ગઈકાલે અને આજે જૈન ધર્મની સંવત્સરી ઊજવાઈ. ‘મિચ્છા મી દુક્કડમ્’ કહીને હાથ
જોડીને એકબીજાની ક્ષમા માગવામાં આવી. જૈનત્વ એક એવો ધર્મ છે જે યુવાન છે, જેમાં વિજ્ઞાન
છે… આજે પણ જૈન ધર્મના કેટલાક સિધ્ધાંતો આયુર્વેદ તરફ આંગળી ચીંધે છે. શરીર અને મનની
સ્વસ્થતા, સંયમ અને સમ્યક્ ધર્મની વાત જૈનત્વએ કરી છે. વ્યક્તિ નહીં, પણ સમષ્ટિ તરફ કરુણા,
એન્વાયર્મેન્ટ, પંચતત્વ પરત્વે આપણો કૃતાર્થભાવ અને કર્મફળના સિધ્ધાંતો ઉપર આધારિત જૈન ધર્મ
વિશે જો જાણવાનો પ્રયત્ન કરીએ તો સમજાય કે આ ખૂબ પ્રેક્ટિકલ ધર્મ છે. રોજિંદા જીવનમાં પાળી
શકાય એવા સરળ અને છતાં મહત્વપૂર્ણ સિધ્ધાંતો ભગવાન મહાવીરે આપ્યા છે.
એમાંના ચાર સિધ્ધાંત બહુ મહત્વના છે. આત્મવિકાસ, અહિંસા, અનેકાંતવાદ અને
અપરિગ્રહ. માણસ તરીકે જોવા જઈએ તો પણ આપણને સમજાય, ધર્મ નહીં, પણ જીવનમૂલ્યોની
દ્રષ્ટિએ પણ આ સિધ્ધાંતો ખૂબ મહત્વના છે. જૈન ધર્મ કહે છે કે, માનવ જન્મ શ્રેષ્ઠ છે અને જો એ
જન્મ મળ્યો હોય તો એવું જીવન જીવવું જોઈએ જેનાથી આત્માની સંવેદના સારી બને. આપણે
લીધે બીજાને તકલીફ ન થાય, (બીજા એટલે કોઈપણ જીવ) એવું જીવી શકાય તો પણ એ પાયાનું
સદવર્તન અને સંવેદના છે. સનાતનધર્મ પણ આત્માની વાત કહે છે. આત્મા અમર છે, શરીર બદલે
છે એ વાત સાથે જો જૈનત્વને સરખાવીએ તો સમજાય કે, શરીર અને આંખ-કાન-નાક-જીભ-ચામડી
જેવી જ્ઞાનેન્દ્રિયો છે ત્યાં સુધી એની સાથે જીવવું પડે, એને જરૂર પૂરતી સાચવવી પણ પડે પણ એ
બધા દ્વારા લક્ષ્ય તો આત્માની સંવેદનાઓ સારી બનાવવાનું જ હોવું જોઈએ. એવું જીવવું કે આત્મા
સારો બને! તેનો માર્ગ છેઃ સાચું જોવું, સાચું જાણવું અને સાચું જીવવું. આ છે આત્મવિકાસનો
સિધ્ધાંત.
મહાત્મા ગાંધીએ અહિંસાનું મહત્વ સમજાવ્યું છે. જૈન ધર્મમાં અહિંસાને ખૂબ મહત્વ
આપવામાં આવ્યું છે. માણસ ખૂબ પૈસા કમાય-લોભ કરે અને એ લોભ સાથે જોડાયેલી મૂળ વૃત્તિ
ઈન્દ્રિયની મજા છે જેને રાગ કહેવામાં આવે છે. જ્યારે બીજા પાસે વધારે અને પોતાની પાસે ઓછું
હોય ત્યારે રાગમાંથી દ્વૈષ જન્મે છે. અન્ય વ્યક્તિને તકલીફ ન થાય એવું જીવવા માટે બીજો સિધ્ધાંત
છે અહિંસા. માત્ર કોઈને મારવું એ જ હિંસા નથી, કોઈને દુઃખ ન થાય, પીડા ન થાય, કોઈનું
અપમાન ન થાય અને આપણે કારણે કોઈને જુઠ્ઠું ન બોલવું પડે એ પણ જૈનત્વમાં અહિંસાનો
હિસ્સો માનવામાં આવે છે. આપણી પાસેની સંપત્તિનું પ્રદર્શન અન્યના મનમાં ઈર્ષા જન્માવે તો એ
પણ સૂક્ષ્મ હિંસા છે એમ જૈનત્વ કહે છે. આત્મવિકાસની વાત સાથે અહિંસાના સિધ્ધાંતને ખૂબ
મજબૂતીથી જોડવામાં આવે છે કારણ કે, જ્યારે કોઈપણ વ્યક્તિ ‘અન્યના સુખ અને સલામતી’નો
વિચાર કરતી થાય ત્યારે એ આપોઆપ અહિંસા સાથે જોડાય છે. અહિંસા સાથે જ નમ્રતા, ક્ષમા,
પરોપકાર જેવા શબ્દો આપોઆપ જોડાઈ જાય છે. માણસ પોતાના રાગ-દ્વૈષ ઘટાડે, અન્ય પરત્વે
કરુણા કેળવે તો એ ધીરે ધીરે અહિંસા તરફ આગળ વધી શકે છે એમ જૈનત્વ કહે છે.
અનેકાંતવાદની વાત ખરેખર સમજવા જેવી છે. સાદી અને સરળ વ્યાખ્યા એ છે કે કોઈપણ
બાબતના તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને સત્ય વિશેનો નિર્ણય કરવો. એક વાત, એક દિશા કે કોઈ
એક વ્યક્તિ તરફી વિચાર નહીં રાખતા જે સ્થિર છે એને નજર સામે રાખવું. ભગવાન મહાવીરે
પોતાના 11 પટ્ટશિષ્યો સામે પૂર્ણ સત્યને વર્ણવતા કહ્યું હતું, उप्पन्नेई वा, विगएइ वा, धुवेइ वा
। અર્થાત્ ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા ત્રણેય ગુણધર્મો જગતના તમામ પદાર્થોમાં માનવા પડે.
સનાતન ધર્મ પણ આ વાતની સાક્ષી પૂરે છે કારણ કે, એમાં પણ ઉત્પત્તિ (બ્રહ્મા) સ્થિરતા (વિષ્ણુ)
અને નાશ (શિવ)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, પદાર્થ તરીકે
એનો નાશ થાય તેથી એ સંપૂર્ણપણે અસ્તિત્વમાં જ નથી એવું કહી શકાય નહીં. વૃક્ષમાંથી ટેબલ બને
કે ઘરની બારી બને, ત્યારે પણ વૃક્ષનું અસ્તિત્વ તો છે જ-ટેબલ વૃક્ષનું ભવિષ્ય છે અને વૃક્ષ ટેબલનો
ભૂતકાળ છે એમ જૈનત્વનો એકાંતવાદ સમજાવે છે. માત્ર દેખાતા રોગ જ શરીરને નુકસાન કરે છે એવું
નથી, વાસના, પશાય, અપેક્ષા, કુસંસ્કાર અને કર્મોની વેદનામાં પીડિત જીવોનો નાશ નિશ્ચિત છે,
પરંતુ એ નાશ પછી પણ જીવ પીડારહિત રહી શકે છે જો એ અનેકાંતવાદને પૂરી રીતે સમજે અને
આચારના માળખા ઉપર વિચારને ગોઠવીને એમાંથી પોતાનો સાચો દ્રષ્ટિકોણ શોધી શકે.
અપરિગ્રહનો સિધ્ધાંત તો કદાચ, વિશ્વના કોઈપણ ધર્મ માટે-કોઈપણ માણસ માટે સાચો છે.
ચકલી આપણે ત્યાં ચણવા આવે છે ત્યારે પોટલી બાંધીને લઈ જતી નથી… એને વિશ્વાસ છે કે જેણે
આજે એને ચણ આપ્યું છે તે એને કાલે પણ ભૂખી નહીં જ રાખે. ભગવાન મહાવીર કહે છે, પરિગ્રહ
એટલે એવા સાધનો જે તમારા આત્મામાં ખરાબ સંવેદનાઓને બહેકાવવાનું કામ કરે અને આગળ
વધીને એ ભગવાને એમ પણ કહ્યું છે કે, તમારી અનિવાર્ય જરૂરી વસ્તુઓ પ્રત્યે આસક્તિનો ભાવ એ
પણ પરિગ્રહ છે. પરિગ્રહ એવી વૃત્તિ છે જેમાંથી વિગ્રહ થયા વગર રહેતો નથી. સુખ-સગવડના
સાધનો ન જ વાપરવા એવું તો આજના જમાનામાં ન કહી શકાય, પરંતુ જરૂરિયાતો ઘટાડી શકાય,
શોખ અને બિનજરૂરી વસ્તુઓના સંગ્રહથી બચી શકાય એ પણ અપરિગ્રહ જ છે. ભગવાન મહાવીર
કહે છે કે, ખોટા વિચારો, અન્ય વિશેના રાગદ્વૈષ કે કારણ વગરના ક્લેશનો મનમાં સંગ્રહ કરવો એ
પણ એક પ્રકારનો પરિગ્રહ છે. એનાથી મુક્ત થનાર હળવાશ અનુભવે છે કારણ કે, એણે વસ્તુઓ અને
વિચારોને સાચવવાના નથી… કોઈ લઈ જશે એવો ભય નથી માટે એ પોતાનું ચિત્ત ઈશ્વરમાં પરોવી
શકે છે.
દૂધ ગમે તેટલા પ્રમાણમાં હોય, પણ ખટાશના બે-ચાર ટીપાં એમાં પડે તો ફાટી જાય છે.
અંધકાર ગમે તેટલો ગાઢ હોય, પ્રકાશનું એક કિરણ પણ એને ચીરીને પ્રવેશી શકે છે. ધર્મ અને અધર્મનું
પણ આવું જ છે એમ જૈનત્વ કહે છે.