તેનાં નેત્રો શરદના કમલ સમાન છે, શરદકમળની સુગંધ ધારણ કરે છે અને શરદના કમલ પર
બિરાજતી લક્ષ્મી સમાન તેનું સૌંદર્ય છે. (33)
હે રાજા! આવી સુંદર કેડવાળી, ચારુગાત્રી પાંચાલી દ્રૌપદીને દાવમાં મૂકી, હે શકુનિ! હું રમું છું.
(37)
મહાભારતમાં દ્યુત પર્વમાં દ્રૌપદીને દાવ પર લગાડતા પહેલાં સ્વયં એમના પતિ, ધર્મરાજ
પોતાની પત્નીનું વર્ણન કરે છે, જાણે કોઈ ‘વસ્તુ’ને દાવ પર લગાડતા હોય એમ!
આજે આપણે એ વિશે વિચારીએ તો 2023ની છોકરી પૂછે, ‘યુધિષ્ઠિરે તો કંઈ પણ કર્યું,
દ્રૌપદીએ શા માટે વિરોધ ના કર્યો?’ પરંતુ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં ગમે તેટલી તેજસ્વી,
નિર્ભિક કે તાર્કિક દલીલ કરી શકતી સ્ત્રીને પણ એના પતિનો વિરોધ કરતાં અચકાટ થયો હશે, એવું
સ્વીકારી લેવું પડે! ત્યારથી આજ સુધી ‘સુંદર’ હોવાની કિંમત સ્ત્રીએ ચૂકવવી પડી છે, કદાચ આજે
પણ ચૂકવી રહી છે. સ્ત્રીનું શરીર તો વેચાય જ છે, પરંતુ દુનિયાભરની પ્રોડક્ટ્સ વેચવા માટે પણ
સ્ત્રીનું શરીર ઉપયોગમાં લેવાય છે. એની ત્વચા, એના વાળ, એના દાંતથી શરૂ કરીને એની પાતળી-
કટી કે ફેશન સુધી હજીયે કદાચ સ્વીકારી શકાય, પરંતુ ટાઈલ્સ, બાથરૂમ ફીટિંગ્સ, અરે! પુરુષોના
પરફ્યુમ અને એમના અંડરગાર્મેન્ટ વેચવા માટે પણ જ્યારે સ્ત્રીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એને
માટે કોને જવાબદાર ગણવા જોઈએ? આ દુનિયા તો ‘બજાર’ છે, પરંતુ પોતાની જાતને એ ‘બજાર’માં
વસ્તુ તરીકે મૂકવી છે કે વ્યક્તિ રહેવું છે એનો નિર્ણય તો સ્ત્રીએ જાતે જ કરવો પડે ને?
સવાલ એ છે કે, ‘સ્ત્રી’ ગમે તેટલી સ્વતંત્ર, કમાતી, ઊંચી પોઝિશન પર કે સફળતાના શિખરે
બિરાજતી હોય તો પણ એને ‘વસ્તુ’ સમજતા પુરુષોની સંખ્યા ઓછી નહીં હોય, પરંતુ એવું માનતી
સ્ત્રીઓની સંખ્યા કદાચ પુરુષો કરતાં વધારે છે. મોડલિંગ, અભિનય કે બીજાં ગ્લેમરના ક્ષેત્રોમાં કામ
કરતી સ્ત્રીઓ દેહપ્રદર્શનને પોતાના વ્યવસાય અને સફળતાનો હિસ્સો સમજે છે. પાત્રની જરૂરિયાત
હોય તો કદાચ સમજી શકાય, પરંતુ એવોર્ડ ફંકશનમાં કે બીજી એવી જગ્યાઓએ જ્યાં જરૂર નથી ત્યાં
પણ ખભા દેખાય, પેટ દેખાય, પગ અને સાથળ ઉઘાડા દેખાય કે લગભગ આખી પીઠ ખુલ્લી રહે
એવાં વસ્ત્રો પહેરીને આ સ્ત્રીઓ ‘બજાર’માં ટકી રહેવાનો જે પ્રયાસ કરે છે એના પર ગુસ્સો આવવાને
બદલે ક્યારેક દયા આવે છે.
સ્ત્રીએ અંગપ્રદર્શન ન કરવું જોઈએ, ટૂંકા કપડાં ન પહેરવાં જોઈએ, મોર્ડન વસ્ત્રો પહેરનારી
સ્ત્રી ‘ચાલુ’ કે ‘અવેલેબલ’ છે, આવાં કોઈ વિચારનું સમર્થન કરવાનો અહીં ઈરાદો નથી. વ્યક્તિ
સ્વાતંત્ર્યનો અધિકાર આપણને બંધારણ આપે છે. અર્થ એ થાય છે કે, કોણે શું પહેરવું એ દરેક
વ્યક્તિએ જાતે જ નક્કી કરવાનું છે, પરંતુ સન્માન, સંસ્કૃતિ અને સભ્યતા એ ત્રણ એવા શબ્દો છે
જેનો નિર્ણય વ્યક્તિગત નહીં, સમાજલક્ષી હોવો જોઈએ. જૂનવાણી, રૂઢિચુસ્ત, જડ અને
દકિયાનુસી માન્યતા ધરાવતા લોકો સાથે સંમત ન જ થવાય. દીકરીને ભણાવવી જ જોઈએ,
પુત્રવધૂને ઘરના દરેક નિર્ણયમાં હિસ્સેદાર બનાવવી જોઈએ… સ્ત્રીને સન્માન, સુરક્ષા અને સ્વતંત્રતા
મળવાં જ જોઈએ એમાં કોઈ બે મત નથી, પરંતુ સ્ત્રી પોતે જ જ્યારે પોતાના સન્માન અને સુરક્ષા
વિશે બેદરકાર હોય, પોતાને મળેલી સ્વતંત્રતાનો દુરૂપયોગ કરતી હોય ત્યારે કોને જવાબદાર ગણવા?
આપણે બધા પશ્ચિમથી બહુ પ્રભાવિત થઈએ છીએ. આપણી ફેશન, વિચારો, સ્ત્રી
સ્વતંત્રતાનો ખ્યાલ અને જીવનશૈલી પશ્ચિમના વિચારોથી રંગાતી જાય છે ત્યારે આપણે બધાએ એવું
સમજવું જોઈએ કે, કાગડો આખી રાત વરસાદમાં બેસી રહે તો પણ સવારે ધોળો નથી થઈ જતો!
આપણે ફરિયાદ કરીએ છીએ કે, વિદેશથી અહીં આવતા પ્રવાસીઓ માટે આપણો દેશ અને આપણા
વ્યાપારીઓ ‘ઘેલા ઘેલા’ થઈ જાય છે, પરંતુ જ્યારે આપણે વિદેશ જઈએ ત્યારે જાણે-અજાણે
રંગભેદનો સામનો કરવો પડે છે. આપણે વિચારવું જોઈએ કે, આપણી પરંપરા અને સંસ્કૃતિ માટે
આપણને જ સન્માન નહીં હોય, તો અન્ય પાસેથી એની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? દીકરી
નાનકડી હોય ત્યારથી જ માતા-પિતા એને જે વસ્ત્રો પહેરાવવાનું શરૂ કરે છે એમાં દીકરીનો પોતાનો
કોઈ વિચાર હોતો નથી, એ સમજણી થાય ત્યાં સુધીમાં એનાં વસ્ત્રોની પસંદગી ઉપર એક વિચિત્ર
પ્રકારના અંગપ્રદર્શનની છાપ પડી ચૂકી હોય છે! આધુનિક વસ્ત્રો, ટૂંકા કે શરીર દેખાય એવાં વસ્ત્રો
પહેરવા સામે કોઈ છોછ કે વિરોધ નથી, પરંતુ એ પછી ટુવ્હીલર પર જતી કે બસ સ્ટોપ પર ઊભેલી
છોકરી અસુરક્ષિત પરિસ્થિતિમાં મૂકાય છે. સાઈડ સ્લિટવાળા કપડાં પહેરીને જો ગાડીમાંથી ઉતરવાનું
હોય, જ્યાં આ વસ્ત્રોને સમજી-અપ્રિશિયેટ કરી શકે, સન્માનપૂર્વક વર્તી શકે એવા લોકો હોય તો
પહેરવામાં વાંધો નથી, પરંતુ સાઈડ સ્લિટવાળો સ્કર્ટ પહેરીને જ્યારે દીકરી કોલેજમાં જાય છે ત્યારે
ત્યાં ઉપસ્થિત સારા અને ખરાબ તત્વોનો એણે સામનો કરવો જ પડે છે. અન્યની દ્રષ્ટિ ઉપર આપણો
કોઈ કંટ્રોલ નથી, એ વાત આપણે બધાએ સમજી લેવી પડે. ફિલ્મની હિરોઈન કે મોડેલ જે કપડાં
પહેરે છે એની સાથે એના બોડીગાર્ડ અને સેક્રેટરી, કમ્પેનિયનની સુરક્ષા હોય છે. આપણે જેની કોપી
કરીએ છીએ એ સ્ત્રીઓ આવાં વસ્ત્રો પહેરવાં માટે મોંઘીદાટ રકમ લે છે, પરંતુ આપણી દીકરીઓ
કોઈ કારણ વગર આને ‘ફેશન’ માનીને પોતાના જ સન્માન અને સુરક્ષા સામે ભયની પરિસ્થિતિ
ઊભી કરે છે, ત્યારે આપણે ‘મોર્ડન’ અથવા ‘સ્વતંત્રતા આપતા’ માતા-પિતાનો દંભ પકડી રાખવાને
બદલે આપણા સંતાનોને-ખાસ કરીને, દીકરીઓને એની સુરક્ષા અને સન્માન વિશે સભાન કરવી
જોઈએ. આપણા દીકરાને એવું સમજાવવું જોઈએ કે, ટૂંકા વસ્ત્રો પહેરતી કે અંગપ્રદર્શન કરતી દરેક
છોકરી ચાલુ કે લફરાંબાજ નથી, ન જ હોઈ શકે.
નવાઈની વાત એ છે કે, આજના સમયમાં લગભગ દરેક સ્ત્રી-ઘરમાં કામ કરવા આવતી,
નીચલા મધ્યમવર્ગથી શરૂ કરીને છેક શ્રીમંત-અબજોપતિ કહી શકાય એવી સોસાયટી સુધી બધે જ
સ્ત્રી પોતાની જાતને નુમાઈશ, પ્રદર્શન કે પુરુષને આકર્ષવાની કોઈ ‘વસ્તુ’ સમજીને શૃંગાર કરે છે.
ફેસબુક કે ઈન્સ્ટા પર અપલોડ થતાં ફોટાની ‘લાઈક્સ’ ઉપરથી સ્ત્રીનો આત્મવિશ્વાસ અને સુંદરતાનું
પ્રમાણ વધઘટ થાય છે! સોશિયલ મીડિયાએ દરેક સ્ત્રીનાં મનમાં ‘પ્રસિધ્ધ’ થવાની, અનેક લોકોને
આકર્ષવાની એક છૂપી મહેચ્છા જગાડી છે, આ ઝંખના-મહેચ્છાએ હવે સ્ત્રીને વધુ યુવાન દેખાવા
માટે મરણિયા પ્રયાસ કરતી કરી નાખી છે. બોટોક્સથી શરૂ કરીને ફીલર્સ, લેસર અને બીજી કેટલીય
તબીબી મદદ સ્ત્રીની આ ઝંખનાને પૂરી કરવામાં પોતાનું પ્રદાન કરે છે. ભયાનક ખર્ચ કરીને જ્યારે
યુવાની કે સુંદરતા ટકાવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે એનું પરિણામ જો અન્ય લોકોની
દ્રષ્ટિમાં ઈર્ષા અને પ્રસંશા ન જગાડે તો સંતોષ કેમ મળે? એ માટે ટૂંકા વસ્ત્રો, દેહપ્રદર્શન જરૂરી બની
જાય છે. ઉછાછળાં-છીછરા, સ્ત્રી સન્માનને હાનિ પહોંચાડે એવાં રીલ અને ફોટા અપલોડ કરવામાં
આવે છે… ટૂંકમાં, આપણે વ્યક્તિ છીએ કે વસ્તુ, એ સવાલ સ્વયંને પૂછવો જોઈએ-આપણા પછીની
પેઢીને એનો જવાબ શોધવા માટે સજાગ કરવી જોઈએ.