કોઈ અત્યંત નિકટની વ્યક્તિ આપણી સાથે જુઠ્ઠું બોલે, આર્થિક રીતે નુકસાન પહોંચાડે, વિશ્વાસ
તોડે કે આપણા વિશે આપણે કહેલી કોઈ અંગત વાત બીજાને કહી દે… ત્યારે દુઃખ થાય, થવું જ જોઈએ
કારણ કે આપણે માણસ છીએ. આપણે બધા આવી પરિસ્થિતિમાંથી ક્યારેક ને ક્યારેક પસાર થયા જ છીએ.
દરેક વખતે દરેક વ્યક્તિ આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં જુદો જુદો પ્રતિભાવ આપે છે. કોઈક ગુસ્સે થઈ
જાય, કેટલાક વળી સાચું-ખોટું કરાવવા માટે બે પક્ષને ભેગાં કરે તો કેટલાક ઝાઝી તપાસ કર્યા વિના જ ઝઘડી
નાખે… પરંતુ, અગત્યનું એ છે કે કોઈ આપણાં બટન દબાવે અને આપણી પીડા, ઉશ્કેરાટ કે ક્રોધ
ઉછળી પડે તો એનો અર્થ કદાચ એ થાય કે, સામેની વ્યક્તિ આપણી મનોટેકનોલોજી જાણે છે, એ
જ્યારે અને જે ઈચ્છે તે પ્રમાણે આપણને વર્તવા મજબૂર કરી શકે છે! આપમી પાસે આપણો
પોતાનો વિચાર કે વર્તન નથી?
મારા ઉપર આવતા પત્રોમાં મને વારંવાર લગ્નજીવનમાં, સંબંધમાં, સંતાનો દ્વારા કે ભાઈ-બહેન
દ્વારા છેતરાયાની ફરિયાદ કરતાં અનેક પત્રો મળે છે… ત્યારે સવાલ એવો થાય કે આપણને કોણ છેતરી શકે?
જેના ઉપર આપણે સૌથી વધુ વિશ્વાસ કરતા હોઈએ એ જ વ્યક્તિ! વિશ્વાસ ન હોય એ કેવી
રીતે છેતરે? જેની સાથે આપણે નિકટનો સંબંધ હોય, જેને આપણે અંગત વાત કહેતા હોઈએ,
જેનો ભરોસો કરતા હોઈએ એવી જ વ્યક્તિ આપણો ભરોસો તોડી શકે-તો પછી, એ વાતની
નવાઈ શા માટે લાગવી જોઈએ? હા, કહેવું સહેલું છે, પરંતુ જેણે અનુભવ્યું હોય એને બહુ પીડા
થાય-ભરોસો કર્યા બદલ અફસોસ થાય-છેતરાયાની લાગણી થાય, બધું સાચું, પરંતુ જે થઈ ગયું
એને જો બદલી શકાય એમ ન હોય, ને સામેની વ્યક્તિને એનો અફસોસ પણ ન હોય તો એ
વાતને વિસારે પાડીને આગળ વધી જવું એ જ સાચો અને ઉત્તમ રસ્તો છે. હવે કદાચ કોઈ એમ
પૂછે કે, ‘જો આપણે એ વ્યક્તિને એટલું પણ ન જણાવીએ કે, આપણે એની છેતરપિંડી જાણી
ગયા છીએ-એની ચાલાકીને માપી લીધી છે તો એ વ્યક્તિને છેતરવાની ટેવ ના પડી જાય?’ હા!
જણાવવું જોઈએ… પરંતુ, પૂરી સ્વસ્થતા અને માનસિક સંતુલન સાથે.
આપણો પ્રોબ્લેમ એ છે કે, આપણે જ્યારે છેતરાઈએ છીએ, ભરોસો તૂટે કે વિશ્વાસઘાત
થાય ત્યારે આપણે સામાન્યતઃ માનસિક સંતુલન ગૂમાવી બેસીએ છીએ. જેમતેમ બોલવું,
ઉશ્કેરાવું, રડવું, ઝઘડવું આ બધી સ્વાભાવિક પ્રતિક્રિયાઓ છે, સામેની વ્યક્તિ જ એની અપેક્ષા
રાખતી હોય એવી સ્થિતિમાં જ્યારે આપણે જરાય ગુસ્સે થયા વગર કે મગજ ગૂમાવ્યા વગર
સામેની વ્યક્તિને પ્રમાણમાં ઠંડકથી છતાં મક્કમતાથી આપણા વિશ્વાસઘાત વિશે, આપણી પીડા
વિશે કે છેતરપિંડી વિશે જણાવીએ ત્યારે એને માટે આપણું સંતુલન સૌથી મોટો આઘાત પૂરવાર
થાય છે. આ સહેલું નથી જ, પરંતુ જો કરી શકાય તો આનાથી મોટી જીત કે માનસિક શાંતિ
બીજી કોઈ નથી.
આપણે બધા જ ક્યારેક ને ક્યારેક આપણા પોતાની જ વ્યક્તિથી મળેલી પીડાનો ભોગ
બન્યા છીએ-આવા સમયે એ વ્યક્તિ સાથે સંબંધ તોડી નાખવાની હિંમત અને તૈયારી હોય છે
ખરી? ‘ફરીથી નથી છેતરાવું’ એવા નિર્ણય સાથે છેડો ફાડીને નીકળી જ શકાય, પરંતુ એ પછી
મળનારી દરેક વ્યક્તિને સંદેહથી જોવી, કોઈના પર ભરોસો ન કરવો અને સતત પોતાની સાથે
થયેલી છેતરપિંડી અથવા વિશ્વાસઘાતને યાદ રાખીને એ ઘાને પંપાળી-પંપાળીને એમાંથી લોહી
કાઢ્યા કરવું યોગ્ય છે? કેટલીકવાર સામેની વ્યક્તિ સંપૂર્ણપણે દોષિત ન પણ હોય, ‘બેનિફિટ ઓફ
ડાઉટ’ આપવાની તૈયારી ઘણીવાર સંબંધોને બચાવી શકે છે.
આપણે જ્યારે છેતરાઈએ છીએ, વિશ્વાસઘાત થાય છે ત્યારે આપણે સામેના માણસની
કેફિયત સાંભળવાની ધીરજ કે તૈયારી ખોઈ બેઠા હોઈએ છીએ. એ જુઠ્ઠું જ બોલશે, એવી ગાંઠ
આપણે ઓલરેડી વાળી લીધી છે એટલે સામેની વ્યક્તિ જે કંઈ કહે છે એને આપણું મન અને
મગજ રજિસ્ટર કરતું જ નથી. કદાચ, રજિસ્ટર કરીએ તો પણ એના પર ફરી એકવાર ભરોસો
કરવાની આપણી તૈયારી ન હોય એ સહજ માનવીય બાબત છે…
હવે, સમજવાની વાત એ છે કે આપણી પાસે સંબંધોનો વિતેલો ડેટા છે ખરો? બે-ચાર-
પાંચ કે દસ વર્ષ, 15 કે 25 વર્ષના સંબંધમાં શું સામેની વ્યક્તિએ દરેક વખતે આવું જ કર્યું છે?
વારંવાર છેતરાયા છો? તો ભૂલ તમારી છે… એક-બે કે ત્રણવાર તક આપ્યા પછી જો ફરી
છેતરાવા તૈયાર થયા હોઈએ તો આપણે જ જવાબદાર છીએ, પરંતુ જો આવું પહેલીવાર બન્યું
હોય તો કદાચ, સામેની વ્યક્તિને પોતાની વાત કહેવાની તક આપવાથી-માફ કરવાથી, એના પર
ફરી વિશ્વાસ કરવાની તૈયારી બતાવવાથી સંબંધને બચાવી શકાય છે એટલું જ નહીં, લાગણી
અને વિશ્વાસના સ્તરને પણ સુધારી શકાય છે. આ વાત મોટેભાગે લગ્નજીવન અને સંતાનોના
વર્તન સાથે જોડાયેલી છે. ટીનએજના બાળકો જુઠ્ઠું બોલે, ખોટું કરે ત્યારે માતા-પિતા સામાન્ય
રીતે ગાંઠ વાળી લે છે-એમની દરેક વાત પર શંકા કરે છે. શક્ય છે માતા-પિતાને થયેલા દુઃખથી કે
પોતાને થયેલા પશ્ચાતાપથી સંતાન સુધરવાનો પ્રયાસ કરે, પરંતુ જ્યારે ફરી ફરી અવિશ્વાસ અને
શંકાથી જ એને આહત કરવામાં આવે ત્યારે એ બાળક સુધરવાનું કે બદલાવાનું માંડી વાળીને ફરી
એ જ સ્થિતિમાં પહોંચી જવાની ભૂલ કરે છે! પતિ કે પત્ની કદાચ લગ્નેતર સંબંધ બાંધી બેસે,
પકડાય ત્યારે એ વાતને ભૂલવાની તૈયારી હોય તો જ ક્ષમા કરવી-ફરી ફરીને એ જ વાત કરવાની
હોય તો લગ્નજીવન ક્યારેય પહેલાં જેવું નહીં થઈ શકે એ નક્કી છે.
કોઈએ આપણને છેતર્યા માટે, આપણને પણ છેતરપિંડી કરવાનું, સામેની વ્યક્તિ સાથે
વિશ્વાસઘાત કરવાનો અધિકાર મળી જાય છે એવું માનતી વ્યક્તિ પોતાના જીવનની બહુ મોટી
ભૂલ કરે છે. સત્ય તો એ છે કે, કોઈને છેતરવા કરતા છેતરાવામાં વધુ સુખ છે, કારણ કે છેતરનાર
વ્યક્તિ કદીએ ભૂલી શકતા નથી કે પોતે ‘ભૂલ’ કરી છે, જ્યારે છેતરાયેલી વ્યક્તિને પીડા છે,
આઘાત છે, હૃદય તૂટ્યાનો અફસોસ છે, પરંતુ કોઈને છેતર્યાનો અપરાધભાવ તો નથી જ…