એક કોલેજના કેમ્પસમાં મોટરસાઈકલ પર બેઠેલા એક છોકરા પાસે જઈને થોડા યુવાનો એને
ઘેરી લે છે, ‘શેનો પાવર છે તને?’ કહીને કોઈ કારણ વગર મારામારી કરે છે… એના થોડા દિવસ
પહેલાં, સૌરાષ્ટ્રના એક નાના શહેરમાં એક જ છોકરીને ચાહતા બે છોકરાઓની મૂઠભેડ થઈ જાય છે.
એક છોકરાને એટલો માર પડે છે કે એને હોસ્પિટલમાં લઈ જવો પડે છે. મહેસાણાની નજીક એક
નાના શહેરમાં થોડા છોકરાઓ ભેગા થઈને એક છોકરાને એટલા માટે મારે છે કારણ કે, એને આવા
સારા તૈયાર થઈને કોલેજમાં આવવાનો હક્ક નથી એવું એ છોકરાઓનું માનવું હતું…
રીક્ષાની પાછળ કે મોટરબાઈકની પાછળ લખેલા કેટલાક સૂત્રો કે સ્લોગન વાંચીએ, ફોટા
જોઈએ તો સમજાય કે આ દેશ ધીરે ધીરે ‘બેડ મેન’ (વિલનને) હીરો બનાવવા લાગ્યો છે. આજના
યુવાનો માને છે કે, ‘ભાઈ’ બનવામાં વધુ પાવર અને વધુ પ્રસિધ્ધિ છે! એમનો દેખાવ, વસ્ત્રો અને
વ્યવહાર જોઈને સમજાય કે, આ યુવાનો જે દિશામાં જઈ રહ્યા છે તે માત્ર ખોટી જ નહીં, દેશ અને
સમાજ માટે નુકસાન કરનારી પ્રવૃત્તિ પૂરવાર થશે.
કોલેજમાં કે ક્લાસમાં છોકરી ગમે તો એણે ‘ફ્રેન્ડશીપ’ કરવી જ પડે… ન કરે તો એનો પીછો
કરે, માતા-પિતાથી ડર્યા વગર એના ઘર પાસે જઈને બદતમીઝી કરે, રસ્તામાં એનો હાથ પકડે, એને
છેડે અને આ બધા પછી પોતાની જાતને બહાદુર અથવા બ્રેવ કહે એ કેવા પ્રકારની યુવાની છે, એવો
સવાલ પૂછવાનો સમય આમ તો વીતી ગયો છે તેમ છતાં હવે નહીં જાગીએ તો કદાચ બહુ મોડું થઈ
જશે. સલમાન ખાન અને દાઉદે આપેલો શબ્દ ‘ભાઈ’ ધીરે ધીરે એક ‘ફેશન’ બની રહ્યો છે. આ દેશના
મોટાભાગના યુવાનોને સારા, સજ્જન, પ્રામાણિક, નમ્ર કે આજ્ઞાંકિત બનવાને બદલે વિદ્રોહી,
તોછડા અને પાવરફૂલ બનવામાં ઉજ્જવળ ભવિષ્ય દેખાવા માંડ્યું છે એ આ દેશની બદનસીબી છે.
ધીરે ધીરે ભારતમાં બે ક્લાસ બહુ સ્પષ્ટ રીતે છૂટા પડવા લાગ્યા છે. એક ક્લાસ, જે ઉચ્ચ
મધ્યમવર્ગના લોકો છે. એમના સંતાનો પ્રાઈવેટ, ઈન્ટરનેશનલ કે સીબીએસસી શાળાઓમાં ભણે છે.
ભવિષ્યમાં વિદેશ જઈને ગ્રેજ્યુએશન કે પોસ્ટગ્રેડ કરશે એવું નક્કી છે. એ અંગ્રેજી ફિલ્મો જુએ છે
અને બ્રેન્ડ્ઝ વાપરે છે. એ બહુ સોફેસ્ટિકેટેડ કે નમ્ર છે એવું માનવાની જરૂર નથી. એમની દાદાગીરી
અને ‘ભાઈ’ગીરી જુદા પ્રકારની છે. મોંઘી ગાડીઓમાં મોડી રાત સુધી રખડવું, કાર કે બાઈક રેસિંગ
કરવા, વીડ કે અન્ય કેમિકલ ડ્રગ્સનું સેવન કરવું અને સાથે સાથે પોલીસ કે સ્કૂલ-કોલેજના નિયમોને
અવગણીને ફાવે એમ વર્તન કરવાનો આ એક જુદો જ નશો છે. આ એવા યુવાનો છે જે
આવતીકાલના બિલ્ડર, ઉદ્યોગપતિ કે કદાચ નેતા પણ બને… પરંતુ, એમને બેન્કની સાદી સ્લીપ
ભરતા નથી આવડતી. કેન્દ્રના કે રાજ્યના મંત્રીઓના નામ પણ ખબર નથી! હા, એમને એ ખબર છે
કે, જિમ મોરિસન, જસ્ટિન બિબર કે જેક સ્પેરો કોણ છે! ભારતની આઝાદીનો ઈતિહાસ એમને
ખબર હોય કે નહીં, કયા બેન્ડનું નવું આલબમ રિલીઝ થયું, કે આઈ ફોન ફોર્ટીન રિલીઝ થયો એ વિશે
એમની પાસે લેટેસ્ટ માહિતી હોય છે.
બીજો ક્લાસ એ છે જે નાના શહેરોની નાની કોલેજોમાં ભણે છે અથવા મધ્યમવર્ગના
વિસ્તારોમાં રહે છે. એમના ઉપર હિન્દી સિનેમાની, હવે ઓટીટીની અસર છે, સાથે જ ગુજરાતી
મ્યુઝિક વીડિયોમાં દેખાડવામાં આવતી ‘દેશી’ દાદાગીરી, વ્યસની હોવાની ઈમેજ એમના ઉપર ઊંડી
અસર કરે છે. એમને લાગે છે કે, કોલર ઊંચા રાખવા, દાદાગીરી કરવી, શોભે કે નહીં વાળ કલર
કરાવવા અને ટાઈટ પેન્ટ પહેરવાથી એ ‘ટ્રેન્ડી’ અને ‘કૂલ’ લાગશે. આ છોકરાઓ પાસે સસ્તી
‘ભાઈ’ગીરી છે. કહેવાતી ‘ઊંચી’ સોસાયટીના લોકો એમને ‘લુખ્ખા’ કહે છે કારણ કે, એમની પાસે
ચોપડવા કે ચિટકાવવા માટે એમની પાસે ‘પૈસા’ નથી. તકલીફની વાત એ છે કે, આ છોકરાઓના
માતા-પિતા સંઘર્ષ કરીને માંડ મધ્યમવર્ગ કે ઉચ્ચ મધ્યમવર્ગ સુધી પહોંચ્યા હોય છે. સંતાનોના શિક્ષણ
પછી એ વ્યવસાય સંભાળશે કે આર્થિક રીતે મદદરૂપ થશે એવી માતા-પિતાની અપેક્ષા હોય છે. એવું
ન થાય તો પણ 22-23 વર્ષનો દીકરો આર્થિક રીતે પગભર થાય એવી અપેક્ષા તો કોઈપણ માતા-
પિતાની હોય જ. એને બદલે ગાંજા અને દારૂમાં અટવાયેલા આ યુવાનો કારણ વગરના પાવરના
સંઘર્ષમાં ઉતરે છે. કોલેજમાં પોતાની ધાક બેસાડવા કે ગમતી છોકરીની સાથે ‘ફ્રેન્ડશીપ’ કરવા માટે
થઈને આ પેઢીના છોકરાઓ સમય, શક્તિ અને શિક્ષણ બધું જ બગાડે છે. એમને કલ્પના પણ નથી કે
જે સિનેમા જોઈને એ લોકો આ બધું શીખે છે એ ફિલ્મસ્ટાર્સ પોતાની કારકિર્દી માટે કેટલા સભાન
અને સજાગ છે! એ લોકોને આવો ‘અભિનય’ કરવાના કરોડો રૂપિયા મળે છે. એમના અંગત જીવનમાં
એ લોકો બહુ જુદા છે. જે સલમાન ખાન ‘ભાઈ’ કહેવાય છે એ એના આખા પરિવારને પોષે છે. બે
મા, બે ભાઈ, બે બેન, બે બનેવીનો ખર્ચો સલમાન ખાન ઉપાડે છે એટલું જ નહીં, એના પિતા
સલીમ ખાનનો એ આજે પણ પુષ્કળ આદર કરે છે. જે શાહીદ કપૂર ‘કબીર સિંઘ’માં ડ્રગ્સ અને
શરાબનો વ્યસની છે એ નિયમિત કસરત કરે છે. એના પરિવારની કાળજી કરે છે અને શરાબ કે
ગુટખાની જાહેરખબરમાં કામ કરતો નથી. જે અક્ષય કુમાર ‘બચ્ચન પાંડે’માં ગુંડો બને છે એણે
ગુટખાની જાહેરખબરમાં કામ કર્યા પછી જાહેરમાં માફી માગી એટલું જ નહીં, શારીરિક સ્વાસ્થ્ય
અંગે, દેશમાં જાગૃતિ અને સમજણ ફેલાય એ માટે એણે અનેક વીડિયો અને જાહેરાતોમાં કામ કર્યું છે.
એક સર્વે કહે છે કે, આવનારા વર્ષોમાં ભારતમાં સૌથી વધુ યુવા વર્ગ હશે. દેશના નાગરિકો,
વોટર્સ, નેતાઓ, એન્જિનિયર્સ, ડૉક્ટર્સ, વૈજ્ઞાનિકો, વકીલો અને બિલ્ડર્સ યુવા હશે ત્યારે જો એમની
પાસે સાચી દિશા નહીં હોય તો એ આ દેશને કંઈ દિશામાં લઈ જશે, એ વાતનો ભય નથી લાગતો?
આવનારી પેઢીની આર્થિક સુરક્ષા માટે આપણે ઘણું કરી રહ્યા છીએ, પરંતુ એમના માનસિક સ્વાસ્થ્ય
અને નૈતિક ઘડતર માટે આપણે કોઈ પ્રયાસ કરીએ છીએ ખરા?