આજથી 76 વર્ષ પહેલાં વિશ્વભરમાં જેને ‘મહાત્મા’ કહેવાયા એવા 78 વર્ષના
મોહનદાસ કરમચંદ ગાંધી પ્રાર્થના માટે મંચના પગથિયાં ચઢી રહ્યા હતા ત્યારે ભીડમાંથી એક માણસ
બહાર આવ્યો. ગાંધીજીની સાથે એમની પૌત્રીઓ મનુ અને આભા હતી, મનુને દૂર ધકેલીને પિસ્તોલ
કાઢીને એ બિમાર દુબળા માણસની છાતીમાં ત્રણ ગોળી મારવામાં આવી. એમણે ‘હે રામ’ કહ્યું, અને
આંખો મીંચાઈ ગઈ.
એમની સાથે જે હતી એ એમના પુત્ર હરિલાલની દીકરી મનુ. જેમની ડાયરી ‘દિલ્હીમાં ગાંધીજી’ના
નામે પ્રસિધ્ધ થઈ છે. મનુબેને ગાંધીજી સાથે રહીને કુલ 20 પુસ્તકો લખ્યાં. એમાંથી કેટલાંક
પુસ્તકોના હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં અનુવાદ થયાં છે. 10 વર્ષની ઉંમરે બાપુ પાસે પહોંચેલી
મનુ 14 વર્ષની ઉંમરે ભારતની આઝાદીની લડતના સૌથી યુવા કેદીઓમાંની એક હતી. એમને
રોજનીશી લખવાની ટેવ કસ્તુરબાએ પાડી. બાપુ નિયમિત રીતે એમની રોજનીશી તપાસતા. ક્યારેક
સારું લખ્યું હોય તો હાંસિયામાં સહી કરી આપતા. એમણે સંકલિત કરેલા લેખોમાં ગાંધીજીની પીડા
અને એમના જીવનના અંતિમ દિવસોમાં એમને જે તકલીફ અથવા નિરાશા થઈ એની વિગતો પણ
સમાવી લેવામાં આવી છે.
મનુબેને પોતાના નિવેદનમાં લખ્યું છે કે, “‘ભાવનગર સમાચાર’માં શરૂ થયેલી આ
લેખમાળા હું ન લખું તે માટે સામ, દામ, દંડ, ભેદ-જેનાથી જે અજમાવાય તે અજમાવી જોવાનો
પ્રયત્ન થયો હતો. તે પ્રયત્ન કરનારાઓમાં પણ એક ખાસ ચોક્કસ આગેવાનોનો વર્ગ હતો, એ આજે
જણાવતાં મને દુઃખ થાય છે. સદભાગ્યે મારી ડાયરીના પાને પાને બાપુની સહી છે. હું આ
ડાયરીઓમાં કોઈની કશી વ્યક્તિગત વાત લખતી નહોતી કે હાલના રાજકીય વાતાવરણ જોડે
સરખામણી કરતી નહોતી. જે હકીકત રોજબરોજ બનેલી મારી ડાયરીમાં નોંધાયેલી છે, તેને જ
યથાતથ જનતા સમક્ષ રજૂ કરતી હતી.” એક પત્ર એવો મળ્યો કે, ‘આટલી નાની ઉંમરમાં હું આવું
લખી જ ન શકું. મને કોઈક ચડાવે છે અથવા હું આમાંથી કમાણી કરી લેખોના અઢળક પૈસા મેળવતી
હોઈશ.’ એવી વાત સારા ગણાતા વર્ગ પાસેથી આવી, ત્યારે જ મને પૂ. બાપુની દીર્ઘદ્રષ્ટિનો ખ્યાલ
આવ્યો. બાપુએ મને કહ્યું હતું, ‘તારી કાચી ઉંમર જોતાં આ ડાયરીઓમાં મારી સહી હોય તે જરૂરનું
છે.’ હું ડાયરી બાપુને સહી માટે આપતાં ભૂલી ગઈ હતી તેથી મારે બાપુનો આ ઠપકો ખમવો પડેલો,
પ આ હકીકત આવી ત્યારે થયું, ધન્ય છે મારા બાપુને! મારી એમણે કેટકેટલી કાળજી કરી! તે દિવસનો
એ ઠપકો આજે પરમ આશીર્વાદરૂપ નીવડ્યો! જો તેમાં બાપુની સહી ન હોત તો કદાચ આ
આગેવાનો પોતાની સત્તાના બળે શું કરત તે પ્રભુ જાણે!
બાપુ વિશે દરેક પાસે પોતાનો એક મત છે, હોઈ શકે કારણ કે, એમણે ક્યારેય કોઈને
પોતાનો મત બદલવાની ફરજ નથી પાડી. એ જે જીવ્યા, એ વિશે એમણે ક્યારેય કશું છુપાવ્યું નથી.
મનુબેનની ડાયરીઓ વાંચતા સમજાય છે કે, મો.ક. ગાંધી ઘણી બધી બાબતો વિશે સંમત નહોતા.
ખાસ કરીને, એમને જેના માટે જવાબદાર ઠેરવવામાં આવે છે એ, ‘ભાગલા’ વિશે એમણે કહેલી
વાતો મનુબેનની ડાયરીમાંથી મળે છે.
13.9.47, શનિવાર
પ્રવચનઃ આજે જવાહરલાલ-સરદારને લાચાર બનાવી દીધા છે. જે જવાહરલાલ અને સરદાર
આઝાદીની લડતમાં મોખરે ઊભતા અને હસતે મોઢે વીરની જેમ લડ્યા, ત્યારે મેં કદીયે એમનાં મોં
ઉપર આવી લાચારી નથી જોઈ, જે હમણાં હમણાં જોઈ રહ્યો છું. હું મારી આંખોથી વસ્તીબદલી
જોવા નથી ઈચ્છતો. તેવું જ ઈશ્વરને કરવું હોય તો હું તો એની પાસે માગું છું કે એ થતા પહેલાં મને
લઈ જજે. ‘બંને હકૂમતને લડવા દો, પણ જો દરેક જણ પોતાના હાથમાં કાયદો લેશે તો હકૂમત કંઈ
જ નહીં કરી શકે.’
16.9.47, મંગળવાર
પ્રવચનઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ
‘તમારી ઉપર આરોપ આવ્યો છે કે, આ મારકાટમાં તમે છો. જો એમ હોય તો આટલી મોટી સંસ્થાનો
નાશ થશે. હું તમારા આગેવાનને મળ્યો. એ કહેતા હતા કે, અમે હિંદુનું રક્ષણ જરૂર કરીએ છીએ.
સ્વરક્ષામાં માનીએ છીએ, પણ બીજાને મારવામાં નથી માનતા. તો મેં કહ્યું, શું આ વસ્તુ હું જાહેર
કરું? એણે હા પાડી હતી. જો આમ જ છે તો હું ખુશ છું, પણ એવો ખ્યાલ રાખશો કે, પાકિસ્તાનમાં
કોઈ હિંદુ ન રહી શકે અને હિંદુસ્તાનમાં કોઈ મુસલમાન ન રહી શકે તો હું કહીશ કે બંને ધર્મનો ક્ષય
છે. હિંદુ ધર્મનો તો હું ખાસ્સો અભ્યાસી છું. હિંદુ ધર્મમાં બધા ધર્મનો નિચોડ છે. આજ તો
હિંદુસ્તાનની નાવ બહુ મુશ્કેલીથી ચાલી રહી છે. મને ઘણા કહે છે, તું મુસલમાનનો દોસ્ત છો, હિંદુ
શીખનો દુશ્મન છો. આ વાત કેવી? પણ હા, હું બાર વર્ષનો હતો ત્યારથી મુસલમાનનો મિત્ર છું, પણ
મારી રગેરગમાં હિંદુત્વ ભર્યું છે. મારી પાસે બધા ધર્મો એક છે અને એ રીતે જ હું આખરી શ્વાસ
સુધી હિંદુસ્તાનની સેવા કરવા માગું છું.’
પછી કેટલાક ભાઈઓએ પ્રશ્નો કર્યા.
પ્રશ્નઃ હિંદુ ધર્મમાં પાપીને મારવાની રજા છે કે નહીં?
બાપુઃ પાપીને મારવાની રજા છે, અને નથી. જો પાપીને ઓળખી શકીએ તો તો મારીએ, પણ જ્યારે
આપણે શુધ્ધ હોઈએ ત્યારે જ એક હક મળે છે. પાપી પાપીને શું મારી શકવાનો હતો?
પ્રશ્નઃ ગીતાજીના બીજા અધ્યાયમાં ભગવાને અર્જુનને કૌરવોને શું કામ મારવા કહ્યું હતું?
બાપુઃ આ સવાલ પૂછવા યોગ્ય નથી. ઉપરના જવાબમાં જવાબ મળી રહે છે. છતાંયે હું કહું છું કે,
પાપી હશે તો હકૂમત એ કાયદો હાથમાં લેશે. એક એક માણસ પોતાને મન ફાવતો કાયદો હાથમાં ન
જ લઈ શકે.
મોરારજી દેસાઈએ આ ડાયરીના પ્રકાશનની પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘બાપુની આ
ડાયરીમાં દર્શન થાય છે ત્યારે આખો દેશ ગુનેગાર હોય, મહાત્મા પ્રત્યે કૃતઘ્ની નીવડ્યો હોય એવી
લાગણી વાચકને સ્વાભાવિક રીતે જ થાય છે, છતાં ક્ષણભર વિચાર કરતાં એમ થાય છે કે એ
પરિસ્થિતિ જ એવી હતી કે એમાં સૌ નિઃસહાય હતા. બાપુની વ્યથાની સાથે સાથે બીજી અનેક
હકીકત કોઈપણ જાતના પડદા વગર આપણી સમક્ષ આવે છે. અનેક પાત્રોનું દંભનું આવરણ ખસી
જાય છે.’ એક જગ્યાએ બાપુ કહે છે, ‘તમે બધા મારા એક દિવસના વફાદાર સાથીઓ છો, તમારાથી
કોઈ વસ્તુ ન બની શકે તે હું સમજી શકું, પરંતુ મહેરબાની કરીને મને ખોટાં વચનો આપી આશામાં ન
રાખો તે જ તમારી પાસે પ્રાર્થના છે.’ આ શબ્દો પાછળની કરુણા તેમના થોડા સાથીઓ પણ પામી
શક્યા હોત તો પરિસ્થિતિમાં કંઈ ફેર ન પડત તો પણ મહાત્માનું દુઃખ જરૂર ઓછું થયું હોત.