ચૂંટણીઃ મંદિર, મફત અને મતનું સરકસ

ગુજરાતમાં આવનારી ચૂંટણીઓની હલચલ શરૂ થઈ ગઈ છે. મેટ્રો અને વંદે ભારત ટ્રેનને
લીલી ઝંડી બતાવીને નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને એક નવી ભેટ આપી છે. ગઈકાલ સુધી જે
રસ્તાઓ ખોદાયેલા અને અવ્યવસ્થિત દેખાતા હતા એના ખાડા ધીમે ધીમે પૂરાઈ રહ્યા છે. બીજી
તરફ, ભ્રષ્ટ અને અશિષ્ટ આચરનાર રાજકારણીઓને ઝીણી નજરે વીણી વીણીને મેઈન સ્ટ્રીમમાંથી
હટાવવાના પ્રયાસ શરૂ થયા છે ત્યારે પક્ષ બદલવાનો પણ એક ટ્રેન્ડ ધીમે ધીમે શરૂ થયો છે.

દિલ્હીથી પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને બીજા કેન્દ્રીય મંત્રીઓના આંટાફેરા વધી ગયા છે.
ઉદ્દઘાટનો અને જાહેરસભાઓ ધીમે ધીમે જોર પકડી રહી છે. આટલાં વર્ષોમાં જેણે ગુજરાત તરફ
જોવાની તસ્દી નથી લીધી એવા નેતાઓ ગુજરાતના યાત્રાધામોના દર્શને નીકળી પડ્યા છે… અને,
અચાનક સૌના હૃદયમાં ગુજરાતનું હિત ઊભરાવા લાગ્યું છે. આમ જોવા જઈએ તો ગુજરાત તરફ
સૌની નજર છે. અહીંની શાંતિ, સમૃદ્ધિ અને સંસ્કૃતિએ આખા વિશ્વને આકર્ષ્યું છે, જેમાંથી ‘આપ’
પણ બાકાત રહી શકે એમ નથી.

ભારતીય જનતા પક્ષ છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ સાચવી રહ્યો છે.
ટુરિઝમ, વ્યાપાર, સંસ્કૃતિ અને શિક્ષણ જેવા કેટલાય ક્ષેત્રોમાં ગુજરાતને અગ્રેસર કરી બતાવ્યું છે.
જેટલા નરેન્દ્ર મોદીના પક્ષકાર છે, એટલા જ એમના વિરોધીઓ પણ છે. જેટલા ભારતીયોને એમના
નિર્ણયો હિંમતભર્યા અને દેશહિતના પક્ષમાં લાગ્યા છે એટલા જ લોકોને, એમના નિર્ણયો અયોગ્ય
અને ખોટા પરિણામ આપનારા લાગ્યા છે. નરેન્દ્ર મોદીએ નિર્ણય કરવાની હિંમત બતાવી છે, એને
કારણે જામી ગયેલું, અટકી ગયેલું ભારતીય તંત્ર હલબલ્યું છે-એટલે હવે કદાચ કશુંક બદલાશે એવી
આશા તો રાખી જ શકાય. હવે આ બદલાવ સારો છે કે ખરાબ એનો નિર્ણય સમય જ કરી શકે!
કેટલાક કહે છે કે, આ ભયનું શાસન છે, પરંતુ જે લોકો ભારતને ઓળખે છે, ભારતીય નાગરિકની
માનસિકતા સમજે છે એને ચોક્કસ સમજાશે કે આપણે બધા જ કાયદા તોડવા અને નિયમો ન
માનવા જેવી બાબતોને ‘બહાદુરી’ કે ‘અહંકારની પુષ્ટિ’ માનીને જીવનારા લોકો છીએ. પશ્ચિમના
દેશોનું વ્યવસ્થાપન અને અનુશાસન જોઈને આપણને ઈર્ષા ચોક્કસ થાય છે, પરંતુ એ સમયે આપણે
ભૂલી જઈએ છીએ કે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી માત્ર સરકારની નથી… જ્યાં
સુધી ‘સજા’ નો ભય ન હોય ત્યાં સુધી આપણને કાયદો પાળવો ગમતો નથી, એવી સ્થિતિમાં ભય
વગરનું સ્વયંશિસ્ત કેટલા અંશે સફળ થઈ શકે?

અત્યારે ગુજરાતમાં ત્રણ મુખ્ય પક્ષો ચૂંટણી લડશે એવું દેખાય છે. જેમાંથી કોંગ્રેસ પાસે એવા
કોઈ મજબૂત કે મહત્વના ઉમેદવાર હોય એવું લાગતું નથી. છેલ્લા થોડાં વર્ષોમાં અંદરોઅંદરની લડાઈ
અને નબળી નેતાગીરીને કારણે કોંગ્રેસે જાતે જ પોતાનું ઘણું નુકસાન કર્યું છે. ચૂંટણીની તૈયારી રૂપે
અનેક કોંગ્રેસી નેતાઓએ ‘આપ’ સાથે હાથ મિલાવ્યા છે ત્યારે કેજરીવાલનો પક્ષ કદાચ મજબૂત થઈ
રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાંથી એમને મળી રહેલા સહકારને કારણે ઠેર ઠેર ‘આપ’ના પોસ્ટર અને બોર્ડ
દેખાતા થયાં છે. અત્યાર સુધી ગુજરાતમાં ‘આપ’ની કોઈ હાજરી વર્તાતી નહોતી, પરંતુ અચાનક
કેજરીવાલ એન્ડ કંપનીએ ગુજરાત તરફ પોતાનું સુકાન ફેરવ્યું છે. આનું કારણ એ છે કે, ગુજરાતની
સમૃદ્ધિએ આખા દેશના અર્થતંત્રને સદીઓથી પોતાની મુઠ્ઠીમાં પકડી રાખ્યું છે. ગુજરાત જ નહીં,
વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ એમના પોતાના અને ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે
ત્યારે, દરેકને ગુજરાતમાં મોટો લાડુ દેખાય એ સ્વાભાવિક છે.

સવાલ ભાજપનો પ્રચાર કે વખાણ કરવાનો નથી, પરંતુ છેલ્લા 20 વર્ષના શાસન દરમિયાન
આપણી પાસે ભાજપનો એક અનુભવ અને ઓળખ છે. ગુજરાતને આંતરરાષ્ટ્રીય નકશા પર મૂકવાનું
કામ ભાજપના શાસન દરમિયાન થયું છે, એટલું તો સ્વીકારવું જ પડે. સામે, દિલ્હીમાં કેજરીવાલના
શાસને દેશને શું આપ્યું છે એનો હિસાબ થવો જોઈએ. કોને મત આપવો એ દરેક નાગરિકનો અંગત
અને પવિત્ર અધિકાર છે, અને મહત્વની વાત એ છે કે, આંગળી મૂકી શકાય એવી ઘણી સમસ્યાઓ
પણ ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં જોઈ છે. ત્રાજવું લઈને બેસીએ તો સમજાય કે, ગુજરાતીનો ઈગો
એને સૌથી વધુ નડે છે.

ઈગો અને પૈસા પછી ગુજરાતીઓને જો કોઈ ત્રીજો શબ્દ આકર્ષતો હોય તો એ છે ‘મફત’…
દરેક પક્ષને આ માનસિકતા કદાચ સમજાઈ ગઈ છે અને ‘આપ’ એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા તૈયાર
છે. ‘મફત’ શિક્ષણ (જે અત્યારે છે જ), મફત વીજ બીલ જેવી જાહેરાત કરીને ગુજરાતીઓને
આકર્ષવાનો એમનો પ્રયાસ કેટલો સફળ રહેશે એ તો સમય જણાવશે, પરંતુ આપણે સૌ
ગુજરાતીઓએ મત આપતાં પહેલાં પૂરો વિચાર કરવો જોઈએ જેથી આવનારા પાંચ વર્ષ માટે આપણે
કોઈ એવી જગ્યાએ ન સપડાઈ જઈએ જે આગળ વધી રહેલા ગુજરાતને ફરી એકવાર પાછળ ધકેલી
દે!

શરૂઆતમાં ‘આપ’ દ્વારા અન્ના હજારેનો આશ્રય લેવામાં આવ્યો. દેશમાં સફાઈ કરવાના
વચન સાથે એમણે ઝાડુંને પોતાનું પ્રતીક બનાવ્યું. ઉપવાસ કર્યા અને ભ્રષ્ટાચાર નાબૂદીના નારા
લગાવ્યા… દિલ્હીવાસીઓએ ઉત્સાહમાં આવીને ‘આપ’ને શાસન સોંપ્યું, પછી શું થયું? દિલ્હીમાં
ક્રાઈમ રેટ, ટ્રાફિક, મોંઘવારી અને બીજી સમસ્યાઓ આખા દેશ કરતાં વધારે છે. ભ્રષ્ટાચાર દિલ્હીમાં
કેવો અને કેટલો છે એ વિશે ચર્ચા કરવાની જરૂર લાગે છે?

ગુજરાતમાં પ્રવેશ લેવા માટે ‘આપ’ દિલ્હીની જેમ જ ‘મફત’ની જાહેરાતો કરે છે. દરેક
ગુજરાતીએ પોતાની જાતને પૂછવું જોઈએ કે, ‘મફત’ની ટેવ આપણને આળસુ અને નકામા નહીં
બનાવે? આપણે આપણી ભવિષ્યની પેઢીને મહેનતુ બનાવવી હોય અને ધ્યેય સાથે આગળ વધારવી
હોય તો આ ‘મફત’ની લાલચ અને ટૂંકાગાળાના વચનોથી આકર્ષાવું જોઈએ કે નહીં? જે ગુજરાતી નથી
એને ક્યારેય ગુજરાતની માનસિકતા સમજાવાની નથી. જેને ગુજરાત નહીં સમજાય એને ગુજરાતની
જરૂરિયાત અને એની સાથે જોડાયેલી ગુજરાતીઓના ઈમોશન પણ નહીં જ સમજાય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *