છોડ દે સારી દુનિયા કિસી કે લિયે…

1983થી 1995… એક એવી અભિનેત્રીની કારકિર્દી જેણે બાર વર્ષમાં 72 ફિલ્મો કરી. સુભાષ
ઘાઈની ફિલ્મમાં નવા હીરો સાથે એને રજૂ કરવામાં આવી, અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, સની
દેઓલ, રિશી કપૂર જેવા અનેક ‘એ’ લિસ્ટેડ એક્ટર્સ સાથે અને ‘એ’ લિસ્ટેડ ડિરેક્ટર્સ સાથે કામ કરીને
એણે સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી ! એ હદ સુધી કે 2016માં જ્યારે એમની સુપરહિટ ફિલ્મની સિક્વલ
બનતી હતી ત્યારે એમને અભિનય કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા, પરંતુ એમણે સ્પષ્ટ ના પાડી,
એટલે માત્ર ફ્લેશબેકમાં એમના જૂના સીનનો ઉપયોગ કરીને દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ ‘સંતોષ’
માનવો પડ્યો !

જેનું મૂળ નામ શશીકલા શેષાદ્રી હતું, પરંતુ સુભાષ ઘાઈના ‘એમ’ માટેના પ્રેમ કે જ્યોતિષમાં
એમની શ્રદ્ધાને કારણે એનું નામ મીનાક્ષી પાડવામાં આવ્યું. 1995માં તમિલિયન હરિશ માયસોરને
પરણીને મુંબઈ છોડ્યા પછી એ અભિનેત્રીએ ફિલ્મોને સાચા અર્થમાં તિલાંજલિ આપી દીધી. એમની
જિંદગીની સૌથી રસપ્રદ બાબત એ છે કે, એમના વિશે ઉડતી અફવાઓને એમણે ક્યારેય ગંભીરતાથી
લીધી નહીં, પરંતુ પોતાની ‘સ્વચ્છ’ ઈમેજ સતત જાળવી રાખી. મોટેભાગે એમણે શરીર પ્રદર્શન ટાળ્યું છે.
એમના સેટ પર, શુટિંગમાં કે આઉટડોરમાં એમના મમ્મી (સુંદરી શેષાદ્રી) સતત હાજર રહેતાં, એટલું જ
નહીં એમના કોસ્ચ્યુમ અને સ્ક્રીપ્ટ ઉપર એમના મમ્મીની મંજૂરીની મહોર વાગે પછી જ એ ઓ.કે. થતા.

‘એની મમ્મી અમને પરણવા દેવા તૈયાર નહોતી… એ મીનાક્ષી માટે માત્ર તમિલિયન સિવાય કોઈ
મૂરતિયો સ્વીકારવા તૈયાર નહોતી. મીનાક્ષી મને ખૂબ પ્રેમ કરતી હતી અને હું પણ… પરંતુ, એના
મમ્મીના વિરોધની સામે મીનાક્ષીએ હાર માની લીધી.’ રાજકુમાર સંતોષીએ એમના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું
હતું. રાજકુમાર સંતોષી સાથે મીનાક્ષી શેષાદ્રીની કેમેસ્ટ્રી ગજબ હતી. એ તો આપણને ‘ઘાયલ’ અને
‘દામિની’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યું, પરંતુ રાજકુમાર સંતોષી કે કુમાર સાનુ સાથેના એમના અફેરની
અફવાઓને મીનાક્ષી શેષાદ્રીએ કોઈ દિવસ નકારી કે સ્વીકારી નહીં !

રાજકુમાર સંતોષીએ જાહેર કરેલી એક જબરજસ્ત ફિલ્મ ‘દિલ હે તુમ્હારા’નું મુહૂર્ત બેંગ્લોરમાં
પ્લાન કરાયું હતું. સની દેઓલ અને મીનાક્ષી શેષાદ્રી એમાં મુખ્ય પાત્રો હતાં. એક આખી ફાઈવસ્ટાર
હોટેલ અને ફ્લાઈટ ચાર્ટર્ડ કરવામાં આવી હતી. એ સિવાય પત્રકારોને પણ ત્યાં હાજર રાખવા માટે
પ્લેનની ટિકિટ આપવામાં આવી હતી. ચાર્ટર્ડ ફ્લાઈટમાં બોલિવુડના ‘મોટાં’ ગણી શકાય એવાં અનેક
નામો હાજર હતાં. ફ્લાઈટ ઉપડતાં જ શેમ્પેઈન પીરસવામાં આવ્યો… લગભગ બધા એવું માનતા હતા
કે બેંગ્લોરની એ ફાઈવસ્ટાર હોટેલમાં રાજકુમાર સંતોષી અને મીનાક્ષી શેષાદ્રીના એન્ગેજમેન્ટની
જાહેરાત કરવામાં આવશે… આ વાતની પુષ્ટિ કરતો ભવ્ય સેટ પણ લગ્ન મંડપનો જ હતો, પરંતુ ફિલ્મનું
મુહૂર્ત કરવામાં આવ્યું… ફિલ્મ બની જ નહીં ! નજીકના વર્તુળમાં એવી અફવા છે કે એ દિવસે સવારે
મીનાક્ષી શેષાદ્રીના રૂમમાં જઈને રાજકુમાર સંતોષીએ એને ‘પ્રપોઝ’ કર્યું હતું, મીનાક્ષી શેષાદ્રીની માએ
જેનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. પ્લાનિંગ કદાચ એવું જ હતું કે, જો મીનાક્ષી શેષાદ્રી રાજકુમાર સંતોષીની
પ્રપોઝલ સ્વીકારે, તો સાંજે એ જ સેટ પર એન્ગેજમેન્ટની જાહેરાત કરીને ભવ્ય પાર્ટીનું આયોજન કરવું,
પરંતુ મીનાક્ષી શેષાદ્રીના માના ઈન્કારે આખી વાત બદલી નાખી. આ વાત સાચી છે કે નહીં, એને વિશે
કોઈ પુષ્ટિ કરી શકે એમ નથી, પરંતુ માતા-પિતાની ઈચ્છા વિરુધ્ધ લગ્ન નહીં કરવાનો મીનાક્ષીનો નિર્ણય
એને મોંઘો પડ્યો, ફિલ્મો મળતી બંધ થઈ. આની પાછળ રાજકુમાર સંતોષી હતા કે નહીં એની ચર્ચા
નકામી છે, પરંતુ એ સમય દરમિયાન મીનાક્ષી શેષાદ્રીએ ફરિયાદ કરવાને બદલે ભરત નાટ્યમ્ માં ડિગ્રી
લીધી.

ન્યૂયોર્કમાં એનો ઈન્ટરવ્યૂ લેવા આવેલી એક જર્નાલિસ્ટ છોકરીએ ‘હોમ ફૂડ’ ખાવા તરસતી
મીનાક્ષીને ઘેર જમવા આમંત્રણ આપ્યું. ત્યાં એ હરિશ માયસોરને મળી. પરિવાર અને હરિશને મળ્યા
પછી મીનાક્ષીની માએ એના લગ્ન માટે માગું નાખ્યું. કોઈ આજ્ઞાકિંત સમજદાર દીકરીની જેમ માતા-
પિતાની ઈચ્છાને સંપૂર્ણપણે માન આપીને મીનાક્ષીએ હરિશ માયસોર સાથે લગ્ન કરી લીધા. વ્યવસાયે
બેન્કર અને ફાયનાન્શિયલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર હરિશ માયસોર સાથે અમેરિકામાં સેટલ થઈ ગયેલા
મીનાક્ષી શેષાદ્રી આજે 57 વર્ષનાં છે. એક દીકરો જોશ અને દીકરી કેન્દ્રા સાથે ‘ચેરિશ’ નામની ડાન્સ
સ્કૂલ ચલાવે છે. હવે એ માત્ર ચેરિટી ઈવેન્ટ માટે પરફોર્મ કરે છે…

માતા-પિતાનું કહ્યું માનીને લગ્ન કરવાં એ જુનવાણીપણું કે ‘અનકુલ’ નથી… એમનો વિરોધ
કરવો, એમને દુઃખ પહોંચાડીને ભાગી જઈને વિરોધ કે ઝઘડા કરીને ધાર્યું કરનારા બધા જ સુખી થાય છે
એવું નક્કી નથી. માતા-પિતાની ઈચ્છાથી લગ્ન કરનારા બધા સુખી થાય છે એવું પણ નક્કી નથી, છતાં
જો એમની ઈચ્છાને માન આપીને લગ્ન કરીએ તો જ્યારે સમસ્યા ઊભી થાય કે, તકલીફ આવે ત્યારે
એમની મદદ માગતાં સંકોચ નથી થતો !

જો એક સફળ ફિલ્મ અભિનેત્રી પોતાના માતા-પિતાની ઈચ્છાને માન આપીને એમની ઈચ્છાથી
એમને ગમે અને સાચવે એવા મૂરતિયા સાથે લગ્ન કરી શકે તો આપણા સમાજની દીકરી એવું કેમ ન કરી
શકે ? જેણે જન્મ આપ્યો, ઉછેર્યા, સારું શિક્ષણ કે જીવન આપ્યું. આપણે નિર્ણય કરી શકીએ એવી શક્તિ
જેણે આપણામાં જગાડી એવા માતા-પિતા સાથે આપણો સંબંધ નાળ અને અસ્તિત્વનો છે. જેને થોડા
મહિના કે વર્ષોથી ઓળખીએ છીએ એની સાથે આપણો સંબંધ એટલો મહત્વનો કેવી રીતે બની જાય કે
આપણા અસ્તિત્વનું કારણ હોય, જેની સાથે વર્ષોનો સંબંધ હોય એવા માતા-પિતા આપણા દુશ્મન બની
જાય… એમનો વિરોધ સમજવા કે સાંભળવાની પણ આપણને જરૂર ન લાગે ? દરેક માતા-પિતા
પોતાના સંતાનનું ભલુ જ ઈચ્છે છે. જે કદાચ પ્રેમમાં પડેલા સંતાનને નથી સમજાતું… બીજી તરફ,
માતા-પિતાએ પણ સંતાનની પસંદગીને એકવાર ચકાસી જોવી જોઈએ. એમણે જેને સંસ્કાર આપ્યા છે
એવાં સંતાન સાવ ખોટી પસંદગી નહીં કરે એવો વિશ્વાસ રાખીને એકવાર સંતાનની પસંદગીને મળવું કે
જોવું એ માતા-પિતાની પણ ફરજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *