બે વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં સામાન્ય રીતે, મનભેદ, મનઃદુખ કે સમસ્યા ઊભી થયા વગર રહેતી નથી. ભાગ્યે જ
કોઈ બે મિત્રો, યુગલ, માતા-પિતા અને સંતાન વચ્ચે મનદુઃખ નહીં થયું હોય! આપણે બધા જુદા જુદા અભિપ્રાય ધરાવીએ
છીએ. જુદી માનસિકતા અને જુદી માન્યતા આપણને એકબીજા સાથે દલીલ કરવા, ઝઘડવા કે ક્યારેક નારાજ થવા સુધી
લઈ જાય છે. આપણે જોઈ રહ્યા છીએ કે આજકાલ છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. મોટી ઉંમરે પણ છૂટાછેડા લઈ રહેલા
યુગલોને સાંભળીએ તો સમજાય કે એમણે કેટલા વર્ષોથી પોતાની જાતને બાંધી રાખી છે. એકબીજા સામેના મતભેદો કે
સમસ્યાઓને સમાધાનનું નામ આપીને, બાળકો ખાતર કે બીજા કોઈપણ કારણસર સાથે જીવી રહેલા, જીવી ગયેલા આ
યુગલો અચાનક જ અસહિષ્ણુ અને આળાં થઈ જાય છે. કોરોના પછીના સમયમાં કેટલાય ઘરોમાં ડોમેસ્ટિક વાયોલન્સનું
પ્રમાણ વધ્યું છે. એવી જ રીતે જોવા જઈએ તો, ઘરમાં રહેતા વૃધ્ધો અને સંતાનો વચ્ચેના મતભેદનું પ્રમાણ પણ વધ્યું છે.
છેલ્લા થોડા વખતમાં લગ્નેતર સંબંધોની ઘટનાઓ પણ વધવા લાગી છે. હવે એમાં પણ પતિ કે પત્ની એવો
ભેદભાવ નથી રહ્યો, બંને પક્ષે અસંતોષ અને અભાવ એ હદે વધ્યા છે કે બંનેને લગ્નની બહાર પોતાનું સુખ શોધવાની
ઝંખના ઊભી થાય છે. સવાલ એ નથી કે, લગ્નેતર સંબંધ કેમ થાય છે ? સવાલ એ છે કે, એકવાર લગ્નેતર સંબંધ થાય
પછી બંને જણનો એકબીજા પરત્વે વિશ્વાસ ઊઠી જાય છે. એકવાર તૂટેલા વિશ્વાસને ફરીથી સંપાદિત કરવો કે
પરિસ્થિતિને નોર્મલ કરવી બંને પક્ષે પ્રમાણમાં બહુ અઘરી છે. માત્ર પતિ-પત્ની જ નહીં, પ્રેમી અને પ્રેમિકા, સંતાન અને
માતા-પિતા વચ્ચે પણ આવી ઘટનાઓ બને છે, ત્યારે સંબંધની સૌથી મહત્વની બાબત, વિશ્વાસ અને બોન્ડ ખતમ થઈ
જાય છે. આપણે બધાં, આમાં ભાગ્યે જ કોઈ અપવાદ હશે-મનદુઃખ અને મતભેદને બહુ ગંભીરતાથી લઈએ છીએ એટલું
જ નહીં, એને લાંબા સમય સુધી સંઘરી રાખવાની ટેવ આપણને સૌને પડી ગઈ છે. ગુસ્સામાં કે ઉશ્કેરાટમાં કહેવાયેલા
શબ્દોને ગાંઠે બાંધવા, યાદ રાખવા અને વારેવારે એ ઊઝરડાને ખોતરીને પંપાળ્યા કરવાની કોણ જાણે કેમ આપણને ગમવા
લાગ્યું છે ! સત્ય તો એ છે કે, નવેસરથી શરૂઆત કરવાની હિંમત અને આવડત આપણે બધાએ કેળવવાની જરૂર છે.
વિતી ગયેલી ઘટનાને ક્યારેય બદલી શકાતી નથી. ફરી પાછા રિવાઈન્ડ કરીને ભૂતકાળમાં જવું અશક્ય છે, એ
આપણે બધા જ જાણીએ છીએ તેમ છતાં નવાઈની વાત એ છે કે આપણે બધા જ ફક્ત ભૂતકાળને વાગોળીને દુઃખી થવાનું
આપણને ફાવી ગયું છે. આપણી પાસે વિતેલા સંબંધનો ડેટા હોય છે, એક વ્યક્તિ હંમેશાં ખરાબ જ હોય, એણે સતત
વિશ્વાસ તોડ્યો હોય કે આપણી સાથે હંમેશાં ખરાબ વર્તન કર્યું હોય તો કદાચ અલગ રીતે જોઈ શકાય, પરંતુ સંબંધમાં
એકાદ કે વધુ ભૂલો સમજણપૂર્વક ભૂલીને નવેસરથી શરૂઆત કરવાથી બંને માટે સંબંધને જીવવાની એક નવી તક ઊભી
થાય છે.
મોટાભાગના લોકો એવું માનવા જ તૈયાર નથી કે કોઈ એક વ્યક્તિ નાની-મોટી ભૂલ કરે, લગ્નેતર સંબંધ,
ટીનએજ સંતાન, વીડ કે ડ્રગમાં ફસાય, જ્ઞાતિ કે ધર્મ જોયાજાણ્યા વગર પ્રેમસંબંધ બાંધે ત્યારે આપણે એ વાતને વારંવાર
યાદ કરીને સામેની વ્યક્તિને એની ભૂલ કે ચૂક ભૂલવામાં મદદ કરવાને બદલે પરિસ્થિતિની કડવાશમાં ઊમેરો કર્યા કરીએ
છીએ. એકવાર છેતરાયા પછી વિશ્વાસ કરવો અઘરો છે, પરંતુ સંતાન સાથે કે જીવનસાથી સાથેના સંબંધમાં આપણી પાસે
વિતેલા સમયની સુંદર યાદો પણ છે જ. એ યાદોને વધુ મહત્વ આપીને સંબંધમાં થયેલો વિશ્વાસઘાત કે આઘાત ભૂલવાનો
પ્રયત્ન ન થઈ શકે ?
કોઈપણ વ્યક્તિ, જે આપણને પ્રિય હોય એની સાથેનો આપણો સંબંધ આપણા અસ્તિત્વનો એક ટૂકડો હોય છે.
એ ટૂકડો તોડી નાખવાને બદલે સમજદારીનું એહડેસિવ (ગુંદર) વાપરીને એને ફરી જોડવાનો પ્રયત્ન થાય એટલીવાર કરી
જોવો જોઈએ. ‘મન, મોતી ને કાચ…’ આપણે અનેક કહેવતો સાંભળી છે, પરંતુ જીવનમાં સૌથી મહત્વની કે પ્રિય
વ્યક્તિની જગ્યા ખાલી થઈ જાય એને બદલે નાનકડી તિરાડ સાથે એ સંબંધને ફરી એકવાર સાચવીને, સંભાળીને આપણા
જીવનમાં ગોઠવવાનો પ્રયત્ન સામેની વ્યક્તિને જ નહીં, આપણને પણ સુખ અને સંતોષ આપશે.
સંબંધ તૂટવાનું મુખ્ય કારણ આઘાત, વિશ્વાસઘાત, છેતરપિંડી તો છે જ, પરંતુ એની સાથે સાથે આપણો ઈગો કે
અહંકાર પણ મહત્વનો ભાગ ભજવે છે. સામેની વ્યક્તિએ આપણને છેતર્યા, એ વાત આપણને ભૂલવા દેતી નથી. એણે
કોઈ બીજાને પ્રેમ કર્યો, અથવા માતા-પિતાએ પૂરા લાડ અને સ્નેહથી ઉછેર કર્યા છતાં, સંતાન પોતાના રસ્તાથી ભટકી
ગયું… આવી પરિસ્થિતિમાં સામેની વ્યક્તિ ઉપરના ગુસ્સા કે તિરસ્કારને બદલે ‘હું-કાર’ નડે છે. આપણે ક્યારેય આવી
પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને દલીલ કરતી સાંભળી હોય તો સમજાય, ‘મારામાં શું ખૂટતું હતું ?’ અથવા ‘એનામાં એવું શું છે
જે મારામાં નથી’ અથવા ‘અમે માતા-પિતા તરીકે ક્યાં ઓછા પડ્યા ?’ જેવા સવાલો પૂછવામાં આવે છે…
આમાં કોઈ સરખામણી કે ઈગો પ્રોબ્લેમ નથી, સામેની વ્યક્તિ કદાચ નબળી હોય, માનસિક રીતે એ પોતાની
જાતને સંભાળી ન શકી હોય તો આપણી ફરજ પ્રિયજન, સ્વજન કે માતા-પિતા તરીકે એને સંભાળવાની અને પરિસ્થિતિને
ફરી એકવાર ગોઠવીને સંબંધોને નવેસરથી શરૂ કરવાની… જો આપણે પણ એને તિરસ્કારીને, નકારી જ દેવાના હોઈએ તો
એની અને આપણી વચ્ચે ફેર શું ? જો આપણે આપણી જાતને સ્ટ્રોંગ કે મજબૂત કહેતા હોઈએ તો આપણી પ્રિય વ્યક્તિની
નબળાઈને સંભાળી લેવાની જવાબદારી આપણે લેવી જોઈએ… લેટ અસ સ્ટાર્ટ અ ફ્રેશ.
Dear Kajal Mam,
Very beautiful and pure thoughts you have. You are inbuilt artist and very great person.
I love you so much