બુલથી બોઈંગઃ નસીબ કે નરી મહેનત?

ભારતમાં થોડા વર્ષો પહેલાં માત્ર ઈન્ડિયન એરલાઈન્સ અંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ઉપલબ્ધ હતી.
એ પછી એને એર ઈન્ડિયા સાથે મર્જ કરી દેવામાં આવી. હજી હમણા જ રતન ટાટાએ માંદી પડેલી ‘એર
ઈન્ડિયા’ને ખરીદીને એને ફરીથી બેઠી કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. કર્મચારીઓને વીઆરએસ આપવાથી
શરૂ કરીને વિમાનોને નવેસરથી રિપેરિંગ, રંગરોગાન અને એના રૂપરંગ બદલવાનો પ્રયાસ એર ઈન્ડિયાને
કેટલી મદદ કરશે એ તો સમય જ કહેશે, પરંતુ એક નવી એરલાઈન ઝડપથી હવામાં ઊડતી થશે, જેનું
નામ ‘અકાસા’ છે. 737 ગ્લોબલ એરોસ્પેસ કંપની બોઈંગને 72 મેક્સ 737 એરપ્લેનનો ઓર્ડર આપી
દેવાયો છે. આ નવી એરલાઈનના માલિકનું નામ રાકેશ ઝુનઝુનવાલા છે. એમના 40 ટકા શેર્સ આ
કંપનીમાં છે.

રાકેશ ઝુનઝુનવાલા આમ તો શેર માર્કેટના કિંગ કહેવાય છે. ભારતના સૌથી મોટા ઈન્વેસ્ટર્સમાં
એમનું નામ લેવાય છે. 20-21માં એમનું મોટામાં મોટું ઈન્વેસ્ટમેન્ટ 7294.8 કરોડ, ટાઈટન કંપનીમાં
છે. એર ઈન્ડિયાની ખરીદી સાથે ‘અકાસા’ ને કોઈ નિસ્બત છે કે નહીં એ વાત તો ધીમે ધીમે ખબર પડશે,
પરંતુ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક પાસેથી રિજ્વે અપાર્ટમેન્ટના છ યુનિટ 176 કરોડમાં ખરીદીને, એચએસબીસી
બેન્ક પાસેથી 195 કરોડમાં એનું બિલ્ડિંગ ખરીદીને રાકેશ ઝુનઝુનવાલાએ ભારતીય ઈન્વેસ્ટર્સની આંખો
પહોળી કરી નાખી હતી.

આજે, જેનું ટોટલ ઈન્વેસ્ટમેન્ટ 11 હજાર કરોડનું માનવામાં આવે છે, અમેરિકાના મોટા
ઈન્વેસ્ટર જ્યોર્જ સોરોસ જેના પાર્ટનર છે એવા રાકેશ ઝુનઝુનવાલાએ પોતાના જીવનની શરૂઆત
1985માં પાંચ હજાર રૂપિયાના કેપિટલથી કરી હતી. એમના પિતા પણ શેર માર્કેટમાં હતા. સાવ
નાનકડા હતા ત્યારે કોલેજના દિવસોમાં એમણે પિતા પાસેથી ઈન્વેસ્ટ કરવા પૈસા માગ્યા. પિતાએ પૈસા
ન આપ્યા અને મિત્રો પાસેથી પૈસા લેવાની સ્પષ્ટ ના પાડી. રાકેશે પોતાના પોકેટમનીમાંથી બચાવીને
પહેલા શેર પાંચ હજાર રૂપિયામાં ખરીદ્યા… એ દિવસ પછી એમણે પાછા વળીને નથી જોયું!

એ જ રાકેશ ઝુનઝુનવાલાએ એક ટી.વી. ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘મને પૈસા કમાવવાનો શોખ છે. પૈસા
એ મારી જરૂરિયાત છે, નબળાઈ નથી.’ આ વાત બહુ સમજવા જેવી. ખૂબ કમાવું એ દરેક વખતે ખોટું
જ હોય, એમાં કોઈ ક્રાઈમ કે ગુનો, ભ્રષ્ટાચાર કે ગેરરીતિ સામેલ જ હોય એવું માનનારા લોકોએ પોતાની
માન્યતા સુધારવાની જરૂર છે. સાચી મહેનત અને પૂરા ધ્યેયથી જે આગળ વધે છે એને ‘સુખી’ રહેવા
જેટલા પૈસા અને સગવડ મળી જ રહે છે. આપણો પ્રોબ્લેમ એ છે કે, આપણે એટલાથી અટકતા નથી.
આપણને 50 હજારની જરૂર હોય અને આપણે લાખ રૂપિયા કમાઈ શકીએ તો આપણે સફળ-સુખી અને
સારું જીવી શકીએ એવું માનનારા લોકોની સંખ્યા ઘટતી જાય છે.

આપણે ધીરુભાઈ, કરસનભાઈ, અદાણી કે રાકેશ ઝુનઝુનવાલાના કિસ્સા આપણા સંતાનોને
કહીએ છીએ. એમને દાખલા આપીએ છીએ કે, સફળ થવા માટે કઠોર પરિશ્રમ અને અનુશાસનની જરૂર
છે. આપણે આપણા સંતાનોને સફળ થવા તરફ ધકેલીએ છીએ. એમની સામે એવાં મોટા ટાર્ગેટ અને
આદર્શ મૂકી દઈએ છીએ કે એમને મળતા નાના નાના અચિવમેન્ટનો આનંદ એ લઈ શકતા નથી.
મોટાભાગના માતા-પિતાને પોતાનું સંતાન કરોડપતિ, અબજપતિ બની જાય, પ્રસિધ્ધ થઈ જાય એવી
ઝંખના હોય છે. સફળતાની સાદી વ્યાખ્યા મોટાભાગના માતા-પિતાના મનમાં સગવડ-સંપત્તિ અને
સત્તા સાથે પૂરી થઈ જાય છે. વિચારીએ તો સમજાય કે, ખરેખર આ ત્રણ ચીજો માણસને સુખ આપે છે?
વાત કદાચ ફિલોસોફીકલ લાગે, થોડી અપ્રસ્તુત પણ લાગે તેમ છતાં સત્ય એ છે કે મોટાભાગના લોકોને
ખૂબ કમાયા પછી એ સંપત્તિનો શું ઉપયોગ કરવો એની ખબર નથી હોતી! વધુ કમાવું, હજી વધુ કમાવું,
ને પછી એથી પણ વધુ કમાવું… એટલા જ ઉદ્દેશ્ય સાથે દોડ્યા કરતો માણસ પોતે કમાયેલા પૈસા પોતે
વાપરી શકતો નથી! પોતાના શોખ કે પેશન પૂરું કરવા માટે જે માણસ પોતે કમાયેલા પૈસા વાપરી શકે એ
સાચા અર્થમાં સુખી છે. પોતાના સ્નેહી કે પ્રિય વ્યક્તિ માટે સગવડ કે મજા ખરીદવાના ઉદ્દેશથી જે
માણસ પોતાના કમાયેલા પૈસા વાપરી શકે એ દિલદાર છે અને જે માણસ પોતાનો સમય પોતાની
મરજીથી ખર્ચી શકે, કે બચાવી શકે એ માણસ સાચા અર્થમાં સ્વતંત્ર છે. મોટાભાગના લોકો પૈસા
કમાવાની દોડમાં પોતાનો સમય બીજાને વેચી નાખે છે. એમને પોતાની મરજીથી જીવવું હોય છે, પણ
ઝંખના અને સ્વાર્થ એકબીજાની સામે ઊભા રહી જાય છે. એ વખતે નિર્ણય કરવો પડે છે. પૈસા કમાવા છે
કે પ્રિય વ્યક્તિ સાથે થોડીક મજાની પળો વીતાવી છે કે સંતાનોને, પરિવારને સમય આપવો છે કે પોતાના
શોખ, પેશન કે આનંદ માટે થોડાક પૈસા કમાવાની તક છોડી દેવી છે… આ નિર્ણય અઘરો છે, પણ
એકવાર કરી શકીએ એ પછી ભીતરની અસુરક્ષા કે લાલસા એની મેળે ઊભરાની જેમ બેસી જાય છે.

અંગ્રેજીની એક કહેવત છે, પ્રોફીટ ઈઝ નોટ એ બેડ વર્ડ બટ, વ્હેન પ્રોફીટ બીકમ્સ ધ ઓનલી
રિઝન ટુ વર્ક ઈટ મેક્સ અ બેડ વર્લ્ડ. નફો એ ખરાબ શબ્દ નથી, પરંતુ જ્યારે કામ કરવાનું એક માત્ર
કારણ નફો હોય ત્યારે આ જગત ધીમે ધીમે બગડવા લાગે છે… આપણને જોઈએ, વાપરવા મળે, મજા
કરવા મળે, ખર્ચવા મળે અને છતાં અસુરક્ષિતતાનો અનુભવ ન થાય કે દેવું ન કરવું પડે એટલા પૈસા
કમાતો માણસ જગતનો સૌથી સંપત્તિવાન ન હોય, પરંતુ જગતના સુખી માણસોમાં એની ગણતરી થઈ
શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *