છેલ્લા થોડા સમયથી આપણે બધા જ અન્ય લોકોની જિંદગી વિશે જાતભાતના
અભિપ્રાય આપતા થઈ ગયા છીએ… મજાની વાત એ છે કે, આપણે વિશે, આપણી જિંદગી
વિશે, કપડાં વિશે કે સંબંધ-સંતાન વિશે કોઈ બીજું કમેન્ટ કરે એ આપણને મંજૂર નથી. સોશિયલ
મીડિયા ઉપર ઝઘડતા કેટલાય લોકોને આપણે ઓળખીએ છીએ. સવારથી સાંજ સુધી-
ટ્રોલિંગનો, કમેન્ટનો જવાબ આપ્યા કરતા આ લોકો પોતાના દિવસમાંથી કેટલા કલાક એવા
લોકોની પાછળ બરબાદ કરે છે, જેમને એ ઓળખતા નથી-અને, સૌથી મહત્વનું એ છે કે, આવા
ટ્રોલિયાઓને જવાબ આપવા છતાં, એમનામાં કોઈ ફેરફાર થતો નથી. સામે, મહત્વની વાત એ
છે કે એ જ સોશિયલ મીડિયા પર જ્યારે વખાણ થાય ત્યારે આપણને બહુ ગમે છે-લાઈક્સ
મેળવવા માટે ‘કંઈપણ’ કરવા તૈયાર, પૈસા ચૂકવીને ફોલોઅર્સ વધારતા લોકો કે લોકોનું ધ્યાન
ખેંચવા ગાંડા-ઘેલા રીલ બનાવતા ઈન્ફ્લ્યુએન્સર્સથી આ ઈન્ટરનેટનું વિશ્વ ઊભરાય છે.
સોશિયલ મીડિયાને કારણે આત્મહત્યાના, છૂટાછેડાના, હત્યા અને ડોમેસ્ટિક વાયોલેન્સ-ટોર્ચરના
કિસ્સા વધતા જાય છે ત્યારે આપણે સૌએ આ વધુને વધુ વિકરાળ થતા જતા રાક્ષસ વિશે થોડા
સભાન-સજાગ અને સાવધાન થવાની જરૂર છે. ખાસ કરીને, ઘરમાં જો ટીનએજર સંતાન
ઊછરી રહ્યું હોય તો માતા-પિતાએ ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. મોટાભાગના માતા-
પિતા-જેની ઉંમર 40 કે 45થી ઉપરની છે, એમને માટે સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટનું આ
જગત આટપટું અને મૂંઝવણભરેલું છે. અજાણી વ્યક્તિનો મેસેજ આવે, આપણું સંતાન એનો
ઉત્તર આપે-એમાંથી વાત આગળ વધે, ઓળખાણ થાય, મળે… આ ભયજનક નથી, ચિંતાજનક
ચોક્કસ છે!
દરેક માણસના હાથમાં હવે સેલફોન નામનું હથિયાર છે. છેલ્લા થોડા સમયથી આપણે
જોઈ રહ્યા છીએ કે ઈન્ટરનેટ ઉપર આર્થિક છેતરપિંડીથી શરૂ કરીને માનસિક ત્રાસ, બ્લેકમેઈલિંગ
સુધીની બધી જ પ્રવૃત્તિઓ છડે ચોક થઈ રહી છે. આખેઆખો સાયબર ડિપાર્ટમેન્ટ પણ એમાં
કંઈ કરી શકતો નથી કારણ કે, આ એક એવું વિશ્વ છે જેમાં એક વાર પ્રવેશ્યા પછી એની અંધારી
ગલી-કૂચીઓ અને ભયાનક ટેકનોલોજી આપણને એવા ગૂંચવી નાખે છે કે એનો છેડો શોધવો
અશક્ય બની જાય છે!
આપણે બધા વ્યક્તિ તરીકે પ્રસિધ્ધિના ભૂખ્યા બની ગયા છીએ. સૌ આપણને જાણે,
વખાણે એની લાલસામાં આપણે કેટલા બધા જોખમના દરવાજા ખોલી નાખ્યા છે એની
આપણને કલ્પના સુધ્ધાં નથી. સોશિયલ મીડિયા ઉપર દરેક માણસ સ્વતંત્ર છે-આ એક સત્યને
જો આપણે સ્વીકારી લઈએ તો, સમજાય કે કોમેન્ટ, ટ્રોલિંગ, પોતાના વિચારો, જાતભાતની
સલાહ, નુસ્ખાથી શરૂ કરીને જુગાર, પોર્ન અને ફ્રોડ સુધીની બધી જ પરિસ્થિતિથી આપણે સતત
બચવાનું છે. આપણી બધી વાત બધા જાણે-ફોન નંબર ગમે તેની સાથે શેર કરી લઈએ, પ્રવાસની
વિગતો કે ઈન્વેસ્ટમેન્ટની વિગતો માણસને પૂરો ઓળખ્યા વગર તેને જણાવી દઈએ ત્યારે
આપણે આપણા માટે કેટલી ભયાનક પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છીએ એના વિશે આપણે
તદ્દન અજાણ છીએ.
હવે પ્રશ્ન એ છે કે, આ બધી સમસ્યાઓ તો આપણે જાણી ગયા-આનાથી દૂર કેવી રીતે
રહેવું? બચવું કેવી રીતે? એ પણ સમજવું પડશે.સાયબર સમસ્યાઓથી બચવાના કેટલાક સાદા
ઉપાય અપનાવવા જેવા છે… 1. ‘મારા ફોનમાં છુપાવવા જેવું કંઈ નથી’ એવો ખોટો અહંકાર
રાખવાને બદલે ફોનને પિન નંબરથી લોક રાખવો. નવો ફોન ખરીદો ત્યારે ડેટા ટ્રાન્સફર કરવાની
સાથે સાથે ફોનની બધી જ વિગતો-મોડેલ નંબર અને એમાં આપેલો આપણા ફોનના
ઈન્સ્ટ્રુમેન્ટનો એક ખાસ નંબર સેવ કરી રાખવો. 2. ટ્રેનમાં, પ્લેનમાં, મોલમાં કે બીજે મળેલા
અજાણ્યા માણસને ફોન નંબર ન આપવો-એવી જ રીતે, ફોનમાં ટ્રુ કોલર ડાઉનલોડ કરીને રાખવું
જેથી જાણીતા અને અજાણ્યા નંબર વચ્ચેનો ભેદ ખબર પડે. 3. સોશિયલ મીડિયા ઉપર ગમે તેને
ફ્રેન્ડ ન બનાવવા (ફ્રેન્ડ રિક્વેસ્ટ ન સ્વીકારવી) સાથે જ, આપણા અકાઉન્ટ્સમાં એટલું જ લખવું
જે જરૂરી લાગે. પ્રવાસની વિગતો કે લોકેશન હંમેશાં ઓન ન રાખવું. કેમેરાને હંમેશાં ઊંધો
રાખવો. 4. ટ્રોલિંગ કરતા લોકોને જવાબ ન આપવો-એવી જ રીતે વખાણ કરનારને પણ જવાબ
આપવાનું ટાળવું. 5. અજાણી વ્યક્તિએ મોકલેલી લિંક ઉપર ક્લિક ન કરવું. ઓટીપી શેર ન કરવો
(આની જાહેરાત વારંવાર આવે છે) એવી જ રીતે જીપે માટે, યુપીઆઈ માટે નંબર શેર કરતી
વખતે સાવધાન રહેવું-પૈસા ખાતામાં આવે કે તરત ‘ડન’ ક્લિક કરીને એપમાંથી બહાર નીકળી
જવું. 6. પોર્ન મેસેજીસ-ફોન સેક્સ અને ફ્રેન્ડશિપના મેસેજીસ વાંચીને લલચાવું નહીં-કુતૂહલ
પણ ન રાખવું. એવા નંબર તરત જ ડિલીટ કે બ્લોક કરી દેવા, જો વારંવાર એક જ પ્રકારના
મેસેજ કે ફોન આવે તો સાયબર ડિપાર્ટમેન્ટમાં એની કમ્પ્લેઈન કરવી. 7. કોઈપણ ઓટીપી, પિન
નંબર, ખાતાની વિગતો, પાસપોર્ટ, આધાર કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના નંબર સેલફોનમાં
સ્ટોર ન જ કરવા (ડીજી લોક અને એવા બીજા એપ્સ આવે છે જે સંપૂર્ણપણે સિક્યોર હોવાનું
વચન આપે છે, પરંતુ હેકર આપણાથી એક ડગલું આગળ છે એ વાત સમજીને ફોનમાં કશું સ્ટોર
ન કરવું.) 8. રસ્તા ઉપર, એરપોર્ટ-સ્ટેશન કે પ્રવાસમાં અજાણી વ્યક્તિ તમારા ફોનનો ઉપયોગ
કરવા માટે વિનંતી કરે તો બને ત્યાં સુધી ટાળવું, કદાચ એની પરિસ્થિતિ જોઈને દયા આવે તો
આપણે એને નંબર જોડી આપવો-મેસેજ કરી આપવો. આપણો ફોન લઈને કોઈને સહેજ પણ
દૂર જવા દેવા નહીં. 9. છેલ્લા થોડા સમયથી લગ્નના ખોટા ઈન્વિટેશન, પાર્ટીના કે વ્યવસાયને
લગતા ઈન્વિટેશનના સ્વરૂપે પણ હવે સાયબર ફ્રોડ થવા લાગ્યા છે. આપણે એ ઈન્વિટેશન પર
ક્લિક કરીએ કે તરત આપણા ફોનનો બધો ડેટા એમના ફોનમાં કે કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ
જાય-માટે, અજાણ્યા નંબર પરથી આવેલા ઈન્વિટેશન કે વ્યવસાયિક ક્વેરી પર ક્લિક કરતા પહેલાં
વિચારો. 10. છેલ્લું, સૌથી મહત્વનું… વસ્ત્ર વગરના, ઉશ્કેરણીજનક, રોમેન્ટિક કે અંગતપળોના
ફોટા કે વીડિયો ન કરવા, ન જ કરવા… કદાચ, શૂટ કર્યા હોય તો એને ઈન્ટરનેટ દ્વારા કોઈને પણ
મોકલવા નહીં, નહીં ને નહીં જ! આ બધા પછી પણ જો કંઈક બને, ફ્રોડ થાય કે ફસાઈ જઈએ
તો તરત જ આપણી બેન્કના ટોલ ફ્રી નંબર અથવા 1930 ઉપર સાયબર ક્રાઈમની ફરિયાદ કરી
શકાય છે.