દસ્તાવેજી ફિલ્મોઃ માહિતીની સાથે મનોરંજનનું અદ્ભૂત માધ્યમ

હવે પાકિસ્તાનમાં અમૃતસર જિલ્લાનું કોટલા સુલ્તાન સિંઘ ગામ… એ ગામમાં રોજ એક
ફકીર આવતો. એ ફકીર રસ્તા પરથી ગાતો ગાતો પસાર થાય ત્યારે એક નાનકડો છોકરો એની પાછળ
દોડતો. એ છોકરો આબેહૂબ ફકીરના ગીતની નકલ કરી શકતો. એક દિવસ એ છોકરો ગાતો હતો ત્યારે
એ ફકીરે સાંભળ્યું. છોકરા પાસે એક ગીત ફકીરે ગવડાવ્યું. છોકરાએ ગાયું અને ફકીરે આશીર્વાદ
આપ્યા, ‘એક દિન તેરી આવાઝ સારી દુનિયા સુનેગી’ ફકીરના આશીર્વાદ જાણે કોઈક ચમત્કારીક રીતે
સાચા પડ્યા હોય એમ સુલ્તાન સિંઘ ગામના એ હાજી અલી મોહમ્મદના છઠ્ઠા દીકરા, જેને ઘરમાં
લાડમાં ‘પિખો’ કહીને બોલાવતા એ મોહમ્મદ રફીનો અવાજ આજે પણ અમર છે.

નવા ગાયકો જેની કોપી કરે છે એવા ગઈ પેઢીના ગાયકોમાં મોહમ્મદ રફી સૌથી વધુ લોકપ્રિય
છે કારણ કે, એમના અવાજમાં જે નજાકત અને લચક છે એ અમૂલ્ય છે. એમના જીવન પર બનેલી
એક ઓથેન્ટિક બાયોગ્રાફીની ડોક્યુમેન્ટરીમાં અભિનેતા જિતેન્દ્ર એમને યાદ કરીને કહે છે, ‘મેં એક
ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી, ‘દિદાર એ યાર’ એ ફિલ્મ ચાર વર્ષ સુધી બનતી રહી. એનું પહેલું ગીત મોહમ્મદ
રફી સાહેબના અવાજમાં રેકોર્ડ કરવામાં આવેલું, અને છેલ્લું ગીત પણ એમના અવાજમાં રેકોર્ડ કર્યું.
છેલ્લું ગીત રેકોર્ડ કર્યું ત્યારે મેં એમને 20 હજાર રૂપિયા મોકલ્યા કારણ કે એ સમયે રફી સાહેબ એક
ગીતના 20 હજાર રૂપિયા લેતા હતા… મારા આશ્ચર્ય સાથે એમના બનેવી ઝહીરભાઈ સવારે 16
હજાર રૂપિયા પાછા લઈને આવ્યા. એમણે કહ્યું કે, ભાવ ગમે તેટલો બદલાયો હોય, પણ એક
પ્રોડ્યુસર પાસે એક પિક્ચરના તો એક જ ભાવે ગીતો ગાવા પડે…’ એવી જ રીતે લેખ ટંડન રફી
સાહેબને યાદ કરે છે… 1968માં રજૂ થયેલી ફિલ્મ ‘ઝૂક ગયા આસમાન’ માટે ગીત રેકોર્ડ થઈ રહ્યું
હતું. ગીત પૂરું થયું ત્યારે લેખ ટંડને કહ્યું, ‘રફી સાહેબ આ શમ્મી (કપૂર) માટે નથી, આ ગીત તો પડદા ઉપર
રાજેન્દ્ર કુમાર ગાવાના છે.’ રફી સાહેબે તરત જ કહ્યું, ‘અરે યાર ! પહેલાં કહેવું જોઈએ ને ?’ એમણે તરત
જ ગીત ફરી રેકોર્ડ કર્યું. એ ગીત રાજેન્દ્ર કુમારના અવાજમાં પડદા ઉપર સુપરહિટ થયું, ‘કૌન હૈ જો
સપનોં મેં આયા…’

લતા મંગેશકરે ગાયકોની રોયલ્ટી માટે અવાજ ઊઠાવ્યો ત્યારે રફી સાહેબે એમાં બહુ ઉત્સાહથી સાથ ન
આપ્યો. લતાદીદીનું કહેવું હતું કે, રોયલ્ટીની રકમમાં ગાયકનો પણ હિસ્સો હોવો જોઈએ (જે આજે છે), પરંતુ એ
હિસ્સો જો ગાયકને આપવામાં આવે તો એના મહેનતાણામાં ઘટાડો થાય. રફી સાહેબે એ સ્વીકારવાનો ઈન્કાર
કરીને કહ્યું કે, એમને તો વનટાઈમ પેમેન્ટમાં જ રસ છે. લતાદીદીને ખોટું લાગ્યું અને એમણે રફી સાહેબ સાથે
ગાવાનો ઈન્કાર કરી દીધો. ઘણા બધા સંગીત દિગ્દર્શકોને લતાદીદીની વધુ જરૂર હતી એટલે એમણે લતાદીદીનું
માનીને રફી સાહેબને લેવાના બંધ કર્યા… મન્ના ડે, મૂકેશજીના ગીતો ચાલતા રહ્યા, પરંતુ ચાર વર્ષ સુધી લતાજી
અને રફી સાહેબે સાથે ગાયું નહીં. એમની વચ્ચે સમાધાન કરાવવાના લગભગ સૌના પ્રયત્ન નિષ્ફળ ગયા પછી
1967માં મુંબઈના ષણ્મુખાનંદ હોલમાં એસ.ડી. બર્મન નાઈટનો એક કાર્યક્રમ હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ
બધા જ મોટા નામ ત્યાં ઉપસ્થિત હતા. સંગીતકાર મદન મોહન અને નરગીસજી એ કાર્યક્રમને કોમ્પિયર
(સંચાલન) કરી રહ્યા હતા ત્યારે એમણે જાહેરાત કરી, ‘હવે આપના માટે એક અદભૂત સરપ્રાઈઝ રજૂ કરીએ
છીએ’ વિંગની એક તરફથી લતાજી અને વિંગની બીજી તરફથી મોહમ્મદ રફી સાહેબ ગાતા ગાતા
પ્રવેશ્યા… એ દૃશ્યને યાદ કરતાં મદન મોહનના પુત્ર સંજીવ કોહલી કહે છે, ‘હું નાનકડો હતો, પણ
આજે પણ એ દૃશ્ય યાદ કરું છું તો મને રોમાંચ થાય છે.’

મોહમ્મદ રફી સાહેબ સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં છે. વિનય પટેલ અને
રજની આચાર્ય નામના બે ગુજરાતીઓએ બનાવેલી આ ડોક્યુમેન્ટરી ફિલ્મનું પાર્શ્વ સંગીત ગુજરાતી સંગીત-
દિગ્દર્શક ઉદય મઝુમદારનું છે. (શેમારુ ઉપર આ ડોક્યુમેન્ટરી ઉપલબ્ધ છે). આ ડોક્યુમેન્ટરી રફી સાહેબની
ઓથોરાઈઝ્ડ બાયોગ્રાફી, ‘ગોલ્ડન વોઈસ ઓફ સિલ્વર સ્ક્રીન્સ’ (સુજાતા દેવના લેખન અને રિસર્સ)
ઉપર આધારિત છે.

ઓટીટીના સરળ ઉપયોગને કારણે આપણને આવું ઘણું મળે છે. જગજિતસિંહજીની ડોક્યુમેન્ટરી
‘કાગઝ કી કશ્તી’ અને રફી સાહેબની બાયોગ્રાફી ‘દાસ્તાન એ રફી’ આપણને ઓટીટી પર મળી છે.
આવી અનેક ડોક્યુમેન્ટરીઝ આપણી પાસે આજે ઉપલબ્ધ છે કારણ કે, એક નવું જ પ્લેટફોર્મ,
ઓટીટી આપણને મળ્યું છે. ઘણીવાર આપણે કોઈપણ બાબતની સારી બાજુ જોવામાં પાછા પડીએ
છીએ. ઓટીટી ઉપર ઘણો કચરો ઠલવાય છે, એ સાચું છે. એલજીબીટીક્યૂની ફિલ્મો સાથે સેક્સ,
હિંસા અને લોહિયાળ દૃશ્યો પણ બતાવવામાં આવે છે જે આપણી માનસિકતા પર અસર કરે છે,
પરંતુ સાથે સાથે એ પણ અગત્યનું છે કે, ઓટીટી ઉપર આવી સુંદર ડોક્યુમેન્ટરીઝ પણ જોવા મળે છે.
માત્ર ભારતીય કલાકારો કે સ્પોર્ટ્સ સ્ટાર નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે બનેલી સારી ડોક્યુમેન્ટરી ફિલ્મો
પણ અહીં ઉપલબ્ધ છે. આપણે શું જોવું છે એનો આધાર આપણી માનસિકતા ઉપર છે.

ડોક્યુમેન્ટરી ફિલ્મો અત્યાર સુધી આપણને ક્યાંય જોવા નહોતી મળતી. કેટલીક સાચે જ
અદભૂત કહી શકાય એવી ડોક્યુમેન્ટરી ફિલ્મ યુટ્યૂબ ઉપર પણ મળતી નહોતી. હવે એ ફિલ્મો
આપણને ઓટીટીના પ્લેટફોર્મ ઉપર મળે છે. સુજય ઘોષની બંગાળ અને એની ટ્રેડિશન પરની ફિલ્મો,
વિકાસ ખન્ના (એક ભારતીય શેફ જે ન્યૂયોર્કમાં રહે છે)ની ‘હોલી કિચન્સ’ જે વિશ્વભરના મંદિરોમાં
પ્રસાદ કેવી રીતે બને છે અને એનું શું મહત્વ છે એના વિશેની ફિલ્મ છે. એવી જ રીતે એલ્વિસ
પ્રેસલી, પ્રિન્સેસ ડાયેના, માઈકલ જેક્સન, મહેન્દ્રસિંહ ધોની અને વિશ્વના જાણીતા ડિઝાઈનર
જિયાની વરસાચે અને કોકો શેનલ, અને ‘પ્લે બોય’ના તંત્રી હ્યુ હેફ્નરના જીવન પર બનેલી એવોર્ડ
વિનિંગ ડોક્યુમેન્ટરી ઓટીટી પર ઉપલબ્ધ છે. વિશ્વમાં ખૂબ જાણીતા થયેલા બેન્ડ ‘બિટલ્સ’ અને
એના મુખ્ય સંસ્થાપક જ્હોન લેનનના ખૂનની કથા, જ્હોન એફ. કેનેડીના એસેસીનેશન (કતલ)ની
કથા, એવી જ રીતે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ બનાવવાની કથા અને એ બે ટ્વિન ટાવરની વચ્ચે દોરડા
પર ચાલેલા ફિલિપ પેટિટની કથા વિશેની ડોક્યુમેન્ટરી, લાસ વેગાસની બનવા અને તૂટવાની કથા,
લેબેનનની વોર, હિટલર વિશે અને એવી જ રીતે પોલેન્ડના અત્યાચારોમાંથી જીવિત નીકળેલા એક
વ્યક્તિના સ્વમુખે કહેવાયેલી કથાની ડોક્યુમેન્ટરીઝ હવે ઓટીટી પર છે. પેઈન્ટર રવિ વર્મા, પેઈન્ટર
રઝા (તંત્રા એન્ડ મંડલા) એમ.એફ. હુસૈન, પંડિત રવિશંકર અને મહારાજા સયાજીરાવના જીવન અને
વ્યક્તિત્વની સાથે સાથે કલા અને રાજનીતિના ક્ષેત્રમાં એમણે કરેલા પ્રદાન વિશે પણ આ ફિલ્મોમાંથી
ઘણું જાણવા મળે છે. માત્ર સિનેમા અને વેબ સીરિઝ નહીં, ક્યારેક આવી ડોક્યુમેન્ટરી પણ જોઈએ
તો સમજાય કે, વૈશ્વિક સ્તરે લોકો કેવું મોટું કામ કરે છે. આપણા ગુજરાતી દિગ્દર્શક હૃદયનાથ
ઘારેખાનની ફિલ્મ ‘કેચ’ ભારત અને પાકિસ્તાનની વચ્ચે અજાણતાં જ દરિયો ક્રોસ કરી જતા, સપડાઈ
જતા અને પાકિસ્તાનની કે ભારતની જેલોમાં જિંદગીના અમૂલ્ય વર્ષો વિતાવી નાખતા નિર્દોષ
માછીમારોની કથા છે. ‘રામ કે નામ’ (આનંદ પટવર્ધન), ‘સરદાર પટેલ’ (કેતન મહેતા), ‘ઝરિના’,
‘ઈન્ડિયન રેલવેઝ’ અને ‘શ્યામાપ્રસાદ મુખર્જી’ (ગાયત્રી જોષી)ની ડોક્યુમેન્ટરીઝ અનેક એવોર્ડ જીતી ચૂકી
છે તેમ છતાં, એટલું તો કહેવું જ પડે કે, આપણા દેશમાં ડોક્યુમેન્ટેશન-દસ્તાવેજીકરણ વિશે આપણે
સજાગ નથી. જીવિત વ્યક્તિઓના આર્કાઈવ અને એમના અવાજ, તસવીરો વિશેના સ્મૃતિ સંગ્રહો
આપણા દેશમાં બહુ ગંભીરતાથી લેવાતા નથી. સત્ય તો એ છે કે, આપણે આપણા જ વારસા વિશે
બહુ ઓછું જાણીએ છીએ. પશ્ચિમ પાસેથી ફેમિનિઝમ, સિગરેટ, શરાબ કે બીજી ખોટી વાતો
શીખવાને બદલે આપણે આવા દસ્તાવેજીકરણ અને વારસા સાચવવાની કળા શીખવી જોઈએ.

આપણી પાસે જે ઈતિહાસ અને ભવ્ય કથાઓ છે એ ફક્ત કહેવા પૂરતી જ રહી ગઈ છે.
આપણા પછીની પેઢીને જો આપણે ખરેખર કંઈ આપવું હોય તો દસ્તાવેજીકરણ સાથે આપણા
વારસાને જાળવતાં આપણે શીખવું પડશે.

Leave a Reply

Your email address will not be published.