નામઃ પ્રોતિમા બેદી
સ્થળઃ માલ્પા (કૈલાસ માનસરોવર)
સમયઃ 17 ઓગસ્ટ, 1998
ઉંમરઃ 49 વર્ષ
ગુલી બોલી, ‘કબીર પહેલી ફેબ્રુઆરીએ પરણી રહ્યો છે.’
‘ના! ખરેખર? હોય નહીં, મારા માન્યામાં જ નથી આવતું. કોની સાથે?’ મેં એકદમ સ્વસ્થ
રહીને પૂછ્યું.
‘એક અમેરિકન છોકરી સાથે…’ અને ગુલીએ આખી વાત કરી.
બીજે દિવસે વહેલી સવારે કબીરનો ફોન આવ્યો. મેં એની સાથે ખુલ્લા મને વાત કરી, ખૂબ
પ્રેમ અને ઉષ્મા સાથે. ‘અલબત્ત, હું તારી સાથે ઊભી રહીશ.’
સુઝન હમ્ફ્રીઝ. એનો વિચાર કરતી અને મને ઊંચી પાતળી, ટટ્ટાર, જીવંતતાના
અભાવવાળી, લગભગ સામાન્ય દેખાવની એક યુવતી નજર સામે ઊભી થઈ જતી. પોતાના પુરુષને
વફાદાર રહેનારી સ્ત્રી, સો ટકા પોતાને સંભાવનાર અને ઘણી જ ઉષ્માવાળી. વાત એકદમ સરળ અને
સમજાય એવી હતી. હોલિવૂડના તમામ આડંબર અને તંગદિલીઓ વચ્ચે ત્યાંનો ઝળહળાટ કબીરને
કોઈક પ્રામાણિક, વ્યવહારુ અને સાદી સ્ત્રીની જરૂર મહેસૂસ કરાવે જ. જે વ્યક્તિનું કામ
તંગદિલીવાળા ફિલ્મના વાતાવરણમાં હોય તેને માટે ઘરની શાંતિ ખૂબ જ જરૂરી હોય છે. કબીર
સુઝનને પરણ્યો તેની પાછળ માત્ર પ્રેમ જ નહોતો. એ જ એક કારણ નહોતું, બીજાં ઘણાં પરિબળો
હતાં. એનું અમેરિકાનું ગ્રીનકાર્ડ, ઘર સાચવનાર, સરસ ભોજન અને આવાં બીજાં આરામદાયી તેમજ
સગવડરૂપ કારણો અને શા માટે નહીં? એની જગ્યાએ હું હોત તો હું ય એ જ ન કરત?
પછીને મહિને કબીર અને સુઝન આવ્યાં. કબીરે મને ફોન કરીને કહ્યું કે એ બાળકોને લેવા અને
મને મળવા પણ આવી રહ્યો છે. મને પ્રશ્ન થયો કે મારે સુઝનને મળવા હોલી ડે ઈન જવું કે નહીં?
એણે મને મળવા આવવું જોઈએ તેવું મને લાગ્યું અને મેં એ કબીરને સૂચવ્યું પણ ખરું. તેઓ રાત્રે
સાડા આઠ વાગ્યે આવ્યાં. સુઝન એક સરસ, આકર્ષક યુવતી લાગી, જેને કોઈ પૂર્વ ગ્રંથિ કે ગાંઠ
નહોતી. એને મેળવવા બદલ કબીર ભાગ્યશાળી કહેવાય.
મારા માટે નૃત્ય મારા જીવનની એકમાત્ર સૌથી વધુ મહત્વની ચીજ બની ગયું હતું. મારું
પોતાનું નૃત્ય, ઓડીસી ડાન્સ સેન્ટરના મારા વિદ્યાર્થીઓ અને ગુરુજીની જીવનકથા આ બધાંને લીધે
હું ગળા સુધી કામમાં રત રહેતી હતી. હું મારા નૃત્યને આટલી બધી સમર્પિત હોઈશ તેની મને કલ્પના
નહીં, મને આ વાતનું આશ્ચર્ય થતું હતું. મારા પગમાં મજ્જાતંતુનો દુઃખાવો થતો અને મારા પગના
તળિયા ભયંકર દુઃખતા હતા, પરંતુ મા પાસે મારા માટેની યોજના તૈયાર જ હતી અને તે બદલ હું
તેના તરફ કૃતજ્ઞતા અનુભવતી હતી. હું મારો બધો સમય એની યોજના પ્રમાણે જ વાપરવા માગતી
હતી અને મારી તમામ શક્તિઓ એની સેવામાં ઉપયોગમાં લેવા માગતી હતી. મેં બાળકોને બોર્ડિંગ
સ્કૂલમાં મૂકવાનું નક્કી કર્યું.
પૂજા અને સિધ્ધાર્થને જ્યારે પણ લાંબી રજાઓ પડતી ત્યારે તેઓ કબીર પાસે કેલિફોર્નિયા
જતાં. કબીરે એકથી વધુ પ્રસંગે મને પણ ત્યાં આમંત્રી હતી, પરંતુ ત્યાં જઈને એના ઘરમાં રહેવાની
મારી હિંમત જ ન થઈ. મેં એને જે વિશ્વાસ અને સમજદારી બતાવ્યાં તેના બદલામાં એણે મને શું
આપ્યું?
થોડાક મહિના પછી કબીર ત્રણ અઠવાડિયા માટે આવ્યો, આ વખતે સુઝન વગર આવ્યો
હતો. એ મારી સાથે અને બાળકો સાથે સમય ગાળવા માગતો હતો. અમે મારા રૂમમાં સૂતાં. અમારા
વચ્ચે કશું જ ન થયું. પછી એક રાત્રે એણે મને એની પીઠ દબાવી આપવા કહ્યું. મેં એની પીઠ દબાવી
આપી. હું બોલી, ‘તને ભલે ગેરમસજ થાય પણ મારે તારી બાજુમાં આડા પડવું છે.’ પછી અમે ભેગાં
થયાં. આવા વિરાટ શરીરથી ઢંકાઈ જવું એ કોઈ અદભૂત લાગણી હતી. જ્યાં સુધી એ રક્ષક હતો, હૂંફ
આપતો હતો ત્યાં સુધી બધું બરાબર હતું, પણ પછી કામનાની જીત થઈ. એના હોઠ મારા હોઠ પર ને
મને ખૂબ વિચિત્ર લાગણી થઈ. એ હવે મારા માટે પૂરેપૂરો અજાણ્યો પુરુષ હતો. અમે બધું કર્યું પણ હું
જે થતું હતું તેનાથી પર, ક્યાંય ઉપર હતી અને માત્ર શારીરિક લાગણીનું મારા પર જોર નહોતું.
હું જેમ જેમ વધુ સફળ અને ધનિક થતી ગઈ પુરુષો મારામાં રોમેન્ટિકલી ઓછો રસ લેતા
થયા. તેમને સમજાતું નહીં કે મારા સુધી પહોંચવું કઈ રીતે અને કઈ પંક્તિથી વાતની શરૂઆત કરવી. હું
ધારું તે લઈ-ખરીદી શકું તેમ હતી અને ખર્ચાળ ડીનર કે ગિફ્ટ મને પ્રભાવિત કરી શકે તેમ નહોતું.
પુરુષો જાણતા હતા કે તેમને મને વન-ટુ-વનના સ્તરે મળવું પડે તેમ હતું, પણ તેઓનો એ ખૂબ અડવું
લાગતું. પુરુષો તેમના સુંદર દેખાવ, તેમની ધનસંપત્તિ અને સત્તા પર મદાર બાંધતા હોય છે, પણ સ્ત્રી
પાસે આ બધું જ હોય અને સાથે સાથે એક પુરુષ હિસ્સેદાર પણ હોય જેની પાસે ય આ બધું હોય
ત્યારે પુરુષોને ગ્રંથિકુંઠા થઈ આવે છે કે હું એક ધનિક, પ્રખ્યાત, વગદાર અને લોકપ્રિય સ્ત્રી હતી અને
મારે જોઈએ તે બધી સ્વતંત્રતા મારી પાસે હતી. તેઓ મને શું વધુ આપી શકે તેમ હતા?
એક દિવસ હું રજની પટેલની ઓફિસમાં હતી અને મને ભયંકર બાથરૂમ જવું પડે તેમ હતું,
પરંતુ બંને બાથરૂમોમાં કોઈ હતું ત્યારે બપોરના સાડા ત્રણ વાગ્યા હતા. રજની પટેલનો એ સૂવાનો
સમય હતો, પરંતુ મને એમના રૂમમાંથી અવાજ આવતો સંભળાયો. બારણું ખોલી હું અંદર પ્રવેશી.
મેં એમને પથારીમાં ઓશિકામાં માથું સંતાડી રોતા જોયા. મહાન રજની પટેલ-ધ ગ્રેટ રજની પટેલ
રડતા હતા! એમણે મને કહ્યું કે એમનો મેડિકલ રિપોર્ટ આવ્યો છે અને એમને કેન્સર છે. એમણે કહ્યું,
એમને ડર લાગતો હતો અને અમે ખૂબ લાંબા સમય સુધી ભેટેલાં રહ્યાં. એમાં સેક્સની કોઈ જ ઇચ્છા
કે લાગણી નહોતી. બસ, એક જ જરૂરિયાત-બીજા માણસને દુઃખમાં સાથ આપવો. એ પછી હું
એમની ખૂબ નજીક હોઉં તેવું મને લાગવા માંડ્યું. હું જસરાજને હજુ ય ચાહતી હતી પણ મને મૃત્યુ
તરફ જઈ રહેલા માણસ માટે પણ એક પ્રતિબધ્ધતા અનુભવાતી હતી.
મેં ને મારા દા (રજની) એ સર્વોત્કૃષ્ટ સમય સાથે ગાળ્યો. તે કફ કેસલમાં ગાળેલા બે દિવસ.
એ બે દિવસ અમે લગભગ પતિ-પત્નીની જેમ જ રહ્યાં. સવારે સાથે ઊઠવું, છાપાં વાંચવા, ડાઈનિંગ
ટેબલ પર સાથે બેસવું. જાનુ, અમારા હેલ્પર અમને ખાવાનું પીરસતા, એની પથારીમાં સાથે આડા
પડી રહેવું, એ પથારી જે વર્ષોથી એના એકલાની હતી ને હવે હું શેર કરતી હતી. આ બે દિવસ
માન્યામાં ન આવે એટલા સરસ ગયા હતા. મારા માટે તો જાણે સપનું સાકાર થયું કેમ કે, જે નાની
નજીવી વાતો અમારા વચ્ચે બની તે વાતો જ મકાનને ઘર બનાવતી હોય છે.
એમની તબિયત વધુ કથળી ત્યારે રજનીએ શસ્ત્રક્રિયા માટે હવાઈ જવું પડ્યું. એમણે મારી
પાસેથી વચન લીધું કે હું રોજ એમની ઓફિસમાંથી એમને ફોન કરીશ જ. મેં વચન આપ્યું. જે દિવસે
એમનું ઓપરેશન હતું તે દિવસે મેં ફોન કર્યો તો એમનાં પત્નીએ તે લીધો. રજની મુંબઈ પાછા આવી
ગયા પછી પણ તેમના પરિવારે તેમને મારાથી ખૂબ દૂર રાખવા બંદોબસ્ત કર્યો હતો. તેમના બંને
સચિવોને કહેવામાં આવ્યું હતું કે મને કોઈ જ માહિતી આપવાની નહોતી, મારો કોઈ જ ફોન લેવાનો
નહોતો, મારા સંદેશા આપવા-લેવાના નહોતા, કશું જ નહીં. હું એમનાથી સંપૂર્ણપણે કપાઈ ગઈ
હતી. અમારા એક સામાન્ય મિત્ર મારા કાગળો લઈ જતા અને એમના કાગળો મને પહોંચાડતા.
એ લખતા, ‘આઈ લવ યુ. હું મૃત્યુ તરફ જઈ રહ્યો છું. હું જલદી મરી જવા માગું છું, કારણ કે, હું તને
મળું નહીં એવું જીવન જીવવા માગતો નથી.’
રજનીનાં મૃત્યુ પછીના દિવસના સવારે પાંચ વાગ્યે શરદ પવાર મને જસલોક હોસ્પિટલ લઈ
ગયા, જેથી હું મારા પ્રેમી સાથે એના કુટુંબીજનો આવે તે પહેલાં થોડીક ક્ષણો વિતાવી શકું. આ માટે
હું હંમેશાં શરદની ઋણી રહીશ. જસલોકના મૃત્યુખંડમાં રજનીના શરીરની આજુબાજુ બરફ મુકાયો
હતો. મેં એના કપાળ પર હાથ મૂક્યો. એ એકદમ ઠંડું હતું-બરફ જેવું ઠંડું. એના સ્પર્શ જેવું બિલકુલ
જ નહીં. મેં ધીમેકથી એના માથાને થપથપાવ્યું અને બધાં જ જૂનાં સંભારણાં તાજાં થઈ ગયાં,
ધસમસતાં મારી પાસે આવી ગયાં. મેં એના આખા શરીર પર બધે જ મોગરા મૂક્યા. મોગરો એનું
સૌથી વધુ પ્રિય ફૂલ હતું.
(ક્રમશઃ)