કમિટમેન્ટ એટલે ગુલામી નહીં, ગમતી વ્યક્તિનો સાથ…

મુનિર નિયાઝીની ખૂબ જાણીતી ગઝલ, દેર કર દેતા હું મેં… જ્યારે જ્યાં પઢવામાં આવે ત્યારે લગભગ દરેક માણસને પોતાના હાથમાંથી સમય સરકી રહેલો દેખાય છે. જે દિશામાં જવા માટે નીકળ્યા હતા, એ દિશા ક્યારે ફંટાઈ-સાથે નીકળેલા બે જણા પોતપોતાના રસ્તે ક્યારે ચડી ગયા અને બંનેની મંઝિલ ક્યારે બદલાઈ ગઈ એનો ખ્યાલ જ નથી રહેતો !

આપણને કદાચ વધારે પડતું લાગે, પરંતુ સોમાંથી સીત્તેર કરતા વધારે ભારતીયો લગ્નો સંતાન, માતા-પિતા અને સામાજિક પ્રતિષ્ઠાને કારણે ટકી જાય છે. છેલ્લા એક દસકામાં લગ્નેતર સંબંધની વાતો પણ આપણને ખૂબ સંભળાય છે, કારણ કે લગભગ દરેક માણસને પોતાના સંબંધમાં જે મળ્યું છે એ ઓછું પડે છે. લગ્નજીવનની શરૂઆતના વર્ષો સામાન્યતઃ સંઘર્ષમાં વિતી જાય, પછી જ્યારે સગવડો મળવા લાગે ત્યારે માણવામાં રસ ન હોય ! આ વાત કેટલાય પરિવારોની હશે ! કેટલાય યુગલને લાગતું હશે કે એમના સંતાનો જે મજા કરી રહ્યા છે એવી મજા એમને મળી નથી…

લગભગ દરેક માણસને એવું તો લાગે જ છે કે, એને જીવનમાં જે કંઈ મળ્યું છે એ મળવા કે મેળવવામાં થોડું મોડું થઈ ગયું છે. માણવાની ઉંમર વિતી જાય, પછી શું ફાયદો… આવું ઘણા વિચારતા હોય છે. ત્યારે સવાલ એ છે કે, ‘માણવાની ઉંમર કઈ ?’ મરીઝ સાહેબ કહે છે કે, ‘જે મહેંદી હાથ-પગમાં હતી એ હવે કેશ પર લાગી છે…’ મુનિર નિયાઝીની આ ગઝલ હાથમાંથી છૂટી ગયેલા કોઈ રેશમી સંબંધ તરફ મીટ માંડીને જુએ છે. મીનાકુમારીએ લખ્યું છે, ‘ન હાથ પકડ સકે, ન દામન, બહોત કરીબ થા કોઈ, ઉઠ કર ચલા ગયા…’ તૂટી ગયેલા સંબંધ ઉપર આંસુ સારવાનો કોઈ અર્થ હોતો નથી, એવી જ રીતે ક્યારેક જવાબદારીઓ અને જીવન સાથે જોડાયેલી અનેક બાબતોનો વિચાર કરવા જઈએ ત્યારે સમજાય કે સાહસ કરવાની ઉંમર વિતી ગઈ છે !

સંબંધમાં સાહસ બહુ ઈન્ટ્રેસ્ટિંગ શબ્દ છે. જેને પ્રેમ કરતા હોઈએ એને માટે નાનું-મોટું જુઠ્ઠું બોલવું, ઘરેથી ભાગવું અને એ સમયને ગમે તેમ કરીને અડજેસ્ટ કરવો. મિત્રોની મહેફીલમાં કે પરિવારની સામે, ક્લાસમાં કે ટ્યુશનમાં, ‘કોઈ નથી જાણતું’ એમ માનીને આંખોથી છાની
વાતો કરી લેવી, કોઈ ન જુએ એમ સાવ નાનકડો-અછડતો સ્પર્શ કરી લેવો… આ બધા સાહસો કદાચ જુવાનીના દિવસોમાં કરવાની મજા આવે છે. જેમ જેમ માણસની ઉંમર વધે તેમ એ સમાજ અને બીજા લોકોની દૃષ્ટિ એમના પ્રતિભાવ અને સમાજમાં પોતાની પ્રતિષ્ઠાથી ડરતો
થઈ જાય છે. આપણે જ્યારે જ્યારે, ‘આ શોભે અને પેલું ન શોભે’ એવા સ્ટેટમેન્ટ કરીએ છીએ ત્યારે એ સ્ટેટમેન્ટ ખરેખર આપણા પોતાના માટે નથી હોતા… ભીતરથી કદાચ ગમતુંય હોય ! કોઈ રંગ, કોઈ વસ્ત્ર, કોઈ દાગીનો, કોઈ હેરસ્ટાઈલ કે મેક-અપ આપણને ગમતું હોય, પરંતુ
જ્યારે આપણે બીજાનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે ડરી જઈએ છીએ !

છેલ્લા થોડા સમયથી એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. સ્ત્રીનો પચાસમો જન્મદિવસ ધામધૂમથી ઊજવવાનો ટ્રેન્ડ. કદાચ એટલા માટે કે એ પોતાના જીવનના એક પડાવને ક્રોસ કરીને બીજા પડાવ તરફ આગળ વધવા તૈયાર હોય છે. થોડી થાકેલી, જવાબદારીઓ સંભાળીને
થોડીક કંટાળેલી, સંતાનો મોટા થઈ ગયા હોય અને પતિ વ્યસ્ત હોય એટલે પોતાની જાતને પ્રમાણમાં યુઝલેસ અનુભવતી આ સ્ત્રીઓએ સ્વયંને નવેસરથી તપાસવાની જરૂર છે. વજન કેટલું છે, વાળ કેટલા લાંબા છે, કયા કપડા શોભે છે અને કયા પહેરવા ગમે છે… આ બધું
વિચાર્યા વગર જેટલા દિવસો આપણી પાસે રહ્યા હોય એને ખુલ્લા હૃદયે જીવી લેવા એ જ જીવનનું સત્ય છે.

મોટાભાગની સ્ત્રીઓ પોતાના જૂના ફોટા વારંવાર બતાવે છે, ડીપી પર કે એફબી પર મૂકે છે… એ ફોટામાં કદાચ પોતે અત્યંત સુંદર દેખાતી હશે, પરંતુ એ સુંદરતા ગઈકાલની હતી. આજની સુંદરતા નવી છે, આત્મવિશ્વાસથી સહન અને જિંદગીના નવા પડાવ સાથે કામ પાડવા
તૈયાર… પચાસમા જન્મદિવસે કદાચ સ્ત્રીએ કહેવું જોઈએ કે, ‘આજ સુધી જે કંઈ અણગમતું કરતી રહી એ હવે નહીં કરું અને સામે આજ સુધી જે કંઈ ગમતું હતું એને ટાળતી રહી, પોસ્ટપોન્ડ કરતી રહી એને હવે પ્રાયોરિટી બનાવીશ.’

આમાં પણ એક મજા છે. મોટાભાગની સ્ત્રીઓ આવું બધું નક્કી તો કરી લે છે પણ પોતાના ભૂતકાળના બાહુપાશમાંથી છૂટીને ભવિષ્ય તરફ જવા તૈયાર નથી હોતી. એ જ્યારે જ્યારે વાત કરે ત્યારે ફરી ફરીને વિતેલા દિવસોમાં પહોંચી જાય છે. એની જિંદગી કેટલી સંઘર્ષમય હતી અને એણે પરિવાર માટે શું કર્યું આ વાત એકાદ-બે વાર સાંભળવી ગમે પછી જો દર વખતે એ જ વાત પર પહોંચી જવાય તો ધીરે ધીરે લોકોને રસ ઓછો થતો જાય. મિત્રવર્તુળ, પડોશીઓ, ઘરની વહુઓ કે જુવાન થઈ રહેલી દીકરીઓને સતત ‘ભાષણ’ સાંભળવાનો કંટાળો આવે છે. પચાસ વર્ષની ઉંમરે આપણી પાસે કહેવા માટે એવી રસપ્રદકથાઓ હોવી જોઈએ જે આપણને આપણા પછીની પેઢી સાથે કનેક્ટ કરે… જરૂરી નથી કે એમાં કોલેજના અફેર હોય, આપણે કાંડની નહીં-રસપ્રદ કથાઓની વાત કરીએ છીએ. એક દાદીમાએ (82) હમણા જ મને કહ્યું, ‘તારા દાદાજી મને મળવા માટે ત્રણ ગામ સાયકલ ચલાવીને આવતા. એકવાર તો મળ્યા પણ કઈ વાત ન થઈ. ગામના કોઈ માણસે મારા બાપુજીને કહી દીધું. અમારી સગાઈ થઈ ગયેલી તેમ છતાં બાપુજીએ સાવરણાથી મારી…’
‘પછી ?’ મેં પૂછ્યું…
દાદીમાએ હસતા હસતા કહ્યું, ‘પછી કૂવા પર મળવાનું બંધ. એ આવે, ઊભા રહે. અમે એકબીજાને જોઈએ ને જતા રહે…’
‘ત્રણ ગામ એટલે ? કેટલું દૂર ?’ મેં પૂછ્યું…

‘સાત-આઠ માઈલ…’ પણ આ કહેતી વખતે એમની આંખોમાં 82 વર્ષની વિધવા વૃધ્ધા નહોતી, એક 15 વર્ષની મુગ્ધ કિશોરી હતી. આપણને આવા અનુભવો જીવતા રાખે છે. આપણને લાગે છે કે, આવી વાતો આપણા પછીની પેઢી સાથે કરવાથી એ લોકો ‘બગડી’ જાય… પરંતુ,
નવી પેઢી આવા સ્પર્શ વગરના રોમાન્સને સમજે, એની નજાકત અને એની ખૂબસુરતીને ઓળખે એ જરૂરી નથી લાગતું ? જુવાનીના દિવસો, જેમાં માણસ બેબાક, બેફીકર હોય છે… એને માત્ર એ ક્ષણ દેખાય છે. એની પહેલાંના કે એની પછીના કોઈ પરિણામો કે એની સાથે જોડાયેલી બીજા લોકોની લાગણી વિશે એક યુવાન મેચ્યોરિટીથી વિચારી શકતો નથી. સંબંધો બાંધવા અને તોડવા, બંનેની બાબતમાં આ નવી પેઢીના છોકરાંઓ સહેજ ઉતાવળિયા છે. કોઈ ગમે, પ્રેમ થાય, એની સાથે વાતો કરવાનું મન થાય કે એને ચૂમવાનું મન થાય… આ બધી લાગણીઓ અલગ અલગ છે. આજની પેઢીએ આ બધી લાગણીઓને એકબીજા સાથે જાણે એવી રીતે મિક્સ કરી નાખી છે કે પ્રેમ અને દોસ્તીની એક પાતળી હદ રેખા ક્યાંક ચૂકાઈ ગઈ છે. ‘બ્રેક-અપ’, ‘હુક-અપ’, ‘એક્સ’ અને ‘ડેટ’ અથવા ‘રેવ પાર્ટી’ જેવા શબ્દો હવે મિડલ ક્લાસના છોકરાંઓ પણ બોલતા થઈ ગયા છે. એક ગર્લફ્રેન્ડ છોડી જાય, કે બોયફ્રેન્ડ કોઈ બીજી છોકરીમાં રસ લેવા માંડે તો બ્રેક-અપ થઈ જાય અને તરત જ, એના જ મિત્રો એને નવી રિલેશનશિપમાં હુક-અપ કરવા પ્રયત્ન કરવા લાગે.

આપણે ત્યાં આ બ્રેક-અપ અને હુક-અપ જેવા શબ્દો આમ જોવા જાવ તો આપણી સંસ્કૃતિ અને સભ્યતા સાથે ગોઠવાતા નથી. આપણે બહુ પુરાણો કે ઈતિહાસની વાત ન કરીએ તો પણ ભારતીય સમાજમાં સ્ત્રી-પુરુષના સંબંધને આજે પણ સન્માનપૂર્વક જોવામાં આવે છે, જો
એ સંબંધ સન્માનનીય હોય તો ! વાત લગ્નની નથી, વિધિ કે રીત-રિવાજની નથી, વાત કમિટમેન્ટની છે. છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે, એક આખી પેઢીમાં કમિટમેન્ટ ફોબિયાની ફેશન છે. જવાબદારી નામના શબ્દથી આ પેઢી શા માટે ભાગે છે ? એનું કારણ કદાચ એ છે કે, એમણે એવું સમજી લીધું કે અહીં, આ જગતમાં હવે સંબંધ બાંધવા અને તોડવા સાવ સરળ, સહેલા છે. જ્યાં સુધી શારીરિક સંબંધ મળી જાય ત્યાં સુધી લગ્નની જવાબદારી શા માટે લેવી એવો સવાલ પણ યુવા પેઢીના કેટલાક મિત્રો પૂછે છે…

યુવાનીમાં તો બધું બરાબર છે. 35, 40 સુધી બહુ વાંધો નથી આવતો, પરંતુ એ પછી એક કંપની ખૂટવા લાગે છે. મોટાભાગના મિત્રોના લગ્ન થઈ ગયા હોય એટલે એમની પાસે એમનો પરિવાર હોય. દરેક વખતે મિત્ર કંપની ન પણ આપી શકે…

લાગણીના સંબંધો જ્યારે આપણી આસપાસ હોય ત્યારે ઓળખી લેવા, આવકારી લેવા અને આલિંગન આપી દેવું કારણ કે, અમુક ઉંમર પછી જ્યારે આપણે એકલા પડવા લાગીએ છીએ ત્યારે મુનિર નિયાઝીની ગઝલ, ‘દેર કર દેતા હું મેં…’ આપણી આંખોમાં પાણી લઈ આવે
છે.

2 thoughts on “કમિટમેન્ટ એટલે ગુલામી નહીં, ગમતી વ્યક્તિનો સાથ…

  1. Nupur says:

    Mam new generation is confused.Its very hard to find real people who really care about you. Arrange marraige system is not that successful atleast not in these times nor is western culture of relationships. I guess in the end genuine people with caring nature matters but most people are not genuine not even to the perosn they commit to spend life with

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *