ફિલ્મસ્ટાર્સના લફરાંના સમાચાર યુટ્યુબની ચેનલથી શરૂ કરીને આપણી કિટિ પાર્ટીઓ અને
સામાજિક સમારંભોમાં ભેગાં થયેલા લોકો માટે મનોરંજક ચર્ચાનો વિષય રહ્યા છે. આજે નહીં, આજથી
50-60 વર્ષ પહેલાં પણ ફિલ્મસ્ટાર્સના અંગત સંબંધો સતત સામાન્ય માણસમાં કુતૂહલ અને આશ્ચર્યનો
વિષય હતા જ. શોભના સમર્થ અને મોતીલાલ હોય કે દેવિકા રાણી અને હિમાંશુ રોય… સ્ત્રી-પુરુષના
સામાન્ય સંબંધો કરતાં આ ફિલ્મસ્ટાર્સના સંબંધો પ્રમાણમાં કોમ્પ્લેક્સ અને ક્યારેક કન્ફ્યૂઝ્ડ પણ લાગતા
રહ્યા છે. જે ફિલ્મસ્ટાર્સના લફરાં વિશે જનસામાન્યને પણ ખબર હોય, એ સ્ટારની પત્ની કે પતિને
આવાં સુંવાળા સંબંધની જાણ નહીં હોય? – આવો સવાલ આપણને થયા વગર રહે નહીં, પરંતુ દરેક
વખતે સંબંધોની ચર્ચાનું ચકડોળ ફરે ત્યારે એ સાચું જ હોય એવું માની લેવાનું કોઈ કારણ હોતું નથી.
બીજી તરફ, જે લોકો પોતાના ‘લગ્ન’ને બહુ આદર્શ કે શ્રેષ્ઠ લગ્ન પૂરવાર કરવાનો પ્રયત્ન કરતા હોય એ
બધા જ પોતાના જીવનસાથી પ્રત્યે કમિટેડ અને પરિવાર પ્રત્યે સમર્પિત હોય એવું જરૂરી નથી. આ વાત
માત્ર ફિલ્મસ્ટાર્સને લાગુ નથી પડતી બલ્કે, સમાજના દરેક સ્તર પર હવે દામ્પત્ય જીવનમાં આવો દંભ
સામાન્ય થઈ પડ્યો છે.
જે લોકો 50-60ના દાયકામાં જન્મ્યા એમણે પોતાની અડધી કરતા વધુ જિંદગી પૈસા, પદ અને
પ્રતિષ્ઠા માટે ખર્ચી નાખી. સંપતિ અને સગવડો તો ઊભી થઈ ગઈ, પરંતુ આવાં દામ્પત્યમાં ‘સુખ’ની
બાદબાકી ક્યારે થઈ ગઈ એની કદાચ એમને પોતાને પણ ખબર નથી રહી. આ કોઈ સામાન્ય કે જેનેરિક
સ્ટેટમેન્ટ નથી, પરંતુ આજની નવી-યુવા પેઢી પોતાના લગ્નને જેટલી પ્રામાણિકતાથી સ્વીકારે કે નકારે છે
એટલી પ્રામાણિકતાથી એમના માતા-પિતા પોતાના લગ્ન વિશે વાત કરી શકતા નથી એ સત્ય આપણને
બધાને ક્યાંકને ક્યાંક સ્પર્શે છે.
જયાજી જાહેરમાં વારંવાર ગુસ્સો કરીને પોતાની ભીતર વધતી જતી કડવાશને કાઢવાનો પ્રયાસ
કરે છે કે એક પત્ની હોવા છતાં, હેમા માલિની સાથે લગ્ન કર્યા પછી પણ ધરમજી એમની સાથે નથી
રહેતા એ સત્ય મીડિયાએ નજર અંદાજ કરી નાખ્યું છે! અક્ષયકુમાર, અજય દેવગણ, શાહરુખ ખાન કે
અભિષેક બચ્ચન જેવા અભિનેતા હોય કે માધુરી દીક્ષિત, શ્રીદેવી, જુહી ચાવલા જેવી અભિનેત્રી…
એમના લગ્ન વિશેની એમની ઈમેજ અને સત્યમાં અંતર છે એ વાત કેટલીક વખત અજાણતાં જ ઝડપાઈ
ગયેલા નાના મોટા વીડિયો દ્વારા આપણા સુધી પહોંચે છે. ‘પ્રોવોક્ડ’ નામની ઐશ્વર્યા રાયની ફિલ્મની
રજૂઆત વખતે આખો બચ્ચન પરિવાર ઉપસ્થિત હતો એવા સમયે ઐશ્વર્યના એકલીના ફોટા લેવા
માગતા પ્રેસવાળામાંથી કોઈ કશું બોલ્યું અને અભિષેક ત્યાંથી જે રીતે ચાલી ગયો (યુટ્યુબ પર વીડિયો
ઉપલબ્ધ છે) એ જોઈને કે પોતાના આદર્શ લગ્નની દુહાઈ આપતા આ બધા ફિલ્મસ્ટાર્સના કેટલાક જાહેર
પ્રસંગોના વીડિયો જોઈને એટલું તો ચોક્કસ સમજાય છે કે, એમના લગ્નો જેટલાં દેખાય છે, અથવા
દેખાડવામાં આવે છે એટલા આદર્શ નથી!
આપણે બધા પણ ‘આદર્શ’ લગ્નની ઈમેજ ઊભી કરવામાં આપણી ઘણી એનર્જી અને ઈમોશન
ખર્ચી નાખતા રહ્યા છીએ. આપણા લગ્ન, ‘આપણા માટે’ નહીં, પરંતુ જાણે બીજા માટે જીવાતા હોય એમ
આપણે બહાર સારા અને ઘરમાં ખરાબ વર્તનના નમૂના રજૂ કરતા રહ્યા છીએ. બીજા લોકોની સામે
એકબીજાની કાળજી કરતા, વખાણ કરતા કે સતત એકબીજા પરત્વે પ્રેમ વ્યક્ત કરતા યુગલો ક્યારેક આ
દંભથી થાકી જતા હશે, ત્યારે એમનું સાચું વર્તન બહાર આવ્યા વગર રહેતું નથી. સત્ય તો એ છે કે, લગ્ન
એકમેકની સાથે જીવવાનો એક એવો અનુભવ છે જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે બહુ લાંબા સમય
સુધી દંભ કરી શકતી નથી.
જેવા છીએ તેવા ‘પ્રગટ’ થઈ શકીએ અને સામેની વ્યક્તિ આપણને જેવા છીએ તેવા સ્વીકારે
એનું નામ સાચું દામ્પત્ય. આપણે બધા ફિલ્મી દુનિયાથી પ્રેરાઈને આપણા લગ્નોને પણ મીડિયાનો
મસાલો બનાવવાના કોઈ મૂર્ખતાપૂર્ણ પ્રયાસમાં જીવી જઈએ છીએ, પછી ઘણા વર્ષે જ્યારે આ પ્રયત્ન
આપણને થકવી દે ત્યારે અચાનક જ આપણી ભીતર સળવળતી રહેલી અણગમાની, તિરસ્કારની,
ગુસ્સાની કે ફરિયાદની લાગણીઓ માથું ઊંચકવા લાગે છે. જો કોઈએ નોંધ લીધી હોય તો સમજાય કે
સમાજમાં અત્યારે સૌથી વધુ છૂટાછેડાનું પ્રમાણ લગ્નના 20-25 વર્ષ પછી લેવાતા છૂટાછેડાનું છે. આનું
કારણ જ એ છે કે, આપણે શરૂઆતથી જ દંભવિહીન અને સ્વીકાર સાથેનું જીવન જીવતાં શીખતા નથી.
દંભી દામ્પત્યના કેટલાક સંબંધો એવી દયામણી કક્ષાએ પહોંચી જાય છે કે, બંને જણાં એક જ
ઘરમાં પોતપોતાની આગવી અલગ જિંદગી જીવવા લાગે છે. ખરેખર જે સમયે એકબીજાના સાથની
સૌથી વધુ જરૂર કે અપેક્ષા હોય એ સમયે જ પતિ-પત્ની એકબીજાથી દૂર રહેવાના પ્રયત્નો કરવા લાગે છે.
કેટલાક લોકો સ્નેહ કે હૂંફની શોધમાં લગ્નેતર સંબંધમાં અટવાય છે, તો કેટલાક પોતાની દુનિયા અને
દિવસ એવી રીતે ગોઠવી લે છે કે જેમાં પત્ની અને પરિવાર માટે જગ્યા બચે જ નહીં!
આવી કોઈપણ સ્થિતિ શા માટે આવે? એનો જવાબ એ છે કે, આપણે આદર્શ અથવા શ્રેષ્ઠ
પ્રોજેક્ટ કરવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણને આપણા જ લગ્નજીવનમાં લાગેલી ઊધઈ
દેખાતી નથી. આપણા સંબંધો બીજા લોકોને દેખાડવા કે એમની સામે કશું સાબિત કરવા માટે નથી…
દામ્પત્યમાં દંભ, અંતે દયામણી સ્થિતિ તરફ લઈ જશે… એને બદલે જો દામ્પત્યને પ્રામાણિકતાથી
જીવવામાં આવે તો પતિ-પત્ની બંને માટે એ પરમ સુખનો સંબંધ પૂરવાર થશે.