કોપીરાઈટ : કાયદો છે પણ…

સંગીતકાર ખેમચંદ પ્રકાશ જેમણે 1939થી 1952 સુધી હિન્દી સિનેમાને ઉત્તમ સંગીતની
ભેટ આપી. એમના કેટલાક ગીતો આજે પણ સંગીત પ્રેમીઓ માટે એક યાદગાર સ્મૃતિ છે, એવા આ
સંગીતકારને જ્યારે એક વિદેશી કંપનીએ રોયલ્ટીના પૈસા મોકલ્યા ત્યારે ખેમચંદ પ્રકાશ તો આ
જગતમાં નહોતા, પરંતુ શોધખોળ કરતા ખબર પડી કે એમના પત્ની મલાડ સ્ટેશન પર ભીખ માગતા
હતા !

‘મુજરીમ’ નામની એક ફિલ્મના પોસ્ટરમાં હાર્મોનિયમ સાથે સંગીતકારનો ફોટો મૂકવામાં
આવ્યો હતો… શમ્મી કપૂર અભિનિત આ ફિલ્મમાં સંગીતકારને વધુ પબ્લિસિટી આપવામાં આવી
હતી. આ સંગીતકાર ઓ.પી. નૈયર જેને આપણે આદર અને સ્નેહ સાથે યાદ કરીએ છીએ. એમના
છેલ્લા દિવસો નાલાસોપારાની એક ચાલીમાં એમના એક પ્રશંસકના ઘરમાં વીત્યા !

સવાલ ફક્ત સંગીતકારનો જ નથી. માસ્ટર ભગવાન, કે જેમની ફિલ્મ ‘અલબેલા’
(1951)ના ગીતો આજે પણ લોકો યાદ કરે છે એ માસ્ટર ભગવાનના આખરી દિવસો ગરીબી અને
ભૂખમરામાં વીત્યા. મીનાકુમારીનું પાર્થિવ શરીર હોસ્પિટલમાંથી લઈ જવા માટે બીલ ભરવાના પૈસા
નહોતા એવી એક દંતકથા આજે પણ સંભળાય છે…

ગુજરાતની વાત કરીએ તો નવ સિંહનો એક સાથે પાણી પીતો ફોટો પાડનાર સુલેમાન
પટેલની નેગેટિવ્સ કે ફોટા ક્યાં સચવાયા છે ? મરીઝ સાહેબ જેવા અવિસ્મરણિય શાયરના છેલ્લા
દિવસો કેવી રીતે વીત્યા ?

આટઆટલું કામ કરનાર, ફિલ્મી દુનિયા કે પત્રકારત્વની દુનિયામાં અમર થઈ જનાર કેટલાક
લોકો અંતે આર્થિક પાયમાલીમાં કેમ ધકેલાઈ જાય છે ? પહેલું કારણ તો કદાચ એ છે કે કેટલાય
કલાકારોને પોતાના પૈસા સરખી રીતે ઈન્વેસ્ટ કરતા આવડતું નથી. એ બધા સર્જક છે, વ્યાપારી નથી
એટલે કદાચ જ્યારે એમની પાસે પ્રસિધ્ધિ અને પૈસા બંને હોય ત્યારે એને સાચી રીતે ઉપયોગમાં
લઈને પોતાની વૃદ્ધાવસ્થા કે જ્યારે કામ નહીં હોય એવા દિવસો માટે સરખી રીતે એની વ્યવસ્થા
કરવાનું આવા લોકોને સૂઝતું નથી ! આ બાબતમાં એમને જવાબદાર ગણવા કે નહીં ? એ પણ એક
સવાલ છે. કારણ કે, સર્જક પાસે જો આપણે વ્યવહાર કે વ્યાપારની અપેક્ષા રાખતા થઈ જઈશું તો
અજાણતાં જ એમની સર્જનાત્મકતા ઉપર અસર થઈ શકે. સર્જનનું અંતિમ ધ્યેય ભલે કલા કે
સામાજિક નિસ્બત હોય, પરંતુ સર્જકની સલામતી અને એના સર્જનનો ઉત્તમ સમય પૂરો થઈ ગયા
પછી એની આર્થિક સગવડનો વિચાર સમાજે કરવો જોઈએ. આ વાત આપણે કોઈ, કદાચ સમજતા
નથી. એક સર્જક પોતાની ઉત્તમ આવડત, હુન્નર કે કલા સમાજને આપે છે. એ પોતાના સમયના
ઈતિહાસને અમર કરવાનું કામ કરે છે, પરંતુ એ જ સર્જકને આપણે સમય જતાં ભૂલી જઈએ છીએ
એટલું જ નહીં, એની આર્થિક સલામતીનો વિચાર નથી કરતા… પરંતુ એને મળવા પાત્ર રકમ કે
વળતર પણ મોટાભાગના લોકો ચૂકવતા નથી. એની સામે પશ્ચિમમાં પોલ મેકાર્ટે નામના એક ગીત
લેખક, જેણે માત્ર 27 ગીતો લખ્યા છે એને એક વર્ષમાં 16 મિલિયન ડોલરની આવક થઈ. બીજા
ઈસ્ટર્ન જોન, જેમને 22 મિલિયન ડોલરની આવક થઈ. લેખકોનું લિસ્ટ બનાવીએ તો જે.કે. રોલિંગ,
રોબર્ટ લુડલમ કે વેન ડાયર જેવા લેખકો પોતાના જેટ વિમાન વસાવી શકે એટલું કમાય છે, જ્યારે
આપણા દેશમાં કોઈ વ્યક્તિ એમ કહે કે, ‘હું લેખક કે કવિ છું’ તો સવાલ પૂછવામાં આવે છે કે, ‘એ તો
બરાબર… પણ આવક માટે શું કરો છો ?’ આ ભલે એક રમૂજ હોય, પરંતુ સત્ય એ છે કે આપણે
આપણા દેશના કલાકારો કે લેખકોનું મૂલ્ય કરી શકતા નથી.

2012માં પાર્લામેન્ટમાં જાવેદ અખ્તરે આપેલી એક સ્પીચ સાચે જ સાંભળવા યોગ્ય છે.
લગભગ 20 મિનિટની આ સ્પીચમાં એમણે કોપીરાઈટના કાયદા ઉપર ખૂબ મહત્ત્વની વાતો કહી
હતી. આજે પણ સર્જકો કોપીરાઈટ વિશે બહુ જ ઓછું જાણે છે. માહિતી અને પ્રસારણની બાબતમાં
આજે જ્યારે અસાધારણ ગણાય તેવી શક્યતાઓ ઊભી થઈ છે ત્યારે મૂળ લખાણ, ગીત, અવાજ,
ચિત્ર, ફોટોગ્રાફ, સંગીત, ફિલ્મ વગેરે એક વ્યક્તિની બુદ્ધિ કે એની કલામાંથી જન્મેલી એની પ્રોપર્ટી
અથવા મિલ્કિયત છે. એના ઉપર એનો કોપીરાઈટ છે. સર્જકની રજા સિવાય એની નકલ કરવામાં
આવે તો કોપીરાઈટનો ભંગ થાય છે. જોકે આજે આ વાત સાવ સહજ અને વ્યાપક થઈ ગઈ છે.

ભારતમાં કોપીરાઈટના હક્કને 1847માં કાનૂની સ્વીકૃતિ આપવામાં આવી. ‘ઈન્ડિયન
કોપીરાઈટ એક્ટ‘ લાગુ પાડવામાં આવ્યો જોકે એ વિશે ખાસ કશું થયું હોય એવા પૂરાવા મળતા નથી.
1911માં કોપીરાઈટનો નવો કાયદો ઘડવામાં આવ્યો અને 1914માં એ જ કાયદાને ત્રીજી વાર
ફરીથી ઘડવામાં આવ્યો. જૂનો કાયદો 15 કલમ ધરાવતો હતો. જેમાં મૂળ સર્જકને કોઈ ખાસ ફાયદો
નહોતો. 1લી ઓક્ટોબર, 1955ના દિવસે આઝાદ ભારતમાં કોપીરાઈટનો કાયદો મૂકવામાં આવ્યો
અને 4થી જૂન, 1957ના દિવસે એને કાયદા સ્વરુપે મંજૂરી મળી. નવાઈની વાત એ છે કે, લગભગ
છ મહિના પછી 21મી જાન્યુઆરી, 1958થી આ કાયદો અમલમાં આવ્યો.

1957ના કાયદાની મુખ્ય જોગવાઈઓમાં 15 પ્રકરણ અને 79 કલમો છે. આ કાયદાની મહત્ત્વની
જોગવાઈઓ નીચે મુજબ છે. (1) કયા કયા સર્જનને કોપીરાઈટના કાયદાનું રક્ષણ મળી શકશે તે
જણાવે છે, સ્પષ્ટ કરે છે. (2) જે વ્યક્તિઓને કોપીરાઈટના કાયદાનું રક્ષણ મળે છે તે તે વ્યક્તિઓની
વ્યાખ્યા આપે છે. (3) આ કાયદા અન્વયે મળનારું રક્ષણ કેવું અને કેટલું છે તે જણાવે છે. (4)
કોપીરાઈટની સોંપણી અંગેની જોગવાઈઓ સ્પષ્ટ કરે છે. (5) કોપીરાઈટ ધરાવનારને તેના
અધિકારના અમલ માટે કઈ જાતની કાનૂની દાદ મળી શકે તે જણાવે છે અને (6) તકરારી મામલામાં
કાનૂની લવાદની જોગવાઈ કરે છે.

આ બધું કાયદામાં છે ખરું, પરંતુ સાથે જ આ કાયદાને તોડવાના નાના મોટા છીંડા લગભગ
દરેક વ્યક્તિએ શોધી કાઢ્યા છે. સંગીતમાં બે કોર્ડ ઉમેરે કે ગીતમાં બે લીટી બદલી નાખે તો કોપીરાઈટ
નીકળી જાય છે ! લખાણમાં પણ મૂળ પાત્રના નામ કે સિચ્યુએશન થોડી ઘણી બદલી નાખે તો
કોપીરાઈટને ચેલેન્જ કરી શકાય છે…

1957ના કાયદાને આ બધા કારણોસર ચેલેન્જ કરવામાં આવ્યો. જેને માટે બે સમિતિની
રચના કરવામાં આવી. એ પછી 1983માં ભારતીય સંસદે કોપીરાઈટમાં સુધારો કરતો કાયદો
(એમેન્ડમેન્ટ) પસાર કર્યો. જોકે, એનાથી પણ ઝાઝો ફેરફાર થયો નહોતો. 1983માં જે સુધારો થયો
એના પર ફરી એક વાર 1984માં સુધારો કરવામાં આવ્યો. 1984ના સુધારાને પણ પડકારવામાં
આવ્યો એટલે 1994માં ફરી એક વાર સુધારો કરવામાં આવ્યો જેમાં કોપીરાઈટના રક્ષણ અંગે વધુ
સાવચેતીથી પ્રયાસ કરવામાં આવ્યો.

આ બધું કર્યાં છતાં હજી પણ કોપીરાઈટનો કાયદો જોઈએ તેટલો મજબૂત નથી. 2012માં
પાર્લામેન્ટમાં જાવેદ અખ્તરે કોપીરાઈટના કાયદાને લગતું બીલ મૂકાયું ત્યારે પોતાના તરફથી જે
દલીલો રજૂ કરી હતી એ પછી કાયદાને ફરી એક વાર અપડેટ કરવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી
આપણા દેશમાં રોયલ્ટી અને કોપીરાઈટ વિશેની જોગવાઈ જોઈએ તેટલી મજબૂત નથી.

ભારત પાસે લોકસંગીતની કે શાસ્ત્રીય સંગીતની સદીઓ જૂની પરંપરા છે. ભરતનાટ્ય શાસ્ત્ર
આપણા દેશમાં રચાયું. ચિત્રકલા અને સ્થાપત્યકલાનો વારસો હજારો વર્ષ પહેલાં આપણા દેશમાં મળે
છે, તેમ છતાં આપણા દેશના લેખકો કે કલાકારો પશ્ચિમની સરખામણીએ આર્થિક અને
દસ્તાવેજીકરણની રીતે ખૂબ પછાત કેમ છે ?

આપણી પાસે વાત્સ્યાયનથી શરુ કરીને હજી ગયા દાયકા સુધીના અદ્ભુત વિચારકો અને
લેખકોના અસ્તિત્વના દસ્તાવેજ, એમના ઘર કે એમની હસ્તપ્રતો, એમની તસવીરો કે એમનો
અવાજ સંગ્રહાયા નથી. એથી આગળ વધીને કેટલાક લેખકો, ગીતકારો, સંગીતકારો કે કલાકારોને
આર્થિક રક્ષણ મળી રહે એવી કોઈ સંસ્થા કે યુનિયન પણ અસ્તિત્વ ધરાવતા નથી. સરકાર આ અંગે
નાના મોટા પ્રયાસો કરે છે, પરંતુ એક પ્રજા તરીકે આપણે આ વિશે શું કરી રહ્યા છીએ ? શું કરી
શકીએ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *