કોરોનાનો આભારઃ સૌને સમજાયું સંબંધોનું મૂલ્ય

અમદાવાદ એરપોર્ટ ઉપર એક ભાઈ બેચેનીથી આંટા મારી રહ્યા છે. ડીલે થઈ રહેલી ફ્લાઈટ મને પણ અકળાવે છે. પરંતુ એ ભાઈ વધુ
અકળાયેલા અને બેચેન લાગે છે. એમની આંખોમાંથી વારે વારે આંસુ સરી પડે છે. એ દર પાંચ મિનિટે ફ્લાઈટની ડિટેઈલ્સ પૂછવા કાઉન્ટર
તરફ દોડી જાય છે… થોડીવાર પછી મને લાગ્યું કે મારે એમની સાથે વાત કરવી જોઈએ. એટલે મેં એમની નજીક જઈ પૂછ્યું ‘કંઈ પ્રોબ્લેમ
છે? હું તમારી કંઈ મદદ કરી શકું?’ એક તદ્દન અજાણી વ્યક્તિ આવો સવાલ પૂછે તો પ્રતિભાવ કદાચ જુદો હોઈ શકે પરંતુ આ ભાઈ પોતાની
એકલતા અને બેચેનીથી એટલા અકળાઈ ગયા હશે કે એમણે પોતાની આખી કથા મને સંભળાવી દીધી. એમની પત્ની ગુસ્સામાં એના
માતા-પિતાને ત્યાં દુબઈ જ ચાલી ગઈ. હવે પત્ની અને દીકરી દુબઈમાં ફસાયા છે. પોતે પહોંચી શકતા નથી અને અત્યારે દિલ્હી જઈને
દુબઈની ફ્લાઈટ લેવાના છે. પરંતુ અહીંથી ડિલે થઈ રહેલી ફ્લાઈટ જો સમયસર દિલ્હી નહીં પહોંચાડે તો એમની દુબઈની ફ્લાઈટ છૂટી
જશે એનો એમને ભય છે… જો આજની ફ્લાઈટ જશે તો ત્રણ દિવસ પછી બુકિંગ મળશે, એ ફ્લાઈટ ઉપડશે કે નહીં એ વિશે પણ હજી
અનિશ્ચિતતા તોળાય છે…

એમની વાત સાંભળીને મને એક વિચાર આવ્યો, કોરોનાના સમયમાં આવા કેટલા લોકો હશે જે પોતાના પરિવારથી દૂર ફસાયા હશે…
આપણે બધા જ્યારે જોડે રહેતા હોઈએ છીએ, સાથે હોઈએ છીએ ત્યારે એકબીજા વિશે કેટલા વાંધાવચકા હોય છે. કોણ ઘરમાં શું નથી કરતું
કોની કેવી કુટેવો છે. કોણ કેટલો ત્રાસ આપે છે અને કોણ કેટલું બેજવાબદાર છે એ વિશે આપણને અનેક બાબતો પજવે છે. સાથે રહેતી
વખતે સામાન્ય રીતે વ્યક્તિની કિંમત સમજાતી નથી. જે નજીક હોય એને વિશે આપણે બેદરકાર અને બેજવાબદાર હોઈએ છીએ. ‘એ વળી
ક્યાં જવાના છે?’ એવી માન્યતા આપણા બધાની હોય છે. એક ઘરમાં સાથે રહેતા લોકો સામાન્ય રીતે એકબીજા વિશે ટેકન ફોર ગ્રાન્ટેડ
અથવા ઈગ્નોરન્ટ હોય છે. આ કોઈ એક ઘરની કે એક પરિવારની ચર્ચા નથી. જો રોજ ભોજનમાં મીઠાઈ મળવા મંડે તો મીઠાઈ પણ
અબખે પડી જાય, એવી જ રીતે જે વ્યક્તિ આપણી નજીક હોય એના પ્રેમનું કે એની હાજરીનું મૂલ્ય આપણે માટે જેટલું હોવું જોઈએ એટલું
રહેતું નથી.

બીજો એક મુદ્દો એ પણ છે કે આપણે બધા અત્યારે એક વિચિત્ર પ્રકારના સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છે. કેટલાકની નોકરી છૂટી ગઈ છે તો
કેટલાકનો પગાર કપાય છે. કેટલાકના ધંધા ઠપ્પ થઈ ગયા છે. તો કોઈકને માથે દેવું વધી ગયું છે. આવા સમયમાં જો ઘરના લોકો જ
એકબીજાનો સાથ ન આપે તો ઘરમાં રહેવું અઘરું પડી જાય. તકલીફ કોઈ એક વ્યક્તિને નથી, કોઈ એક શહેર, એક દેશને પણ નથી… આખા વિશ્વને આર્થિક અને સ્વાસ્થ્યની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, એવા સમયમાં કોઈ એક વ્યક્તિને જવાબદાર ઠેરવીને એની સાથે ઝઘડો કરવાથી કદાચ ગુસ્સો નીકળી જાય, અકળામણ ઓછી થઈ પણ પરિસ્થિતિનો ઉકેલ તો નહીં જ જડે!

આપણે બધા આપણી પાસે જે હોય, ‘સ્નેહ, સંબંધ કે સ્વજન’ એનું સુખ ભોગવતા શીખ્યા નથી. લગભગ દરેક માણસ એવું માનીને જીવે છે કે એની પાસે ખૂબ સમય છે અને એને મળેલું સુખ એ પછી ક્યારેક નિરાંતે ભોગવશે… બીજીતરફ સ્વજન કે પ્રિયજનને જે સમય કે સુખ આપવાનું છે એ વિશે પણ આપણે બધા પ્રમાણમાં બેદરાકર છીએ. આ એનિવર્સરીએ વિશ ન કર્યું કે ગિફ્ટ ન આપી તો કંઈ નહીં આવતી એનિવર્સરીએ આપીશું, એ આપણી સહજતા છે. પરંતુ આ કોરોનાકાળ દરમિયાન આપણે બધા એક વાત દ્રઢતાથી શીખી ગયા, ‘આવતીકાલ, આવતો મહિનો કે આવતું વર્ષ કેવા હશે એ વિશે આપણી પાસે કોઈ વોરંટી કે ગેરંટી નથી.’ અરે, આવતો કલાક કેવો હશે એ વિશે પણ હવે કોઈ નિશ્ચિત ભવિષ્ય ભાખી શકાય એમ નથી.

કોરોના જાણે આપણને સમયની અનિશ્ચિતતા અને પરિસ્થિતિની વિકટતા શીખવવા માટે આવ્યો હોય એમ આપણે બધા જ અસલામતી અને સંબંધોનું મૂલ્ય શીખી ગયા. આજે કેટલા બધા પરિવારો એવા છે કે જેમને પોતાના પરિવારમાં સ્વજન અને પ્રિયજનનું મૂલ્ય સમજાયું છે. બીજીતરફ એવા પરિવારો પણ છે કે જેમણે પોતાના સ્વજન ગુમાવી દીધા છે, હવે મૂલ્ય સમજાય તો પણ પોતાની ભૂલ સુધારી શકાય એવી પરિસ્થિતિ રહી નથી. કેટલીક વાર એવું બને છે કે આપણા પ્રિયજન, માતા-પિતા, સ્વજન કે નિકટની વ્યક્તિને સમય, સ્નેહ કે સારી સ્મૃતિઓ આપવાનો આપણો ઈરાદો હોય તેમ છતાં આપણે આપણા સ્વાર્થ અને મહત્ત્વકાંક્ષામાં એટલા અટવાયા હોઈએ કે આવા ઈરાદાને સતત ટાળતા રહીએ. કેટલીક વાર એવું પણ બને છે કે યુવાન સંતાનોને માતા-પિતાની ટોકટોક, ચિંતા, કચકચ કે નિયંત્રણો વિશે અનેક ફરિયાદો હોય પણ જેમણે કોરોનાકાળમાં પોતાના માતા-પિતાના ખોયા છે એવા ટીનએજ કે યુવા સંતાનને પૂછો તો સમજાય કે એમને પોતાના માતા-પિતા સાથે ગુસ્સો કે દલીલ કરવાનો કેટલો અફસોસ થાય છે!

સંબંધોનું મૂલ્ય ત્યારે જ સમજી લેવું જોઈએ જ્યારે સંબંધ અને વ્યક્તિ આપણી સાથે હોય. વ્યક્તિના ગયા પછી કે સંબંધ તૂટી ગયા પછી
કદાચ મૂલ્ય સમજાય તો પણ એનો કોઈ અર્થ રહેતો નથી. બલ્કે વધુ અફસોસ અને વધુ પીડા થાય છે. કારણ કે આપણી પાસે એક સુંદર
વ્યક્તિ અથવા સંબંધ હતો જેને આપણે આપણી ભૂલને કારણે ખોઈ દીધો એવી સમજણ એ સંબંધ કે વ્યક્તિના ગયા પછી આવે ત્યારે
આપણે એને ગુમાવી ચૂક્યા હોઈએ છીએ.

કોરોનાકાળે આપણને સૌને વ્યક્તિ તરીકે થોડાક સંવેદનશીલ અને સમજદાર બનાવ્યા છે એમ માની લઈએ તો, અત્યારે આપણી પાસે જે
સંબંધો કે સ્વજન છે એને પૂરા આદર અને સ્નેહથી જાળવી લઈએ… જેટલો સમય આપણી પાસે અને આપણા સંબંધ પાસે બચ્યો છે એને
માણી લઈએ. આવતીકાલ અનિશ્ચિત છે એવું આપણે માનતા હતા હવે એ નક્કી થઈ ચૂક્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *