દર્શન એટલે ‘એની’ નજર આપણા પર પડે તે…

રાજસ્થાનમાં આવેલા એક અતિ વિખ્યાત મંદિરની બહાર દર્શન માટેની કતારમાં ઊભેલા
ભાવકોમાંથી એક બહેન ધક્કા મારીને આગળ આવવાનો પ્રયાસ કરતા હતા, એમણે એ બાબતે ઝઘડો કરી
નાખ્યો! હજી દ્વાર ખૂલ્યાં નહોતાં. સૌ કતારમાં પ્રતીક્ષા કરી રહ્યા હતા, અંદર જવાના જ હતા, તેમ
છતાં એમને કોણ જાણે કંઈ વાતની ઉતાવળ હતી! બીજી તરફ, એક ભાઈ પોતે કેટલું દાન કરે છે અને
ગરીબો માટે કેટલી દયા ધરાવે છે એ વિશેની કથા કહી રહ્યા હતા. તો સ્ત્રીઓનું એક ગ્રૂપ કોનો, કોની
સાથે અફેર ચાલે છે એ વિશે ચર્ચા કરી રહ્યું હતું… ત્યારે, મનમાં સ્વાભાવિક જ એવો વિચાર આવ્યા વગર
રહે નહીં કે, દૂર દૂરથી ઈશ્વરના દર્શન માટે આવેલા આ સૌ ભાવકો (કોઈની શ્રધ્ધા સામે પ્રશ્ન નથી)
અહીં સુધી આવ્યા પછી પણ પોતાના મનમાં ચાલતા અહંકાર, નિંદા કે બીનજરૂરી મોહને કેમ થોડીવાર
માટે પણ મૂકી નહીં શકતા હોય?

‘દર્શન’ બહુ અદ્દભૂત શબ્દ છે. આપણે ફિલોસોફી અથવા તત્વજ્ઞાન માટે પણ ‘દર્શન’ શબ્દનો
પ્રયોગ કરીએ છીએ. સામે ઊભેલા દેવ કે દેવીનાં દર્શન તો ખરા જ, પરંતુ આપણી ભીતર રહેલા ભાવોને
જોવાની પણ આ ક્ષણ હોય છે. ‘ઝાંખી’નો અર્થ જ એ છે કે, આપણને ક્ષણ-બે ક્ષણ માટે જે અનુભૂતિ
થાય એને ભીતર સ્થિર કરીને ફરી પાછા ‘દર્શને’ આવીએ ત્યાં સુધી એ વિચાર, અનુભૂતિ કે ક્ષણ આપણને
સારા-ખોટાની સમજણ આપે, આપણને ‘સાચું’ સ્વીકારતાં અને ‘ખોટા’ને નકારતાં શીખવે. સત્ય તો એ
છે કે, તેજ અથવા ઈશ્વરના અસ્તિત્વની અનુભૂતિ ક્ષણ-બે ક્ષણ જ હોય છે. દુનિયાની દરેક અદ્દભૂત
અનુભૂતિનું આયુષ્ય થોડીક ક્ષણો માટે જ હોય છે. સંભોગની ચરમસીમા હોય કે સંતાનનો જન્મ,
સમાધિની અવસ્થા હોય કે જ્ઞાન પ્રગટવાની, સત્યને નિહાળી શકવાની પ્રતીતિ… આ બધું ક્ષણોમાં બની
જાય છે. ઈશ્વર સામે ઊભા હોઈએ ત્યારે એ ક્ષણની અનુભૂતિને ભીતર સ્થિર કરવાને બદલે આગળ
આવવા કે ધક્કા મારવામાં જે લોકો એ ક્ષણ વેડફી નાખે છે, એમને મૂર્તિ દેખાતી હશે-દર્શન નથી થતા!
કેટલાક લોકો આ રીતે વિચારતાં નહીં હોય, કદાચ…

ઈશ્વરની આરાધના એટલે ભીતરના ભાવને જાગૃત કરવાની એક એવી રીત જે આપણને તો
સારા અને સ્વચ્છ બનાવે જ, પરંતુ આપણી આસપાસના જગતને પણ આપણે થોડું શાંત, સ્વચ્છ કે
સુખી કરી શકીએ એ માટે આપણને જગાડે. ‘સન્મુખ’ એટલે આ જગતના નિયંતા-પરમતત્વની સામે
ઊભા રહેવાની પળ! એ ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યા હોઈએ ત્યારે બીજો કોઈ વિચાર જ કેમ આવે? પરંતુ,
એ પ્રતીક્ષા દરમિયાન સ્વયં વિશેનો અહંકાર, અન્ય વ્યક્તિના જીવન વિશેની નિંદા કે પહેલાં પહોંચીને
સારી જગ્યા મેળવવાની ઉતાવળનો ઉદ્વેગ… આપણને ઈશ્વરની નીકટ જતાં પહેલાં જ કોઈક એવી
બાબતમાં ગૂંચવી નાખે છે જેનાથી આપણને એની ‘સન્મુખ’ તો હોઈએ જ છીએ, પરંતુ સમર્પિત થઈ
શકતા નથી!

આ કોઈ એક મંદિર કે યાત્રાધામની વાત નથી, આ પરિસ્થિતિ લગભગ દરેક જગ્યાએ છે. લોકો
દૂર દૂરથી ‘યાત્રા’ના નામે આવે છે, અને ત્યાંથી જે મેળવવાનું છે એ-શાંતિ, સમજણ, સમર્પણ, સ્વીકાર કે
ક્ષમા જેવી લાગણીઓને સ્પર્શ્યા વગર જ પાછા ફરી જાય છે. જ્યારે કોઈપણ યાત્રાધામ પરત્વે આપણી
શ્રધ્ધા હોય કે ઈશ્વરના કોઈ એક સ્વરૂપમાં આપણી આસ્થા, બાળપણથી આપણને જે ધર્મ પરત્વે
વાળવામાં આવ્યા હોય કે જે ધર્મને આપણે સ્વીકાર્યો હોય ત્યાં પહોંચીને જો આપણે ઈશ્વર સિવાય
બીજી કોઈપણ વાતમાં અટવાઈ જઈએ તો એ યાત્રા નહીં, ધક્કો થઈ જાય…

સત્ય તો એ છે કે, આપણા રોજિંદા જીવનથી દૂર જઈને આપણે જેને ભજતાં, પૂજતાં કે જેના
પરત્વે શ્રધ્ધા ધરાવતા હોઈએ એવા પરમતત્વના સાનિધ્યમાં થોડો સમય વિતાવી શકીએ એ જ યાત્રાનો
ઉદ્દેશ હોય છે. કેટલાક લોકો પોતાને માટે નહીં, બીજાને દેખાડવા, જતાવવા કે પોતાની મહત્તા સાબિત
કરવા યાત્રા કરે છે. એમને યાત્રાધામમાં કેટલું મહત્વ મળે છે, પોતે કેટલી ઓળખાણ ધરાવે છે અને
ઈશ્વરના મંદિરમાં પણ ‘એ’ બીજાથી જુદા અને મહત્વના છે એ વાત જો ભૂલી જ ન શકાતી હોય તો
‘યાત્રા’ કે ‘દર્શન’નો ઉદ્દેશ્ય શું? આપણે એ વિરાટ પરમતત્વના અસ્તિત્વ સામે કેટલા નાના અને
ઈનસિગ્નિફિકન્ટ છીએ, એ યાદ કરવા માટે તો આવી યાત્રા કરવી પડે છે! આપણા રોજિંદી જીવનમાં
આપણે આપણી સત્તા, સફળતા કે સંપત્તિનો દેખાડો કરતા જ હોઈએ છીએ-એ કદાચ સ્વાભાવિક પણ
છે. માણસ તરીકે નાનો-મોટો અહંકાર સૌને હોય જ. કેટલીકવાર નમ્રતાના મુખવટા નીચે પણ વિરાટ
અહંકાર છુપાયેલો હોય છે, પરંતુ એ વિશે કોઈ ફરિયાદ કે વિવેચન કરવાનો અર્થ નથી. એ વ્યક્તિગત
બાબત છે અને દરેકને પોતાના વ્યક્તિગત અહંકારને પંપાળવાનો અધિકાર છે, અલબત્ત એની સાથે
જોડાયેલા પરિણામોને અવગણી નહીં શકાય એ પણ નક્કી છે, પરંતુ આપણે જ્યારે ઈશ્વરની સમક્ષ
ઊભા હોઈએ છીએ ત્યારે જો આપણને એટલું ન સમજાય કે આ ક્ષણ આપણા અહંકાર, ઉદ્વેગ કે ઈર્ષા-
નિંદાને અળગો કરવાની ક્ષણ છે તો એ દર્શન કે યાત્રા તદ્દન નિષ્ફળ છે. આપણું અસ્તિત્વ આ ધરતી પર
થોડાં વર્ષો માટે છે, અને એ અસ્તિત્વને જો સાચવી-સંભાળી રહ્યું છે તો એ પરમતત્વ છે, એમાં આપણું
કોઈ પ્રદાન જ નથી… આ વાત જ્યારે જ્યારે ભૂલી જઈએ ત્યારે ઈશ્વરની સામે ઊભા રહેવું જરૂરી બની
જાય છે. આપણા સત્તા, સંપત્તિ કે સફળતાનો અહંકાર ક્ષણભર બાજુએ મૂકીને તદ્દન સામાન્ય, એના
શરણે આવેલા દીન, પ્રાર્થી બની જઈએ તો એની સામે ઊભેલા ટોળામાંથી એની નજર કદાચ એકાદ ક્ષણ
માટે આપણા ઉપર પડે… અને તો, એના સુધી આવ્યાનો આપણો પ્રયાસ કદાચ સફળ થાય.

હવે પછી મંદિરમાં જઈએ તો ચપ્પલની સાથે આપણો અહંકાર, ઈર્ષા, કડવાશ કે મલિનતાને
બહાર મૂકીને જવાનો પ્રયત્ન કરી જોઈશું? એકાદવાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *