બિછડનેવાલે મેં સબ કુછ થા, બેવફાઈ ન થી

“અમે એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ, પરંતુ મારી મમ્મી અમને ચેનથી રહેવા દેતી નથી…
લગ્નને સવા બે વર્ષ થયા, અંતે અમે છુટા પડવાનું નક્કી કર્યું છે. ઝઘડો અમારી વચ્ચે નથી તેમ છતાં, અમે
સાથે રહી શકતા નથી.” એક 27 વર્ષનો વાચક ફોન ઉપર કહી રહ્યો હતો. એષા દાદાવાલાનો લેખ ‘મા
અને પત્ની વચ્ચે બેલેન્સનું કામ પુરુષ જ કેમ કર્યા કરે?’ વાંચ્યા પછી એણે મને ફોન કર્યો હતો! એણે જે
વાત કરી એ ચોંકાવી દે એવી હતી… પતિ-પત્ની વચ્ચે કોઈ સમસ્યા નહોતી, પરંતુ માને ‘લવ મેરેજ’
કરીને આવેલી પુત્રવધૂ ગમતી નહોતી. એ કોઈને કોઈ બહાને પુત્રવધૂને પજવ્યા કરતી, હેરાન કર્યા કરતી
અંતે દીકરાએ નિર્ણય કર્યો કે એ પત્નીને છૂટાછેડા આપી દેશે, જેનાથી એની જિંદગી બગડતી અટકે.

ક્યારેક નવાઈ લાગે એવા સંબંધોની ગૂંચ આપણી સામે આવીને ઊભી રહે છે. મમ્મીનો ઈગો
એટલો મોટો કે દીકરો પોતાની મરજી વિરુધ્ધ પરણ્યો એ વાતે એણે પુત્રવધૂને ઘરમાં શાંતિથી રહેવા ન
દીધી… ત્યારે સવાલ એ આવે કે મા માટે સંતાનનું સુખ મોટું કે પોતાનો ઈગો? એક દીકરો પોતાની પ્રિય
પત્નીને એટલા માટે છૂટાછેડા આપે જેથી એ આ રોજના કકળાટમાંથી છૂટી જાય… ત્યારે આપણને સૌને
એવી સંવેદના પણ થાય જ, કે એક પુરુષ પણ કઈ હદે સમાધાન કરી શકે!

એકબીજાની સાથે લડ્યા વગર, વાંક-ગૂના વગર અને એકબીજા માટે પુષ્કળ પ્રેમ હોવા છતાં લગ્ન
પહેલાં કે લગ્ન પછી છૂટા પડતાં આવાં યુગલોની સંખ્યા ઓછી નથી. માતા-પિતાની ઈચ્છા ન હોય માટે
પોતાના પ્રેમી કે પ્રેમિકાને ‘સોરી’ કહી દેતાં આવાં સંતાનો માતા-પિતાના પ્રેમને વધુ મહત્વનો ગણે છે,
કારણ કે એમને જવાબદારી અને પોતાના કર્તવ્યનું પાલન વધુ અગત્યનું લાગે છે. આવા લોકોને દુઃખ
નહીં થતું હોય? એમને જિંદગીભર પોતાની પ્રિય વ્યક્તિને છોડી દીધાનો કે જવા દીધાનો વસવસો નહીં
થતો હોય? થાય જ… પરંતુ, આ એ સંતાનો કે પેઢી છે જે પોતાના ઉત્તર દાયિત્વને પોતાની ઈચ્છા કરતાં
વધુ મહત્વનું ગણે છે.

ભારતીય પરંપરા આપણને આ જ શીખવે છે. માતા-પિતાને કાવડમાં લઈને જાત્રા કરાવતો શ્રવણ
આજના જમાનામાં કાવડમાં જાત્રા ન કરાવે, એ સમજી શકાય એવી વાત છે, પરંતુ પોતાના માતા-
પિતાની સાથે સમય વીતાવે, એમના નાના-મોટા કામ કરી આપે કે એમના માંદગીના-અસ્વસ્થતાના
પ્રસંગે હાજર રહીને એમની સેવા કરે એ પણ ‘શ્રવણ’થી ઓછા નથી.

કેટલીકવાર એવું બને કે, પોતાના પ્રિયજન માતા-પિતા કે પરિવાર માટે થઈને જ્યારે અંગત
સંબંધનું બલિદાન આપે ત્યારે પ્રેમી કે પ્રેમિકા એને ‘બેવફા’ કે ‘દગાખોર’નું લેબલ ચોંટાડી દે, અથવા આવી
વ્યક્તિએ અનેક કડવી વાતો સાંભળવી પડે. “તારા મા-બાપને પૂછીને પ્રેમ કરવા આવ્યો હતો?”થી શરૂ
કરીને ક્યારેક તો તૃષા કે ગ્રીષ્મા જેવા કિસ્સા પણ બની જાય… તેમ છતાં માતા-પિતાનો આદર કરનાર કે
એમની આજ્ઞાનું પાલન કરનાર સંતાન પોતાનું ઋણ ચૂકવે છે એ વાત નકારી ન શકાય.

આજના સમયમાં આપણે જોઈએ છીએ કે માતા-પિતા સંતાન યુવાન થાય એ પહેલાં જ
પોતાની આગવી વ્યવસ્થા ગોઠવવા લાગે છે. કેટલાંક માતા-પિતા તો એવું કહે છે, “આપણે એના પર
આધારિત નથી રહેવું, કોણ જાણે સેવા કરે કે નહીં…” આ અવિશ્વાસ માતા-પિતા સંતાન ઉપર નહીં,
પોતાના ઉછેર પર કરી રહ્યા છે. સત્ય તો એ છે કે, બાળપણથી જ આપણા સંતાનને આપણે કર્તવ્ય, ધર્મ,
નિષ્ઠા અને ઉત્તરદાયિત્વ જેવી બાબતો શીખવવી જોઈએ. ફક્ત આપણા પૂરતી નહીં, સમાજ, પર્યાવરણ
અને આસપાસના જગત વિશે પણ એમણે સભાન અને સજાગ રહીને પોતાના અસ્તિત્વનું ઋણ
ઉતારવાનું છે એ વાત માતા-પિતાએ ઉછેરમાં જ ઉમેરવી પડે.

કચરો ફેંકતું બાળક, પાંદડા તોડતું બાળક કે પશુ-પક્ષી સાથે ક્રુરતાથી વર્તતું બાળક અટકે અને
એનામાં માનવીય ગુણોનો વિકાસ થાય એ માતા-પિતા સિવાય કોણ શીખવી શકે? જેણે જન્મ આપ્યો
છે, ઉછેર્યા છે એણે એટલું ચોક્કસ સમજવું જોઈએ કે એમના સંતાનનું સુખ શેમાં છે… જો એને
મનપસંદ જીવનસાથી સાથે જીવવામાં સુખ મળવાનું હોય તો જ્ઞાતિ-જાતિ જેવા વિચારોને પળવાર માટે
અળગા કરીને સંતાનના સુખને એકવાર આપણી રૂઢિ અને જડતા સાથે તોલી જોવું એ માતા-પિતાની
ફરજ છે. એ પછી પણ જો માતા-પિતાને એવું લાગે કે, સંતાને કરેલી પસંદગી યોગ્ય નથી અને એ ના
પાડે તો સંતાને એના માતા-પિતાના મુદ્દાને, વિચારને અને એની સાથે જોડાયેલા એમના ભય કે
સમસ્યાને સમજવા જોઈએ.

આ બધા પછી એક સવાલ એ છે કે, માતા-પિતાની આજ્ઞાને માન આપીને પોતાના અંગત સુખ
કે ઈચ્છાને કોરે મૂકનાર સંતાનને બેવફા કહેવાને બદલે ખરેખર તો વફાદાર કહેવું જોઈએ કે નહીં? જે-તે
વ્યક્તિ સાથે બે-ચાર મહિના કે વર્ષના પ્રેમમાં જે માતા-પિતાને ભૂલી જઈ શકે, એના ઋણને અવગણે એ
જીવનભર કોઈ વ્યક્તિના થઈને રહી શકશે ખરા?

શેક્સપિયરના નાટક ‘ઓથેલો’માં ડેસ્ડેબોનાના પિતા પૂછે છે, “જે પોતાના પિતાની ન થઈ શકી,
એ તારી થઈને રહેશે?” આ એક સવાલ ઓથેલોના મનમાં શંકાનું એવું ઝેર ઊભું કરે છે કે, એના એક
સાથી ઈયાગો દ્વારા એને ભરમાવવામાં આવે છે અને વિશ્વાસુ સાથી કેસિયો સાથે પોતાની પ્રિય પત્નીને
આડા સંબંધો છે એવું એ માની લે છે… પોતાનું ઋણ, જવાબદારી અને માતા-પિતા પરત્વેની પોતાની
ફરજને પ્રથમ પ્રાયોરિટી ગણે છે એ વફાદાર છે, એને ‘બેવફા’ કેવી રીતે કહી શકાય?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *