ગુજરાતમાં ખાસ કરીને, બિઝનેસ ફેમિલીઝમાં સંતાનોને શિક્ષણનું મહત્વ સમજાવતા માતા-પિતા
ઘણા ઓછા છે. મોટાભાગના માતા-પિતા એવું માની લે છે કે, એમના દીકરાએ ભણી-ગણીને ‘ધંધા’ પર જ
બેસવાનું છે, અને દીકરીએ ભણી-ગણીને ‘લગ્ન’ કરીને ઘર સંભાળવાનું છે જોકે, છેલ્લા વખતથી માનસિકતા
થોડી બદલાઈ છે. દીકરીઓ ભણી-ગણીને વ્યવસાય કરશે, પિતાનો વ્યવસાય પણ સંભાળે એવા દાખલાઓ
આપણા સમાજમાં જોવા મળે છે.
શિક્ષણને જીવનનો હિસ્સો, જ્ઞાનનો ભાગ કે આપણા વ્યક્તિત્વના વિકાસનો હિસ્સો બનાવવાની
માનસિકતા હજી ગુજરાતી સમાજમાં જોવા મળતી નથી. આપણે જોયું છે કે, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ
જેવા રાજ્યોમાંથી કે દક્ષિણ ભારતમાંથી જેટલા ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઓફિસર્સ આવે છે એટલા ગુજરાતી
પરિવારોમાં જોવા મળતા નથી. આપણે સ્વભાવે જ વ્યાપારી પ્રજા છીએ, કદાચ આર્થિક સધ્ધરતા એ જ
આપણા જીવનની સૌથી મોટી સુરક્ષા છે એવું આપણને આપણા ડીએનએમાં મળ્યું છે, પરંતુ શિક્ષણનું મહત્વ
માત્ર કમાવા પૂરતું નથી, એ વાત આપણે બધાએ ધીરે ધીરે સમજવી રહી.
એજ્યુકેશન એટલે માત્ર ડિગ્રી નહીં, એ વાત સમય સાથે વિશ્વભરમાં વધુ ને વધુ દૃઢતાથી પ્રસરી
રહી છે. સ્કિલ્ડ લેબર એટલે પ્લમ્બર, કડિયા, મિસ્ત્રી, કારીગરો, હસ્તકલા કે બીજી આર્ટ સાથે જોડાયેલા
લોકો હવે ખૂબ સારું કમાવા લાગ્યા છે. આપણા દેશમાં એમને જે નથી મળતું એ આવક અને સન્માન એમને
બીજા દેશોમાં મળવા લાગ્યું છે કદાચ, એટલે જ આપણા દેશમાં સ્કિલ્ડ લેબરની અછત ઊભી થવા લાગી છે.
ડૉક્ટર, એન્જિનિયર પાસે નોકરી નથી એવી ફરિયાદ આપણે ચોક્કસ કરીએ છીએ, પરંતુ ડિગ્રી મળવાથી
આવડત કે કૌશલ્ય આવી જાય છે એવી કોઈ વોરન્ટી, ગેરન્ટી આપણી શાળાઓ કે કોલેજો આપી શકતી નથી
જે બહુ દુઃખની અને શરમજનક બાબત છે. નવમા, દસમા ધોરણમાં ભણતું સંતાન પોતાનું કબાટ ન ગોઠવી
શકે, ઘરના નાના મોટા કામમાં મદદ ન કરી શકે કે પોતાની રોજિંદી જરૂરિયાતોમાં પણ જો એને ડોમેસ્ટિક
હેલ્પ કે માતા-પિતાની જરૂર પડતી હોય તો એને અંગ્રેજી માધ્યમની મોંઘી શાળામાં ભણાવીને શું પૂરવાર થાય
છે, એ આપણે નક્કી કરવાનું છે.
સવાલ માત્ર એ છે કે, આવનારી પેઢીને આપણે રોજિંદા પડકારો માટે તૈયાર કરી શક્યા છીએ કે
નહીં? ભારતીય શિક્ષણની સામે જ્યારે પશ્ચિમ, ખાસ કરીને અમેરિકન શિક્ષણને મૂકીએ ત્યારે સમજાય છે કે,
આપણે બહુ જડ અને રૂઢિચુસ્ત શિક્ષણ આપી રહ્યા છીએ. અમેરિકામાં બાયોલોજીની સાથે સંગીત ભણવાની
છૂટ છે કે ચિત્રકલાની સાથે ફિઝિક્સની ચોઈસ મળે છે. આપણા દેશમાં કેટલી યુનિવર્સિટીઝ આવી મલ્ટી
ટેલેન્ટને પ્રમોટ કરવા માટે તૈયાર છે? બ્રિટિશ શિક્ષણ પધ્ધતિ સાથે જોડાયેલા ભારતીય શિક્ષણને અપગ્રેડ
કરવાનો સમય થઈ ગયો છે કારણ કે, ભારતની યુવા પેઢી મલ્ટી ટેલેન્ટેડ છે. આજે પણ વિશ્વમાં ક્યાંય ગયેલો
ભારતીય પાછો પડતો નથી કારણ કે, એ ભયાનક મહેનત અને સંઘર્ષ કરવા તૈયાર છે. દેશમાં પાછા ફરીને હાર
સ્વીકારવી એ ભારતીય ઈગોને માફક આવે એમ નથી, એની સામે એમને વિદેશમાં એમની મહેનત અને
આવડતનું પૂરેપૂરું વળતર અને પ્રશંસા મળે છે. અહીં અંદરોઅંદર લડી રહેલા લોકો વ્યક્તિની ટેલેન્ટને
સ્વીકારવા કે એના વખાણ કરીને એને સાચી ક્રેડિટ આપવા તૈયાર નથી. જેની સામે પશ્ચિમની દુનિયા વધુ
પ્રોફેશનલ અને પ્રામાણિક છે. હા, ત્યાં રંગભેદ છે, સમસ્યાઓ છે જ, પરંતુ અહીંની વર્ણવ્યવસ્થા અને ક્લાસ
કોન્ફ્લિક્ટની સામે કૌશલ્ય અને આવડત હંમેશાં હારતા રહ્યા છે.
નેપોટિઝમની ચર્ચા ઘણીવાર કરવામાં આવે છે, પરંતુ જો નિરાંતે વિચારીએ તો સમજાય કે,
શાહજહાંના પુત્ર ઔરંગઝેબ કે ગાંધીજીના પુત્ર હરિલાલથી શરૂ કરીને રાજકપૂર, દેવઆનંદ, મુકેશ, મોહંમદ
રફી કે કિશોરકુમારના સંતાનોથી શરૂ કરીને સુનીલ શેટ્ટી, મિથુન ચક્રવર્તી, મનોજ કુમારના સંતાનો
પોતપોતાના પિતાની સફળતા છતાં પોતાની આવડત કે કૌશલ્ય પૂરવાર કરી શક્યા નથી. આપણે કયા
નેપોટિઝમની વાત કરીએ છીએ? આવડત કે કૌશલ્ય માત્ર શિક્ષણથી આવે છે. આ શિક્ષણ શાળા, કોલેજ કે
ડિગ્રીનું નથી, આપણે જે શિક્ષણની વાત કરીએ છીએ એ વ્યક્તિના સર્વાંગી વિકાસની વાત છે.
છેલ્લા થોડા સમયથી ભારત અને ગુજરાત સરકાર સર્વાંગી વિકાસ, સ્કિલ્ડ બેઈઝ્ડ ટ્રેનિંગ અને
આદિવાસી અનુસૂચિત જાતિ-જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને આગળ લાવવાનો પ્રયાસ કરી રહી છે.
અત્યાર સુધી આ વિશે કોઈએ વિચાર્યું નથી, પરંતુ સરિતા ગાયકવાડને જોઈને સમજાય કે, ડાંગના નાનકડા
ગામમાં રહેતી છોકરી ખુલ્લા પગે દોડીને છેક ઓલિમ્પિક સુધી પહોંચી શકે, મિલ્ખાસિંઘ જો ઓલિમ્પિક
જીતી શકે તો એનો અર્થ એ થયો કે, મોંઘી શાળા, ડિગ્રીના સર્ટિફિકેટ, સ્પેશિયલ સ્પોર્ટ્સ ટ્રેનિંગ જેવી બાબતો
કરતાં સ્કિલ્ડ બેઈઝ્ડ-માણસમાં રહેલી આવડત અને પોટેન્શિયલ ઓળખીને જો એને ટ્રેઈન કરવામાં આવે તો
એ દેશ અને સમાજનું ગૌરવ બની શકે.
આજની શાળાઓ અને કોલેજો ‘લીડર’, ‘અચિવર’, ‘સ્ટાર’, અને ‘સુપરમેન’ ઘડવામાં વ્યસ્ત છે.
બાળકોને એવી રેટ રેસમાં ધકેલી દેવામાં આવે છે કે, જેમાં એમની માનસિકતા છિન્નભિન્ન થઈ જાય છે.
સમય જતાં એમને પ્રથમ સિવાયનો કોઈ નંબર સ્વીકાર્ય જ નથી હોતો, અને એવી સ્થિતિમાં જ્યારે થોડીક
નિરાશા કે નિષ્ફળતા આવે છે ત્યારે આવા પ્રકારના વ્યક્તિઓ સ્વીકારી શકતા નથી કારણ કે, એમને એવું
શીખવવામાં જ નથી આવતું કે જગતમાં એમનાથી બહેતર, એમનાથી હોંશિયાર અને એમનાથી વધુ સક્ષમ
લોકો પણ અસ્તિત્વ ધરાવે છે!
શિક્ષણ એટલે સમગ્ર વ્યક્તિત્વની એક એવી કેળવણી જેમાં માત્ર ભણતર નહીં, પરંતુ જીવન વિષયક
બાબતોને પણ આવરી લેવામાં આવે કારણ કે, એક સારો એન્જિનિયર કે ડૉક્ટર કદાચ સારો માણસ નહીં
હોય તો સમાજને ખૂબ નુકસાન થશે, પરંતુ એક સારો માણસ કદાચ એન્જિનિયર કે ડૉક્ટર નહીં બની શકે તો
પણ એ સમાજ માટે ઉપયોગી પૂરવાર થયા વિના નહીં રહે.