બુરા વક્ત તો સબકા આતા હૈ, કોઈ બિખર જાતા હૈ, કોઈ નિખર જાતા હૈ…

‘હું એક સારી શિક્ષક છું. સારી દીકરી, સારી પ્રેમિકા અને સારી દોસ્ત બનવાનો પૂરો પ્રયત્ન કરું છું, પણ
એની વચ્ચે થોડીક મિનિટો મેં મારા માટે જીવી લીધું, થોડી મજા કરી તો એ ગુનો છે?’ સજની શિંદે નામની એક
છોકરી સીધું કેમેરામાં જોઈને પ્રેક્ષકને આ પ્રશ્ન પૂછે છે… ફિલ્મનું નામ ‘સજની શિંદે કા વાઈરલ વીડિયો’
ફિલ્મના દિગ્દર્શક મિખીલ મુસળેની કારકિર્દી ગુજરાતથી શરૂ થઈ. ‘રોંગ સાઈડ રાજુ’ નામની એમની
ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ફિલ્મની કથા રસપ્રદ છે. આજના સમયને અનુરૂપ અને આજની
નવી પેઢીની સૌથી મોટી ગૂંચવણને આપણી સામે મૂકે છે. આપણા સંસ્કાર ભારતીય છે. ઉછેર મિડલ
ક્લાસ છે… એની સામે સૌને સિનેમા જેવું, ફિલ્મી મેગેઝિનોમાં દેખાતા અને છપાતા કલાકારો જેવું,
યુટ્યુબ પર દેખાડવામાં આવતા વૈભવી ઘરો અને રિલમાં દેખાતા ફેઈક અને તદ્દન ખોટા સંબંધો જેવું
જીવી લેવું છે! ઘરેથી સલવાર કમીઝ પહેરીને નીકળતી છોકરી બહાર નીકળીને હોટેલના કે મોલના
વોશરૂમમાં ટૂંકા કપડાં પહેરી લે છે… લગ્ન પહેલાંના સેક્સ માટે ટીનએજ બેચેન છે, પિઅર પ્રેશર
ભયાનક છે અને માતા-પિતાની સામે એક ‘ડાહી-ઘરરખ્ખુ-સંસ્કારી’ દીકરીની ઈમેજ સાચવી રાખવી
અનિવાર્ય છે!

હમણાં જ, ‘કોફી વિથ કરણ’ના એક એપિસોડમાં અજય દેવગણે નિખાલસ કબૂલાત કરી,
‘આપણે બધા સફળ છીએ, પૈસા કમાયા, લોકોની નજરમાં સ્ટાર બનીને જીવીએ છીએ, પણ આપણા
વિચારો, જીવનશૈલી અને માનસિકતા હજી મિડલ ક્લાસ જ છે. આપણો ઉછેર આપણો પીછો છોડતો
નથી.’ આ વાત લગભગ દરેક ગર્ભશ્રીમંત અને અપર મિડલ ક્લાસની નવી પેઢી માટે મોટી ગૂંચવણ ઊભી
કરે છે. આજના માતા-પિતાને પોતાના સંતાનોના સંસ્કાર અને-ગુજરાતીપણા વિશે દંભ કરવો છે, ને
બીજી તરફ સંતાનો પશ્ચિમની માન્યતા, વિચારસરણી અને જીવનશૈલીને જ અનુકરણીય અથવા યોગ્ય
માને છે.

આવી પરિસ્થિતિમાં જ્યારે એક મિડલ ક્લાસની છોકરીનો શરાબ પીતો, પાર્ટી કરતો વીડિયો
ભૂલથી વાઈરલ થઈ જાય (જે સ્માર્ટ ફોનમાં સાવ સામાન્ય બાબત છે) એ પછી છોકરીને આપઘાત કરવો
પડે એવી સ્થિતિ સુધી એને કોણ લઈ જાય છે? એનો જવાબ છે, બધા… આખો સમાજ, અથવા
આપણી દંભ અને જુઠની માનસિકતા! આજે કેટલી છોકરીઓ એન્ગેજમેન્ટ થયા પછી પોતાના ફિયોંસે
સાથે પરાણે સેક્સ કરે છે… કેટલીકવાર એવી તસવીરો પણ પડાવવી પડે છે જે કદાચ એની ઈચ્છા નથી.
કેટલીકવાર આવી તસવીરો અને લગ્ન પહેલાંની નિકટતા છોકરીને મુશ્કેલીમાં મૂકી દે છે. આપણા
સમાજમાં આજે પણ છોકરી અને છોકરાના ચારિત્ર્ય વચ્ચે ન્યાય કરવાનો આવે ત્યારે આપણે
સહજતાથી છોકરા અથવા પુરુષને માફ કરી દઈએ છીએ. ગમે એટલા આધુનિક વિચારો સાથે કે વિકાસ,
શિક્ષણ અને સ્ત્રી સ્વાતંત્ર્ય-સ્ત્રી સમાનતાની મોટી મોટી વાતો વચ્ચે પણ પૈતૃક સમાજની આ વ્યવસ્થા
બદલાઈ નથી, જ્યારે એક છોકરો શરાબ પીએ, છોકરીઓ વચ્ચે ડાન્સ કરતો વીડિયો વાઈરલ કરે કે એની
ગર્લફ્રેન્ડ-ફિયોંસે-પત્ની સાથે અંગત ક્ષણોના ફોટા વાઈરલ કરે ત્યારે એને ‘બિન્દાસ’ અથવા ‘જોરદાર’
જેવી કમેન્ટ્સ મળે છે… આ જ ફોટા જો છોકરીના ફેસબુક કે ઈન્સ્ટા પર વાઈરલ થાય તો એ નફ્ફટ,
સંસ્કાર વગરની, ભારતીય સંસ્કૃતિને લાંછન લગાડનારી એક નિર્લજ્જ યુવતિ કહેવાય છે!

નવાઈની વાત એ છે કે, અંગત ક્ષણોના ફોટો અને વીડિયો લેવા એ ‘ફેશન’ બનતી જાય છે.
‘મેમરી’ના નામે કે ‘ટ્રેન્ડ’ના નામે આવા વીડિયો ફોનમાં રહે છે જેનો ઉપયોગ કોઈપણ, ક્યારેય પણ કરી
શકે છે એવો ભય કે અંદેશો આ નવી પેઢીને કેમ નહીં લાગતો હોય? કાં તો આપણે તદ્દન બેપરવાહ હોવું
જોઈએ, ‘જેવો વીડિયો વાઈરલ થાય અને જે કરવું હોય તે કરે.’ એમ દૃઢતાપૂર્વક માનતા હોઈએ તો જુદી
વાત છે, પરંતુ એવું શક્ય નથી, આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ કોઈ ન જાણે એવી એ છુપી ઈચ્છા
પણ આપણી અંદર આપણી ભારતીયતા અને સંસ્કારિતાના નામે રહે છે. મતલબ એ થયો કે, બધું જ
કરવા છતાં સમાજ પાસેથી ‘ચારિત્ર્ય’ અને ‘સજ્જનતા’ કે ‘સંસ્કારિતા’નું સર્ટિફિકેટ મળતું રહે ત્યાં સુધી
આપણને કોઈ પ્રોબ્લેમ નહીં, જો એમ ન થાય તો પરિવાર, પડોશી અને સમાજના દરેક લોકો એ વિશે
પ્રશ્ન કરે છે. કોર્પોરેટ કંપની, સરકારી નોકરી, શાળા કે બીજા કોઈ ઈન્સ્ટિટ્યૂશનમાં પણ આવાં કોઈ
વીડિયોના વાઈરલ થવાથી ‘એમની પ્રતિષ્ઠા જોખમાવાનો પ્રશ્ન ઊભો થાય છે.’ ટૂંકમાં, આપણે
જીવનશૈલીમાં પશ્ચિમનું અનુકરણ કરવું છે અને સમાજમાં ભારતીય હોવાની છાપ અકબંધ રાખવી છે!
જ્યારે આવું શક્ય નથી બનતું, આપણા પત્તા ખૂલી જાય, ચોરી પકડાઈ જાય ત્યારે હિંમતથી આપણે જે
‘કર્યું’ તે સ્વીકારવાને બદલે, કદાચ ભૂલ થઈ હોય તો એ ભૂલ સુધારવાને બદલે એક આખી પેઢી છટકી
જવાનો રસ્તો અપનાવે છે. આ છટકી જવું એટલે, આત્મહત્યા!

એક સર્વેના આંકડા કહે છે કે, આખી દુનિયામાં એક વર્ષમાં સાડા સાત લાખ લોકો આપઘાત કરે
છે, તો બીજી તરફ એ જ સર્વેના આંકડા કહે છે કે, આપણા દેશમાં એક વર્ષમાં આઠ લાખ કરતાં વધુ લોકો
આપઘાત કરે છે. આ વાત ચોંકાવે એવી છે. એથી ય વધુ ચોંકાવે એવી વાત એ છે કે, 2019ના સત્તાવાર
આંકડા મુજબ ભારતમાં થયેલા કુલ આપઘાતના 35 ટકા લોકો 18થી 30 વચ્ચેના અને 31 ટકા લોકો
30થી 45 વચ્ચેના હતા. નિષ્ફળતા, નિરાશા, ભૂલ, ગરબડ કે ગોટાળો, એ જ ઉંમરે થાય જે ઉંમરે પૂરતી
સમજનો અભાવ હોય! એ ઉંમરમાં થયેલી ભૂલ વિશે આપણો સમાજ મોરલ પોલીસ કે ન્યાયાધિશ
બનવાને બદલે જો ક્ષમા અને સમજણ આપતા શીખે, વ્યક્તિની ભૂલ સુધારવાની એને તક આપે તો
કદાચ આપણે બધાએ આદર્શ સમાજ ઊભો કરી શકીએ અને ખોટી દિશામાં આગળ વધતી એક યુવા
પેઢીને બચાવી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *