‘આપના વિશેના પુસ્તકમાં આપનું સ્વાગત છે…’ શેરોન જોન્સ નામના એક લેખકના
પુસ્તકની શરૂઆત આ રીતે થાય છે. એ પુસ્તકની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે, ‘આ તમારી પોતાની
કાળીવૃતાંત કથા છે. એક એવો સિક્રેટ કમ્પાર્ટમેન્ટ જે તમે દુનિયાથી છુપાવી રાખ્યો છે. આ એવી
ડાયરી છે જ્યાં તમે ઈચ્છો તે કહી શકો છો. કોઈ તમને જજ નહીં કરે, તમારા સિવાય! આ એક એવો
અવકાશ છે જ્યાં તમે તમારા મહોરાં ઉતારીને જે છો, તેવા જ બની શકો છો.’
પુસ્તકનું નામ છે, ‘બર્ન આફ્ટર રાઈટિંગ’ (લખ્યા પછી બાળી નાખજો) આ બહુ રસપ્રદ
પુસ્તક છે. પુસ્તકને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. ધ પાસ્ટ (ભૂતકાળ), ધ પ્રેઝન્ટ (વર્તમાન),
ધ ફ્યુચર (ભવિષ્ય) અને ચોથું, માય ઓન વિટનેસ બોક્સ (મારી પોતાની સાક્ષીનો વિભાગ)
પુસ્તકના બ્લર્બ (છેલ્લા કવર પર લખ્યું છે, ‘કોઈ ન જોતું હોય ત્યારે તમે કેટલા પ્રમાણિક બની શકો
છો? ’ એની નીચે એક આખો ફકરો છે જે કહે છે, ‘તમારી પોતાની સીમારેખાઓ તોડી નાખો.
તમારા ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન વિશે તમે જે વિચારતા હોવ એ ખુલ્લા દિલે આ પુસ્તકમાં
લખો. માત્ર તમારે માટે અને જ્યારે આ પૂરું થઈ જાય ત્યારે એને ઉછાળો, છુપાવો કે બાળી નાખો…’
આ પુસ્તકની વિશેષતા એ છે કે, એમાં શરૂ કરતાં પહેલાં ત્રણ પ્રતિજ્ઞા લેવાની છે. પહેલી, હું
આ પુસ્તકમાં પૂછાયેલા બધા પ્રશ્નોના જવાબ નિષ્ઠુર થઈને પીડાપૂર્વક મારી ભીતરની પ્રમાણિકતાને
તપાસીને આપીશ. બીજું, હું આ પુસ્તકના પ્રશ્નોના જવાબ આપતી વખતે મારી ભીતર રહેલા
જાદુઈ પ્રતિભાવોને સહેજ પણ અટકાવીશ નહીં અને મારા વર્તમાનની માનસિકતાને ધ્યાનમાં રાખીને
બધા જવાબો સચ્ચાઈથી આપીશ. ત્રીજું, હું મારા મનની ગલીઓમાંથી પસાર થઈશ અને એ દરેક
વખતે કોઈ દરવાજો બંધ નહીં રહેવા દઉં, બલ્કે બધા દરવાજા ખોલીને પૂરી પ્રમાણિકતાથી જવાબ
આપીશ.
એ પછી શરૂ થાય છે પ્રશ્નો. ભૂતકાળ સાથે જોડાયેલા, વર્તમાન અને ભવિષ્ય સાથે
જોડાયેલા… લગભગ 149 પાનાંનું આ પુસ્તક માત્ર પ્રશ્નો જ પૂછે છે. આ પુસ્તકમાં એના ઉત્તર
લખવાની જગ્યા પણ છે, જેમ કોઈ સ્વાધ્યાયપોથી કે એક્સરસાઈઝ બુકમાં આપી હોય એવી રીતે!
પ્રશ્નો પણ રસપ્રદ છે. ‘મારી પહેલી સ્મૃતિ…’ થી શરૂ કરીને મારા ગમતા ગીતો, ગમતો રંગ, ગમતા
લોકો જેવા સાદા સવાલો પણ છે. સાથે જ કેટલાક કોમ્પ્લેક્સ ક્વેશ્ચન છે, ‘મારા પિતા સાથેના મારા
સંબંધોને હું કઈ રીતે મૂલવું છું’ અથવા ‘મારે ક્ષમા કરવી હોય એવા લોકોના નામ’ અથવા ‘એક
શબ્દમાં જવાબ આપો’ હું… એન્શિયસ છું કે કામ, મૂડી છું કે ચિયરફૂલ, સસ્પિશિયસ છું કે ટ્રસ્ટીંગ…
એવી જ રીતે, એમાં પોતાના વિશે માર્ક આપવાનો પણ એક હિસ્સો છે. જેમાં લખ્યું છે, ‘આપણને
મળતા દરેક માણસને આપણે જજ કરીએ છીએ. આજે ફોર એ ચેન્જ, આપણે આપણી જાતને જજ
કરીએ તો કેવું?’ એ પછી કેટેગરીઝ છે જેમાં પ્રમાણિકતા, કરુણા, બુધ્ધિમત્તા, સ્વીકાર,
સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ જેવા શબ્દોની સામે એકથી દસ નંબર છે. કોઈ અન્ય વ્યક્તિએ નહીં,
આપણે જ આપણી જાતને આ એકથી દસની વચ્ચે ક્યાંક માર્ક આપવાના છે!
આ પુસ્તક આપણી સામે આપણને જ ઉઘાડે છે. આના જવાબ આપતી વખતે આપણી
ભીતર રહેલી કેટલીક ગ્રંથિઓ છૂટે છે, ગાંઠ છૂટે છે. એવી કેટલી બધી બાબતો જે આપણે બીજા
લોકોને નથી કહી શક્યા અથવા કહેતા અચકાઈએ છીએ એવી ઘણી બધી વાતો આપણે આ પુસ્તકમાં
લખી શકીએ છીએ. મનમાં ભરી રાખેલી વાતો મનને મૂંઝવે છે. જેમ ખૂબ સામાન ભરેલા ઓરડામાં
અકડામણ-ગભરામણ થાય, ટ્રેનમાં કે બસમાં ભીડ હોય અને નિરાંતે બેસવાની જગ્યા ન મળે ત્યારે જે
ચીડ ચડે એવું કદાચ આપણા મનમાં ભરેલી વાતો સાથે આપણને થતું હોય છે. આ પુસ્તક ‘બ્રિધિંગ
સ્પેસ’ આપે છે, શ્વાસ લેવાની જગ્યા!
નવાઈની વાત એ છે કે, આપણામાંના બધા જ ક્યાંક, કશે દંભી અને ખોટું વર્તન કરતા હોય
છે. એક ઈમેજ ઊભી કરવાનો આપણો પ્રયાસ નિરંતર ચાલ્યા કરે છે. સામેની વ્યક્તિ આપણા વિશે શું
ધારે છે, શું માને છે અને એ બહાર આપણા વિશે શું બોલે છે એવી નકામી બાબતો વિશે આપણે ખૂબ
સજાગ અને સભાન હોઈએ છીએ. આપણે જાણીએ છીએ કે અન્ય વ્યક્તિ આપણે વિશે જે કઈ
માનતી કે વિચારતી હોય એ બદલી શકવાનું આપણું ગજું નથી, કારણ કે આપણે ગમે તેટલો પ્રયત્ન
કરીએ તો પણ અન્ય વ્યક્તિનું મન કે મગજ બદલી શકાતું નથી તેમ છતાં, આપણે સતત એ જ
કરવાનો પ્રયાસ કર્યા કરીએ છીએ. આપણી દરેક પ્રવૃત્તિ, વિચાર અને વર્તનને સામેની વ્યક્તિની
નજરમાં યોગ્ય કે શ્રેષ્ઠ ઠેરવવાનો પ્રયાસ અંતે થકવી નાખે છે. જે છીએ, તેવા પ્રગટ થતાં આપણને
સંકોચ થાય છે, કારણ કે આપણને એવો ભય છે કે સામેની વ્યક્તિ ન્યાયાધિશ બનીને આપણા વાણી-
વર્તન અને વિચારની સમીક્ષા કરશે! સત્ય તો એ છે કે, આપણે સૌ સતત અન્ય વ્યક્તિની નજરમાં
મૂલવાતા રહીએ છીએ. આપણી આસપાસની દુનિયા આપણી ઝીણી ઝીણી બાબતોને નોંધે છે-અને
એ વિશે એમના પ્રતિભાવ પણ ઉછેરે છે. આ પરિસ્થિતિને બદલી શકાતી નથી, કારણ કે દરેક વ્યક્તિ
પાસે પોતાની ભિન્ન ભિન્ન માપપટ્ટી છે અને દરેક વ્યક્તિ પાસે પોતાની આગવી સૂઝ અને
સમજ…
આ પુસ્તક આપણી આપણા વિશેની સૂઝ અને સમજને ખોલવાનું આપણને આપણા વિશે
જણાવવાનો પ્રયાસ છે. આ પુસ્તકમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના જવાબ જો પૂરી પ્રમાણિકતાથી
આપી શકાય તો કદાચ કોઈ માનસશાસ્ત્રી કે માનસિક રોગોની સારવારના ડૉક્ટર પાસે જવાની જરૂર
ન પડે.
ક્યાંક લખ્યું હતું કે, જો આપણે આપણું હૃદય મિત્રો, જીવનસાથી કે માતા-પિતા સાથે ખોલી
શકીએ તો કદાચ હૃદયના ડૉક્ટર પાસે દિલ ખોલાવાની જરૂર નહીં પડે! આ પુસ્તક ‘બર્ન આફ્ટર
રાઈટિંગ’ આવો જ એક ઉપાય છે જે વ્યક્તિને ખૂલવામાં મદદ કરે છે.