ભારતીય રેલઃ કથા એક ભયાનક રાતની…

ભારતીય રેલવેએ પોતાના કર્મચારીઓ માટે ફ્લેક્સી અવર્સની વ્યવસ્થા કરી છે. કર્મચારી
પોતાનો સમય પસંદ કરીને અનુકૂળતાએ પોતાની ડ્યૂટી કરી શકે એવી સગવડ વિદેશોમાં અનેક
જગ્યાએ ઉપલબ્ધ છે, પરંતુ સરકારમાં આ કદાચ પ્રયાસ પહેલીવાર થયો છે. ભારતીય રેલ… દિવસના
કેટલા મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે! રેલવે ટ્રેક્સનું મેનેજમેન્ટ, સિગ્નલ્સ,
બે ગાડીઓ અથડાઈ ન જાય એ માટે પાટા બદલવા, પ્રત્યેક સ્ટેશને ટ્રેન સમયસર પહોંચે અને
સમયસર ઉપડે એ માટે સાવધાની રાખવી, ટોઈલેટમાં પાણી ભરાવવા, ડબ્બા સાફ કરાવવા… કેટલા
અને કયા કયા પ્રકારના કામ ભારતીય રેલ કરે છે એ વિશે આપણે કોઈ દિવસ જાણવાનો પ્રયાસ કર્યો
છે?

રોજની 22,593 જેટલી ટ્રેન, ભારતના 12 હજાર કરતાં વધારે સ્ટેશનને કવર કરે છે. કુલ
24 મિલિયન એટલે 2.4 કરોડ લોકો ટ્રેનમાં પ્રવાસ કરે છે. 205 મિલિયન ટન જેટલો સામાન રોજ
એક સ્ટેશનથી બીજે સ્ટેશને પહોંચે છે. આ આખીય સિસ્ટમ વિશ્વની સૌથી મોટી એક છત નીચે
મેનેજ થતી સિસ્ટમ છે. આ સિસ્ટમ 17 લાખથી વધારે લોકોને ઓન રજિસ્ટર રોજી આપે છે. એ
સિવાય રેલવે સ્ટેશન પર ચા વાળા, અખબાર વાળા, રજિસ્ટર અને અનરજિસ્ટર સામાન
ઉપાડનારાથી શરૂ કરીને રિક્ષા, ટેક્સી અને બીજા કેટલાય લોકોને આ સિસ્ટમ પોતાની રોજિંદી
જિંદગી જીવવામાં મદદ કરે છે. ભારતમાં વસતા નાગરિક તરીકે આપણે જાણવું જોઈએ કે, આપણા
દેશની રેલવે એક વિશ્વની સૌથી સુવ્યવસ્થિત અને સૌથી વધુ માણસોને ટ્રાન્સપોર્ટ આપતી એક એવી
સિસ્ટમ છે જેને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે.

આ સિસ્ટમ સાથે જોડાયેલી એક કથા એટલે ‘રેલવે મેન’. યશરાજ ફિલ્મ્સની આ વેબ સીરિઝ
જાણીતા દિગ્દર્શક રાહુલ રેવેલના દીકરા શિવ રેવેલે દિગ્દર્શિત કરી છે. ભોપાલ ગેસકાંડની રાત્રે
ભોપાલ રેલવે સ્ટેશન પર શું બન્યું એની સત્ય કથા આ વેબ સીરિઝમાં આપણી સામે જે રીતે મૂકાઈ
છે એ જોતાં રૂંવાડા ઊભા થઈ જાય એવો એક ભૂતકાળ આપણી નજર સામે ફરી એકવાર પસાર થઈ
જાય છે. છેલ્લા થોડા સમયથી વેબ સીરિઝ સામે આપણને ઘણી ફરિયાદો હતી. નગ્નતા, એલજીબીટી
અને બિનજરૂરી શરાબ-ડ્રગ્સના દ્રશ્યો, સિગરેટ પીને પોતાની જાતને મોર્ડન પૂરવાર કરતી યુવતિઓ,
ગાળો, હિંસા અને લોહિયાળ દ્રશ્યોથી ભરેલી વેબ સીરિઝ જોઈ જોઈને કંટાળેલા પ્રેક્ષકો માટે ‘રેલવે
મેન’ એક રિફ્રેશિંગ અને રસપ્રદ ચેન્જ લઈને આવી છે. ચાર દાયકા પહેલાં બનેલી આ ઘટના કોની
બેદરકારી, કોની બેજવાબદારીથી બની, કોણે એના પર બેદરદીથી પડદો પાડી દીધો, કોને સજા થવી
જોઈતી હતી અને ન થઈ એવી જાતભાતની વાતો આપણે સાંભળી છે, વાંચી છે, પરંતુ એ રાત્રે
જ્યારે ભોપાલમાં ગેસ લીક થઈ રહ્યો હતો ત્યારે બહારથી ભોપાલ પહોંચનારા પેસેન્જર્સનો જીવ
બચાવનાર ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ગુલામ દસ્તગીરની કથા આ વેબ સીરિઝમાં કહેવાઈ છે.

એ વખતના જનરલ મેનેજર ગૌરી શંકરના સાહસની કથા પણ આ વેબ સીરિઝમાં આપણી
આંખો ભીંજવી નાખે છે. જનરલ મેનેજર માટે ખાસ જે કોચ રેલવેમાં અનામત રાખવામાં આવે છે
એ કોચમાં અનેક મુસાફરોને દવા, ડૉક્ટર્સ અને ઓક્સિજનના સિલિન્ડરની સાથે ભોજન અને પાણી
પહોંચાડનાર એ જનરલ મેનેજર, એ વખતે શહીદ થયેલા કર્મચારીઓ અને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ
ગુલામ દસ્તગીરના નામનું શહીદ સ્મારક આજે પણ ભોપાલ રેલવે સ્ટેશન પર ઊભું છે.

આપણા દેશમાં આવી કથાઓ ખૂણે ખાંચરેથી શોધીને ભાગ્યે જ કોઈ વેબ સીરિઝ કે સિનેમા
સુધી પહોંચાડવામાં આવે છે. છેલ્લા થોડા સમયથી દક્ષિણ ભારતીય ફિલ્મોની અસર નીચે આપણે
માત્ર હિંસા અને રક્તપાતની ફિલ્મો બનાવતા થઈ ગયા છીએ. ઈગોસ્ટિક, બેજવાબદાર, દાઢી
વધારેલા, લઘરવઘર દેખાતા અને ગેરકાયદેસરના કામ કરીને પોતાની જાતને હીરો સાબિત કરતા આ
ફિલ્મોના અભિનેતાઓ ફક્ત સફળતાનો વિચાર કરે છે કે પછી બોક્સ ઓફિસના આંકડા એમને
આકર્ષે છે. ફિલ્મો સમાજનું દર્પણ છે અથવા સમાજ ઉપર ફિલ્મોની ઊંડી અસર છે. નવી પેઢી માટે
ફિલ્મના અદાકારો ‘સ્ટાર’ છે. એમના વસ્ત્રો, રહેણીકરણી, જીવનશૈલીથી શરૂ કરીને એમની દરેક
વાતનું આ નવી પેઢી અનુકરણ કરે છે. હવે નવી પેઢી થિયેટરમાં જઈને ફિલ્મો જોતી નથી, એવો એક
સામાન્ય આક્ષેપ પણ વારંવાર સાંભળવા મળે છે. ઓટીટી પ્લેટફોર્મ તરફ વળી ગયેલી આ પેઢીને
આપણે ‘એનિમલ’ કે ‘કબિરસિંઘ’ આપવાને બદલે જો ‘રેલવે મેન’, ‘શેરશાહ’ કે ‘સેમ બહાદુર’ જેવી
કથા આપીશું તો કદાચ આ પેઢી ભવિષ્ય તરફ વધુ સ્પષ્ટતા અને સજાગપણે જોતી થશે.

અત્યારે તો પરિસ્થિતિ એ છે કે, એક આખી પેઢી એવું માનતી થઈ ગઈ છે કે, વિલન હોવું એ
જ ‘હીરો’ હોવાની પહેલી શરત છે. કાયદો હાથમાં લેવો અને જાતે જ ફેંસલો કરી નાખવો-એ વાત
ફિલ્મો અને વેબ સીરિઝને નવી પેઢીના મગજમાં ઉતારી દીધી છે. પોલીસ કે સરકાર કશું નહીં કરે-
એવું જાણે-અજાણે આ પેઢીને વારંવાર કહેવા અને સમજાવવામાં આવે છે ત્યારે આપણા ઈતિહાસના
ટુકડા ઉપાડીને આવી કોઈ કથાઓ જો આપણે મનોરંજનના નામે નવી પેઢીને આપી શકીશું તો શક્ય
છે કે ‘આ દેશમાં કશું નથી’ કહીને વિદેશ જવા માટે બેચેન અને બેતાબ આ પેઢી આપણા દેશના
વિકાસ અને ગૌરવ વિશે જરા જુદી રીતે વિચારતી થાય. એક તરફથી આપણે વલેન્ટાઈન ડેના દિવસે
દુકાનો તોડીએ છીએ. ભારતીય સંસ્કૃતિને વધુને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ સરકાર દ્વારા પણ
કરવામાં આવે છે ત્યારે સરકારે પણ મનોરંજનના આવા માધ્યમોને આપણા ઈતિહાસ અને સંસ્કૃતિને
મજબૂત કરે એવી કથાઓ કહેવાની ફરજ પાડવી જોઈએ.

માધ્યમ ભલે મનોરંજનનું હોય, પરંતુ એની માનસિકતા પર ઊંડી અસર થાય છે એ વાત
છેલ્લા દોઢસો વર્ષથી આપણે સ્વીકારી છે. આ વાતને જો સાચા અને સારા ઉપયોગમાં લેવામાં આવે
તો એક આખી પેઢીને સારા નાગરિક, સાચા વૉટર અને સારા માણસ બનાવી શકાય એવું નથી
લાગતું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *