સેલફોન અને શૌચાલયઃ મેનર્સ આવડે છે? 

રવિવારની બપોરે બરાબર અઢી વાગ્યે સેલફોન રણકે છે… મંગળવારના સાંજના કાર્યક્રમ માટે વાત કરવી છે. આખું અઠવાડિયું દોડાદોડ કરીને માંડ થાકેલી-હાંફેલી વ્યક્તિ સહેજ જંપી ગઈ હોય, આરામમાં હોય ત્યારે સેલફોનની આ રિંગ ઝેર જેવી લાગે. 

જાહેરસ્થળે-પબ્લિક ટોઈલેટમાં દાખલ થઈએ ત્યારે સમજાય કે વિકાસ અને ટેકનોલોજીની વાતો કેટલી પોકળ અને નકામી છે! ઢોળાયેલું પાણી-ગંદા પગલા અને વાસ મારતા પબ્લિક ટોઈલેટ્સ આપણી નિરક્ષરતા અને બેદરકારીનું પ્રતિબિંબ છે.

આ સેલફોન અને શૌચાલય બંને સ્વચ્છા અને સમજદારીથી વાપરવાની ચીજો છે એ વાત આ દેશમાં કોઈકે સમજવી પડશે અને સમજાવવી પડશે. વોશરૂમમાં, મંદિરમાં, કોઈના બેસણામાં પણ જ્યારે કોઈ સેલ્ફી લેવાની વાત કરે ત્યારે એક વિચાર આવે, ગમે તેટલો મોંઘો સેલફોન ખરીદી લેવાથી એને વાપરવાની આવડત કે મેનર્સ એની સાથે આવતા મેન્યુઅલમાં શીખવવામાં આવતા નથી!

સેલફોનના આવવાથી લગભગ દરેક વ્યક્તિ હવે પોતાના જીવનની દરેક ક્ષણને અમર બનાવી દેવા તૂટી પડી છે. સેલિબ્રિટી સાથે ફોટો પડાવવાથી શરૂ કરીને ગમે ત્યાં વીડિયો કરી લેવાની આપણી ટેવ કોઈ બીમાર માનસિકતા સુધી પહોંચી ગઈ છે. એક્સિડેન્ટનો કે રસ્તા પર ચાલતી મારામારીનો, કુદરતી આફતનો કે આગ લાગી હોય ત્યારનો વીડિયો કરવાની આપણી લત એટલી ખરાબ છે કે કોઈને બચાવવાને બદલે આપણને એ ક્ષણ કેપ્ચર કરીને અપલોડ કરવામાં વધુ રસ પડે છે! 

2023ના સર્વે મુજબ 142.86 કરોડની આ વસતીમાંથી બાળકો સિવાય ભાગ્યે જ કોઈ એવું છે જેની પાસે સેલફોન ના હોય. આજથી ત્રણ દાયકા પહેલાં જ્યારે ભારતમાં સેલફોન લોન્ચ થયા ત્યારે અનેક લોકોએ પ્રમોદ મહાજનને એની આ નવી નીતિ બદલ ટ્રોલ કર્યા હતા. આજે, નાનામાં નાના ગામડામાં નિરક્ષર ખેડૂતથી શરૂ કરીને ખેતમજૂર, કે કડિયાકામ, મિસ્ત્રીકામ કરતા, આર્થિક  રીતે સંઘર્ષ કરી રહેલા વ્યક્તિ માટે પણ સેલફોન અનિવાર્ય જરૂરિયાત બની ગયો છે. આપણા દેશમાં સેલફોન અને શૌચાલયની સ્થિતિ સરખી છે, મળી ગયા છે, પણ વાપરતા શીખવાનું બાકી છે. કોઈપણ જાહેર શૌચાલયમાં-ટોલગેટ પર, સરકારી ઓફિસમાં, પબ્લિક ટોઈલેટ (પે એન્ડ યૂઝ) થિયેટર, એરપોર્ટ, એસટી કે રેલવેના શૌચાલયમાં પ્રવેશ કરીએ ત્યારે આપણને સમજાય કે આપણે એક અભણ અને મેનર્સ વગરના દેશમાં રહીએ છીએ! ફ્લશ ન કરવાથી શરૂ કરીને, કમોડવાળા શૌચાલયમાં પણ ફર્શ પર બેસીને ગંદકી કરનારી સ્ત્રીઓની આ દેશમાં ખોટ નથી. સેનેટરી નેપકિન્સ, બાળકોના ડાઈપર અને ગંદા કપડાં સહિત ડસ્ટબિનમાં નાખવા જેટલી પણ સમજ આપણામાં નથી? ટોઈલેટ ગયા પછી પાણી ન નાખવું કે સંડાસને બદલે બહાર ગંદકી કરવી એ આ દેશની સ્ત્રીઓનો જન્મસિધ્ધ અધિકાર છે? પુરુષોના શૌચાલયમાં ગંદા લખાણો અને ચિત્રો આપણી માનસિકતાનું પ્રતિબિંબ છે? આમ જોવા જઈએ તો શૌચાલય જ શું કામ, કોઈપણ જાહેર સ્થળ જે આપણી માલિકીનું નથી અથવા સાર્વજનિક છે એ બધી જગ્યાએ ગંદકી કરવા આપણે તૈયાર જ છીએ!  સરકાર કે શૌચાલય મેનેજ કરનાર વ્યક્તિ (ઓફિસ) ગમે તેટલી સફાઈ રાખવાનો પ્રયાસ કરે, પરંતુ એના એ પ્રયાસને સફળ ન થવા દેવાની આ દેશના લોકોએ ગાંઠ વાળી છે!


એવી જ રીતે સેલફોનમાં પણ ગંદકી કરવાની આપણને ટેવ પડી ગઈ છે. ફેમિલી ગ્રૂપમાં અંગત સંદેશા મોકલીએ ત્યાં સુધી તો કદાચ, બહુ વિરોધ ન હોઈ શકે, પરંતુ સોસાયટી કે ઓફિસના ગ્રૂપમાં-કોઈ કામ માટે કે પ્રોજેક્ટ માટે બનાવેલા ગ્રૂપમાં પણ આપણે બિનજરૂરી મેસેજ અને જ્ઞાન મોકલીને કચરો નાખીએ છીએ. ખરેખર જે ગ્રૂપ કોઈ મહત્વની વાત માટે બનાવવામાં આવ્યું હોય એમાં બધી બિનજરૂરી બાબતોનો કચરો નાખનારા લોકો એ ભૂલી જાય છે કે કેટલાક સિન્સિયર લોકો દરેક વખતે મેસેજ આવે ત્યારે એને મહત્વનો કે કામનો મેસેજ માનીને ચેક કરે છે-પછી એમને નિરાશા થાય એટલે ધીમે ધીમે મેસેજ જોવાના બંધ કરે-એમાં કેટલીકવાર મહત્વનું કામ કે મેસેજ રહી જાય એવું પણ બને છે. સેલફોન હવે દરેક વ્યક્તિને ક્યાંય પણ સંપર્ક સાધવાનું એક સરળ માધ્યમ છે, પરંતુ પ્રશ્ન એ છે કે પ્રાઈવસી નામના શબ્દ સાથે આપણે કોઈ લેવા દેવા છે? વ્યક્તિ ક્યાં છે, શું કરે છે એ પૂછવાની તસદી લીધા વગર મોટાભાગના લોકો પોતાની વાત શરૂ કરી દે છે-એટલું ઓછું હોય એમ જો ફોન રિસીવ કરનાર વ્યક્તિ એ સમયે વાત કરવાની ના પાડે તો ફોન કરનારને ખોટું લાગી જાય છે. બીજી એક મજાની વાત એ છે કે, કોઈને આપણે કામ સોંપ્યું હોય કે કોઈએ આપણી પાસેથી પૈસા લીધા હોય એ પછી આપણે એને ફોન કરીએ, વ્યક્તિ કદાચ કોઈ કામમાં રોકાયેલી હોય, વાહન ચલાવતી હોય એથી ફોન ન ઉપાડી શકે, તો આપણી પહેલી ધારણા એ છે કે એને આપણું કામ નથી કરવું અથવા એમને પૈસા નથી આપવા… એથી આગળ વધીને, કોઈ એક સેલિબ્રિટી કે જાણીતી વ્યક્તિનો નંબર આપણી પાસે હોય તો બે-ચાર લોકોની વચ્ચે બેઠા હોઈએ ત્યારે વટ પાડવા માટે આપણે ફોન લગાડી દઈએ છીએ. સામેની વ્યક્તિ સજ્જન હોય તો એકાદવાર ફોન ઉપાડે, આપની સાથે સારી રીતે વાત પણ કરે, પરંતુ જ્યારે એને સમજાઈ જાય કે આ ઈગોનું પ્રદર્શન માત્ર છે ત્યારે, એ વ્યક્તિ ફોન ન ઉપાડે… એ વખતે સેલિબ્રિટી કે જાહેરજીવન જીવતી વ્યક્તિ અભિમાની છે અથવા એને ફેનની પડી નથી… આવી ધારણા બાંધીને ટ્રોલ કરતાં પણ આપણે અચકાતાં નથી. આવું એટલા માટે થાય છે કારણ કે, આપણી પાસે ફોન કરવાનો કોઈ નિશ્ચિત સમય કે ડિસિપ્લિન નથી. આપણા મગજમાં આવે એ ક્ષણે ઉપાડીને ફોન જોડી દેવાનો-કારણ કે, હવે દરેક વ્યક્તિ-દરેક સમયે ઉપલબ્ધ છે એવું આપણે માની લીધું છે! સેલફોન અને શૌચાલય-આ બંને મેનર્સ માગે છે. જેમ આપણને કોઈ ડિસ્ટર્બ કરે, આપણને નથી ગમતું એમ અન્યના સેલફોન પર ફોન કરતાં પહેલાં સમય અને એ વ્યક્તિની સગવડ જોવી એ એક જવાબદાર માણસ તરીકે આપણી ફરજ છે. આપણે શૌચાલય વાપરીને બહાર નીકળીએ એ પછી પણ કોઈ આવવાનું છે એવું યાદ રાખીને સફાઈ રાખવી એ એક નાગરિક તરીકે આપણી ફરજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *