કોરોનાના આંકડા ડરાવી નાખે એ રીતે વધી રહ્યા છે. વાઈબ્રન્ટ સમીટ કેન્સલ થઈ અને લગ્ન
સમારંભો પણ સરકારે ઘટાડેલી મહેમાનોની સંખ્યાના કારણે કેન્સલ થઈ રહ્યા છે તેમ છતાં, પાંચ
રાજ્યોની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે… બીજી તરફ, કોરોનાની ત્રીજી લહેર પોતાનું જોર બતાવી રહી
છે. એ બંનેની વચ્ચે અર્થતંત્રને પડેલો માર અને શેરબજારની અનિશ્ચિતતા, વિશ્વભરમાંથી આવનારા
ફંડિંગ વિશે પણ ઊભા થયેલા પ્રશ્નાર્થ ચિહ્નો સાથે સરકારને વાઈબ્રન્ટ સમીટ કેન્સલ કર્યા પછી
જબરજસ્ત ફટકો પડ્યો છે ! મતદાર અને ઉમેદવાર એક એવા ત્રિભેટે આવીને ઊભા છે જ્યાં મીડિયા
ડ્રીવન (સંચાલિત) ચૂંટણી થવાની શક્યતા ભારોભાર દેખાઈ રહી છે.
ભારતીય ચૂંટણી સામાન્ય રીતે ધર્મ, જ્ઞાતિ કે જાતિના આધારે થતી રહી છે. અત્યાર સુધી
યુ.પીમાં જ્ઞાતિનું રાજકારણ રમાતું હતું, આ વખતે મુસ્લિમ વોટ બેન્કને સાથે લેવા માટે
જાહેરસભાઓની ભાષા બદલાઈ છે. યુ.પી.ની વોટ બેન્કને સમજવાનો પ્રયત્ન કરીએ તો 42થી 45
ટકા ઓબીસી, 21થી 23 ટકા દલિત, 18થી 20 ટકા ફોરવર્ડ કાસ્ટ અને 16થી 18 ટકા મુસ્લિમ
વોટ વચ્ચે ઉત્તર પ્રદેશ વહેંચાય છે. અત્યાર સુધી મુસ્લિમને ‘માઈનોરિટી’ અથવા ‘બીજા-ત્રીજા’ શબ્દોથી
નવાજતું હિન્દુત્વનું રાજકારણ હવે એમને પોતાની સાથે લેવા બેચેન છે. એવી જ રીતે મણિપુરમાં
1967માં જ્યાં 3 લાખ 12 હજાર મતદારો હતા ત્યાં આજે 17 લાખ જેટલા મતદારો છે. આર્મીના
વિરોધમાં નાગાલેન્ડમાં ભડકેલી હિંસા પછી સેવન સિસ્ટર્સનો આખો વિસ્તાર અશાંત છે. ચીનના
ઘૂસપેઠિયાઓએ એ આખા વિસ્તારને એક જુદી જ માનસિકતામાં ધકેલી દીધો છે. દુઃખની વાત એ
છે કે, સામાન્ય ભારતીય પણ એ વિસ્તારના લોકોના થોડા જુદા દેખાવને કારણે એમને ‘ચીના’ કહીને
આપણાથી જુદા પાડતા રહ્યા છીએ. એ સૌ હવે પોતે પણ અખંડ ભારતથી પોતાની જાતને જુદા
ગણવા લાગ્યા છે… પંજાબમાં 68 ટકા જનરલ અને 31 ટકા એસસીના વોટ છે તો ઉત્તરાખંડમાં 78
ટકા સામાન્ય, 18 ટકા એસસી અને 3 ટકા એસસી વોટ છે, જેમાં લગભગ 70 ટકા જેટલા ઓછું કે
નહીં ભણેલા-રૂરલ અને 30 ટકા જેટલા ભણેલા અને અર્બન વોટ છે. આ બધી ગણતરી માત્ર મીડિયા
માટે છે. ભારતીય વોટરને આ બધી વિગતો સાથે જાણે કોઈ નિસબત જ ન હોય એવી રીતે અત્યારે
ચૂંટણીઓ વિશે ભારતીય મતદાર તદ્દન નિરસ છે કારણ કે, એની રોજિંદી જિંદગીમાં 2019-20
દરમિયાન ઊભા થયેલા સવાલોના જવાબ હજી એણે શોધવાના બાકી છે… કોઈ પણ દેશનું
રાજકારણ તંદુરસ્ત અને નિરપેક્ષ ત્યારે જ હોઈ શકે જ્યારે એ દેશના મતદારનું આર્થિક અને માનસિક
સંતુલન પ્રમાણમાં યોગ્ય હોય ! અત્યારે તો આખી દુનિયાનું આર્થિક અને માનસિક સંતુલન
ખોરવાયેલું છે.
આવા સમયે પાંચ મહત્વના રાજ્યો પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ગોવાની
ચૂંટણીઓ શું પરિણામ આપશે એ નક્કી કરવું બહુ અઘરું છે. વિતેલા વર્ષે જે સમસ્યાઓ ઊભી કરી છે
એમાં ઘણા લોકો સરકારને પણ મહદ્ અંશે જવાબદાર ગણે છે. બંગાળની ચૂંટણીઓ અને મુંબઈની
બેદરકારી, અચાનક કરેલું લોકડાઉન અને બેફામ લેવાયેલા નિર્ણયો જેવી અનેક ફરિયાદો 2022ના
વોટરને છે. આવા સમયે ત્રીજી લહેરના ભણકારા વાગે છે, કદાચ ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે ત્યારે
ભારતીય વોટર યોગ્ય નિર્ણય કરી શકશે ? ભારતીય વોટરને અંગત પ્રશ્નો જ એટલા બધા છે કે દેશના
ભાવિ વિશે નિર્ણય કરવામાં એ કેટલો તટસ્થ રહી શકશે ?
કેટલાંય માતા-પિતા સંતાનો પાસે જવાની રાહ જુએ છે, તો કેટલાંય લગ્નો મુલતવી રહેવાના
છે. એના માટે આપેલા એડવાન્સ પૈસા, કેન્સલ થતી ટિકીટો, થર્ડ કન્ટ્રી પાસે લેવું પડતું
આરટીપીસીઆરનું કોવિડ નેગેટિવ સર્ટિફિકેટ કે રોકાયેલી ઊઘરાણી આપણને રાજકારણમાં રસ લેવા
દે એમ નથી. સરકાર ભલે પોતાના કારણોસર ચૂંટણીની જાહેરાતો કરે, પરંતુ સત્ય એ છે કે, આપણે
બધાએ કોવિડની ગાઈડલાઈન્સનું પાલન કરીને ચૂંટણીને આવકારવાની કે એની સાથે જોડાયેલાં
આપણા દેશભક્તિના, જવાબદારીના કે મતદાર તરીકેના અધિકારોનો ઉપયોગ કરવાનો છે… સરકાર
આવશે અને જશે, પરંતુ જિંદગી એક જ વાર મળે છે. ભલે કોવિડમાં મૃત્યુની સંખ્યા ઓછી છે, પરંતુ
શારીરિક બીમારીને જ્યાં સુધી દૂર રાખી શકાય ત્યાં સુધી આપણે બધાએ એ માટે પ્રયત્નશીલ રહેવું એ
પણ આપણી જવાબદારી છે.
ભારતીય વોટર ઈમોશનલ છે. ટોળું એ ભારતીય જનસમાજની માનસિકતા છે. બેદરકારી
આપણો સ્વભાવ છે. આ બધા પછી નુકસાન કે બગડતી પરિસ્થિતિ માટે ‘સરકાર’ને જવાબદાર ઠેરવી
દેવાનું આપણને અનુકુળ પડે છે. 135 કરોડની આબાદીમાંથી કેટલા લોકો ગંભીરતાથી ભીડમાં
જવાનું ટાળે છે કે, હાથ ધોવાના, માસ્ક પહેરવાના નિયમોને અનુસરે છે ? જેને બે ટંક ભોજનના
વાંધા છે, જેના માથે દેવું થઈ ચૂક્યું છે અને હજી આર્થિક સંતુલનના ઠેકાણા નથી એવા લોકો માટે
કામ કરવા બહાર નીકળ્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. એમને ભીડથી ડરવાનું કે ઘરમાં
બેસવાનું નહીં પોષાય. બીજી તરફ, જે લોકો આવા નિયમો વિશે દૃઢતાથી આગ્રહ રાખે છે એવા
લોકોને ‘બીકણ’ કે ‘વેવલા’ કહીને એમની હાંસી ઉડાવનારાની આ દેશમાં ખોટ નથી.
ચૂંટણી કેટલાક લોકો માટે આવકનું સાધન બનવાની છે. આપણા દેશમાં એટલી ગરીબી છે,
અને કોરોનાએ મારેલા માર પછી કદાચ થોડા પૈસા, ભોજન કે બીજી જરૂરિયાતો માટે રેલીમાં
જોડાનારા માણસોની સંખ્યા વધે એવું બને. જેની પાસે કામ નથી એને માટે આવી રેલી કે પ્રચારની
સભાઓ બે ટંકનું ભોજન પૂરું પાડતી હોય તો એવા લોકો બીજાના સ્વાસ્થ્યનો વિચાર કર્યા વગર
આવી પ્રવૃતિમાં જોડાય એ સ્વાભાવિક છે. 2022ની ચૂંટણીઓ કદાચ રાજકીય નિર્ણય છે. સરકારે
લીધેલા નિર્ણયમાં આપણે વ્યક્તિગત રીતે ફેરફાર ન કરી શકીએ એ સાચું, પરંતુ આપણા સ્વાસ્થ્ય અને
પારિવારિક સ્વસ્થતાની જવાબદારી તો આપણા અંગત નિર્ણય પર જ આધારિત છે. પરાણે ટેસ્ટ
કરાવવો પડે કે રસી આપવી પડે એનો શો અર્થ છે ? આપણે ‘નેગેટિવ’ છીએ, એવું પૂરવાર કરવા માટે
‘પોઝિટિવ’ વિચારવું પડશે. સવાલ કોરોના, ઓમિક્રોન કે આવનારા બીજા વેરિયન્ટ્સનો નથી… હવે
આપણે સૌએ આપણા સ્વાસ્થ્યની જવાબદારી જાતે લેવાનો સમય શરૂ થઈ ચૂક્યો છે.
પર્યાવરણને જે નુકસાન થયું છે કે કુદરત સાથે આપણે જે કંઈ અત્યાચાર કર્યા છે એ પછી
પરિસ્થિતિ સાવ બદલાઈ જશે એવું માનવાની જરૂર નથી. દુર્ભાગ્યે આપણે હજી પણ એવું માનીએ
છીએ કે, જાહેર સ્વાસ્થ્યની જવાબદારી સમાજની નહીં પણ, સરકારની છે. કદાચ, સરકાર બેદરકાર
છે એવું સ્વીકારી લઈએ-સરકાર રાજકીય નિર્ણયો કરે છે એવો આક્ષેપ સાચો પણ હોય તોય આટલાં
સ્વજનોને ગુમાવ્યા પછી, બીજી લહેરમાં કોરોનાની ભયાનકતાને અનુભવ્યા પછી પણ જો આપણે ન
સમજીએ કે ન સુધરી શકીએ તો સરકાર આમાં કશું નહીં કરી શકે.