થોડા વખત પહેલાં ઝિનત અમાન અને નિતુ સિંઘ એક જાણીતા ચેટ શોમાં સાથે
ઉપસ્થિત રહ્યા. બંને જણાંએ પોતાના સમયના સિનેમા અને એની સાથે જોડાયેલાં અનુભવોની
વાત કરી. નિતુ સિંઘે કહ્યું, ‘હું કંઈ સમજી શકું એ પહેલાં તો મારા લગ્ન થઈ ગયેલાં. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં
હીરોઈન તરીકે કારકિર્દી શરૂ કરી અને જે પહેલો બોયફ્રેન્ડ મળ્યો એ જ મારો પતિ બન્યો… મારી
પાસે કોઈ ચટપટી વાતો નથી.’ જ્યારે ઝિનત અમાને દિલ ખોલીને પોતાની વાતો કહી. આમ
જોવા જઈએ તો બંનેની કારકિર્દી કેટલી જુદી! ઝિનત અમાનનું નામ પહેલાં પાકિસ્તાની ક્રિકેટર
ઈમરાન ખાન સાથે જોડાયું, પછી સંજય ખાન અને છેલ્લે મઝહર ખાન… સંજય ખાને ઝિનત
અમાનને જાહેરમાં મારી, મઝહર ખાન સાથેના લગ્ન પણ ખૂબ અબ્યૂઝિવ અને પીડાજનક રહ્યાં.
ઝિનત અમાનની એક આંખ એને વાગેલા ગાડીના દરવાજાને કારણે કાયમ માટે જખમી થઈ ગઈ,
એની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું, જ્યારે નિતુ સિંઘે એક સરસ પત્ની, મા, કપૂર
ખાનદાનની વહુ તરીકે પોતાનું જીવન જીવી બતાવ્યું. ઝિનત એક બોલ્ડ અને સહજતાથી વસ્ત્રો
ઉતારી શકતી બિન્દાસ અભિનેત્રી તરીકે પંકાઈ, જ્યારે નિતુ સિંઘ પણ સફળ રહી, પરંતુ એણે
પોતાની મર્યાદા છોડ્યા વગર જ ફિલ્મી કારકિર્દીને આગળ ધપાવી.
આ બંને અભિનેત્રીઓ આજની નવી પેઢી માટે જબરજસ્ત ઉદાહરણ પૂરું પાડે છે!
છેલ્લા થોડા સમયથી ‘મોર્ડન’ના નામે આપણને જે વસ્ત્રો જોવા મળે છે એ ભારતીય સંસ્કૃતિને
અનુરૂપ વેશભૂષા નથી. આપણે જે દેશમાં રહીએ છીએ એ દેશમાં બધા જ ભણેલા કે ઉચ્ચ
મધ્યમવર્ગના લોકો નથી વસતા. અહીં બિહાર અને ઝારખંડથી આવેલા મજૂરો છે, રાજસ્થાનથી
આવેલા ઘરકામ કરતા લોકો છે, અભણ અને સેલફોન ઉપર પોર્ન જોતા એવા લોકો છે જેમને
સારા-નરસાની સમજ નથી. આવા લોકોની સામે જ્યારે યુવાન છોકરીઓ અમુક પ્રકારના વસ્ત્રો
પહેરીને નીકળે ત્યારે એમની કુદ્રષ્ટિ અને ગેરવર્તનનો ભોગ બને છે. હવે એક દલીલ એવી પણ
કરવામાં આવે છે કે, ‘એમની દ્રષ્ટિમાં વિકાર હોય તો એ એમને પ્રોબ્લેમ છે’ અથવા આજની
દીકરીઓ એવો પણ સવાલ પૂછે છે કે, ‘એ લોકો અમને ખરાબ રીતે જુએ એટલે અમારે ઢંકાયેલા
રહેવાનું? અમને ગમે તે નહીં પહેરવાનું?’ આ બધા સવાલોનો એક જ જવાબ છે, ‘દેશ તેવો
વેશ.’
યુરોપ કે અમેરિકામાં ટૂંકામાં ટૂકી શોર્ટ્સ, સ્પગેટી ટોપ, કે પેટ દેખાય, પીઠ દેખાય એવા
કપડાં પહેરીને ફરતી છોકરી સામે મોટેભાગે કોઈ જોતું પણ નથી કારણ કે, એ દેશમાં આવા
પ્રકારના વસ્ત્રો એ નવાઈ નથી. બીજી મહત્વની બાબત એ છે કે, એ દેશમાં કદાચ 50 વર્ષથી
આવા કપડાં પહેરવામાં આવે છે, માટે લોકો આવા વસ્ત્રો જોઈને ટેવાઈ ગયા છે. આપણા દેશમાં
આ કહેવાતી ‘ફેશન ક્રાંતિ’ છેલ્લા દાયકામાં આવી છે, જેને માટે આ દેશ હજુ તૈયાર નથી.
બીજો એક પ્રશ્ન એ પણ છે કે આપણા દેશમાં મોરલ પોલિસિંગ બહુ થાય છે. જેને કોઈ
લેવાદેવા ન હોય એવા લોકો પણ ‘પાઠ ભણાવવા’ તૈયાર હોય છે. જેણે પોતાની મા કે બેનને માથે
ઓઢીને સલવાર કમીઝ પહેરેલી જોઈ છે એવા લોકો જ્યારે મહાનગરોમાં પહોંચે છે ત્યારે શેઠની
દીકરી કે રસ્તે ચાલતી, ગાડીમાંથી ઉતરતી, ટુવ્હીલર ચલાવતી છોકરીઓ એમને માટે કોઈ
અજાયબીથી ઓછી નથી! આવા લોકો ‘મોર્ડન’ વસ્ત્રો પહેરેલી છોકરીઓને જોઈને ઉશ્કેરાય છે-
એમણે જોયેલી પોર્ન ફિલ્મો કે એમના ગંદા વિચારો આવાં વસ્ત્રોને કારણે વધુ ગંદા બને છે.
સવાલ એ નથી કે, આવા લોકો માટે થઈને આપણે આપણી દીકરીને કંટ્રોલ કરવી જોઈએ કે નહીં,
સવાલ એ છે કે આવા લોકોને માટે આપણે એમની ગંદી નજરનો ખોરાક બનવું જોઈએ કે નહીં!
અભણ, મજૂર કે પછાત વિસ્તારમાંથી આવતો છોકરો કે પુરુષ આવું વિચારે ત્યાં સુધી
કદાચ એને માફ કરી શકાય, પરંતુ ઉચ્ચ મધ્યમવર્ગ કે શ્રીમંતના ઘરમાં કહેવાતા ‘સારા ઉછેર’ સાથે
યુવાન થયેલા છોકરાઓ પણ જે વિચારે છે એ જાણીને આપણને આઘાત લાગે. કેટલીકવાર કાને
પડતી અછડતી કોમેન્ટ્સ ભીતરથી હચમચાવી મૂકે એટલી ગંદી અને સસ્તી હોય છે… જે,
ગાડીઓ લઈને ઊભેલા બ્રાન્ડેડ કપડાં પહેરેલા છોકરાઓ પાસેથી સાંભળવા મળે છે.
ભારતની મુશ્કેલી એ છે કે, આપણે આધુનિકતાનો દાવો કરીએ છીએ, પરંતુ આપણે
અંદરથી એટલા જૂનવાણી અને સંકુચિત છીએ. આપણી ધાર્મિકતા લાલચુ અને ગરજાઉ છે.
દીકરો બે-ચાર ગર્લફ્રેન્ડ રાખે એમાં મા-બાપને ગૌરવ થાય છે, પરંતુ ‘વહુ’ લાવવાની આવે ત્યારે
છોકરીના ચારિત્ર્યની તપાસ કરાવવાનું આપણે ચૂકતા નથી! ડિવોર્સ થાય ત્યારે છોકરીની
સહનશક્તિ ઓછી છે એવું કહેનારા ભૂલી જાય છે કે, છોકરાની સહનશક્તિ વિશે પણ તપાસ તો
થવી જ જોઈએ, અથવા છોકરાએ પોતાની પત્નીની સહનશક્તિની કેટલી પરીક્ષા કરી હશે એનો
હિસાબ પણ માગવો જોઈએ. લગ્નેતર સંબંધ માટે સ્ત્રીને ભાગ્યે જ માફ કરવામાં આવે છે, પરંતુ
પુરુષ માફી માગે ત્યારે પત્ની પાસેથી એને ‘માફ કરી દેવાની’ અપેક્ષા રાખવામાં આવે છે અથવા
કેટલીકવાર દબાણ પણ કરવામાં આવે છે.
સંજય ખાને ઝિનત અમાનને મારી-એની આંખ ગઈ અને કારકિર્દી ખતમ થઈ એ પછી
પણ એના માટે સહાનુભૂતિ કે કરુણાની લાગણી જોવા ન મળી, જ્યારે નિતુ સિંઘે રિશી કપૂરની
ખૂબ સેવા કરી અને સંતાનોને ખૂબ સારી રીતે ઉછેર્યા એ માટે એને ખૂબ શાબાશી મળી, આ
આપણા દેશની માનસિકતા છે-જેને સ્વીકાર્યા વગર છુટકો નથી. ઝિનત અમાન અને નિતુ સિંઘને
એક જ સમયે ચેટ શોમાં સાંભળીને એક વાત સમજાઈ, કે બિન્દાસ, બોલ્ડ અને આધુનિક
હોવાની ઈમેજ ભલે ગમે તેટલી પબ્લિસિટી અપાવે, પરંતુ ભારતમાં સન્માન મેળવવા માટે એક
સ્ત્રીએ ઘણો સંઘર્ષ કરવો પડે છે.