એરપોર્ટ ઉપર ઘસઘસાટ ઊંઘતી મને જગાડીને એક ભાઈએ કહ્યું, ‘મારે તમારી સાથે વાત કરવી છે.’
12થી 22ના છોકરાંઓના વર્તન અને વ્યવહાર વિશે થોડી ચર્ચા કરવી છે. આમ તો કદાચ, સ્થળ-કાળ
બંને યોગ્ય નહોતા, તેમ છતાં મેં એમની વાત સાંભળી. એમનું કહેવું હતું કે, શરાબ, સિગરેટ નહીં પીતા,
સમયસર ઘરે પહોંચતા કે માતા-પિતાનું કહ્યું માનતા સંતાનોને એમના મિત્રો ‘વેદિયા’, ‘મમ્માઝ બોય’ કે
‘ગુડ બોય’ કહીને ચીડવે છે. બાકીના મિત્રો એને પોતાની સાથે સામેલ કરતાં નથી એટલું જ નહીં,
શાળામાં કે કોલેજમાં પણ એમને દૂર રાખવામાં આવે છે. આને કારણે એમના પર પિઅર પ્રેશર વધે છે,
એથી ક્યારેક અનિચ્છાએ પણ આવાં સંતાનો શરાબ, સિગરેટ કે અન્ય પ્રવૃત્તિમાં જોડાય છે. આમાં માત્ર
બોયઝ કે છોકરાંઓ જ છે એવું નથી. હવે યુવાન છોકરીઓ પણ ડેટિંગ ન કરતી, બોયફ્રેન્ડ ન ધરાવતી કે
શરાબ-સિગરેટ ન પીતી છોકરીઓને ઓલ્ડ ફેશન કે ડાઉન માર્કેટ, આઉટ ડેટેડ કહીને પોતાના ગ્રૂપમાં
રાખતી નથી…
એમની સમસ્યા તદ્દન ખોટી નથી, પરંતુ ચિંતા કે પ્રશ્ન બહુ સાચો પણ નથી. કારણ એ છે કે,
કોઈના પ્રેશરમાં આવીને આપણે આપણા સંસ્કાર છોડવા પડે એ વાત કંઈ બહુ સ્વીકારવા યોગ્ય નથી.
આવાં માતા-પિતાએ પોતાના બાળકોને એવું સમજાવવું જોઈએ કે, આપણે ભારતીય છીએ-આપણી
સભ્યતા, સંસ્કૃતિ અને અસ્મિતા દુનિયાના દરેક દેશથી ભિન્ન છે. હમણા જ રજૂ થયેલી એક ફિલ્મ
‘ફ્રાઈડે નાઈટ પ્લાન’ જેમાં ઈરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન અભિનય કરે છે અને ફિલ્મના લેખક-
દિગ્દર્શક વત્સલ નિલકંઠન (રઈસ અને ઈનસાઈડ એજ્) આ જ વાત કહે છે. અમીર અને જુદા પ્રકારના
વર્ગમાંથી આવતા છોકરાંઓ મધ્યમ વર્ગના કે પોતાની કારકિર્દી પર વધુ ફોકસ હોય અને પાર્ટી-પિકનિક-
બંકિગથી દૂર રહેતા હોય એવા છોકરાંઓની મજાક કરે છે, પરંતુ જ્યારે સમજાય છે કે એ છોકરાંઓ અંતે
પોતાની કારકિર્દી અને જીવનમાં કશુંક પામી શક્યા છે ત્યારે એ મજાક કે એમને પોતાની સાથે નહીં
જોડવાની એમની આખીય પ્રવૃત્તિ એમને જ શરમજનક લાગે છે. બસ! ત્યાં સુધી રાહ જોવાની ધીરજ
ટીનએજના બાળકમાં ન હોય એ સ્વાભાવિક છે.
મોંઘી અને ઈન્ટરનેશનલ શાળાઓમાં બાળકને ભણાવવાની ફેશન ધીમે ધીમે એ હદે વિસ્તરી છે
કે, માતા-પિતાને ન પોષાય તો પણ પોતાના સંતાનને આવી શાળાઓમાં મૂકવામાં આવે છે. કેટલાંક
માતા-પિતા તો વળી એવું માને છે કે, આવી શાળાઓમાં થયેલા બાળપણના કોન્ટેક્ટ વ્યવસાયમાં કે
કારકિર્દીમાં એમના સંતાનને કામ લાગશે! એક બીજો પ્રશ્ન એ છે કે, આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન)ના
કાયદા હેઠળ આવી મોંઘી ઈન્ટરનેશનલ શાળાઓમાં ભણતા બાળકોને એડમિશન તો મળી જાય છે, પરંતુ
એ એમના ક્લાસમાં ભણતા આવા છોકરાંઓ સાથે મિત્રતા કરવા માટે થઈને એમની ખોટી અને
નુકસાનકારક પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે. આ બધું ટાળી શકાય જો પરિવાર કે માતા-પિતા પોતાના
સંતાનોને એટલું જ સમજાવી શકે કે, ‘સાચો મિત્ર એ જ છે જે સારું અને સાચું શીખવે. જેની કંપનીમાં
આપણે વધુ સારા વ્યક્તિ કે હોંશિયાર વિદ્યાર્થી બની શકીએ.’ એને બદલે ‘મોર્ડન’ માતા-પિતા પણ
પોતાના સંતાનને પૈસાવાળા અને ઈન્ફ્લુએન્શલ પરિવારના સંતાનો સાથે મિત્રતા કરવા પ્રોત્સાહિત કરે
છે! આ બધાનું પરિણામ એ આવે છે કે, બાળક પોતાના પરિવારથી છૂટું પડતું જાય છે. જ્યારે સમસ્યા
થાય છે, ડ્રંક કે ડ્રગ્સમાં આવાં બાળકો પકડાય છે ત્યારે મોટા અને ઈન્ફ્લુએન્શલ પરિવારના બાળકો તો
છૂટી જાય છે, પરંતુ મધ્યમ વર્ગના બાળકો ફસાઈ જાય છે અને એમની કારકિર્દી ખતમ થઈ જાય છે.
સૌ માતા-પિતાએ સમજવું અને સમજાવવું જોઈએ કે, ઈન્ટરનેશનલ શાળા અથવા મોંઘી
શાળામાં મળતી કારકિર્દીની તક કે ઉજ્જવળ ભવિષ્ય વધુ મહત્વનું છે. ત્યાંથી આગળ જવાનો રસ્તો
કદાચ સરળ હોઈ શકે એ જ કારણસર માતા-પિતા પોતાના ગજા બહાર પોતાના સંતાનને આવી શાળામાં
ભણાવી રહ્યા છે. બીજું એ પણ સમજાવવું જોઈએ કે, જે ખર્ચ કે જીવનશૈલી એ બાળકોને પોષાય છે તે
માતા-પિતાને નહીં પોષાય અને એ કહેતાં જરાક પણ અચકાવું કે શરમાવું ન જોઈએ કારણ કે, પોતાના
બાળકને પરિવારની સાચી સ્થિતિ જણાવવામાં શરમાવવા કરતાં વધારે ગૌરવની લાગણી અનુભવવી એ
જ પ્રત્યેક માતા-પિતાની જવાબદારી છે.
કેટલીકવાર એવું બને કે આવા ગંભીર, પરિવાર સાથે દ્રઢ રીતે જોડાયેલા, જેને ડાહ્યા અને સમજુ
કહી શકાય એવા નિર્વ્યસની છોકરાંઓ કે છોકરીઓ શરૂઆતમાં એકલા પડે, એમની ઉંમરના છોકરાંઓ
જે ‘ફન’ કરતાં હોય એનો હિસ્સો નહીં બની શકવાનો એમને અફસોસ થાય, પરંતુ આવા સમયે માતા-
પિતાએ આગળ આવીને પોતાના બાળકોને એ સમજાવવું જોઈએ કે આવી મસ્તી-તોફાન, શરાબ કે
સિગરેટ ‘કૂલ’ કે ‘ફેશનેબલ’ નથી. પશ્ચિમથી આવેલા કેટલાક ભયાનક દુર્ગુણોનો આપણા સમાજ ઉપર
ખૂબ મારો થઈ રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે, સ્કૂલ અથવા કોલેજમાં જતાં ટીનએજ બાળકો
ક્યારેક ફિઅર ઓફ મિસિંગ આઉટ (ફોમો)નો શિકાર બને છે, પરંતુ એવું ન થાય એ જોવાની જવાબદારી
ફક્ત માતા-પિતાની છે. શાળા આ કરી શકે, પરંતુ કેટલીક શાળાઓમાં એવું થઈ શકતું નથી કારણ કે,
અમીર અને પહોંચ ધરાવતાં ઘરના છોકરાંઓને શિક્ષક પણ પોતાના તરફથી બીનજરૂરી મહત્વ આપે છે.
એમના કેટલાક તોફાનોને નજરઅંદાજ કરવામાં શિક્ષક અને શાળા પણ ક્યારેક ભાગ ભજવે છે, ત્યારે
આવા મધ્યમ વર્ગના બાળકોને જીવનની સચ્ચાઈ પ્રત્યે જાગૃત કરવાનું કામ એ જ માતા-પિતા કરી શકે જે
પોતે જાગૃત હોય.
બાળકો સાથે વાત કરવાથી, એમની લાગણીઓને, ફરિયાદોને સમજવાથી કદાચ આ
પરિસ્થિતિમાં આપણું બાળક ન મૂકાય.