યાં સુધીમાં મારો દીકરો સન્ની મોટો થઈ ગયો હતો. મજાની વાત એ છે કે, 1984માં
મેં રવીન્દ્ર સંગીતની પરીક્ષા પાસ કરી અને મારું આલ્બમ જતિન ચક્રવર્તી પાસે રિલિઝ કરાવ્યું! સ્ટેજ
ઉપર મેં મારા દીકરાને એમને નમન કરવાનું કહ્યું… ઘેર આવીને મારા દીકરા સન્નીએ ગુસ્સો કર્યો,
“તારે મારી પાસે નમન કરાવવાની શું જરૂર હતી?”

મેં એને સમજાવ્યો, “જિંદગીમાં કોઈ દિવસ વેર નહીં રાખવાનું. છેલ્લે કોણ જીત્યું…
બસ એટલું યાદ રાખવાનું. એણે જે કર્યું એ એનો પ્રોબ્લેમ છે, આપણે તો સારું જ વર્ત્યા ને!” હું માનું
છું સન્ની માટે આ બહુ મહત્વનો લેસન હતો… આજે સન્ની જે કંઈ છે એમાં મારા અને જાનીના
આવી નાની નાની શીખામણો એ બહુ મોટો ભાગ ભજવ્યો છે.

મેં લગભગ બધા જ સંગીત દિગ્દર્શકો સાથે કામ કર્યું છે, પરંતુ પંચમદા સાથેના મારા
અનુભવો સાવ જુદા અને ઈમોશનલ રહ્યા છે. લગભગ બધા એવું માને છે કે, ‘1942: લવ સ્ટોરી’
એમનું છેલ્લું કામ હતું. જે એમના મૃત્યુના ત્રણ મહિના પછી રિલિઝ થઈ, ખરેખર એમનું છેલ્લું કામ
મારું બંગાળી ગીતોનું આલ્બમ ‘બાતી નેઈ’ હતું. સાચું કહું તો એમના ગયા પછી આશા ભોસલે એ
જે રીતે એમનો બંગલો લઈ લીધો અને એમના 92 વર્ષમાં મીરાંદેવીને વૃધ્ધાશ્રમમાં મૂકી દીધા એ વાત
હું હજી સુધી ભૂલી શકતી નથી. 2007માં મીરાંદેવી ગુજરી ગયા. 1995-96થી 2007 સુધી
એમની પાસે બંગલો હોવા છતાં એ વૃધ્ધાશ્રમમાં રહ્યા! હું જેમ જેમ દુનિયાને નજીકથી જોતી ગઈ
તેમ તેમ મને સમજાતું ગયું કે, દુનિયા આપણે માનીએ છીએ એટલી સારી કે સરળ નથી…

જોકે, નવી પેઢીના છોકરાઓ સાથે કામ કરવાની મને બહુ મજા આવી છે. ફિલ્મ ‘ડોન
2′ માટે જ્યારે ફરહાન અખ્તર અને શંકર-એહસાન લોય મારી પાસે આવ્યા ત્યારે એમણે જે રીતે
ગીત રેકોર્ડ કરાવ્યું અને જે રીતે અમે મજા કરી એ પછી મને લાગ્યું કે, ફિલ્મી દુનિયા હવે પહેલાં જેવી
નથી રહી. મેં ફરી હિન્દી ગીતો ગાવાના શરૂ કર્યા. ફરહાન અખ્તરે ટ્વિટ કરેલું, “ઉષા ઉત્થુપ સાથે
‘ડોન 2’ માટે ગીત રેકોર્ડ કર્યું. શું અવાજ, શું ઊર્જા અને શું એમનો અંદાજ છે! એ કાંજીવરમ પહેરેલી
રોકસ્ટાર છે.”

એ પછી તો ઈલ્યારાજા, બપ્પી લહેરી, એ.આર. રહેમાન, રામગોપાલ વર્મા જેવા
અનેક લોકો સાથે કામ કર્યું. ખૂબ મજા પણ આવી…

હું ક્યારેય નહોતી કલ્પી શકતી કે, મારી જિંદગીનો એક આખો અધ્યાય હજી બાકી છે.
મેં ‘બોમ્બે ટોકી’ માટે એક ગીત ગાયેલું, જેમાં હું જાતે સ્ક્રીન પર હતી, પરંતુ મેં ક્યારેય નહોતું વિચાર્યું
કે, મને કોઈ અભિનેત્રી તરીકે કામ કરવા માટે આમંત્રણ આપશે. 2006માં પહેલીવાર મને એક
મલયાલમ ફિલ્મ ‘પોથાન વાવા’માં અભિનય કરવા માટે આમંત્રણ મળ્યું. એ પછી 2007માં મહેમુદ
સાહેબની ફિલ્મ ‘બોમ્બે ટુ ગોઆ’માં, અને પછી તામિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં મેં અભિનય
કર્યો. વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘7 ખૂન માફ’માં પણ અભિનય કર્યો. ત્યાં સુધી મને કોઈ દિવસ
મ્યુઝિક વીડિયોનો વિચાર નહોતો આવ્યો, પરંતુ એ પછી અમે સ્ટુડિયો વાઈબ્રેશનમાંથી સુંદર મ્યુઝિક
વીડિયો બનાવ્યા. મારા માટે ગૌરવની વાત એ છે કે, હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની કવિતા ઉપર
ઋષિકેશ મુખર્જીની ફિલ્મમાં મેં ગાયું છે, અથવા તો બોબ ડિલન સાથે મ્યુઝિક વીડિયોમાં ગાવાનો મને
મોકો મળ્યો છે…

આજે હું 75 વર્ષની ઉંમરે પણ પૂરા દિલથી ગાઉં છું, બે-અઢી કલાક સુધી શ્રોતાઓને
મારા સંગીતના તાલે ઝૂમતા કરી શકું છું, એ માટે સંતુષ્ટ છું. દીકરી અંજલિ અને દીકરો સન્ની
પોતપોતાની રીતે સરસ જીવન જીવી રહ્યા છે. જાની માત્ર પતિ જ નહીં, મિત્ર, કમ્પેનિયન ને ક્યારેક
મારા મેનેજરની જવાબદારી પણ ઉઠાવે છે…

ઉષા ઉત્થુપ એક ઈતિહાસ, એક ફિન્નોમિનન… એક એવું નામ બની ગઈ છે જે
‘હિન્દી પૉપ ક્વિન’ તરીકે આવનારા વર્ષોમાં અમર થઈ જશે.
(સમાપ્ત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *